Varasdaar - 18 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 18

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વારસદાર - 18

વારસદાર પ્રકરણ 18

માણસો કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે એનો અનુભવ સવિતામાસીની વાતોથી મંથનને થઈ ગયો. આજે પોતાની પાસે પૈસા છે તો પોળવાળા કેવી મીઠી મીઠી વાતો કરે છે ! જાણે એના ઉપર લાગણી છલકાઈ જતી હોય !! દરેકને પોતાનો સ્વાર્થ હોય છે !

સવિતાબેનના ઘરેથી મંથન બાઈક લઈને પોતાના ઘરે ગયો. બાઈક પાર્ક કરીને સામે રહેતાં વીણામાસી ના ઘરે ગયો. આ એક જ વ્યક્તિ એવી હતી જેણે પ્રેગ્નન્ટ ગૌરીને વર્ષો પહેલાં આશરો આપ્યો હતો અને આજે પણ મંથન માટે સાચી લાગણી ધરાવતી હતી !!

" કેમ છો માસી ? " મંથન વીણામાસી ના ઘરે જઈને હિંચકા ઉપર બેઠો.

"આજે ભલો મારા ઘરે ભૂલો પડ્યો ભાઈ ! આજે માસીની યાદ આવી ખરી. " વીણામાસી બોલ્યાં.

" માસી તમને ક્યારેય પણ ભૂલી શકું ખરો ? આખી પોળમાં તમે એક જ છો જેમણે આજ સુધી મારું ધ્યાન રાખ્યું છે ! " મંથન બોલ્યો.

" ગૌરીના ગયા પછી મારા સિવાય તારુ અહીં છે પણ કોણ ? કોઈને તારી ચિંતા નથી. " માસી બોલ્યાં.

" હું બધાંને ઓળખું છું માસી." મંથન બોલ્યો.

" તને બે લાખ રૂપિયાની નોકરી મળી એ સમાચાર સાંભળીને સૌથી વધુ આનંદ મને થયો બેટા " માસી બોલ્યાં.

" માસી એ વાત કરવા માટે જ હું અહીં આવ્યો છું. તમારાથી છાનું કંઈ નથી. તમે મમ્મીનો જે ભૂતકાળ જાણો છો એ પોળમાં કોઈ જાણતું નથી." મંથન બોલ્યો.

" એ ભૂતકાળને ભૂલી જવાનો મંથન. જે થઈ ગયું તે થઈ ગયું. હવે યાદ કરીને શું ફાયદો ? " માસીએ કહ્યું.

" ભૂતકાળ ક્યારેક આપોઆપ સજીવન બનીને વર્તમાન કાળ બની જતો હોય છે માસી. " મંથન બોલ્યો.

" હું કંઈ સમજી નહી બેટા." માસી બોલ્યાં.

" તમે કોઈને પણ કહેતાં નહીં માસી. આ વાત માત્ર હું અને તમે જાણીએ. મારા પપ્પાનું નામ અને સરનામું મને મળી ગયું છે માસી. હું મુંબઈ મલાડ સુંદરનગરના એમના ફ્લેટમાં પણ જઈ આવ્યો છું. " મંથને કહ્યું.

વીણામાસી માટે આ સમાચાર એમને હચમચાવી નાખે એવા હતા. ૨૭ વર્ષ પછી મંથનને એના પિતાની ભાળ મળી હતી અને એ પણ ત્યારે કે જ્યારે ગૌરી ગુજરી ગઈ હતી.

"તું શું વાત કરે છે મંથન ? વિજય મહેતાનું સરનામું તને મળી ગયું ? આ બધું કેવી રીતે થયું ? " વીણામાસી હજુ પણ આશ્ચર્યથી સ્તબ્ધ હતાં.

" માસી મારા પપ્પાને તો હું જોઈ શક્યો નથી. એમણે તો મારી મમ્મીની પ્રતીક્ષા ૨૭ વર્ષ સુધી કરી અને હવે એમણે આત્મહત્યા કરી લીધી છે. એમણે મારી મમ્મી સાથે કોઈ જ દગો કર્યો ન હતો. એમની આખી જીવન કથની મને જાણવા મળી છે. મમ્મીને બહુ મોટી ગેરસમજ થઇ હતી. મમ્મીના ગયા પછી પપ્પાએ આખી જિંદગી એકલા જ ગાળી હતી. એમની પહેલી પત્ની સાથે તો વર્ષો પહેલાં જ છુટાછેડા થઇ ગયા હતા. " મંથન બોલતો હતો. વીણામાસી કાન દઈને ધ્યાનથી સાંભળતાં હતાં.

" પપ્પા મમ્મીને ખૂબ જ પ્રેમ કરતા હતા. જિંદગીથી નિરાશ થઈને એમણે આત્મહત્યા કરી અને એમનો સ્થાવર જંગમ મિલકતનો લગભગ ૨૫ કરોડનો વારસો ' વીલ ' બનાવીને મને આપતા ગયા છે. એમના જે વકીલ હતા એ ઝાલા સાહેબે મને ફોન કરીને આ સમાચાર આપ્યા હતા. કાયદેસરનો એમનો હું વારસદાર બની ગયો છું. " મંથને વાત પૂરી કરી.

" આટલી મોટી ઘટના બની અને ગૌરી એ જોવા ના રહી. નસીબ નસીબના ખેલ છે બેટા. આટલી મોટી રકમનો તું વારસદાર બન્યો પણ ગૌરી તારું આ સુખ જોઈ ના શકી. મને ખૂબ જ ખુશી થઈ છે બેટા. હું તો કહું છું કે તું હવે મુંબઈ જતો રહે. અહીં તારી કોઈ જ કિંમત નથી. " વીણામાસી બોલ્યાં.

"માસી મુંબઈ જવાનું જ વિચારું છું. તમે જો મારી સાથે મુંબઈ આવવા માંગતા હો તો હું લઇ જવા તૈયાર છું. તમે મારી માની જગ્યાએ છો. તમારી બને એટલી સેવા કરીશ. હું તમારા દીકરા જેવો જ છું. " મંથન લાગણીથી બોલ્યો.

" અરે બેટા તેં આટલું કહ્યું એમાં બધું આવી ગયું. અમદાવાદ છોડીને હવે આ ઉંમરે ક્યાં મુંબઈ આવું ? કાલ ઉઠીને તારાં લગન થશે. વહુ કેવી આવી કેવી નહીં. મારે કોઈની સાસુ બનવું નથી. " વીણામાસી બોલ્યાં.

" માસી એ ચિંતા તમે છોડી દો. વહુ એવી લાવીશ જે તમારા પગ દબાવે. અને તમારી ખરી વૃદ્ધાવસ્થા હવે આવે છે. તમારું અહીં કોણ ? તમે મારી માની કાળજી લીધી. તમારી કાળજી હું લઈશ. સેવા કરવાની એટલી તક તો આપો !! " મંથન લાગણીવશ થઈ ગયો.

" બેટા તેં તો આજે એવી વાત કરી કે મારું જીવતર સાર્થક થઈ ગયું. તારું દિલ આટલું મોટું હશે એ તો આજે મને ખબર પડી ! અત્યારે તો કોઈ જવાબ નથી આપતી. મારે વડોદરા રહેતી મારી સ્વાતિ અને જમાઈને પણ પૂછવું પડશે." વીણા માસી બોલ્યાં. એમની આંખો ભીની થઈ ગઈ.

" કોઈ ઉતાવળ નથી માસી. હજુ તો મહિના બે મહિનાનો સમય લાગી જશે. સ્વાતિબેનને તમે પૂછી લેજો. મારી ભાવના તો તમને લઈ જવાની જ છે એટલે તમે એ તૈયારીમાં જ રહેજો. " મંથન બોલ્યો અને ઉભો થયો.

બાર વાગવા આવ્યા હતા એટલે ઘરમાં જવાના બદલે જમવા માટે મંથને બાઈક સીધી ઉર્મિલા માસીના ઘર તરફ લીધી.

જમીને આવ્યા પછી મંથને સાડા ચાર વાગ્યા સુધી આરામ કર્યો. એ પછી ચા પીવા માટે હાથ-પગ ધોઈ જયેશની હોટલે પહોંચી ગયો.

" જયેશ તું તારી હોટેલના રિનોવેશનની વાત હસવામાં ના લેતો. હું ખરેખર સિરિયસ છું. બે-ત્રણ દિવસમાં કોઈ કોન્ટ્રાક્ટરને બોલાવીને એસ્ટીમેટ લઈ લે. " મંથને ચા પીતાં પીતાં કહ્યું.

" ઠીક છે. મારા એક ઓળખીતા કોન્ટ્રાક્ટર છે. એમને હું વાત કરું છું. " જયેશ બોલ્યો.

" અને સાંભળ સાંજે તું કેટલા વાગે ફ્રી થાય છે ? " મંથને પૂછ્યું.

" કેમ ? લગભગ નવ વાગે હોટેલ વધાવું છું." જયેશ બોલ્યો.

" આજે સાડા આઠ વાગે ફ્રી થઈ જા. આજે આપણે લાલ દરવાજા લકીની સામે 'અગાશીએ ' રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. નામ બહુ સાંભળ્યું છે એક પણ વાર ગયો નથી. ઘરે મમ્મીને કહી દે રસોઈ ના બનાવે. " મંથન બોલ્યો.

" સારું. સાડા આઠ વાગે તું આવી જા." જયેશ બોલ્યો.

અત્યારે બીજું કંઈ કામ ન હતું એટલે મંથન ઘરે ગયો.

બરાબર સાડા આઠ વાગ્યે તૈયાર થઈને મંથન બાઈક ઉપર નીકળી ગયો અને જયેશને પાછળ બેસાડીને લાલ દરવાજા વિસ્તારમાં ' અગાશીએ ' પહોંચી ગયો. અગાશી ઉપર ખુલ્લામાં સુંદર રેસ્ટોરેન્ટ હતું.

ઘણી બધી વાનગીઓનો રસથાળ હતો. કિંમત પણ જો કે ઘણી વધારે હતી છતાં મંથનને જમવાની મજા આવી.

જમીને પોળમાં પાછા આવ્યા ત્યારે પોણા દશ વાગ્યા હતા. જયેશને એના ઘર પાસે ઉતારીને મંથન પોતાના ઘરે ગયો.

બીજા દિવસે સવારે ગાયત્રી મંત્રની ૧૧ માળા કરીને લગભગ સાડા આઠ વાગ્યે જયેશની હોટલે પહોંચી ગયો. ત્યાં ચા પાણી પીને નવ વાગે રફીકની ડ્રાઇવિંગ સ્કૂલે ગયો અને દોઢ કલાકની ટ્રેનિંગ લઈ લીધી.

આજે રવિવાર હતો એટલે ટ્રેનિંગ પતાવીને બાઈક લઈ એ શાહીબાગ ગાયત્રી મંદિરે ગયો. ગાયત્રીની માળા ચાલુ કરી હતી એટલે ગાયત્રી મંદિરે જઈને એણે દિલથી પ્રાર્થના કરી.

દર્શન કરીને પોળમાં પાછો આવ્યો ત્યારે સવિતામાસી ઓટલા ઉપર જ બેઠેલાં હતાં. માસીએ હાથનો ઈશારો કરીને મંથનને બે મિનિટ ઊભા રહેવાનું કહ્યું.

"અરે મંથન બેટા સાંજે છ વાગે મહેમાનો મારા ઘરે આવી જશે. તું ક્યાંય આઘોપાછો ના થઈ જતો. છેક મણિનગરથી તને જોવા આવે છે. મેં તારી બધી વાત કરી છે અને ભલામણ પણ કરી છે એટલે એ લોકોની તો હા જ છે. તું એક વાર જોઈ લે. અને હું બોલાવું એટલે જરા સરખો તૈયાર થઈને આવજે. " સવિતામાસી બોલ્યાં.

મંથન કંઈ બોલ્યો નહીં અને બાઇકને પોતાના ઘરે લઈ લીધી. એને હવે કોઈ જ કન્યા જોવામાં રસ ન હતો છતાં એકદમ ના પાડી શકે તેમ પણ ન હતો.

સાંજે લગભગ પોણા છ વાગે સવિતા માસીના ઘરે મહેમાનોની પધરામણી થઈ. કન્યા સાથે એનાં માતા-પિતા, કન્યાનો નાનો ભાઈ અને માણેકલાલ પણ હતા.

સવિતામાસીએ પોળમાં રમતા એક છોકરાને મંથનના ઘરે મોકલ્યો.

" જુઓ છોકરામાં કંઇ જ કહેવાપણું નથી. એકદમ ગરીબ ગાય જેવો સીધો છોકરો છે. વર્ષોથી હું એને ઓળખું છું. મા કે બાપ કોઈ છે નહીં એટલે સાસુ સસરાનો પણ ત્રાસ નથી. બે લાખ રૂપિયાનો પગાર છે અને હવે તો એ વસ્ત્રાપુર બાજુ બંગલો શોધે છે. શિલ્પા રાજ કરશે. " સવિતામાસી બોલ્યાં.

" બેન, તમે ના કહો તો પણ મેં એમને બધું સમજાવી દીધું છે. વહેવારની વાત પણ મેં કરી દીધી છે. છોકરાની હા આવી જાય એટલે બે લાખ આપણને પહોંચાડી દેવાના. " માણેકલાલ બોલ્યા.

" હા હા વડીલ. એમાં કોઈ ફેરફાર નહીં થાય. વચન એટલે વચન ! બસ અમારી આ શિલ્પાના હાથ એકવાર પીળા થઈ જાય એટલે અમારી મોટી ચિંતા ટળે. ૨૬ વરસની થઇ. એકવાર આવો પ્રસંગ બની ગયો એટલે છોકરાવાળા જલ્દી હા નથી પાડતા. છેલ્લા બે વર્ષમાં ચારથી પાંચ મીટીંગો થઇ પણ સામેથી જ ના આવી જાય. બાકી દીકરી કામકાજમાં પણ હોશિયાર છે." છોકરીના પિતા કમલેશભાઈ બોલ્યા.

" નસીબ નસીબના ખેલ છે ભાઈ. જે ઘરના રોટલા ઘડવાના હોય એ જ ઘરમાં એનું નક્કી થાય. ઉપરવાળાએ બધું નક્કી કરેલું હોય છે. " સવિતામાસી બોલ્યાં.

થોડીવારમાં જીન્સનું પેન્ટ અને પિકોક બ્લુ કલરનું ટીશર્ટ પહેરીને મંથન સવિતા માસીના ઘરે આવ્યો. એની પર્સનાલીટી એટલી સરસ હતી કે એને જોઈને જ મહેમાનો પ્રભાવિત થઈ ગયા.

" જુઓ આ અમારો મંથન. છે ને કેલૈયા કુંવર જેવો ! રામ સીતા જેવી જોડી શોભે એવી છે. " સવિતામાસી બોલ્યાં.

જો કે શિલ્પા સવિતામાસીએ જે રીતે એને રૂપ રૂપના અંબાર કહીને એના દેખાવની પ્રશંસા કરી હતી એવી કોઈ રૂપાળી ન હતી. રંગે ઘઉંવર્ણી હતી અને નોર્મલ ચહેરો હતો. જરી ભરેલા ઓરેન્જ કલરના ડ્રેસમાં એ આવી હતી. એના ચહેરા ઉપર થોડી ગંભીરતા હતી.

મંથને મહેમાનોની સામે ગોઠવેલી ખુરશી ઉપર બેઠક લીધી. માણેકલાલ અને કમલેશભાઈ હિંચકા ઉપર બેઠેલા. સવિતાબેન જમીન ઉપર બેઠેલાં જ્યારે છોકરી અને એની મમ્મી ખુરશી ઉપર બેઠાં હતાં. બે ખુરશી તો સવિતાબેન પડોશમાંથી લઈ આવેલાં.

" જો મંથન આ કમલેશભાઈ અને દક્ષાબેન મારા સગામાં થાય. તારી ચિંતા મને હતી એટલે આ મિટિંગ મેં ગોઠવી છે. શિલ્પા ગ્રેજ્યુએટ થયેલી છે અને કામકાજમાં પણ હોશિયાર છે. મેં એમને ચોખ્ખું કહી દીધું છે કે મુરતિયામાં કંઈ જોવા જેવું નથી. તમે કંકુ અને કન્યા આપી દો. મંથનને બીજી કોઈ લાલચ નથી. વહેવારે કન્યા માટે જે દાગીના આપવાના હોય એ લઈ આપવા પડે અને એ તો ઘરમાં જ રહેવાના છે. " સવિતામાસીએ થોડામાં ઘણું કહી દીધું.

" વહેવારની વાતો તો પછી થશે સવિતાબેન. પહેલાં એકબીજાને પસંદ તો કરવા દો. " માણેકલાલ બોલ્યા.

" પસંદ જ છે ભાઈ. બંનેની જોડી શોભે એવી છે. ના પાડવાનું કોઈ કારણ જ નથી. અને છતાં બંનેએ એકબીજા સાથે વાતચીત કરવી હોય તો મેડી ઉપર જઈને વાત કરો. " સવિતાબેન બોલ્યાં.

" જાઓ મંથનભાઈ તમે ઉપર જાઓ. શિલ્પાને જે પૂછવું હોય તે પૂછો. તમને પણ ચાન્સ આપવો જોઈએ. હવે પહેલાનો સમય નથી રહ્યો. જમાનો ઘણો આગળ વધી ગયો છે." માણેકલાલ બોલ્યા.

મંથન સીડી ચઢીને મેડી ઉપર ગયો એટલે પાછળને પાછળ શિલ્પા પણ ઉપર ગઈ.

એક પલંગ પાથરેલો હતો. એની એક બાજુએ મંથન બેઠો એટલે શિલ્પા સામેના છેડે સંકોચાઈને બેઠી.

થોડીવાર તો કોઈ કંઈ બોલ્યું નહીં. બે-ત્રણ મિનિટ પછી છેવટે મંથનને જ બોલવું પડ્યું.

" તમારે મારી સાથે કોઇ ચર્ચા કરવી હોય તો કરી શકો છો. મારે તો તમને કંઈ જ પૂછવું નથી. " મંથન બોલ્યો.

" મારે પણ તમને કંઈ જ પૂછવું નથી પરંતુ મારે એક વાત તમને કહેવી છે. તમને સવિતાકાકી એ શું વાત કરી એ મને કંઈ ખબર નથી પરંતુ મારે ક્લિયર વાત કરવી જોઈએ. હું તમને અંધારામાં રાખવા માગતી નથી" શિલ્પા નીચે જોઈને બોલતી હતી.

" તમારે જે પણ વાત કરવી હોય તે નિખાલસતાથી કરો. મને કોઈ ફરક પડતો નથી. તમારી વાત સાંભળ્યા પછી હું મારી વાત કરીશ. " મંથન બોલ્યો.

" ત્રણ વર્ષ પહેલાં કોલેજમાં હતી ત્યારે મારે એક છોકરા સાથે પ્રેમ સંબંધ થયેલો. અમારો સંબંધ એક વર્ષ રહેલો. અમારા સંબંધો ઘણા આગળ વધી ગયેલા એટલે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. મારી ઈચ્છા તરત જ લગ્ન કરી લેવાની હતી પરંતુ અલ્પેશે મને એબોર્શન કરાવવાની ફરજ પાડી. " શિલ્પા પોતાના ભૂતકાળ વિષે વાત કરી રહી હતી.

" આ ઘટના બન્યા પછી ધીમે ધીમે અલ્પેશે સંબંધો ઓછા કરી નાખ્યા. અમારી વચ્ચે ઝઘડો પણ થયો પણ છેવટે એણે મને છોડી જ દીધી. એક વર્ષ પહેલાં જ એનાં લગ્ન પણ થઇ ગયાં." શિલ્પા બોલી.

" તમારા પહેલાં પણ મારી બે મિટિંગ થઈ ગઈ છે અને દરેક વખતે મેં સાચી વાત રજુ કરી જ દીધી છે. હું કોઈનો પણ વિશ્વાસઘાત કરવા માગતી નથી. એટલે મારી સગાઈ થતી નથી. " શિલ્પા બોલી. બોલતાં બોલતાં એની આંખો પણ ભીની થઈ ગઈ.

" અચ્છા તમારા એબોર્શનની વાત આ સવિતામાસી જાણે છે ? " મંથને પૂછ્યું.

" હા. મમ્મીએ બધી જ વાત આ સવિતાકાકીને પહેલેથી જ કરેલી છે અને માણેક માસાને પણ ખબર છે. "

" છતાં આ બંને મને કોઈ જ જાણ કરતાં નથી અને લગ્ન કરી લેવાની ઉતાવળ કરે છે. " મંથન બોલ્યો.

" માણેક માસાએ મારા પપ્પાને કહ્યું છે કે જો આ સંબંધ થઈ જાય તો તમારે સવિતાકાકી ને બે લાખ રૂપિયા આપવા પડશે. પપ્પા બિચારા તૈયાર પણ થઈ ગયા છે. " શિલ્પાએ કોઈ પણ વાત છાની ના રાખી.

" તમારી આ નિખાલસતા મને સ્પર્શી ગઈ છે શિલ્પા. મને એબોર્શનનો પણ વાંધો નથી અને દેખાવનો પણ વાંધો નથી. અફસોસ એક જ છે કે થોડા દિવસો પહેલા જ હું ક્યાંક વચનથી બંધાઈ ગયો છું. મારું વેવિશાળ થયું છે. જો કે આ વાતની સવિતામાસીને કે માણેકલાલને કોઈ ખબર નથી. મેં કોઈને જણાવ્યું નથી." મંથન બોલ્યો.

" થોડા દિવસો પહેલાં મને બે લાખના પગારની નોકરી મળી એટલે બધા જ પડોશીઓ મને પરણાવવા ઉતાવળા થઈ ગયા છે. પરંતુ જ્યારે હું ગરીબ હતો ત્યારે મને જોવા માટે કોઈ કન્યાવાળા પોળમાં આવતા તો આ જ લોકો એમને બારોબાર રવાના કરી દેતા. મારા ઘર સુધી પણ પહોંચવા દેતા ન હતા. બે લાખ મળે એટલા માટે માસીએ તમારી આ વાત પણ મારાથી છાની રાખી. " મંથને પોતાના મનનો ઉભરો ઠાલવ્યો.

" હવે તમે નીચે જઈને શું કહેશો ? મને તો ખાતરી જ હતી કે આ બધું જાણ્યા પછી કોઈપણ વ્યક્તિ લગ્ન કરવા તૈયાર ના થાય સિવાય કે એના પોતાનામાં કોઈ એબ હોય. " શિલ્પા વ્યથિત હ્રદયે બોલી.

" હું એમાંથી બાકાત છું શિલ્પા. હું સાચું જ કહું છું. મારી સગાઈ થઈ ગઈ છે પણ પોળમાં મેં કોઈને વાત નથી કરી. અને તમે પણ કરશો નહીં. નીચે શું કહેવું તે તમે મારી ઉપર છોડી દો. અને બીજી એક વાત. તમારો મોબાઈલ નંબર મને આપી રાખો. એક પાત્ર મારા ધ્યાનમાં છે. મહાદેવની કૃપા થશે તો તમારું ત્યાં ચોક્કસ ગોઠવાઈ જશે. " મંથન બોલ્યો.

મંથનની વાત સાંભળીને શિલ્પાને મંથન માટે માન પેદા થયું. યુવાન લાગણીશીલ છે અને બીજાની વેદના સમજી શકે છે. શિલ્પાના દુઃખી દિલમાં આશાનાં કિરણો પ્રગટયાં. મંથનની વાત ઉપરથી લાગે છે કે એના લગ્નનું હવે ચોક્કસ ગોઠવાઈ જશે !!

શિલ્પાએ મંથનને પોતાનો મોબાઈલ નંબર આપ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)