Varasdaar - 16 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 16

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

વારસદાર - 16

વારસદાર પ્રકરણ 16

જે દિવસે અનિરુદ્ધસિંહ ઝાલા ઉપર મંથનનો અમદાવાદથી ફોન આવ્યો કે હું બે દિવસ પછી મુંબઈ આવું છું એ દિવસે ઝાલા અને એમનાં પત્ની સરયૂબા વચ્ચે રાત્રે વાતચીત થયેલી.

" મંથન આવતી કાલે રાત્રે ગુજરાત મેલમાં નીકળીને પરમ દિવસે આપણા ઘરે આવે છે. એ આવે તે પહેલાં આપણે અદિતિને એના મંથન સાથે નાનપણમાં થયેલા સગપણની જાણ કરી દેવી જોઈએ. તમારું શું માનવું છે સરયૂ ? " ઝાલા બોલ્યા.

" મોડા વહેલા જાણ તો કરવી જ પડશે ને ? વિજયભાઈની તો એ જ ઈચ્છા હતી કે અદિતિ એમના ઘરની વહુ બને ! મંથનકુમાર આવે તો એમને પણ જાણ કરી દેવી જ જોઈએ. જેથી એમની ઈચ્છાની આપણને ખબર પડે. આટલાં બધાં વર્ષો વહી ગયાં છે ત્યારે એ આ સંબંધને માન્ય રાખે છે કે નહીં એ પણ કોને ખબર ? " સરયૂબા બોલ્યાં.

" હા એ વાત પણ સાચી છે. અને આજના જમાનામાં એના જીવનમાં પણ કોઈ છોકરી આવી હોય અને કોઈની સાથે અત્યારે એના સંબંધો હોય તો આપણે વાત કરવાનો પણ કોઈ મતલબ રહેતો નથી. વિજયભાઈ એ વચન લીધું છે પરંતુ આપણને કોઈ બંધનમાં રાખ્યા નથી. સમય અને સંજોગો પ્રમાણે આપણે આ સંબંધ ફોક પણ કરી શકીએ છીએ. " ઝાલા બોલ્યા.

" સંબંધો ફોક કરવાની ઉતાવળ ના કરશો. વાત તો બંનેને કરવી જ પડે. આટલા વર્ષોનું વેવિશાળ છે. ભલે પછી મંથનકુમાર પોતે ના પાડે તો જુદી વાત છે. આપણે વચનભંગ ના કરી શકીએ. આપણે અદિતિને સમજાવવી જ જોઈએ. વચન એટલે વચન. " સરયૂબા બોલ્યાં.

" ઠીક છે તો પછી આપણે કાલે જ અદિતિને પાસે બેસાડીને બધી વાત વિગતવાર કરીએ. અત્યારે જમાનો બદલાઈ ગયો છે. આપણે કોઈ દબાણ નથી કરવું. અદિતિ એ તો જાણે જ છે કે વિજયભાઈ સાથે આપણા ઘર જેવા સંબંધો હતા અને એ પોતે પણ ઘણીવાર એકલી અંકલને મળવા જતી. અત્યારે મંથન પચીસ કરોડનો વારસદાર બની ચૂક્યો છે એટલે એનું ભવિષ્ય સલામત છે. એ છોકરાને એક વાર જોઈ લે પછી એ નિર્ણય લે." ઝાલા બોલ્યા.

" હા એ વાત બરાબર છે. અદિતિને કાલે વાત તો કરવી જ પડશે. અને મંથનકુમાર આવે ત્યારે એમને પણ તમે વિજયભાઈએ તમારી પાસે માગેલા વચનની વાત કરી દેજો. મંથનકુમારનો વિચાર પણ જાણી લેજો. એમના જીવનમાં જો બીજું કોઈ નહીં હોય તો અદિતિ માટે ના પાડવાનું એમને કોઈ કારણ નથી. " સરયૂબા બોલ્યાં.

પતિ-પત્ની વચ્ચે વાતચીત થઈ ગયા પછી બીજા દિવસે રાત્રે એમણે અદિતિને પોતાના બેડરૂમમાં બોલાવી.

"બેટા... તારી સાથે પપ્પા એક વાત કરવા માંગે છે. તું શાંતિથી એમની વાત સાંભળ. કાલે વિજયભાઈનો દીકરો પહેલીવાર આપણા ઘરે આવે છે અને એ બે ત્રણ દિવસ રોકાશે. વિજયભાઈ સાથે તો આપણા ઘર જેવા સંબંધો હતા એટલે એમના દીકરાની મહેમાનગતિ તો આપણે કરવી જ પડશે. એ હવે ૨૫ કરોડના વારસદાર પણ બની ગયા છે. બાકીની વાત તારા પપ્પા કરશે. " સરયૂબાએ વાતની શરૂઆત કરી.

" તને તો ખબર જ છે અદિતિ કે પચીસ વર્ષ પહેલાં હું અને વિજયભાઈ કન્સ્ટ્રકશન કંપનીમાં ભાગીદાર હતા. ગાલા બિલ્ડર્સ કંપની વિજયભાઈની માલિકીની હતી પરંતુ એમણે મને એક મિત્ર તરીકે અને લીગલ એડવાઈઝર તરીકે ભાગીદાર બનવાની તક આપી હતી. આજે જે પણ જાહોજલાલી આપણી પાસે છે એ વકીલાતની નથી પરંતુ વિજયભાઈની મહેરબાનીથી છે એમ કહું તો પણ ચાલે ! " ઝાલા બોલ્યા.

" હવે જે મુખ્ય વાત આવે છે એ ધ્યાનથી સાંભળ. તારા જન્મ પછી વિજયભાઈની સમૃદ્ધિ વધવા માંડી અને અમારી તમામ સ્કીમો ઉપડવા લાગી. વિજયભાઈ એવું માનવા લાગ્યા કે અદિતિ એમના માટે શુકનિયાળ છે. એના જન્મ પછી જ આટલી બધી પ્રગતિ થઈ." ઝાલા વિસ્તારપૂર્વક અદિતિને વાત કરી રહ્યા હતા.

" વિજયભાઈની પત્ની ગૌરી કોઈ મોટી ગેરસમજના કારણે એમને છોડીને અમદાવાદ જતી રહી હતી. એ જ્યારે ગઈ ત્યારે પ્રેગ્નેન્ટ હતી. વિજયભાઈને વિશ્વાસ હતો કે ગૌરીએ દીકરાને જ જન્મ આપ્યો હશે અને એક દિવસ ગૌરીનું મિલન ચોક્કસ થશે. તેઓ ખૂબ જ આશાવાદી હતા. "

" એક દિવસ અચાનક જ એમણે પોતાના દીકરા માટે તારા હાથની માગણી કરી અને ઈચ્છા વ્યક્ત કરી કે અદિતિ મોટી થાય ત્યારે મારા ઘરની વહુ બને. આ વાત કરી ત્યારે તારી ઉંમર ત્રણ વર્ષની હતી અને એમના દીકરા મંથનની પાંચ વર્ષની. અમે તાત્કાલિક તો કોઈ જવાબ ના આપ્યો. " ઝાલા બોલી રહ્યા હતા.

" વિજયભાઈના મારા ઉપર બહુ જ ઉપકાર હતા. હું એમનું દિલ દુભાવવા માગતો ન હતો. હજુ તો બાવીસ ત્રેવીસ વર્ષ પછી તારી લગ્નની ઉંમર થવાની હતી એટલે એ સમયે હા પાડવામાં મને કોઈ ખાસ વાંધો ન હતો." ઝાલા કહી રહ્યા હતા.

" બીજું એમણે એ પણ કહ્યું હતું કે ગૌરીને દીકરાના બદલે જો દીકરી જન્મી હશે તો આ સંબંધ આપોઆપ ફોક ગણાશે. એમના દીકરાની ઈચ્છા જો અદિતિ સાથે લગ્ન કરવાની નહીં હોય તો પણ સંબંધ ફોક ગણાશે. અદિતિને પણ એમનો દીકરો પસંદ ના આવે તો પણ સંબંધને ફોક કરી દેજો. એટલે એમણે અમારા ઉપર કોઈ પણ જાતનું બંધન નાખ્યું ન હતું. માત્ર ઇચ્છા વ્યક્ત કરી હતી. " ઝાલાએ કહ્યું.

" તું એમના ઘરની વહુ બને એ જ એમની તીવ્ર ઈચ્છા હતી એટલે એમણે તારું સગપણ એમના દીકરા સાથે કરવાની વાત કરી. અને અમે એ માન્ય રાખીને ગોળધાણા ખાઈ લીધા. લગ્નની ઉંમર થાય પછી તારાં લગ્ન એમના દીકરા સાથે કરવાં એવું મેં એમને વચન આપ્યું. તારી ૨૫ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જ આ વચન માન્ય ગણાશે એ વાત પણ એમણે કરી." ઝાલા બોલ્યા.

" હવે મંથનકુમારનો પત્તો લાગી ગયો છે અને તારી ઉંમર હજુ ૨૪ વર્ષની છે ત્યારે તમારા બેઉના વેવિશાળની વાત મારે તને કરવી જરૂરી બને છે. તારાં લગ્ન મંથનકુમાર સાથે અમે નાનપણથી જ નક્કી કરી દીધાં છે. તું એમની વાગ્દત્તા છે. હવે અમારા આ વચનને તારે માન્ય રાખવું કે તોડી નાખવું એ તારા હાથમાં છે. મારું કોઈ જ દબાણ તારા ઉપર નથી. " ઝાલાએ કહ્યું.

"તને જણાવવાની મારી નૈતિક ફરજ હતી એટલા માટે જ મંથનકુમાર ઘરમાં આવે તે પહેલા મેં તને આ વાત કરી. તારો વિચાર જાણ્યા પછી આ જ વાત મંથનકુમારને પણ હું કરીશ અને એના મનનો તાગ પણ લઈશ. લગ્ન નો સબંધ જીવનભરનો સંબંધ છે એટલે તારા ઉપર મારું કોઈ જ દબાણ નથી. "

" મંથનને હું મળ્યો છું અને મળ્યા પછી મને એવું લાગે છે એ તારા માટે યોગ્ય છોકરો છે. ખૂબ જ સંસ્કારી છે દેખાવડો છે અને જમાઈ તરીકે શોભે એવો છે. અને હવે તો એ ૨૫ કરોડનો વારસદાર પણ છે. પોતે એન્જિનિયર થયેલો છે અને પિતાનો ધંધો સંભાળવાની કાબેલિયત પણ એનામાં મેં જોઈ છે. બાકી તો રૂબરૂમાં આપણા ઘરે આવે ત્યારે તારી રીતે તું એમને જોઈ લેજે અને પસંદ આવે તો મને ઈશારો કરી દેજે. " ઝાલાએ પોતાની વાત પૂરી કરી.

" અચ્છા તો નાનપણમાં જ મારાં વેવિશાળ થઈ ગયાં છે ! ઓકે પપ્પા. ઠીક છે. હું પણ તમારી દીકરી છું. તમે જે વચન આપ્યું છે એ તોડવાની મારી અત્યારે તો ઈચ્છા નથી. વિજય અંકલે મને પોતાના ઘરની વહુ માની લીધી છે તો એમના સદગત આત્માને હું નિરાશ નહીં કરું. મારા તરફથી તો લગભગ હા જ છે છતાં ફાઇનલ નિર્ણય એમને મળ્યા પછી જ હું લઈશ. જો એમના જીવનમાં કોઈ હશે તો હું આગળ નહીં વધુ. " અદિતિએ પોતાનો નિર્ણય જણાવી દીધો.

" મને તારા તરફથી આવા જ જવાબની આશા હતી બેટા. આપણા રાજપૂતોમાં વચનની પણ એક કિંમત હોય છે !! " ઝાલાએ અદિતિના માથે વહાલથી હાથ ફેરવતાં કહ્યું.
*******************
મંથને જ્યારે ઝાલા અંકલના ઘરેથી વિદાય લેતા પહેલાં વહેલી સવારે અદિતિને સરપ્રાઈઝ આપ્યું કે આપણું વેવિશાળ તો નાનપણમાં જ થઈ ગયું છે. ત્યારે આશ્ચર્ય પામવાના બદલે અદિતિએ કહ્યું કે - " મને ખબર છે મંથન હું બધું જ જાણું છું. પપ્પાએ મને બધી જ વાત કરી છે."

મંથન સરપ્રાઈઝ આપવા ગયો પરંતુ અદિતિના જવાબથી પોતે જ આશ્ચર્ય પામ્યો !!

" તમે મને પસંદ છો મંથન. મને આ સંબંધ મંજુર છે. મારા પપ્પાએ તમારા પપ્પાને આપેલું વચન તોડવા હું નથી માંગતી. હું રાજપૂતની દીકરી છું. હું તમારી જ અમાનત છું. તમને જોયા વગર જ મેં તો નિર્ણય લઈ લીધો છે. છતાં મારું તમારા ઉપર કોઈ દબાણ નથી. તમે તમારો નિર્ણય શાંતિથી જણાવજો. " કહેતાં કહેતાં અદિતિ થોડી લાગણીવશ થઈ ગઈ.

મંથન પણ પછી વધારે કંઈ બોલી શક્યો નહીં. એનું હૃદય પણ થોડુંક વિચલિત થઈ ગયું.

" ચાલો તો પછી હું રજા લઉં છું. અંકલને મારા પ્રણામ કહી દેજે. એક મીઠી યાદ લઈને જઈ રહ્યો છું." મંથન બોલ્યો.

અચાનક જ અદિતિએ દુપટ્ટાને માથા ઉપર ઓઢી નીચા નમીને મંથનના ચરણસ્પર્શ કર્યા.

મંથન મૂંઝાઈ ગયો. એને કલ્પના પણ ન હતી કે આટલા મોટા શહેરની આ મોડર્ન કન્યા આટલી બધી સંસ્કારી હશે અને મારા ચરણસ્પર્શ કરશે !! શું બોલવું એની એને કોઈ સૂઝ ના પડી.

" જિંદગીમાં પહેલીવાર તમને જોયા છે. જ્યાં સુધી તમારો જવાબ ન આવે ત્યાં સુધી હું તમારી જ અમાનત છું. ચરણસ્પર્શ તો કરવા જ પડે !! હવે બે મિનિટ ઉભા રહો. હું મમ્મીને બોલાવી લાવું." કહીને અદિતિ મમ્મીના બેડરૂમમાં ગઈ.

બે-ત્રણ મિનીટમાં જ મમ્મીને લઈને અદિતિ બહાર આવી.

મંથને નીચા નમીને તરત જ સરયૂબાના ચરણસ્પર્શ કર્યા.

"સુખી રહો બેટા.. મહેમાનગતિમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. પહોંચીને તરત ફોન કરી દેજો. તમારા જવાબની અમે રાહ જોઈશું. " સરયૂબા બોલ્યાં.

ત્યાં જ ઝાલા અંકલ પણ આવી ગયા. જાણી જોઈને એ બહાર ગયા હતા અને મયુર ટાવરના કંપાઉન્ડમાં જ નીચે ઊભા હતા. સરયૂબા બેડરૂમમાં રોકાઈ ગયાં હતાં જેથી વિદાય વખતે મંથન અને અદિતિ એકલાં મળી શકે !!

અદિતિ બેડરૂમમાં સરયૂબાને બોલાવવા ગઈ ત્યારે જ સરયૂબાએ ઝાલાને ઉપર આવી જવાનો ફોન કરી દીધો હતો.

મંથન ઝાલા અંકલને પણ નીચે નમીને પગે લાગ્યો.

" અરે અરે .. વારંવાર પ્રણામ કરવાના ના હોય. ગાડીમાં મૂકી જાઉં તમને સ્ટેશન સુધી ? " ઝાલા અંકલ બોલ્યા.

" ના અંકલ... હું રિક્ષામાં નીકળી જઈશ દસ મિનિટનો તો રસ્તો છે. " મંથન બોલ્યો અને બેગ લઈને એણે અદિતિને ' બાય ' કહ્યું.

અદિતિની આંખોમાં મંથને વિરહની વેદના વાંચી લીધી. એ ઝડપથી બહાર નીકળી ગયો. લિફ્ટ સુધી ઝાલા અંકલ મૂકવા આવ્યા.

" તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અદિતિને પણ અમે વાત કરી દીધી છે. હવે તમારા જવાબની રાહ જોઈશું. " અંકલ બોલ્યા.

" જી અંકલ... વહેલી તકે તમને મારો જવાબ મળી જશે. " કહીને મંથન લિફ્ટમાં દાખલ થઈ ગયો અને બટન દબાવી દીધું.

નીચેથી તરત જ રિક્ષા મળી ગઈ અને દસ મિનિટમાં એ બોરીવલી સ્ટેશને પહોંચી ગયો. ચાર નંબરના પ્લેટફોર્મ ઉપર શતાબ્દી એક્સપ્રેસ આવતો હતો એટલે એ બ્રિજ ઉપર થઈને પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયો. સી-૪ નંબરનો કોચ હતો એટલે એ ઇન્ડિકેટર જોઈને કોચના લોકેશન ઉપર જઈને ઊભો રહ્યો.

બરાબર ૭ વાગ્યે શતાબ્દી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ એટલે એણે પોતાની વિન્ડો સીટ ઉપર બેઠક લીધી.

પાંચ જ મિનિટમાં ટ્રેઈન ઉપડી અને થોડી મિનિટોમાં જ ગતિ પકડી લીધી. ટ્રેઈનની ગતિની સાથે જ મંથનના મનમાં પણ ઘણી બધી લાગણીઓ ધસમસતી હતી. એની જાણે કે દુનિયા જ બદલાઈ ગઈ હતી. સંપત્તિ મળી હતી. સુંદર ફ્લેટ મળ્યો હતો. રાજકુમારી જેવી કન્યા એને વરમાળા પહેરાવવા તૈયાર હતી. આ બધું મંથનને એક સ્વપ્ન જેવું લાગતું હતું.

શતાબ્દીમાં બેઠો એટલે એને કેતા પણ યાદ આવી ગઈ. એ પણ એને પ્રેમ કરવા લાગી હતી. છેલ્લે છેલ્લે હોટલમાં કેતાએ કહેલા શબ્દો એને યાદ આવ્યા.

"તમને હું લાઈક કરવા લાગી છું. પરંતુ મારી સાથે જે બની ગયું છે એના કારણે કહેવાની મારી હિંમત ચાલતી નથી. અત્યારે તો હું જાઉં છું પરંતુ તમારા જવાબનો ઈન્તજાર કરીશ. મારો સ્વીકાર કરશો તો એને મારું સૌભાગ્ય માનીશ અને માત્ર તમારી બનીને રહીશ. " કેતા બોલેલી.

અદિતિ તો મને ભાવિ પતિ જ માની ચુકી છે અને વિદાય વેળાએ માથે દુપટ્ટો ઓઢીને એણે મારા ચરણસ્પર્શ પણ કર્યા. વિરહની વેદના પણ એની આંખોમાં વાંચી શકાતી હતી. અને એ તો મારા પિતાની પસંદગી હતી જેમણે મને કરોડોનો વારસો આપ્યો હતો !!

અદિતિ અને કેતા ! બંને દેખાવે સુંદર હતી. બંને પ્રેમાળ હતી. બંને લગ્ન કરવા માટે ઉત્સુક હતી. ત્રીજી તોરલ પણ ઘણી ખૂબસૂરત હતી પરંતુ એનું વેવિશાળ થઈ જતાં હવે એ પસંદગીના લિસ્ટમાંથી બહાર નીકળી ગઇ હતી.

કેતા માટે પોતાને ગમે એટલી લાગણી હોય તો પણ એ અદિતિને અન્યાય ના કરી શકે. બાવીસ વર્ષ પહેલાંના વેવિશાળને અદિતિએ માન્ય રાખ્યું હતું. ના, મારે હવે કેતાને જણાવી દેવું જોઈએ કે નિયતીએ મારા માટે એક પાત્ર નક્કી કરી રાખ્યું છે જેથી એ ખોટા ભ્રમમાં ના રહે.

મંથન કેતાના વિચારો કરી રહ્યો હતો ત્યાં જ એના વોટ્સએપ ઉપર કેતાનો પહેલી વાર મેસેજ આવ્યો.

# હાય ડાર્લિંગ... ક્યાં છો તમે ? બે દિવસ થઈ ગયા તો પણ તમારો કોઈ મેસેજ ના આવ્યો ! મને ભૂલી તો નથી ગયા ને ? તમારી વાત તમે જાણો. મેં તો તમને મારા હૃદય સિંહાસન ઉપર બેસાડી જ દીધા છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)