પ્રકરણ 3
આજે વિકાસ ઉઠીને તરતજ મીરાં પાસે આવ્યો અને કહ્યું “ મીરાં હવે શ્રુતિને કેમ છે ? એની ફરિયાદને ૮-૧૦ દિવસ થઇ ગયાં હવે એ નોર્મલ થઇ કે હજી એને ડર છે ?” મીરાંએ કહ્યું “ ના હવે તો એ હસે છે બોલે છે સ્નેહા -પૂર્વી સાથે રમવા જાય છે હાં હજી એ યોગા કરવા નથી જતી સ્નેહા અને પૂર્વી સાથે જ હોય છે વેકેશન છે એટલે એણે મને ગઈકાલે કહેલું મમ્મી ચલોને બહાર ફરવા જઈએ” મેં કહ્યું “કાલે પાપાને રજા છે આપણે જઈશું .”
ત્યાં જયભાઈ આવે છે અને જયશ્રીકૃષ્ણ કહીને પૂછ્યું “ સવાર સવારમાં ક્યાં જવાની વાત છે ?” વિકાસે કહ્યું “ અરે કંઈ નહીં આતો શ્રુતિને વેકેશન છે તો એને ફરવા જવું છે.”
જયભાઈએ કહ્યું “અરે એમાં શું ? આજે અગિયારસ છે અને કારની ડીલીવરી પણ આજે આવી જશે આપણે સાથેજ લેવા જઈએ અને પછી દીકરીને ફરવા પણ લઇ જઈશું બધાં સાથે હોઈશું એને પણ મજા આવશે. પણ મીરાં એક વાત પૂછું ?” મીરાંએ કહ્યું “ પૂછોને મોટાંભાઈ ?”
જયભાઈએ કહ્યું “ હમણાંથી શ્રુતિ અતડી રહે છે બોલતી નથી શું થયું છે એને ?” એમણે ચહેરાનો રંગ ભોળો કરીને પૂછ્યું. પછી મીરાં શું કહે છે તે સાંભળવા તત્પર થયાં.
મીરાંએ કહ્યું “કંઈ નહીં મોટાભાઈ એતો વેકેશનમાં કંટાળે છે અને થોડી તબિયત નરમ હતી હવે તો સારું છે.” જયભાઈએ કહ્યું “તો ભલે...”એમ કહી અંદરને ને અંદર હાંશકારો કર્યો પોતાની પોલ ખુલી તો નથી ગઈ ને ? એ જાણી લીધું.
જયભાઈએ કહ્યું “ વિકાસ આપણે ૧૧ વાગ્યે ગાડી લેવા જવા માટે ડિલરને ત્યાં પહોંચવાનું છે આપણે બધાં સાથેજ જઈશું પછી ત્યાંથી આપણાં કુળદેવીનાં દર્શને જઈશું અને બહાર હરી ફરી જમીને પાછા આવીશું શું કહે છે તું ?આમ પણ તારે રજા જ છે ને ?”
વિકાસે ખુશ થતાં કહ્યું “ ભલે મોટાંભાઈ અમે ૧૧ વાગે બધાં તૈયાર હોઈશું” જયભાઈ બધું નક્કી કરીને ઘરની બહાર નીકળ્યાં. અને બોલ્યાં “હું હમણાં આવું છું.”
જયભાઈના ગયાં પછી વિકાસે કહ્યું “ મીરાં મારાં તો માનવામાં નથી આવતું જયભાઈ મારાં સગાભાઇ નથી કાકાનાં દીકરા છે. નથી એમણે લગ્ન કર્યા. આ બંગલો મઝીયારી મિલ્કત હોવાં છતાં એ માત્ર બે રૂમ વાપરે બધું આપણને સોંપી દીધું છે નથી એમણે લગ્ન કર્યા જે છે બધું હવે આપણને આપી દીધું છે શ્રુતિ નાની હતી ત્યારથી એને ખુબ પ્રેમ કરે....”
ત્યાં શ્રુતિ દોડીને આવી અને બોલી “પાપા આપણે આજે બહાર જવાનું છે ને ?”
વિકાસે કહ્યું “હાં દીકરા હવે તૈયારજ થવાનું છે જયકાકા નવી ગાડી લે છે એની ડીલીવરી લેવાની છે અને ત્યાંથી દર્શન કરવા જઈ બહાર જમીને આવીશું.”
શ્રુતિ થોડીવાર વિચારમાં પડી ગઈ એનો ચેહરો પડી ગયેલો પણ ખબર નહીં શું થયું એણે કહ્યું “ભલે તો હું તૈયાર થઇ જઉં ખુબ મજા આવશે. હું મારાં નવા સ્કર્ટબ્લાઉઝ પહેરીશ જયકાકા લાવેલાં એજ.” પછી મીરાં સામે જોવા લાગી.
મીરાંએ કહ્યું “હાં દીકરા તને ગમે એ પહેરી લે હું પણ તૈયાર થઇ જઉં” એમ કહેતાં શ્રુતિની સામે જોયું શ્રુતિની આંખમાં કંઈક જુદોજ ચમકારો જોયો અને મીરાં વિચારમાં પડી ગઈ એને આષ્ચર્ય થયું કે શ્રુતિ ઉત્સાહથી માની ગઈ.
શ્રુતિ તૈયાર થવા ગઈ અને મીરાં એ કહ્યું “વિકાસ આજે મને શ્રુતિ જુદી જુદી લાગે છે એની આ 11 વરસની ઉંમર નથી એ નાની કે નથી પુખ્ત પણ એણે કોઈ સમજણ કેળવી હોય એવું લાગે છે એ ચબરાક અને હુંશિયાર છે...પણ આજે આટલાં ઉત્સાહમાં છે...” કંઈક ...પછી વિચારમાં પડી ગઈ. વિકાસે કહ્યું “ તું બહું વિચારો ના કર આ છોકરીઓની ઉંમર જ એવી છે પણ અત્યારે મીડીયા અને ટીવીમાં બધું જોઈ આપમેળે શીખી જતી હોય છે એ ઉત્સાહમાં છે સારુંજ છે. ચાલો તૈયાર થઈ જઈએ.”
******
જયભાઈ પાનનાં ગલ્લે પહોંચ્યાં અને ત્યાં સિગરેટ બોક્ષ લીધું અને એમાંથી સિગરેટ કાઢી લાઇટરથી સળગાવી દમ મારવાનાં શરૂ કર્યા. મનમાં કોઈ ગંદી કલ્પનાઓ ચાલી રહી હતી અને હોઠ કંઈક વિકૃત હાસ્ય કરીને પાછાં શાંત થયાં એ ઘરે આવ્યા બધાં તૈયાર હતાં એમણે કહ્યું “આપણે ટેક્ષી કરીને ડિલરને ત્યાં પહોંચી જઈએ.” શ્રુતિ સામે વેર્વક દૃષ્ટિથી જોઈને બોલ્યાં “વાહ મારી દીકરી તો રાજકુંવરી જેવી લાગે છે એકદમ બ્યુટીફૂલ...ગોડ બ્લેસ યું” કહી નજર ફેરવી લીધી.
વિકાસ અને મીરાંએ એકબીજા સામે જોયું અને આંખથી વાત કરી લીધી અને સંતોષ જતાવ્યો.
******
ગાડીની ડીલીવરી લીધી બધાએ ફોટાં પડાવ્યાં પછી જયભાઈએ કહ્યું “વિકાસ આવીજા આગળ હવે દર્શન કરવા જઈએ. ત્યારે શ્રુતિ બોલી “ના કાકા હું આગળ બેસીસ પાપા અને મમ્મી સાથે પાછળ.....” જયભાઈએ કહ્યું “ ભલે તું આવ આગળ બેસીજા ચલો દર્શન કરીને પછી હોટલમાં જમવા જઈશું” અને બધાં બેસી ગયાં પછી ગાડી સ્ટાર્ટ કરી....
મીરાં અને વિકાસને શ્રુતિનું આજનું વર્તન સમજાઈ નહોતું રહ્યું પણ માનસિક શાંતિ હતી કે હવે શ્રુતિને જયભાઈની કોઈ ફરિયાદ નહોતી.
નવી ગાડીમાં બધાં આનંદથી બેઠાં હતાં ત્યાં વિકાસનાં મોબાઈલ પર ફોન આવ્યો સ્ક્રીન પર નામ જોઈને ચમક્યો અરે આતો મીરાંના ભાઈનો ફોન છે તરતજ વાત કરતાં મીરાં સામે જોયું સામેથી મીરાંના ભાઈનો ગભરાયેલો અવાજ હતો જીજાજી પાપાનો એક્સિડન્ટ થયો છે તેઓ ખુબ ઘવાયાં છે સીટી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કર્યા છે તમે .... વિકાસે કહ્યું “હાં હાં અમે તાત્કાલીક ત્યાં પહોંચીયેજ છીએ” અને ફોન કાપ્યો. મીરાંએ પૂછ્યું “ભાઈનો ફોન હતોને ? શું થયું પાપાને ? મેં થોડું સાંભળ્યું છે.”
વિકાસે કહ્યું “પાપાને એક્સિડેન્ટ થયો છે સીટી હોસ્પિટલમાં લઇ ગયાં છે આપણે ત્યાં જવું પડશે.” જયભાઈએ કહ્યું “તો હું પહેલાં ત્યાંજ કાર લઇ લઉં છું ત્યાં તમને ડ્રોપ કરી દઉં.”
વિકાસે કહ્યું “પણ આપણે દર્શન કરવા નીકળેલાં અને આમ અચાનક....” જયભાઈએ કહ્યું “કંઈ નહીં પહેલાં ત્યાં તમારે જવું જરૂરી છે...” એમ કહી ગાડી સીટી હોસ્પિટલ લઇ લીધી અને ત્યાં પહોંચીને વિકાસ અને મીરાંને ડ્રોપ કર્યા. શ્રુતિ અચાનક થયેલાં ફેરફારથી ગભરાઈ ગઈ. એણે કહ્યું “મમ્મી હું પણ તમારી સાથે અહીં ઉતરી જઉં છું” મીરાંએ ધડકતાં હ્ર્દયે કહ્યું “બેટા અહીં તને ક્યાં લઇ જઉં તું જયકાકા સાથે ઘરે જા અમે પછી આવી એ જ છીએ.”
જયે કહ્યું “તમે ચિંતા ના કરો અમે ઘરે પહોંચી જઈએ છીએ. અને એમણે કાર ત્યાંથી ઘર તરફ લીધી. શ્રુતિએ કહ્યું “કાકા મને સ્નેહનાં ઘરે જવું છે હું ઘરે એકલી શું કરીશ ?” જયકાકાએ કહ્યું “ભલે એવું કરીશું” તેઓ ઘરે પાછા આવ્યાં. શ્રુતિ દોડીને પહેલાં ઘરમાં ઘુસી ગઈ અને જયકાકા પાછળ પાછળ ઘરમાં આવ્યાં શ્રુતિએ કહ્યું “હું નવા કપડાં બદલી સ્નેહાનાં ઘરે જઉં છું.”
જયને જોઈતું હતું અને વૈદે કીધું ... શ્રુતિ જેવી એનાં રૂમમાં ગઈ કપડાં બદલવાં ગઈ જયકાકા એની પાછળ પાછળ ગયાં અને કહ્યું “તું કપડાં બદલીલે ત્યાં સુધી ટીવી જોઉં છું...” શ્રુતિ અટકી બોલી “નથી બદલતી એમજ સ્નેહનાં ઘરે જઉં છું” જયે કહ્યું “સારું તું જા” એમ કહી શ્રુતિને સ્નેહાનાં ઘરે જવા દીધી અને એણે ટીવી ચાલુ કર્યું ... ત્યાં શ્રુતિ પછી આવી એણે કહ્યું “સ્નેહાનાં ઘરે તો લોક છે એલોકો બધાં બહાર ગયાં લાગે છે.” શ્રુતિ હવે ગભરાઈ રહી હતી ત્યાં જયકાકાએ કહ્યું “શ્રુતિ બેટા અહીં આવ જો મારાં મોબાઈલમાં સુનિતા પાદુકોણનો નવો વિડીયો આવ્યો છે” શ્રુતિએ કુતુહલથી ફોન લીધો અને જોયું તો એ હીરોઇનનો નગ્ન વિડીયો હતો એણે ફોન પાછો આપતાં કહ્યું “આમાં તો ગંદુ છે મારે નથી જોવો...” જયકાકાએ બીજો દાવ અજમાવતાં કહ્યું “તને આ કપડાં ખુબ સુંદર લાગે છે” એમ કહી એનાં ગાલ પર હાથ ફેરવ્યો અને તરત પોતાનાં તરફ ખેંચીને એની છાતીએ અને ગુપ્તભાગ પર હાથ ફેરવવા લાગ્યાં.
શ્રુતિએ ચીસ પાડતાં કહ્યું “મને છોડી દો તમે ખુબ ગંદા છો છોડો મને.. મને અડશો નહીં તમે ગંદા છો” એમ કહેતી રડતી રડતી દરવાજા તરફ દોડી અને સામે વિકાસ અને મીરાં ઊભાં હતાં શ્રુતિ મીરાંને વળગી પડી “મમ્મી...મમ્મી કાકુ ખુબ ગંદા છે.... હું બધું ભૂલી જવા માંગુ છું પણ કાકુ .... ખુબ ગંદા છે મારે એમની પાસે નથી જવું....”
વિકાસે સાંભળતા વેંત દોડીને જયભાઈનો કોલર પકડીને એક તમાચો ઠોકી દીધો...તમને શરમ નથી આવતી ? આટલી નાની છોકરી સાથે આવો વ્યવહાર ? તમારી છોકરી બરાબર છે એણે ફરિયાદ કરી અમે સાચું નહોતાં માનતા . તમે થોડીક શું એકલતા મળી તમારી વિકૃતી છતી કરી ? તો વાંઢા શું કામ રહ્યાં ? પરણી જાવને....”
મીરાંની આંખમાં આંસુ આવી ગયાં એણે કહ્યું “વિકાસ ધોલધપાટથી કામ નહીં ચાલે પોલીસને બોલાવો મારી દીકરી ક્યારની ફરિયાદ કરી રહી હતી અમે સાચૂંજ નહોતાં માનતાં ઘરમાંજ હેવાન હાજર હશે એવી કલ્પના નહોતી” કહી..ત્યાં શ્રુતિ મીરાંને આવીને બાઝી ગઈ હતી એનો પાલવ લઈને એણે પોતાની જાત ઢાંકી દીધી હતી.
મીરાં શ્રુતિને પોતાનાંમાં લઇ બાઝી પકડીને ઉભી રહી હતી માંની આંખમાં આંસુ અને શબ્દાગ્નિ ભડકે બળી રહેલો એણે કહ્યું “તમે તો પાલક પિતા સમાન હતાં તમે હેવાન ક્યાંથી થયાં ? તમારી નજર તમારો સ્પર્શ વર્તન નરી જુગુપ્સા છે સાવ ગંદી રીતભાત આવાં જુગુપ્સા ભર્યા સંસ્કાર તમને શોભે છે ? આતો સારું થયું અમે ઘરે આવી ગયાં પાપાની ટ્રીટમેન્ટ ચાલુ છે કોઈ ગંભીરતા નહોતી અને મારું હૃદય કંઇક અજુગતું થઈ રહ્યું છે એવો આભાસ થતાં વિકાસને કહ્યું પહેલાં ઘરે ચલો..અમે ઘરે આવ્યાં અને..”
“મારી ફૂલની કળી જેવી દીકરી તમારી પાસે લાડ પ્રેમની અપેક્ષા કરે છે અને તમે એને ચૂંથવાની માનસિકતા ધરાવો છો ?આ હળાહળ કળીયુગ નથી તો શું છે બીજું ? જેનાં રક્ષણમાં હોઈએ એજ ભક્ષક બની જાય? તમારો સંબંધ તો જુઓ ભલે પિતરાઈ છો પણ ભાઈ છો ભત્રીજી સાથે દુષ્કર્મ કરવા તૈયાર થઇ ગયા ? ફિટકાર છે તમને તમારી જનેતાની કૂખને લજવી આતો મારી નાની પરી છે આજે અભડાતાં બચી હજી કુમળી વય છે અને તમે એને ...... આ પિશાચને પોલીસને હવાલે કરો.... કાઢો એને અહીંથી .... આવી વિકૃત પિશાચી માનસિકતાનાં શિકાર આજે સમાજમાં કેટલાં બાળકો થતાં હશે ? કોઈ કહી શકતા હશે કોઈ મૌન થઇ સહ્યાં કરતાં હશે.”
“આવી જુગુપ્સા ભરી દૃષ્ટિથી આવાં પિશાચોથી ઈશ્વર બાળકોનું રક્ષણ કરે અને એવાં રાક્ષસોને નશયત કરે. વાડ પોતે ચીભડા ગળે તો કોણ કોના પર વિશ્વાસ કરશે ? તિરસ્કાર છે જુગુપ્સા ભરી દૃષ્ટિને, વર્તનને સંસ્કારને..... “
મીરાંએ શ્રુતિને કહ્યું “ હવે તું સાચું કહે આ નરાધમ તારી સાથે શું કરતો હતો?”
શ્રુતિએ કહ્યું “ મમ્મી એ યોગા કરાવવા બહાને મને બધે સ્પર્શ કરતા મને દીકરી દીકરી કહી ચૂમીઓ ભરતા..મને પહેલાં સમજણ નહોતી પણ...પછી એ..મને કહેતાં શરમ આવે છે મમ્મી એ મારાં.. બધે ગંદો સ્પર્શ કરતાં.. મને સંકોચ થતો...એકવાર એમણે મને..મેં એમના હાથે બચકું ભરી લીધું દોડી આવેલી..એ ખૂબ ગંદા છે મને વારે વારે હેરાન કરતા..હું તને કહું... તું સાચું નહોતી માનતી...હું કરું તો શું કરું? એમ કહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી...
વિકાસ હવે બધું જાણી ગયો એણે કહ્યું “આ પાણી માથા ઉપરથી ગયું છે મારી દીકરીનું જીવન બરબાદ કર્યું..હું નહિ છોડું...બોલો તમારે શું કહેવું છે?”
જયભાઈનું મોં વિલાઈ ગયું બોલ્યા “મારી અક્ષમ્ય ભૂલ થઈ છે મને માફ કર વિકાસ. મને સજા મળવી જોઈએ અને એ માથું પકડી નીચે બેસી ગયાં.
મીરાંએ કહ્યું “ આ જુગુપ્સા ભરી નજર અને આ માણસ મને નજર સામે ના જોઈએ. ધિક્કાર છે તમારાં જેવા પુરુષો માટે...” અને શ્રુતિને લઈને રૂમમાં જતી રહી..
આવા હળાહળ કળિયુગમાં આવા જુગુપ્સા ભર્યા વિચાર અને વર્તનવાળા પિશાચોથી ચેતતા રહેવું જરૂરી છે.
દક્ષેશ ઇનામદાર.”દિલ”..
-સમાપ્ત -