નેહડામાં રાત્રે ગમે ત્યારે સુવે સવારે ચાર વાગ્યે તો ઉઠી જ જવું પડે છે. ચાર વાગ્યે જાગીને ગોવાળ ભેંસોની જોકમાં જઈ ફરતે એક આટો મારી લે છે. આમ તો રાત્રે પણ ભેંસોની જોકમાં એક બે આંટા મારવા પડે છે. અહીં ક્યારે સાવજનો પંજો ફરી વળે કહી શકાતું નથી. પછી દૂઝણી ભેંસોને વારાફરતી જોકમાંથી અલગ કરી આંગણામાં લાવવામાં આવે છે. ત્યાં તેને ખાણ મૂકીને દોહવામાં આવે છે. ભેંસનો દોહીને તેને પાણી પાઈ પાછી વાડામાં પૂરી દેવામાં આવે છે. ભેંસોને દોહી બધું દૂધ કેનમાં એકઠું કરવામાં આવે છે. જે પાડરું ખાતા ના શીખ્યા હોય તેને વધારે ધવડાવવામાં આવે છે. જેમાં પાડા પાડીનો ભેદભાવ ઉડીને આંખે વળગે તેવો હોય છે. પાડીને વધારે દૂધ મળે છે, જ્યારે પાડાને ખપ પૂરતું જ દૂધ પીવડાવવામાં આવે છે. પાડાની બાકીની જરૂરિયાત છાસ પીવડાવીને પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ જો સારી ઓલાદનો જાફરાબાદી ઓલાદનો પાડો જનમ્યો હોય તો તેને ખૂબ સાચવવામાં આવે છે. જેને ખૂબ ધવરાવીને જલ્દી મોટો કરી તંદુરસ્ત બનાવવામાં આવે છે. જેને મોટો કરી તેનાથી સારી ઓલાદની ભેસોનો વંશવેલો આગળ ચલાવવામાં આવે છે. કુંઢાશીંગડાવાળી જાફરાબાદી ભેંસો માલધારીઓ માટે સારી.તે દૂધનું વધુ ઉત્પાદન આપનારી અને વધું રોગ પ્રતિકારક શક્તિવાળી હોય છે. તેની પાડીઓ મોટી થાય એટલે માલધારીઓ અમૂક વર્ષે પાડો બદલતા રહે છે.જેથી કરીને વંશવેલો બગડે નહિ. ગોવાળ આ દૂધના કેન મોટરસાયકલ પાછળ બાંધીને નજીકની ડેરીમાં દૂધ ભરી આવે છે. ગોવાલણો જોકમાં વાસીદા કરી છાણને ઉકરડે નાખે છે. રાતે મેળવેલ દહીં વલોવી છાશના વલોણા ફેરવવામાં લાગી જાય છે. વલોવેલી છાશમાંથી માખણના પીંડા ઉતારી તે માખણને દેશી પદ્ધતિથી મોટી ચૂલ પર ચડાવી માખણને તાવણ પદ્ધતિથી ઘી બનાવે છે. ગીરના જંગલનું અલગ અલગ પ્રકારનું ઘાસ અને આયુર્વેદિક ગુણ ધરાવતી વનસ્પતિ ચરીને આવેલી ભેંસોના ઘી પણ ખૂબ ગુણકારી હોય છે.
નેહડે મોડે સુધી વાતો ચાલી. ગોવાળિયા સ્વભાવે ખૂબ વિનોદી હોય છે. ભાભલા પણ એકબીજાની મશ્કરી કરી લેતા હોય છે. મોડી રાત્રે ચાનો બીજો કહુંબો કરી દુલાઆતા અને મેરામણઆતાએ પોતપોતાના નરવા કંઠે સામસામે દુહાની રમઝટ બોલાવી.
સોરઠ અમારી જગ જૂની અને ગરવો ગઢ ગિરનાર,
જ્યાં સાવજડા સેંજળ પીવે, એના નમણા નર ને નાર.
સામે દૂહાના જવાબ આપતાં મેરામણઆતાએ પણ દુહો લલકાર્યો..
નીચી દૃષ્ટિ નવ કરે,મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે,પણ ખડ નો એ ખાય.
ભાંગતી રાતે નિરવ શાંતિમાં તમરાનો અવાજ અને ક્યાંક દૂરથી સાવજનો હૂકવાનો અવાજ વચ્ચે વચ્ચે પહુડાનો ગભરાટ ભર્યા અવાજ પણ આવતો હતો. ક્યાંક ક્યાંક સંભળાતી શિયાળવાની લાળી ભાંગતી રાતને વધારે બિહામણી કરી રહી હતી. ગેલાના નેસમાં છાયડા માટે વાવેલા બોરસલીના લીલાછમ ઝાડવાની ટોચે લબૂક ઝબૂક લાઈટના ઝબકારા મારતાં આગિયા રાત્રિના અંધકારને ચમકતા મોતીથી મઢી રહ્યા હોય તેવું લાગતું હતું.એવામાં ક્યાંક ઊંચા ઝાડની ડાળે બેઠેલો મોરલો વાંદરાની ચીસથી છળી મર્યો. અને તેનો ટેહૂક...ટહુક..નો ગેહકાટ જંગલની રાત સાથેના મિલાપમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો.
ગીરની આ શાંત રમણીય કાળી રાત્રિમાં બુઢા ગોવાળિયાનો કંઠ દૂર સુધી સંભળાઈ રહ્યો હતો. ચા અને ચલમુ ફૂકવામાં અને વાતું અને દુહાની રમઝટમાં અડધી રાત નીકળી ગઈ હતી. બુઢ્ઢા ગોવાળિયાના આ રંગમાં ભંગ પડાવી માલીડોસીએ ઊભા થઈ કહ્યું, "હવે હાવ કરો ઉઠો પશે તમારે તો હવારે ય કાય કામ નહીં. ગમે તીયારે ઉઠો હાલીશે. ને ઊઠીને ય પાસી સલમુ જ ફૂકવી હે ને! બસાડા ગેલાને અને રાજીને વેલું ઉઠવું જોહે."પછી માલીડોસીનો ઠપકો સાંભળી મોડી રાત્રે ડાયરો ઉઠ્યો હતો. મોડી રાત્રે સૂતેલા ગેલાને અને રાજીને વહેલી સવારે જાગવામાં થોડું મોડું થઈ ગયું હતું. આખા દિવસનું જરૂરી પાણી પણ સવારે જ ભરી લેવાનું હોય છે. બાજુમાં વહેતી હીરણ નદીમાંથી ગેલોને રાજી પાણી હારી લે છે. રાજી ગોળી, હાંડોને ગાગર લઈ લે અને ગેલો બે ડબાની બનાવેલી કાવડ લઈ પાણી હારે છે.
પાણી હારતી વખતે રાજીએ ગેલાને ગઈ રાતે ભીમાઆતાએ કનાની સગાઈની વાત કરી હતી તે યાદ અપાવ્યું."હીવે તમી આવતા જાતા આપડા કના હારુ હારી અને આપણી જોગી છોરી જોતા રેજો. કનાને મોઢે હવે દાઢી મુસ ફૂટી જય સે. હવે એની હગાઈ કરાવી એકાદ બે વરહે પયણાવી દેવી. એટલે આપડે ઘરે ય વોવ આવી જાય. આમે ય હવે મારા ટાંગા હાલતા નહીં. મારી ઉંમર ય કેટલી થય જય.વાળની લટું ધોળીયું થાવા માંડી જયું સે. હવે કેટલા વરહ મારે ઢહડા કરવા ના સે?"
એમ કહી રાજીએ ગેલા સામે જોઈ છણકો કર્યો.
ગેલાએ કહ્યું, "ઈ બધું થીયા કરહે. મારા દુવારિકાવાળાએ કોક ઠેકાણે ઈનું ગોઠવી જ રાખ્યું હહે."એમ વાતો કરતા બંને નદીનો કિનારો ઉતરી પાણી ભરવા ગયા. કાઠે પહોંચીને ગેલાએ ખંભેથી કાવડ ઉતારીને રાજી વાંકી વળી ખળખળ વહેતી હિરણનદીના નીરમાં હાંડો ઝબોળી વહેતા નીરને હાંડામાં વાળ્યાં. તારોડીયાના અંજવાળે વાંકી વળેલી રાજી પાણીનાં ધરા પર જૂકેલા ખાખરાના ઝાડ જેવી સુંદર લાગી રહી હતી. ગેલાને અડપલું સૂઝ્યું. તેણે વાંકી વળેલી રાજીને ઢીંઢે ટપલી મારી. રાજી સફાળી ઊભી થઈ ગઈ."હજી તમી જ મોટા નથ થયા એમાં મારે કનાની કન્યા કીમ ગોતવી? હવે લાજો લાજો અડધા ગઢા થયા! હવે તો તમારા લખણ મેલો!"રાજીના આવા ધારદાર વચનો સાંભળવાને ટેવાઈ ગયેલો ગેલો નફ્ફટાઈથી હસી રહ્યો હતો. હસતા હસતા તેણે રાજીની પડખે જઈ રાજીની ગોરી કમરે વળ દઈને ચીટીયો ભર્યો. રાજીથી જોરથી રાડ નીકળી ગઈ." ઓય મા..... આમ આઘા ગુડાવને એક તો મોડું થય જયું અને ઈમાં વધારે ખોટી કરાવો સો. સાના માના ખંભે કાવડ મેલીને પાણી હારવા માંડોની."ગેલો હજી ઉભો ઉભો હસી રહ્યો હતો. ગેલાએ ચીટિયો ભરતા રાજીની ગોરી કમર પર લાલ સળ ઉપસી આવ્યો હતો.
રાજીના મનમાં ગઈકાલની ભીમાઆતાની વાત ઘૂસી ગઈ હતી. તે આજે એક જ રટણ લઈને બેઠી હતી. "હવે આપડે કનાની હગાઈ કરી જ લાખવી સે. તમે હા પાડો તો મારી બેનપણી ગોદીની છોરી આપણા કનાની હારતની જ સે. છોરી બહુ રૂપાળી સે. પાણી પીવે તો ગળે હામુ હુઝે એવી રૂપાળી સે."
ગેલાએ કહ્યું, "ભલે ગમે એવી રૂપાળી હહે પણ તારી પાહે ઈ ઝાખી પડે હો..!"રાજી ગેલાની મસ્તી કરવાની ટેવને ઓળખી ગઈ હતી. તેણે ખીજાઈને કહ્યું, "તમારી હારુ ય એકાદી હું ગોતી આવીશ. હું તો હવે ગઢી થય જય સુ ની! તમી જુવાનના જુવાન રયા સો.એટલે તમારે ય એક જુવાન બાય જોહે."રાજીના આવા આકરા વેણ સાંભળવા છતાં ગેલો હજી ખડખડાટ હસી રહ્યો હતો.
વહેલી સવારે ખળખળ વહેતા હિરણ નદીના પાણીના નાદ વચ્ચે આ મહેનત કશ માલધારી યુગલની હરખની વાતો અને પ્રેમ ચેષ્ટાઓ જોઈને ગીર પણ હરખાતી હોય તેવું લાગતું હતું. આખી રાત પોતાના માળામાં બચ્ચા મૂકીને બીજા ઝાડની ડાળીએ રાત વાસો કરી રહેલી ચકલીઓ અંજવાળું થવાની રાહે ઉતાવળી થઈ ચક..ચક.. કરી રહી હતી. જેવાં પૂર્વ દિશામાં સુરજદાદાના આગમનની તૈયારી રૂપે ગુલાબી કલરના છાંટણા થશે એટલે તરત જ ચકલીઓ આખી રાતની ભેગી થયેલી વાતો કરવામાં વ્યસ્ત થઈ જશે. એમાંથી કોઈ કોઈ ચકલીઓ ઝઘડો પણ કરવા લાગશે. ચકલીઓ મોટાભાગે સમૂહમાં એક ઝાડ પર રાત વાસો કરે છે. તે રાતવાસો કરવા વધારે કાંટાળા ઝાડ પસંદ કરે છે.રાત થતાં જ પાતળી ડાળીઓ પર બેસી જાય છે.જેથી રાત્રે બિલાડા જેવાં શિકારી પ્રાણીઓ આવી પાતળી ડાળી પર ચડીને હુમલો કરી શકતાં નથી. સવાર થતા જ આ ચકલીઓ સમૂહગાન કરી આ ઝાડને અલવિદા કહી પોત પોતાના માળામાં આવી રાતના ભૂખ્યા બેઠેલા બચ્ચા માટે ચણ ગોતવામાં લાગી જાય છે. ગીરમાં પક્ષીઓને ભરપૂર માત્રામાં ખડબીજની ચણ મળી રહે છે. પોતાની નાનકડી ચાંચમાં આ ચણ ભરી ભરીને ચકો અને ચકી વારાફરતી ભૂખ્યા બચ્ચાને નેહડામાં લાકડાની આડીઓની બખોલમાં બનાવેલા માળામાં ચણ ખવડાવવા લાગે છે.
ક્રમશ: ......
( રૂડીને રંગીલી ગીરને અનુભવવા માટે વાંચતાં રહો..."નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ.ટાંક
Watsapp no 9428810621