Swas Adhura tuj vina - 2 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | શ્વાસ અધૂરાં તુજ વિના - 2

Featured Books
Categories
Share

શ્વાસ અધૂરાં તુજ વિના - 2

પ્રકરણ - ૨

પોણા સાત વાગી ચૂક્યાં છે. આખો હોલ ચિક્કાર ભરાઈ ચૂક્યો છે. બસ હવે થોડા જ સમયમાં પરફેક્ટ સાત વાગે શો ચાલું થવાની તૈયારી છે. જ્યાં સીધી શૉ ચાલું ન થાય પબ્લિકનો ઘોઘાટ તો રહેવાનો જ પણ ત્યાં જ એક અનાઉન્સમેન્ટ સાથે એક હેન્ડસમ, આકર્ષક પર્સનાલિટીવાળા એક યુવાનની સ્ટેજ પર એન્ટ્રી થઈ એ સાથે જ તાળીઓનો ગડગડાટ શરું થયું અને એની સ્પીચ સાથે હોલમાં એકદમ નીરવતા છવાઈ ગઈ. બંસરી વિચારવા લાગી કે આ તો અમારી કોલેજનો શ્યામ છે. એ અહીં કેવી રીતે? આમાં એ શું કરી રહ્યો છે?

શ્યામ એટલે આહના અને અનમોલનો કટ્ટર દુશ્મન કે એ એકમાત્ર વ્યક્તિ કે જેને આ બંને કપલ તરીકે પસંદ ન હતાં અને આહના એની જ સાથે કામ કરે છે? મેં તો પૂરું શોનું બેનર પણ જોયું નહીં કે આહના સાથે કોણ કોણ બીજું છે. એમ વિચારતી હવે આગળ શું છે એ જોવા લાગી. એને પોતાનાં હાથમાં ગિટાર લઈને એક ધૂન શરું કરી અને કરી આગળનાં પ્રોગ્રામ વિશે થોડી સરપ્રાઈઝ ઝલક આપીને લોકોને એમાં મગ્ન કરવાનો પ્રયત્ન કર્યો.

બંસરીનુ મન તો એકવાર આહનાને જોવા તલપાપડ છે ત્યાં જ થોડીવારમાં આહના આવી. આહના એનાં શૉમાં પોતાનાં અલગ લુકમાં એક અલગ જ પર્સનાલિટી સાથે ચમકી રહી છે એને જોઈને બંસરી ખુશ થઈ ગઈ અને એનો શૉ ચાલું થતાં પોતાની ટેલેન્ટ સાથે સ્ટેજ પર ચમકવા લાગી.

બંસરી કોણ જાણે આહનાની ટેલેન્ટ અને સુંદર ચહેરાની પાછળ શું છે એ જાણવાનો પ્રયત્ન કરવા લાગી પણ એમ કંઈ ચહેરાઓ પાછળની વેદના ખરેખરમાં સમજી શકાતી હોત તો હસતાં ચહેરાની અંદર કંઈ કેટલી તકલીફો સમાઈ જ ન શકતી હોત ને?

અડધો શો પત્યો હશે, ઈન્ટરવલમા લાઈટસ્ શરું થઈ ત્યાં બંસરી સહેજ રિલેક્સ થવા પોતાની જગ્યા પરથી બે મિનિટ ઉભી થઈ ત્યાં જ એની નજર એનાથી ચારેક સીટ આગળ આવી રહેલાં કોઈની વાતચીત સાથેનાં થોડાં હાસ્ય પર ગઈ. એને એ અવાજ થોડાં પરિચિત લાગ્યાં.

એને ધ્યાનથી જોયું તો એ સંવેગ, દીપ અને પ્રિન્સી છે એવું ખબર પડી. એનાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ. કોલેજ પછી એ ઓસ્ટ્રેલિયા ભણવા ગઈ અને પછી આવીને એકવાર આહના અને અનમોલના લગ્નમાં બધાને મલેલી પછી તો ક્યારેક વોટ્સએપ કે એવી રીતે વાતચીત થાય પણ પછી તો રૂબરૂ મુલાકાત જ નહોતી થઈ. એને થયું કે મને યાર કોઇએ યાદ પણ ન કરી? પછી થયું કે બધાને ક્યાં ખબર છે કે હું જયપુરથી હું અહીં આવી છું તે મને યાદ કરે?

પણ આખી ટોળકીમાં મેઈન વ્યક્તિની જ ગેરહાજરી? પાંચ મિનિટમાં તો શો ફરીવાર શરું થવાનો હોવાથી હાલ એ લોકોને બોલાવે તો ખોટું બધાને ડિસ્ટર્બ થાય એ વિચારે શૉ પછી એમને પણ મળશે એમ વિચારીને એ શાંતિથી બેસી ગઈ.

બંસરી બેસી ગઈ પણ એનું મન એ ફ્રેન્ડ્સને મળવા અને ઘણીબધી વાતો કરવા તલપાપડ છે એટલે એની નજર શૉ અને થોડીવારે એ લોકો તરફ અથડાઈ રહી છે. એ દરમિયાન એને જોયું કે એ લોકો ફોનમાં કંઈ વિડીયો બનાવીને વારાફરતી કોઈને સેન્ડ કરી રહ્યાં હોય એવું એને બે ત્રણ વાર લાગ્યું. બંસરીને સમજાયું નહીં કે શૉ એન્જોય કરવાને બદલે આ શું કરે છે? પછી થયું કે ખાસ ફ્રેન્ડના આ શૉ ને કેમેરામાં કેદ કરતાં હશે, એને કેમ એવું યાદ ન આવ્યું એમ વિચારીને એ પણ થોડાં ફોટોઝ લેવા લાગી અને વિડિઓઝ બનાવવા લાગી.

આ દરમિયાન એની નજર પ્રિન્સીના ફોનમાં સામે દેખાતાં અનમોલ પર ગઈ. અનમોલના ગોરા ચટ્ટા ચહેરા પરનાં એ કાળા તલ પરથી એ બરાબર ઓળખી ગઈ કે આ ચોક્કસ અનમોલ છે. આમ તો એ જે રીતે કહેતો હતો એ પરથી અને વિડિઓ કોલમાં આહનાનો શો જુએ છે? આ શું છે બધું કંઈ સમજાતું નથી. ખરેખર બે અલગ થયાં છે કે પછી હું ખોટું બહું વધારે વિચારી રહી છું? એમ વિચારતી અસમંજસ વચ્ચે બસ હવે એ શો પૂર્ણ થવાની રાહ જોઈ રહી.

આખરે પોણાનવે શો પૂરો થયો. બહાર અંધકાર છવાઈ ગયો છે. શૉ પતતા જ પબ્લિક ફટાફટ ત્યાંથી નીકળવા ઉતાવળી બની છે, જો કે સૌ શૉ માટે પૈસા ખર્ચીને ખુશ છે એવું એને ઘણાં લોકોની વાતચીત પરથી લાગ્યું.

એની નજર પ્રિન્સી એન્ડ ત્રિપુટીને શોધવામાં છે ત્યાં જ એણે એ લોકોને જોયાં કે તરત જ એ ખુશ થતી એ તરફ ભાગી અને બૂમ પાડી. અવાજ સાંભળીને ત્રણેય ઊભાં તો રહ્યાં પણ બંસરીને જોઈને જાણે સહુનાં ખુશ ચહેરા ઉતરી ગયાં હોય એવું એ સ્પષ્ટ જોઈ શકી અને જાણે કંઈ ભૂલ કરી દીધી હોય એમ એનાં પગ જાણે ત્યાં જ થંભી ગયાં.

**********

બંસરીને એક પળ માટે થયું કે જ્યાં આપણાં જવાથી કોઈનાં ચહેરા પર ખુશી ન દેખાય ત્યાં ન જવું જોઈએ. એ અટકી ગઈ પણ પછી અચાનક શું થયું કે દિપ સહેજ આગળ આવ્યો અને બોલ્યો, "હાય બંસરી! કેમ છે? બહું સમયે મળી ને? ક્યાં છે આજકાલ? અહીં આવીને કહ્યું પણ નહીં ને?"

"એચ્યુઅલી કંઈ પ્લાનિંગ નહોતું આવવાનું. થોડા કામ હતાં અગત્યના એટલે આવવું પડ્યું. તમે બધાં કેમ છો? તમે તો બધાં જ સાથે જ છો ને? હું એકલી જ જોબ અને હવે મેરેજ પછી અલગ થઈ ગઈ. તમને બધાને મળીને સારું લાગ્યું." બંસરી બોલી.

"હા. બસ અવારનવાર મળી લઈએ ફ્રી હોઈએ ત્યારે." દિપ બોલ્યો પણ પ્રિન્સી અને સંવેગે માત્ર સ્મિત આપ્યું ખાસ કંઈ બોલ્યાં નહીં.

"તમે બધાં છો પણ અનમોલ ક્યાં છે? આહનાના શૉમાં અનમોલની ગેરહાજરી? મિસ્ટર પરફેક્ટ પતિદેવ છે ક્યાં?" બંસરી બોલી.

"હા એ તો નહીં આવ્યો હોય બહું આઈડિયા નથી. હવે આવાં શૉ તો રોજબરોજ થતાં હોય ક્યાં એની પાછળ પાછળ ફરે?" સંવેગ બોલ્યો.

બંસરીને થયું કે હમણાં જે રીતે ત્રણેયને જોયાં હતાં એ પરથી એમને કંઈ ખબર ન હોય એવું બને નહીં પણ હવે બધાનાં તેવર કેમ અચાનક બદલાઈ ગયાં છે કંઈ સમજાયું નહીં, બાકી એ લોકો વચ્ચે કોઈ દિવસ કોઈ અણબનાવ થયો નથી. આહના અને અનમોલના મેરેજ વખતે બધાએ સાથે કેટલું એન્જોય કર્યું હતું અને તેનાં પછી આજે? એમની છ જણાની કંપની કોલેજમાં હંમેશાં વખણાતી તો આ શું થયું? એટલે હવે એણે ડાયરેક્ટ આહના સુધી પહોચવાનું જ નક્કી કર્યું.

એને હવે ડાયરેક્ટ આહનાને જ મળવાનું કંઈ વિચાર કર્યો. બંસરી વિચારવા લાગી કે હવે કેવી રીતે એ દૂર જઈને આહનાને મળે? કદાચ એ લોકો પણ એને મળવા જ ઉભા હશે તો? એ ચુપચાપ વિચારવા લાગી પણ સામેથી પ્રિન્સી બોલી, "આપણે નીકળીએ? મને લેટ થશે તો ઘરે પૂછપરછ કરશે." એની વાતમાં રીતસરના અહીંથી ભાગવાના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યાં બાકી બંસરી જાણે જ છે કે ઘરે મોડે જવામાં પ્રિન્સી નંબર વન હોય, એને કોઈ ટોકે પણ નહિ ઘરે, પણ બંસરી એવું જ ઈચ્છતી હોવાથી કંઈ બોલી નહીં એટલે બધાં છૂટા પડી ગયાં.

બંસરી હવે આહના કયાં મળશે એ માટે જોવા લાગી. શૉ બાદ એ ક્યાંય ન દેખાતા એણે ત્યાં અંદરની એક વ્યક્તિને પૂછ્યું. એણે કહ્યું કે મેમ તો એમની ટીમ સાથે ત્યાં પાછળની બાજુએ રૂમ છે ત્યાં છે પણ એમને મળવાની એમ કોઈને પરમિશન નહીં મળે કારણ કે આવી રીતે સ્ટાર્સને મળવા માટે કેટલાય લોકો કહેતા હોય છે.

"પણ એની ખાસ ફ્રેન્ડ છું મારે એને મળવું બહું જરૂરી છે પ્લીઝ કંઈ થતું હોય તો કરો ને."બંસરીએ રિકવેસ્ટ કરી.

"મેમ જો તમે એના ફ્રેન્ડ જ હોવ તો ડાયરેક્ટ ફોન કરીને વાત કરી લો ને." એ વ્યક્તિ જોકે એની રીતે બરાબર જ છે કારણ કે આવાં કેટલાય લોકો ખોટું બોલીને આવતાં હોય.

"પણ એ જ તો તકલીફ છે એનો નંબર ફોરવર્ડ બતાવી રહ્યો છે. જુઓ આ કહીને એણે વોટ્સએપમાં સેવ એનો નંબર અને પ્રોફાઈલ પિક બતાવ્યું. પ્લીઝ એકવાર મને એ તરફ લઇ જઇને ફક્ત તમે ત્યાં જઇને મારું નામ કહેજો એ ના કહેશે તો હું જતી રહીશ." બંસરીની બહુ રિક્વેસ્ટ પછી એ વ્યક્તિ માન્યો અને એ હકારાત્મક આશા સાથે એની પાછળ પાછળ ચાલવા લાગી.

પ્રિન્સી એન્ડ ત્રિપુટી શું કરી રહી હશે? એ લોકોને બંસરીનું આટલાં સમય પછી મળવું કેમ પસંદ નહીં પડ્યું હોય? આહના અને અનમોલ ખરેખર અલગ થઈ ગયાં હશે? બંસરી આહનાને મળી શકશે? આહનાનુ શું રિએક્શન હશે? જાણવા માટે વાંચતા રહો, શ્વાસ અધૂરાં તુજ વિના - ૩