Swas Adhura tuj vina - 1 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | શ્વાસ અધૂરાં તુજ વિના - 1

Featured Books
Categories
Share

શ્વાસ અધૂરાં તુજ વિના - 1

પ્રકરણ - ૧

સાજનાં સાતેક વાગ્યાનો સમય છે. શહેર જાણે આખા દિવસનો થાક ઉતારવા હવે ઘરે પહોચવા થનગની રહ્યું હોય એમ ઠેર ઠેર ટ્રાફિકનો ચક્કાજામ થઈ ગયો છે. આમ તો ઉનાળાનાં દિવસો હોવાથી અંધકાર એટલું તો નથી, છતાં શહેરી જનતા ઉજાશ વિના જરાય ન રહી શકે એમ ચારેકોર લાઈટો શરું થઈ ગઈ છે. આ લાઈટો માત્ર લાઈટ્સ નથી પણ ઝગમગતી લાઈટોની સાથે, કોઈનાં જીવનનાં સૂર્યોદયની એક નાનકડી ઝાંખી છે.

ટાઉનહોલની બહાર એ ટિકીટ કાઉન્ટર પર એ 'લાઈવ શો વિથ સુપરસ્ટાર આહના' માટે લાંબી લાઈન લાગી છે. અચાનક પોતાની ફોર વ્હીલર લઈને જતી બંસરીની નજર ટાઉનહોલની અંદર રહેલી ભીડની તરફ ગઈ. આમ તો કદાચ ઉભા રહેવાનો સમય ન હોય પણ ટ્રાફિક સિગ્નલ એ એવી બનાવી દીધું છે કે એમાં સગા બાપનું પણ ન ચાલે અને બંસરીને ઉભી રહેવા મજબૂર કરી દીધી. જોકે ટાઉનહોલની બહાર આમ પણ રોજ માટે એટલી લાઈન હોય જ પણ આજે કંઈ વધારે જ ઉભરાતી દેખાઈ રહી છે.

અજાણતા જ બંસરીનુ ધ્યાન એ ત્યાં ટિકીટ બારીની થોડી બહારની બાજુએ ઉપરની તરફ રહેલાં પોસ્ટર પર પડી. બે મિનિટ એની નજર ચોટી ગઈ. એ બોલી, "આહના! આ તો અમારી જ આહના! છેક આટલે સુધી?"

એનાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ. વાહ! આહનાનો લાઈવ શો હોય અને બંસરી ન જાય? મારાં જ શહેરમાં આટલું બધું થઈ રહ્યું છે અને મને ખબર સુદ્ધાં નથી? લાવ ફોન કરી જોઉં વિચારીને તરત જ ફોન લગાડ્યો પણ આહનાનો ફોન તો કંઈ ફોરવર્ડ બતાવે છે અને ફોરવર્ડ નંબર પર કોઈ ઉપાડતુ નથી.

બીજી જ ક્ષણે પોતાનાં માથાં પર ટપલી મારતાં બોલી, "અરે બંસરી તું પણ શું બુદ્ધુ જ છે આહના નવરી થોડી હશે અત્યારે? અને આહના હોય કે અનમોલ શું ફેર પડે? ફોરવર્ડ નંબર ન ઉપડે તો તારી પાસે અનમોલનો નંબર તો છે જ એને ફોન કર એટલે રજેરજની માહિતી મળી જશે. બે સાથે જ હોય ને." એમ વિચારતા જ એણે અનમોલનો ફોન ડાયલ કર્યો.

આખી ફોનની રીંગ વાગી પણ ફોન તો ઉપડ્યો નહીં. બંસરી વિચારવા લાગી કે કદાચ રેડી થવામાં વ્યસ્ત હશે બેય લવલી કપલ. કંઈ નહીં કાલે વાત કરીશ પણ મારે તો પાછું કાલે જવાનું છે. એક કામ કરું? આઈડિયા! કહેતી એણે સિગ્નલ ખુલતાં જ ગાડીને સાઈડમાં પાર્ક કરી. ફટાફટ ગાડીમાંથી ઉતરી અને ટિકીટ વિન્ડો પાસે જઈને ઉભી રહી.

નોર્મલ ટિકીટનો ત્રણસો ભાવ હતો પણ ત્યાં જ અનાઉન્સમેન્ટ થયું કે હવે માત્ર થોડી સીટ્સ બાકી છે એ પાંચસો થઈ ગયો છે જેને ઉભાં રહેવું હોય એ લાઈનમાં ઊભા રહે બાકી કાલની ટિકીટ સવારે મળશે.

બંસરી વિચારવા લાગી હાશ! હવે ભાવ વધતાં લાઈન તો ઓછી થઈ જશે તો ટિકીટ ફટાફટ મળી જશે પણ એની નવાઈ વચ્ચે એની આગળ રહેલા દસ બાર જણામાથી એક વ્યક્તિ સિવાય કોઈ હલ્યુ પણ નહીં. એને નવાઈ લાગી. દસેક મિનિટ પછી લાગ્યું કે હવે આમ તો કંઈ મેળ પડશે નહીં અને શો બે કલાકમાં તો સ્ટાર્ટ થશે એને ઘરે જઈને પાછું આવવું પડશે હજુ એમ વિચારીને એણે સાઈડમાં એક વ્યક્તિને પકડ્યો અને બ્લેકમાં ટિકીટ માટે વાત કરી.

પહેલા તો ના જ આવી પણ થોડું આમતેમ કરતાં આખરે એક હજારમાં એને એ ટિકીટ મળી અને એ ખુશ થઈને ત્યાંથી બહાર આવી ત્યાં જ સામેથી અનમોલનો ફોન આવ્યો.

ફોન ઉપડતાં જ એકદમ સહજતાથી અનમોલ બોલ્યો, "કોણ?"

"અરે વાહ! મોટાં માણસો થઈ ગયાં એટલે અવાજ પણ ઓળખતાં નથી? કે પછી હવે સમય નથી એટલે?" બંસરી ખુશમિજાજ રીતે બોલી.

"રિઅલી સોરી, પણ હું આપને ઓળખી ન શક્યો અને મોબાઈલ બદલાઈ ગયો હોવાથી કોન્ટેક્ટ બધાં ડીલીટ થઈ ગયાં છે એટલે પ્લીઝ આપનું શુભ નામ કહેશો?" અનમોલનો એકદમ થાકેલો અને નિરસ અવાજ આવ્યો.

"ઓકે બાપા. હું બંસરી. અહીં આહનાના લાઈવ શો માટે કેટલી લાઈનો છે અને તારો આવો અવાજ? એ ક્યાં છે તૈયાર થાય છે કે શું? પણ એની સાથે તું કેમ નથી? તમે બે તો પડછાયાની જેમ પોસ્ટરમાં સાથે જ હોવા જોઈને ને? કંઈ નહીં એનીવે બીજાં પોસ્ટરમાં સાથે જોઈશ પણ પ્લીઝ મને એની સાથે વાત કરાવને?" બંસરી એકદમ ઉત્સાહથી બોલી.

"મને કંઈ ખબર નથી એ ક્યાં છે હું તો ઓફિસમાં કામ કરું છું. હું અત્યારે બહું કામમાં ફસાયેલો છું, સોરી પણ તને એની સાથે વાત કરવી હોય તો એને જ ડાયરેક્ટ ફોન કરીને વાત કરી લે અને એનો નંબર મારી પાસે નથી. મારી સાથે વાત કરવી હોય તો કર બાકી..." અનમોલ સ્પષ્ટતા કરતો બોલ્યો.

બંસરીને તો જાણે એક ઝાટકો લાગ્યો હોય એમ અનુભવાયું. આહના અને અનમોલ સાથે નથી? એ કંઈ સપનું તો નથી જોઈ રહી ને? સપનામાં પણ જાણે બંનેને અલગ જોઈ શકતી નથી તો હકીકતમાં?

સ્કુલથી માંડીને, કોલેજ, કરિયર એકેડમી, પ્રેમ , એકબીજાનો પડછાયો, લગ્ન સુધીની વેદી, બધું એક ઝાટકે એની નજર સમક્ષ કોઈ ચક્રવાતની માફક ઘુમરાતુ પસાર થતું દેખાવા લાગ્યું. એ તો એકદમ બઘવાઈ ગઈ કે હવે શું પૂછવું વધારે.

બંસરીને આગળ શું પૂછવું એ એને ખબર ન પડી. એ ફક્ત એટલું જ બોલી, "તું અત્યારે ક્યાં છે?"

"બરોડા. કંપનીની ઓફિસમાં." અનમોલ એટલું જ બોલ્યો.

"પણ તું અને જોબ, ઓફિસ? મને ખરેખર કંઈ સમજાતું નથી. ઠીક છે તું કામમાં હોય તો પછી વાત કરીશ. બાય ટેક કેર." કહીને બંસરીએ ફોન મૂકી દીધો. બે મિનિટ તો એ વિચારતી જ રહી પણ પછી હવે માત્ર વિચારવાથી કંઈ નહીં થાય એમ વિચારતી એ મનોમન જાણે પોતે જ બધું અનુભવતી હોય એમ બોલી, "હવે તો કોઈ પણ સંજોગોમાં આ શૉ મારે જોવો જ રહ્યો." એમ બોલતી ફટાફટ ગાડીમાં બેસીને એણે ઘર તરફ જવા ગાડી ભગાવી દીધી.

***********

એક સ્ટુડિયોના મેકઅપ રૂમમાં અરીસા સામે ગોઠવાયેલી એક સુંદર છોકરીને બે આર્ટીસ્ટ ચહેરા પર આખરી ઓપ આપવાનો પ્રયત્ન કરી રહી છે ત્યાં જ એ છોકરી બોલી,"પ્લીઝ મેમ હવે વધારે નહીં. બહુ ઓવર લાગશે. મને એની આદત નથી."

"મેમ આદત નથી પણ હવે પાડવી પડશે, સિમ્પલ પાર્ટી કે ફંક્શન હોય તો ઠીક છે પણ આ તો તમારો પોતાનો શો છે, લાઈવ શૉ.. એમાં કોઈ એડિટિંગ ન હોય કે પાછળથી કોઈ લુકમાં ગેટ અપ આપી શકે. એ તો ત્યાં એટલાં લોકોની વચ્ચે કંઈ દેખાશે પણ નહીં. આ તો તમે હજુ સુધીમાં દસવાર કહી ચૂક્યાં છો એટલે અમે આટલું લાઈટ કર્યુ છે બાકી તો આનાથી પણ વધારે બ્રાઈટનેસની જરુંર છે." એક આર્ટીસ્ટ આહનાને સમજાવતાં બોલી.

"તમે તમારી રીતે બરાબર છો મેડમ પણ કોણ જાણે મને હવે આ બધું ઓછું પસંદ આવે છે, આમ પણ કાળાધોળાથી શું ફેર પડે? આપણામાં ટેલેન્ટ હોવું જોઈએ, બાકી તો એવું જ હોત તો રૂપાળાં ચહેરાવાળા સૌ સુખની દુનિયામાં જ રાજ કરતાં હોત!" કહેતા આહનાના ચહેરા પર મનોમન દુઃખના ભાવ ઉપસી આવ્યાં.

"સોરી મેમ અમે તો જસ્ટ કહ્યું, બાકી તમે તો એમય સિમ્પલ લુકમાં પણ ગોર્જિયસ જ લાગો છો. એની વે બસ આજનું તો ફિનિશ થઈ ગયુ છે સમય મુજબ. નાઉ યુ કેન ગો. ઓલ ધ બેસ્ટ ફોર યોર શો." કહીને બંને આર્ટીસ્ટ પોતાનો સામાન પેક કરવા લાગ્યાં અને આહના કોઈ ચહેરાને મનોમન યાદ કરતી દ્વિધામાં ગરકાવ બની ગઈ.

**********

બંસરી આખરે ગાડી ચલાવીને ફટાફટ ઘરે પહોંચી. એણે પોતાનાં રૂમમાં શોપિંગ કરીને લાવેલી વસ્તુઓ મૂકી અને બોલી,"મમ્મી ડિનર માટે મારી રાહ ન જોતી. હું બહાર જાઉં છું. મારું પેકિંગ પણ આવીને જ કરીશ."

"પણ તું તો કહેતી હતી ને કે સાજે આવીને તું ફ્રી છે. બસ આ છેલ્લી થોડી શોપિંગ કરીને આવું એટલે પછી આપણે શાંતિથી પેકિંગ કરતાં કરતાં વાતો કરીશું. પછી આવતી કાલે તો તું પાછી જવાની છે જયપુર તો?" બંસરીની મમ્મી સ્વાતિબેન સહેજ નિરાશ થતાં બોલ્યાં.

"હા મોમ, પ્લાન તો એવો જ હતો પણ અચાનક રસ્તામાં બધું બદલાઈ ગયું. તું મારી ફ્રેન્ડ આહનાને ઓળખે ને?" બંસરી આટલું બોલી ત્યાં જ સ્વાતિબેન બોલ્યાં,"હા જે બહું સરસ ગાય છે અને ડાન્સ પણ એટલો સરસ કરે છે. અને પેલું નામ શું અનમોલ જ ને? બે એકદમ હટકે બ્યુટિફુલ કપલ એ અનમોલ પણ સંગીત અને ડાન્સનો બેતાજ બાદશાહ કહેવાતો એ જ ને? જેમણે લગભગ એક દોઢ વર્ષ પહેલાં જ મેરેજ કરેલાં, એ જ ને? કેમ અહીં આવ્યાં છે એ લોકો?"

"હા હા એ જ. એ આહનાનો આજે ટાઉનહોલમાં લાઈવ શો છે એ જોવા જાઉં છું." બંસરી બોલી.

"તો તો પછી બાર વાગજો વહેલાં. શો પતશે પણ તમારી પાર્ટી અને વાતો પૂરી નહીં થાય. બાકી બધાં ફ્રેન્ડસ પણ આવ્યા હશે ને? દિપ, સંવેગ, પ્રિન્સી બધાં પણ?" સ્વાતિબેન બોલ્યાં.

"ના મમ્મી, બીજા કોઈની ખબર નથી કે શું છે પણ આ શોમાં ફક્ત આહના છે અનમોલ પણ નથી." કહીને બંસરીએ આજે એને જે ખબર પડી એની બધી વાત કરી. સ્વાતિબેન તો નવાઈ પામી ગયાં કે આહના અને અનમોલ સાથે નથી? આવું વિચારવું પણ અશક્ય છે તો એમનું રહેવું તો?

"હા એજ બસ એટલે જ હું આ શૉ જોવા ખાસ જવાની છું. બસ એનાથી મને કંઈ મળવાનું નથી પણ એ બંને સાથે એટલી સારી ફ્રેન્ડશીપ અને લગાવ છે કે મને એમની અંગત લાઈફ વિશેની સચ્ચાઈ જાણ્યા વિના આમ ચેન નહીં પડે." બંસરી બોલી.

"આમ તો મને તારું આજે જવાનું થોડું ઓછું ગમ્યું હતું પણ હવે આવી વાત છે તો હું તને રોકીશ નહીં." કહેતાં બંસરીએ થેન્ક્યુ મમ્મી કહ્યું અને ફટાફટ થોડો નાસ્તો કરીને એ શૉ માટે જવા તૈયાર થઈ ગઈ.

શું થયું હશે આહનાને? એ કેમ દુઃખી હશે? બંસરીના મત મુજબ ક્યુટ લવલી કપલ આહના અને અનમોલ કેમ અલગ અલગ છે? બંસરી કોણ છે? શું એ એમની વચ્ચેના રાઝને એ જાણી શકશે? જાણવા માટે વાંચતા રહો, શ્વાસ અધૂરાં તુજ વિના - ૨