આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૫
દિયાન અને હેવાલી એકબીજાની સામે એ રીતે જોઇ રહ્યા હતા કે પહેલાં કોણ જવાબ આપશે?
મેવાનના પ્રશ્નનો દિયાન કે હેવાલી કોઇ જવાબ આપે એ પહેલાં જ શિનામી બોલી:'મેવાન, આપણે હવે એમની કોઇ પરીક્ષા લેવી નથી. આપણે એમની ઇમાનદારી જોઇ અને અનુભવી ચૂક્યા છે. આપણો એક ભૂત તરીકે એમના મનમાં કંઇક ડર જરૂર હશે પણ આપણા પ્રત્યેની એમની પ્રેમની ભાવનામાં મને જરા પણ શંકા રહી નથી. આપણે એમનો જીવ લેવાની કોશિશ કરી ત્યારે એકપણ વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો નથી. ખુશી ખુશી આપણી સાથે ભૂત તરીકે જીવન જીવવા તૈયાર થઇ ગયા હતા. બલ્કે આપણે એમનો જીવ લઇ જ લીધો છે એવું એમને લાગ્યું હતું. આપણે વધારે પડતી એમની પરીક્ષા લઇ લીધી છે...'
'તમે અમારો જીવ કેમ ના લીધો? અમે તમારી સાથે ભૂત બની ગયા હોત તો જન્મોજનમનો સાથ કોઇપણ રૂપમાં ચાલુ રહ્યો હોત ને?' હેવાલીના મનમાં ઘણા પ્રશ્નો રમતા હતા એમાંથી એકની તક મળી ગઇ હતી.
'હેવાલી, અમે તમારો જીવ લઇ લીધો હોત એ પછી તમે અમારી જેમ ભૂત- પ્રેત બન્યા હોત એમ પાકા પાયા પર કહી શકાય નહીં. અમે આ બાબતે ઘણી ચર્ચા કરી હતી. અને આપણું જ ઉદાહરણ અમારી સામે હતું. તમે બંને માનવ રૂપમાં પુનર્જન્મ પામ્યા હતા જ્યારે અમે ભૂતના રૂપમાં ભટકવા લાગ્યા હતા. આપણે એકબીજાને પ્રેમ કરતા જ હતા. એટલે માત્ર પ્રેમ કરતા હોવાથી માનવ જન્મ પૂરો થયા પછી ભૂત જ બની જવાય એ નક્કી નથી હોતું. દરેકને એના કર્મોના હિસાબ મુજબ જન્મ મળે છે એવું અમારું માનવું હતું. જો તમારો નવો જન્મ ભૂતના રૂપમાં ના થાય તો અમે તમને મળી શકવાના ન હતા. અને બીજા કોઇ રૂપમાં જન્મ થાય તો તમે સાથે રહી શકવાના ન હતા. એક સારસ બેલડી જેવી જોડી તોડવાનું પાપ અમે કરવા માગતા ન હતા. આમ કરવાથી કોઇને લાભ ન હતો. કેમકે અમે એકબીજાને પ્રેમ કરી જ રહ્યા હતા. બસ અમે તમારો પ્રેમ જ જોઇ રહ્યા હતા.' શિનામી દિયાન અને હેવાલીથી અભિભૂત થઇને બોલી રહી હતી.
'હા, અમને હવે અફસોસ થાય છે કે અમારે તમારી આવી પરીક્ષાઓ લેવાની જરૂર ન હતી. બલ્કે અમારે ગયા જન્મના સાથીઓને સતાવવાની જરૂર ન હતી...' મેવાનના સ્વરમાં દુ:ખ છલકાતું હતું.
'હવે પછીનું તમારું શું આયોજન છે?' દિયાનને એ વાત જાણવી હતી કે આ બંને ભૂતનું અને પોતાનું ભવિષ્ય શું હશે?
'અમે બંને આપની રજા લઇશું. અને ક્યારેય મળીશું નહીં. અમે તમારા મનોજગતમાં પણ લટાર મારીશું નહીં. અમમે તમારા બંને માટે માન છે. માનવીઓ પાસેથી અમને પ્રેમ જ પ્રેમ મળ્યો છે. અમે હવે પછી કોઇ માનવીને મળીશું નહીં. એમને કોઇ હાનિ થાય એવું કંઇ કરીશું નહીં. આ સાથે તમારી માફી માગીએ છીએ કે તમારા સુખી જીવનમાં અમે ખલેલ પહોંચાડી. તમારો પરિવાર પણ આ કારણે અસરગ્રસ્ત થયો હશે. એ બધાંની અમે માફી માગીએ છીએ...' મેવાન બે હાથ જોડીને બોલ્યો.
'હું પણ માફી માંગું છું કે ખોટી રીતે પ્રેમમાં હોવાનું નાટક કરીને તમારા દિલને એકબીજાથી દૂર કર્યા. અમને ભૂત સ્વરૂપમાં મળ્યા પછી પ્રેમ થયો હતો. જો અમને આ રીતે કોઇએ અલગ થવા માટે દબાણ કર્યું હોત તો કદાચ માત્ર ડરને કારણે અલગ થવા તૈયાર થયા હોત પણ તમારા જેવો સમર્પિત પ્રેમ બતાવી શક્યા ના હોત...' શિનામીએ પણ બે હાથ જોડી ઝુકીને માફી માગી.
દિયાનના રૂમમાં એક અજીબ માહોલ રચાયો હતો. બે ભૂત બે માનવીઓના પ્રેમ પર ઓળઘોળ થઇ રહ્યા હતા. થોડીવાર સુધી કોઇ કંઇ બોલ્યું નહીં.
મેવાને શિનામીને કહ્યું:'તું બાજુના રૂમમાં હેવાલી સાથે બેસ...'
હેવાલી અને શિનામી બાજુના રૂમમાં ગયા એ પછી મેવાન અને દિયાન એકલા પડ્યા.
એક મિનિટ પછી મેવાન અને શિનામી ગાયબ થઇ ગયા.
હેવાલી દોડીને દિયાનના રૂમમાં આવી અને હેતથી ભેટી પડી. દિયાને એને પોતાની બાથમાં કસકસાવીને ચુંબનોથી નવરાવી દીધી. બે પ્રેમીઓનું એક અદભૂત મિલન દ્રશ્ય સર્જાયું. બંને જાણે એકબીજાથી જન્મોજનમ માટે છૂટા પડવા માગતા ન હોય એમ ભેટીને જ ઊભા રહ્યા.
થોડીવાર પછી બંને અળગા થયા. હેવાલી કહે:'તને મેવાને અને મને શિનામીએ શું કહ્યું એની વાત પછી કરેશું. પહેલાં મમ્મી-પપ્પાને આપણે આ ખુશ ખબર આપીએ કે અમે પાછા એક થઇ ગયા છે...'
દિયાને મૂંઝવણ વ્યક્ત કરી:'એ પૂછશે કે હેવાલી અચાનક કેવી રીતે આવી તો શું જવાબ આપીશું?'
'જે હકીકત હતી એ જણાવી દઇશું. હવે એમનાથી શું છુપાવવાનું...' હેવાલી હવે નિશ્ચિંત બની હતી.
બંને સુલુબેન અને દિનકરભાઇના રૂમમાં જઇને એમની સામે સજોડે હાથ જોડીને ઊભા હતા ત્યારે એમના ચહેરા પર ખુશી છલકાતી હતી.
'પપ્પા, અમને માફ કરો...' દિયાને પગે લાગતાં કહ્યું.
'તમે કોઇ ગુનો કર્યો જ નથી તો પછી માફી શેની માંગો છો?' દિનકરભાઇએ સવાલ કર્યો.
'પપ્પા, અમે અલગ થવાનો નિર્ણય અકળ સંજોગોમાં કર્યો હતો એની માફી માગીએ છીએ. અમે તમારું દિલ દુભાવ્યું છે...' હેવાલીએ નીચી નજરે માફી માગતાં કહ્યું.
'બેટા, કોઇએ માફી માગવાની જરૂર નથી... અમને બધી ખબર હતી...' દિનકરભાઇ મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા.
'તો શું મેવાન અને શિનામીએ અમને રહસ્ય ખોલતાં પહેલાં તમને બધી વાત કરી દીધી છે? તમે પણ એમની પરીક્ષામાં સામેલ હતા?' દિયાન ચમકીને પૂછવા લાગ્યો.
'...કે એ બંને ભૂત અમારા પછી તમને વાત કરીને અહીંથી ગયા છે?' હેવાલીએ પણ તર્ક કરી જાણવાની ઉત્સુક્તા દર્શાવી.
ક્રમશ: