(ભાગ-૧)
તા.૧૦/૦૫/૨૦૨૧
શહેરથી થોડે દુર આવેલા હોલીડે-ઈન રિસોર્ટમાં થોડાં દિવસોથી ફરવા માટે આવેલા લોકોની ચહલ-પહલ ઘણી હતી. કોરોનાનાં સમયમાં ઘરે જ રહીને કંટાળેલા ઘણાં લોકો કોરોનાની લહેર હળવી પડતાં જ ફરવા માટે તથા રિલેક્સ થવા માટે જુદી જુદી જગ્યાઓએ નીકળી પડ્યા હતા.
લોકોનાં ફરવા માટે આવવાથી કોરોનાકાળમાં સાવ મૃતઃપાય બની ગયેલા રિસોર્ટો અને હોટેલોનો આત્મા ફરી પાછો જોરશોરથી ધબકવા લાગ્યો હતો! થોડાં દિવસો સાવ નવરાધૂપ બનીને બેસી રહેલાં હોટેલોનાં સ્ટાફને પણ ઓવરટાઈમની કામગીરી કરવી પડતી હતી. હોલીડે-ઈન રિસોર્ટમાં પણ રજા માણવા આવેલા લોકોનો આવો જ ઘસારો હતો.
રિસોર્ટમાં રૂમસર્વિસ આપનારાંઓ તથા રૂમની સાફસફાઈ કરનારાં ક્લિનરો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતા. સૌથી નીચેનાં માળ ગ્રાઉન્ડ ફ્લોરની સાફસફાઈનું કામ સંભાળતાં રૂમ ક્લિનરબોય કેયુર એક પછી એક રૂમની સફાઈ કરીને આગળ વધી રહ્યો હતો. રૂમ નં.૧૬ પાસે પહોંચીને બેલ મારતાં કોઈએ બારણું ખોલ્યું નહતું. થોડીવાર સુધી રાહ જોયા પછી કોઈએ બારણું ના ખોલતાં એ આગળ બીજા રૂમોની સાફસફાઈ કરવા વધી ગયો હતો અને પોણા કલાક પછી ફરી પાછો રૂમ નં.૧૬ પાસે આવ્યો હતો અને આ વખતે એણે બે-ત્રણ વખત બેલ મારી હતી.
થોડીવાર સુધી રાહ જોવા છતાંય કોઈએ બારણું ના ખોલતા ક્લિનરબોય કેયુર ત્યાંથી જતો રહ્યો હતો અને રિસોર્ટનાં મેનેજમેન્ટનું કામ સંભાળતા મેનેજર પ્રદીપને રૂમ નંબર-૧૬ વિશે જાણ કરી હતી.
કેયુરની વાત સાંભળીને મેનેજર પ્રદીપે કહ્યું હતું કે, "કદાચ એ લોકો વહેલી સવારે જ નજીકમાં બીજે કશે ફરવા જતા રહ્યાં હશે. તું સાંજે આવીને એ રૂમની સાફસફાઈ કરી નાખજે."
"ભલે." કહીને કેયુરે ત્યાંથી રજા લીધી હતી અને છેક સાંજના સમયે પાછો રૂમ નં.૧૬ની સાફસફાઈ કરવા આવ્યો હતો.
આ વખતે પણ બે-ત્રણ વાર બેલ મારતાં કોઈએ બારણું ખોલ્યું નહતું કે કોઈ જવાબ પણ આપ્યો નહતો. ફરી પાછા મેનેજર પ્રદીપ પાસે જઈને કેયુરે રૂમ નંબર-૧૬ બંધ હોવાની વાત કરી હતી.
પ્રદીપે કેયૂરને કહ્યું કે, "કદાચ એ લોકો રાત્રે મોડેકથી પણ આવવાના હોય, તો આવતીકાલે સાફસફાઈ કરી નાખજે."
* * * * * * * * * * * * *
તા. ૧૧/૦૫/૨૦૨૧
બીજા દિવસે ફરી પાછો સવારથી જ રિસોર્ટનો સ્ટાફ રાબેતા મુજબ કામે વળગી ગયો હતો. રૂમની સાફસફાઈ કરતો ક્લિનરબોય કેયુર પણ એક પછી એક બધા રૂમની સાફસફાઈ કરીને આગળ વધી રહ્યો હતો. રૂમ નં.૧૬ પાસે પહોંચીને બે-ત્રણ વખત બેલ મારતાં આ વખતે પણ કોઈએ બારણું ખોલ્યું નહતું. આ વખતે કેયુરે બાકીનાં બીજા રૂમોની સાફસફાઈ પડતી મૂકીને ત્યારેને ત્યારે જ મેનેજર પ્રદીપને આ બાબતની જાણ કરી હતી.
પ્રદીપને પણ થોડીક શંકા જતા એણે રિસેપ્શન પર જઈને બુકિંગનાં ચોપડામાં એ રૂમ રાખનાર વ્યક્તિનું નામ અને એની ગાડીની માહિતી મેળવી હતી. રૂમ નં.૧૬માં ઉતરનાર વ્યક્તિનું નામ રાજેશ શાહ હતું અને એ એની પત્ની રોશની સાથે અહીં રજાઓ ગાળવા આવ્યો હતો.
પ્રદીપે તરત જ રજીસ્ટરમાં થયેલી એન્ટ્રી જોઈને સ્ટાફનાં એક માણસને પાર્કિંગમાં રાજેશની ગાડીનું મોડેલ અને ગાડીનાં નંબર આપીને તપાસ કરવા મોકલી દીધો. પેલાએ થોડીવારમાં જ આવીને કહ્યું કે, "એ ગાડી તો પાર્કિંગમાં જ પડી છે!"
'એટલે કે એ લોકો ક્યાંય ગયા નથી.' એવું સ્વગત બબડતાં મેનેજર પ્રદીપે રિસોર્ટનાં માલિકને તરત જ જાણ કરી હતી. થોડીવારમાં જ રિસોર્ટનાં મૂળમાલિક ચંદ્રકાન્ત પટેલ આવી પહોંચ્યા હતા અને બધી વાત સાંભળીને પ્રદીપ સાથે રૂમ નં.૧૬ પાસે ગયા હતા અને ઉપરાછાપરી ઘણી બેલો મારી હતી. ઘણાં પ્રયત્નો છતાંય કોઈએ રૂમ નહીં ખોલતાં ચંદ્રકાન્ત પટેલે માસ્ટર-કીથી રૂમ નં.૧૬ ખોલાવ્યો હતો.
જેવો પ્રદીપે માસ્ટર-કી વડે રૂમ નં.૧૬ ખોલ્યો કે અંદરનું દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલાં સૌ કોઈ આઘાતનાં માર્યા હેબતાઈ જ ગયા હતા. રૂમની અંદર રાજેશ અને એની પત્ની રોશનીની લાશ પડી હતી!
ગભરાઈ ગયેલાં પ્રદીપે ધડકતાં હૃદયે ધીમે-ધીમે બંને લાશની નજીક જઈને નાક પાસે આંગળી મૂકીને શ્વાસ ચેક કર્યા હતા, પરંતુ બંને મૃત જ માલુમ પડ્યા હતા. અકળ કારણોસર બંનેએ આત્મહત્યા કરી લીધી હતી, એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
રિસોર્ટનાં માલિક ચંદ્રકાન્ત પટેલે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ શહેરનાં પોલીસ સ્ટેશને ફોન કરીને ઘટનાની માહિતી આપી દીધી હતી અને પોલીસની સૂચના મુજબ રૂમમાં કશુંય અડ્યા વગર તરત જ એ રૂમને બંધ કરી દીધો હતો. ધીમે ધીમે આખાય રિસોર્ટમાં રૂમ નં.૧૬માં દંપતીએ કરેલાં આપઘાતની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી.
* * * * * * * * * * * *
અરધા કલાક પછી ઇન્સ્પેક્ટર સૂર્યા એની પૂરી ટીમ સાથે આવી પહોંચ્યો હતો અને રિસોર્ટનાં માલિક ચંદ્રકાન્ત પટેલને મળીને આવતાવેંત જ પોતાની રીતે તપાસ શરું કરી દીધી હતી. ઇન્સ્પેકટર સૂર્યા નખશિખ પ્રામાણિક અને એકદમ બાહોશ અધિકારી હતો. રૂમ ખોલાવીને અંદર જતાંવેંત જ એની બાજનજર આખા રૂમમાં ફરી વળી હતી.
અંદર જઈને સૂર્યાએ તરત જ નોંધ્યું હતું કે, મૃતક રાજેશ આરામખુરશીમાં લંબાયેલો પડ્યો હતો, જયારે એની પત્ની રોશનીની લાશ પલંગ ઉપર પડી હતી. બંનેનાં મોઢામાંથી ફીણ નીકળીને સુકાઈ ગયા હતા. રૂમની બારી બંધ હતી અને લાઈટ-પંખો બંને ચાલુ હતા. બંને જીમનાં ટ્રેકિંગ સૂટ પહેરેલા હતા. બારી પાસે રહેલાં ટેબલ પર પાણીનાં બે થોડાંક જ ભરેલાં ગ્લાસ અને પાણીની એક અર્ધી બોટલ પણ ભરેલી પડી હતી.
રૂમનાં દરવાજા પાસે ખૂણામાં નીચે ઝેરની એક શીશી પણ પડી હતી. સૂર્યાએ બંને મૃતકનાં મોં પાસે જઈને કશુંક સુંઘ્યુ હતું અને ઝેરથી થયેલા મોતની ખાતરી કરી હતી.
બિલોરીકાચની જેમ નિરીક્ષણ કરી રહેલાં સૂર્યાએ બહાર ઉભા રહેલાં ચંદ્રકાન્ત પટેલ અને મેનેજર પ્રદીપને પૂછ્યું હતું કે, "જયારે તમે રૂમ ખોલ્યો ત્યારે લાઈટ-પંખો ચાલુ હતા?"
"હા." બંનેએ એકીસાથે જવાબ આપતાં કહ્યું.
"અંદરની એકપણ વસ્તુને કોઈ અડ્યું છે?"
"ના." બહારથી જવાબ મળ્યો.
"રૂમમાંથી કશુંય ચોરાયું હોય એવું તમને કશુંય લાગે છે?"
"ના સર..!"
સૂર્યાએ જોયું કે કબાટમાં પણ બધું જેમનું તેમ જ હતું.
ઇન્સ્પેક્ટર સૂર્યાની ટીમનો ફોટોગ્રાફર જુદા જુદા એન્ગલેથી રૂમની બધી વસ્તુઓનાં તથા ડેડબોડીનાં ફોટાં પાડી રહ્યો હતો અને સૂર્યા પોતાની આદતવશ મનોમન નોંધેલી વિગતોને પોતાની નાની ડાયરીમાં ટપકાવી રહ્યો હતો.
સૂર્યાનું નિરીક્ષણ જોઈને કોન્સ્ટેબલ રઘુએ કહ્યું કે, "સર, શામાટે આટલી માથાફોડી કરો છો? ઓપન એન્ડ શટ સ્યુસાઇડનો જ કેસ છે. કાગળિયા કરો અને ફાઈલ બંધ કરો."
રઘુની વાત સાંભળીને સૂર્યાએ હસતાં હસતાં કહ્યું કે, "રઘુ, એ તો મને પણ દેખાય છે. પરંતુ, આ બંનેએ સ્યુસાઇડ કર્યું શા માટે? એ જાણવું પણ જરૂરી તો છે ને..!"
સૂર્યા રૂમમાં આમતેમ જોઈને કશુંક શોધી રહ્યો હતો. એ જોઈને રઘુએ મજાક કરતાં ફરી પૂછ્યું હતું કે, "સર, સ્યુસાઈડનું કારણ શોધો છો?"
"હા, શું તને રૂમમાં કયાંયથી પણ કોઈ સ્યુસાઇડ નોટ મળી છે?" કહેતાં વેધક નજરે સૂર્યાએ રઘુ બાજુ જોયું હતું.
ક્ષોભ પામેલાં રઘુએ માથું ખંજવાળતાં ખંજવાળતાં નકારમાં ડોકું ધુણાવ્યું હતું અને રૂમની બહાર પૂછપરછ કરવા નીકળી ગયો હતો.
આખાય રૂમમાં નિરીક્ષણ કરીને સૂર્યાએ પોતાનાં રૂમાલથી નીચે પડેલી ઝેરની શીશી હાથમાં લઈને જેમ-તેમ જોઈ અને પ્લાસ્ટિકની બેગમાં નાખીને ફોરેન્સિક લેબ.માં મોકલવાની બીજા એક કોન્સ્ટેબલને સૂચના આપી હતી.
જો સૂર્યાએ ધ્યાનથી એ શીશીને જોઈ હોત તો બનેલી ઘટનાની ઘણી ગૂંચવણ શરૂઆતમાં જ ઉકેલાય ગઈ હોત!
આમથી તેમ રૂમમાં બધુંય નિરીક્ષણ કર્યા પછી સૂર્યાએ રઘુને કહ્યું કે, "કદાચ આ હત્યાનો ગંભીર મામલો છે. મને તો એવું લાગે છે કે કોઈએ સિફતપૂર્વક પ્લાનિંગ કરીને બંનેની હત્યા કરી છે!"
ઇન્સ્પેક્ટર સૂર્યાની હત્યાની વાત સાંભળીને ત્યાં હાજર રહેલાં બધા એક આઘાતભર્યો આંચકો જ ખાઈ ગયા હતા. કોન્સ્ટેબલ રઘુને તો હજુય આપઘાત જ લાગતો હતો, પણ અત્યાર સુધીની કારકિર્દીમાં સૂર્યાનું એક પણ તારણ ખોટું પડ્યું નહતું, એ વાત પણ એ સારી પેઠે જાણતો હતો.
રઘુએ પોતાની કુતુહલતાં સંતોષવા સૂર્યાને પૂછ્યું હતું કે, "સર, રૂમ અંદરથી બંધ હતો, બારી પણ બંધ છે. ઝેરની શીશી પણ પડી છે અને મોઢે ફીણ જોઈને જ લાગે છે કે બંનેનાં મોત ઝેર પીવાને કારણે જ થયા છે. તમને કયા એંગલથી આ હત્યા લાગે છે?"
સૂર્યાએ કોન્સ્ટેબલ રઘુને જવાબ આપતાં કહ્યું કે, "બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી હોય તો આ શીશી ત્યાં ટેબલ પાસે હોવી જોઈએ, એના બદલે છેક દરવાજા પાસે ખુણામાં કેમ છે? મનમાં ઘણી ચિંતા હોય અને પોતાની મરજીથી જ મરવા માટે ઝેર પીધું હોય તો બંનેનાં ચહેરાં પર ચિંતાનાં ભાવ હોય, જયારે અચાનક જ ઝેરની અસર થઈ હોય તો અંદરથી આઘાતનાં જ ભાવ પ્રગટે, જે મરનારનાં ચહેરાં પર આબાદ ઝીલાય જાય. બંને મૃતકનાં ચહેરા પર ચિંતાને બદલે આઘાતનાં ભાવ કેમ છે? બીજું સૌથી મહત્વનું એ કે કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. એકીસાથે આપઘાત કરનારાં પણ સ્યુસાઈડ નોટ તો છોડીને જાય જ!"
સૂર્યાનાં તર્કો એકદમ સચોટ હતા. સૂર્યાની વાત સાંભળીને રઘુની સાથે બીજાઓ પણ ચકરાવે ચડી ગયા હતા.
થોડીવારમાં જરૂરી તમામ વિધિ પતાવીને, એમ્બ્યુલન્સને ફોન કરીને ઇન્સ્પેક્ટર સૂર્યાએ બંને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાવી દીધી હતી અને રૂમ નં.૧૬ને સીલ મરાવી દીધો હતો. સૂર્યાને સ્યુસાઇડ કરતાં બીજું જ કશુંક ભયાનક થયાની અંદરથી લાગણી થતી હતી.
રૂમની બધી તપાસ પતાવીને સૂર્યાએ મેનેજર પ્રદીપની કેબિનમાં બેઠક જમાવીને રિસોર્ટનાં સ્ટાફને તથા આસપાસનાં બીજા રૂમવાળાઓને વધુ પૂછપરછ માટે વારાફરતી બોલાવવાનું નક્કી કર્યું હતું.
સૂર્યાએ સૌથી પહેલાં મેનેજર પ્રદીપ પાસેથી મૃતક રાજેશનાં રૂમ બુક કરાવવા માટે જમા કરાવેલાં ડોક્યુમેન્ટ મંગાવ્યા. પ્રદીપે તરત જ રાજેશે જમા કરાવેલાં આધારકાર્ડની ઝેરોક્ષ સૂર્યાને આપી હતી. સૂર્યાએ આધારકાર્ડમાં રહેલાં સરનામાં ઉપર જઈને મૃતકોનાં પરિવારવાળાઓને ઘટનાની જાણ કરવાની, મૃતકોની વધુ માહિતી મેળવવા માટેની તથા એમનાં ફોનની કોલ-ડિટેઈલ કઢાવવાની કોન્સ્ટેબલ રઘુને તરત જ જરૂરી સૂચનાઓ આપી દીધી હતી.
સૂર્યાની સુચનાઓનું પાલન કરવા રઘુ તરત જ તપાસ માટે નીકળી ગયો. ઇન્સ્પેક્ટર સૂર્યાએ પ્રદીપને પૂછ્યું હતું કે, "આ રાજેશે હોટેલમાં ચેક ઈન ક્યારે કર્યું હતું? શું દંપતી વચ્ચે કોઈ અણબનાવ હતો કે પછી બંને કોઈ ટેંશનમાં લાગતા હતા? બંનેનાં વર્તનમાં કશુંય વિચિત્ર ક્યારેય લાગ્યું હતું?"
પ્રદીપે રજીસ્ટર જોઈને કહ્યું કે, "બે દિવસ પહેલાં નવમી તારીખે સવારે જ રાજેશ એની પત્ની રોશની સાથે અહીં આવ્યો હતો અને ચેકીંગ કરાવ્યું હતું. હું ત્યારે રિસેપ્શન પાસે જ ઉભો હતો અને આવનારાં લોકોનું સ્વાગત કરતો હતો. બંને આવ્યા ત્યારે એકદમ ખુશમીજાજમાં જ હતા. આવીને ફ્રેશ થઈને બંને રિસોર્ટનાં સ્વિમિંગપૂલમાં નહાયા પણ હતા અને બપોરે લંચ લઈને બહાર ફરવા નીકળી ગયા હતા. છેક સાંજે જમવા સમયે પાછા આવ્યા હતા. સાંજે આવ્યા ત્યારે પણ બંને ખુશમીજાજમાં જ દેખાતા હતા!"
"હમમમ..." કહીને સૂર્યાએ સ્ટાફનાં બીજા લોકો તરફ ફરીને પૂછ્યું કે, "શું રાજેશે ફોનમાં વાત કરતી વખતે તણાવમાં આવી ગયો હોય એ રીતે વાત કરી હતી? કે પછી આટલા સમયમાં એ બંનેના વર્તનમાં કોઈને કશુંક અજુગતું જેવું ક્યારેય લાગ્યું હતું?"
હાજર રહેલાં સ્ટાફનાં બધા સભ્યોએ નકારમાં ડોકું ધુણાવ્યું હતું. ત્યાં જ રિસોર્ટનાં રેસ્ટોરન્ટમાં કામ કરતાં એક વેઈટરે કહ્યું હતું કે, "પરમ દિવસે સાંજે રિસોર્ટમાં જ ઉતરેલા બીજા એક વ્યક્તિ સાથે જમવા સમયે મૃતક રાજેશને થોડીક માથાકૂટ થઈ હતી!"
એ સાંભળીને પ્રદીપે કહ્યું કે, "હા સર, રાજેશ જે દિવસે અહીં આવ્યો હતો એ જ દિવસે સાંજે રેસ્ટોરન્ટમાં થોડીક ધમાલ મચી હતી. મને એ બાબતની જાણ કરવામાં આવી ત્યારે હું તરત જ રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. હું પહોંચ્યો એ પહેલાં જ હાજર રહેલાં બીજા લોકોએ અને મારા સ્ટાફનાં સભ્યોએ દરમ્યાનગીરી કરીને બંનેને છૂટા પાડી દીધા હતા. સામેવાળો જોરજોરથી બરાડા પાડીને રાજેશને કહેતો હતો કે, તને તો હું જીવતો નહીં છોડું."
આ બધું સાંભળીને સૂર્યાએ પોતાની ડાયરીમાં કશુંક નોંધ્યું અને પ્રદીપને પૂછ્યું કે, "રાજેશને ઝઘડો જેની સાથે થયો હતો એ વ્યક્તિ અહીંયા રિસોર્ટમાં જ રોકાણો હતો કે બહારથી ફક્ત જમવા માટે જ આવ્યો હતો?"
"હા સર, એ અહીં જ રોકાણો હતો." પ્રદીપે જવાબ આપતાં કહ્યું.
"એ વ્યક્તિને અહીંયા પૂછપરછ માટે બોલાવો."
એ સાંભળીને પ્રદીપે કહ્યું કે, "એ લોકો તો ગઈકાલે જ સવારે ચેકઆઉટ કરીને ચાલ્યા ગયા છે!"
"શું..?" પ્રદીપનો જવાબ સાંભળીને સૂર્યાનાં ભવાં તંગ થઈ ગયા હતા.
"હા સર, એ લોકો ગઈકાલે સવારે જ ચેકઆઉટ કરીને ચાલ્યા ગયા છે." પ્રદીપે રજીસ્ટરમાં જોઈને કહ્યું હતું.
"એ લોકો આવ્યા'તા ક્યારે અને એ લોકોનું બુકીંગ કેટલા દિવસનું હતું?"
"એ લોકો આઠમી તારીખે સવારે જ આવી ગયા હતા અને અગિયારમી તારીખ એટલે કે આજનાં દિવસ સુધીનું બુકીંગ હતું. પરંતુ, ગઈકાલે એક દિવસ પહેલાં જ એ લોકો ચેકઆઉટ કરીને ચાલ્યા ગયા છે." પ્રદીપે પૂરી માહિતી આપતાં કહ્યું.
"મને એની પૂરી ડિટેઈલ આપો." સૂર્યાનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું હતું.
(ક્રમશઃ...)