જે મા-બાપ એની સગી દિકરીનું શિયળ લુટવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતાં હોય એ ક્યારેય એ દિકરીનાં માબાપ ના હોઈ શકે."
એક સેકંડમાં મહેશે રચેલા તરકટનો તાળો સુનીના માતા-પિતાને મળી ગયો સુનીના પપ્પા શેઠ સંદીપકુમાર .ગર્ભશ્રીમંત અને સુની માટે મૂરતિયા તરીકે સંદીપકુમારે પસંદ કરેલ મોહિતે જ તરકટ રચી કોઈક દ્વારા ફોન કરાવ્યો હતો કે, સુનીને કહ્યા વગર તમે બન્ને પતિ પત્નિ બહાર બગીચાની માળીની ઓરડીમાં આવી જાઓ. મોહિત તમને સુની વિષે કંઈક કહેવા માગે છે।. સંદીપકુમાર શેઠ અને તેમનાં પત્ની ઓરડીએ ગયાં ત્યાં જ સાત આઠ બુકાનીધારી વ્યક્તિઓએ સંદીપકુમાર શેઠ અને તેમનાં પત્નિના હાથ પગ બાંધી દીધા હતા.બે કલાક બાદ છુટા કરતાં જ બન્ને જણ ઘેર આવ્યાં જ્યાં રસોઈયાએ ત્યાં બનેલ ઘટના તેઓને કહી સંભળાવી હતી.
"બેટા ! ઘેર આવેલ મહેમાન સાથે આવું વર્તન ના કરાય. પહેલાં તમે તમારાં માબાપ કેમ આવ્યાં છે ને તમને શું કહેવા માગે છે એ તો સાંભળો સુની વહુ ! "કંચનબેન થડકતા હૈયૈ બોલ્યાં. "એને બોલવા દો વેવાણ !એની બળતરા સાચી છે. પ્રવિણકુમારથી છુટી કરવા અમે મા-બાપ તરીકે ઘણા ખેલ ખેલ્યાં એ સાચું છે વેવાણ પરંતુ એનું શિયળ લુટાવવા માટે અમે તૈયાર થયાં એ એક એ હલકટ મહેશે રચેલું કાવતરું હતું.અમારી દિકરી અમને આ બાબતે ખુલાસો કરવાનો એક મોકો આપશે તો અમે એનાં ઋણી રહીશું."
રમણભાઇએ કહ્યું,"બેટા સુની વહુ ! તમારો સસરો તમને વિનંતી કરે છે કે, તમારા માબાપનો ખુલાસો એકવાર સાંભળી લ્યો. સસરાનો અવાજ સાંભળી "લોટવાળા હાથે જ સુની ઝડપભેર આવીને અવળી ફરીને ઉભી રહી. તેના પિતાએ તેને બની ગયેલ બધી હકીકત કહી સંભળાવી ને પછી કહ્યું, "દિકરી સુની ! અમારી ભૂલોને બની શકે તો માફ કરજે. અમે હવે જઈએ છીએ. તારી આ જીંદગીમાં કોઈ ચંચૂપાત હવે નહીં કરીએ. બે ઘડી ગમે ત્યારે અભાગિયાં માબાપના ઘેર આવવાનું મન થાય તો દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. તું તારા સંસારમાં કાયમ સુખી રહે અને તારો પરિવાર કાયમ હર્યોભર્યો રહે એ માટે હવેથી ભગવાનને જરુર પ્રાર્થના કરશું.” સંદીપકુમાર શેઠે જ્યાં ચાલવાનું કર્યું ત્યાં જ આંસુથી ખરડાયેલ અવાજ આવ્યો."દિકરીના હાથની રોટલી જમતા નહી જાઓ પપ્પા! દિકરીના હાથથી બનાવેલ રોટલી પ્રથમવાર તો જમીને જાઓ મમ્મી! "
સુનીના હાથે પ્રથમવાર બનાવેલ રોટલી જમ્યાં એનાં માવતર તો રાત્રે આડોશ પાડોશમાંથી આવેલ પચ્ચીસેક પુરુષો અને સ્ત્રીઓની ગ્રામ્યજીવનની વાતો પણ પ્રથમવાર સાંભળી રહ્યાં હતાં આ માલેતુજાર વેવાઈ-વેવાણ.સવારે આઠ વાગ્યે નિકળતાં પહેલાં સંદીપકુમારશેઠના મોંઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા, "ભૂલચૂક માફ કરજો રમણભાઇ વેવાઈ પરંતુ આજે મેં ગામડાને મન ભરીને માણ્યું છે.ગામડાને હું આજે સાચી રીતે સમજ્યો છું.મહિને બે મહિને લટાર મારવા જરૂર આવીશ વેવાઈ શ્રી."
આજે શનિવાર હતો. હજી સુધી સુની વિષે ફોન પર કોઈ જાણ કરવામાં આવી ન હતી પ્રવિણને. વાસુકી ખેતરેથી આજે પાંચ વાગ્યે જ ઘેર આવી ગઈ છે. કંચનબેન ભેંસ દોહી રહ્યાં છે ને પાસે બેઠેલી સુની શીખવાનો પ્રયત્ન કરી રહી છે. "અરે વાહ ભાભી ! ક્યા બાત હૈ ! છોડો ભેંસ દોહવાનું અને વહુરાણી બની જાઓ. હમણાં ભઇલો આવીને ઉભો રહેશે ! ફિર હમારા ખેલ દેખના ! ક્યા કરતી હું મૈ ! "અતિશય હરખભર્યા હૈયે હિન્દી, ગુજરાતી મિક્સ કરીને વાસુકી ભાભીને ખૂશ કરવા પ્રયત્ન કરી રહી હતી. સુનીવાસુકી પાસે આવીને બોલી, "વાસુકીબેન ! મને ડર લાગી રહ્યો છે.તમારા ભાઈ મને સ્વિકારી તો લેશે ને? "
" અરે ભાભી ! છોડો એ બધી ચિંતા.અમે ત્રણેય રાજી છીએ પછી ભઈલા કી ક્યા ચિંતા. "કહીને વાસુકી, સુનીને ભેટી પડી. સાંજે સાડાસાત વાગ્યે પ્રવિણ ઘેર આવી ગયો. રમણભાઇ અને કંચનબેન તો ગાયો ભેંસો આગળ મચ્છર ભગાડવા લીલા લીમડાનો ધૂમાડો કરી રહ્યાં હતાં. ઓરડામાં આવતાં જ ઘૂંઘટ તાણેલી સ્ત્રી પ્રવિણે જોઇ. ત્યાં જ વાસુકી બોલી, "સરપ્રાઈઝ ભઇલા આપ કે લીએ નઈ દુલ્હન નયે રંગરૂપ મેં સજાકે લાયે હૈં હમલોગ ! આપકો અવશ્ય પસંદ આયેગી ભઇલા ! "
ઘડીભર એકીટશે જોઈ રહ્યો પ્રવિણ ! વાસુકી પાણીનો ગ્લાસ આપતાં બોલી, "શું જુએ છે ભઇલા ? " પાણી ભરેલું ગ્લાસ હાથમાં પકડી રાખીને પ્રવિણ બોલ્યો,"સાચું કહેજે વાસુ ! આ સુની છે ને?" ઘૂંઘટો તાણીને બેઠેલી સુની તો સ્તબ્ધ થઈ ગઈ.એ જ હાલ વાસુકીના હતા તો ઓસરીની બાજુમાં ભીંત પાસે સંતાઈને ઉભેલ રમણભાઇ અને કંચનબેન પણ આશ્ચર્યચકિત હતાં. "મને વિશ્વાસ હતો કે સુનીને ભૂલ સમજાતાં એ જરૂર પાછી આવશે."પ્રવિણ અનાયાસે આટલું બોલી ગયો.
વાસુકીએ વિનંતી કરીને ઘૂંઘટો તણાવીને મહાપરાણે બેસાડેલ સુની" શું થશે?"ના ડરની મારી સંકોચાઈને બેઠી હતી તે પ્રવિણના છેલ્લા એક જ વાક્યના અમૃતકુંભથી તૃપ્ત થઈ ગઈ અને ઉભી થઈને દોટ મૂકી.સીધી પ્રવિણના ચરણોમાં જઈને આળોટી પડી ગઇ. ધન્ય છે તમારા જેવા દીકરાને જન્મ આપનાર તમારા માતા-પિતાને….