તો સુની વહુ એ નક્કી થતાં જ કંચનબેને કહ્યું,"પ્રવિણ કેમ ના આવ્યો સુની વહુ!" આટલો ઝડપી પ્રશ્ન પુછાશે એ સુનીને ખબર નહોતી એની મુંઝવણ વધી ગઈ. ધીમે ધીમે સુનીની આંખો ભીની થવા લાગી એ સાથે જ કંચનબેન વ્યાકુળ થઈ ગયાં.એમને હજી કંઈ સમજાતું નહોતું. કંઈ અજુગતું તો નથી બની ગયું ને? એમના મનમાં ધ્રાસકો પડ્યો એટલે જ એમણે વહુના ખભે હાથ મુકીને કહ્યું, "જે કંઈ વાત હોય તે જલ્દી કહી દો સુની વહુ! તમે બિલકુલ મુંઝાશો નહીં."
મન મક્કમ કરીને સુનીએ શરૂઆત કરી,"મમ્મી! પ્રવિણે તો મને છ મહિના પહેલાં છોડી દીધી છે. હું તમને બધી જ વાત કરુ છું. તમે કંઈ આડાઅવળું પ્રવિણ વિષે ધારી ના લેતાં. છ મહિનાથી મેં તેમને જોયા નથી પરંતુ મારુ દિલ કહે છે કે તેઓ ગમે ત્યાં રહેતા હોય પરંતુ સુરક્ષિત જ હશે." ત્યાંજ કંચનબેને સુનીના માથે પ્રેમથી હાથ મુકતા કહ્યું, બેટા, "દર પંદર દિવસે શનિ-રવિ મારો દિકરો પ્રવિણ ઘેર આવે જ છે એટલે એની તમે પણ ચિંતા ના કરો સુની વહુ પરંતુ જે હકીકત બની છે એ બધું અમને કહો. "-કંચનબેને ઉત્સુકતાથી કહ્યું.
"મમ્મી! મારા પપ્પાનો પરિવાર ગર્ભશ્રીમંત છે એ તો તમને સૌને ખબર જ છે. મારી વાત કરુ તો હું મારા પપ્પાનું એકમાત્ર અતિશય લાડકોડમાં ઉછરેલું સંતાન. પાણી માંગું તો મારા માટે દૂધ હાજર થાય એવી સુખસાહ્યબીમાં ઉછરેલ હું સ્વછંદી છોકરી. એમબીએના અભ્યાસ દરમ્યાન મારુ દિલ પ્રવિણને કઈ રીતે દઈ બેઠી એ મને પોતાને પણ ક્યારેય ખબરેય ના પડી. મોડે મોડે મને ખબર પડી કે એમના મનોહર ચહેરો અને વાક્ છટાએ મને આંધળી કરી દીધી હતી. પ્રવિણ તેમના નામ મુજબ જઅભ્યાસમાં તો ખુબ આગળ હતા જ. એની સાથે સાથે એમની અન્ય ઈતર પ્રવૃત્તિઓએ મને મોહી લીધી હતી.મેં એમને ક્યારેય ના પુછ્યું કે તમારાં માતા-પિતા શું કરે છે અને તમારી પાસે કેટલી સંપતિ છે?
છેવટે મેં પ્રવિણને મારાં મમ્મી પપ્પા આગળ હાજર કર્યા. મારા પપ્પાએ તમારી આર્થિક પરિસ્થિતિ પ્રવિણ પાસેથી જાણતાં જ સબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. પરંતુ હું। પ્રવિણ વગર રહી શકું તેમ ન હતું, એટલે અમે લવમેરેજ કરી લીધાં. મારા પપ્પાને લવમેરેજની ખબર પડતાં જ એમણે ફોન કરીને ઘેર આવી જવા કહ્યું. એમણે અમને માફ કરી દીધાં.જોકે મારા પપ્પાએ પ્રવિણ એક આગળ શરત મૂકી કે, પ્રવિણકુમાર ! મારી દિકરીએ આજ સુધી ગામડું જોયું જ નથી. તમારા પતરાંવાળા મકાનમાં મારી દિકરી રહી ના શકે. ગાય,ભેંસોનો તો એને ભરપૂર ડર લાગે છે.એટલે વિનંતી કરીને તમને કહું છું કે, હાલ સુનીને તમે તમારે ઘેર ના લઈ જાઓ તો સારુ!"
"સાચું કહું તો ગામડાની તો મને પણ એલર્જી હતી મમ્મી. ગાયો, ભેસો આજુબાજુની ગંદકી જ મને મનમાં ફીટ થઈ ગઈ હતી એટલે અહીં આવવાનું મને પણ ત્રાસદાયક લાગતું હતું ને એમાંય મારા પપ્પાનું એમાં પ્રોત્સાહન ભળ્યું! પ્રવિણે તો મને ક મને મારા પપ્પાની વાત સ્વીકારી લીધી કદાચ એમ માની ને કે ઘીના ઠામમાં ઘી પડી જશે! પ્રવિણે ભાડેથી ફ્લેટ રાખ્યો. એમાં અમે રહેવા ગયાં. પ્રવિણ નો પગાર તો ઉંચો પરંતુ મારા મોજશોખના પ્રમાણમાં એ ઓછો જ હતો એવો મને અહેસાસ થયો. મારા મમ્મી પપ્પાની ચડામણીની તો મને ખબર જ ના રહી. તેઓ મારા કાનમાં મીઠું ઝેર ભરતાં જ ગયાં અને એ મૂજબનું વર્તન હું કરતી રહી.
પ્રવિણ ઓવરટાઈમ કરીને પણ મારા શોખ પૂરા કરતા ગયા. મારાં મમ્મી પપ્પાને તો બીજુ બહાનું મળી ગયું. જમાઈ ઓવરટાઈમ કરે છે તો પછી તારી સાથે પ્રવાસ, પર્યટન અને પાર્ટીઓ ક્યારે કરશે? મીઠા ઝેરને હું પીતી રહી અને પ્રવિણ પ્રત્યે મારી નફરત ઘોળતી રહી. હું મમ્મી પપ્પાની છળકપટરૂપી સોનેરી જાળમાં સપડાઈને પ્રવિણથી મુક્ત થઈ ગઈ આખરે. પ્રવિણે મને ઘણી સમજાવી પરંતુ હું ના માની તે ના જ માની.
dchitnis3@gmail.com