કંચનબેનની નજર ગાડી પર પડી અને બહાર ઉભેલાં। સરોજકાકીનેપણ જોયાં. એ ઝડપભેર સરોજકાકીને પાસે આવીને એમના પગે લાગતા બોલ્યા.‘‘કોણ આવ્યું છે કાકી?" "તારા દીકરા પ્રવિણની વહુ આવી છે કંચનવહુ, અને એ પણ એકલી આવી છે. પ્રવિણને સમય નહીં મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી લાગે છે. પૈસા બચાવવા પહેલાં તો છાનાછાના એકલાએ તેની મરજીમુજબ પ્રેમલગ્ન કરી લીધાં અને હવે વહુનેય એકલી એકલી મોકલી દીધી. પણ કંચનવહુ! હવે તો પરી જેવી વહુ આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મુકીએ હો! "સરોજબેન ખુશમિજાજ થઈને બોલ્યાં.
કંચનબેનને શું કહેવું એ કંઈ સમજણ પડતી નહોતી. 'પ્રવિણની વહુ? એ પણ આ આંગણે?' છતાંય ચતુર બુદ્ધિનાં કંચનબેન ત્વરીત નિર્ણય કરીને બોલ્યાં, "ક્યાં છે મારી વહુ કાકી?" " એમ વહુને નહી દેખાડું કંચનવહુ ! જા, ઘઉં,ચોખા, કંકાવટી અને ગોળ તૈયાર કર હું આડોશ પાડોશમાં બે ત્રણ દિકરીઓને હાકોટો કરુ છું."-બોલીને સરોજબેન સુનીને ગાડીમાંથી ઉતારી અને ઘૂંઘટો તણાવી દીધો અને ચિરાગને કહ્યું, "જા દિકરા,વહુની ડીકીમાંથી બેગ કાઢીને કંચનકાકીના ઘરમાં મૂકી આવ. "કંચનબેનને સહર્ષ કુતુહલ થયું. એમને હજી પણ સમજમાં નહોતું આવતું કે,આ બધું શું છે?'બાંધી મૂઠી લાખની! 'વિચારીને કંચનબેન ઓરડામાં દોડી ગયાં.
પાંચેક મિનિટમાં તો બહાર લગ્નગીતો ચાલું થઈ ગયાં. યુવાનો અને બાળકો સાથે મહિલાઓનો જમાવડો થઈ ગયો. કંચનબેને વહુને પોંખીને એનાં દુખણાં લીધાં અને એના મોંમાં ગોળનો ગાંગડો મૂક્યો. તો પ્રાચીએ પણ સાસુના ચરણસ્પર્શ કર્યા. દિવાળીબેન તો સૌ સાંભળે એમ બોલી ઉઠ્યાં, "અલી ખૂબ ભાગ્યશાળી છે કંચનવહુ તું.તારા દિકરાએ તો રૂપરૂપના અંબાર જેવી વહુ લાવી છે."
કંચનબેને દિવાળીબેન અને ઉભેલ સૌને સારુ લગાડવા હસતું મોઢું રાખીને ગોળ વહેચ્યો. બરાબર એ જ સમયે કંચનબેનના પતિ રમણભાઇ અને દિકર વાસુકી ખેતરેથી ઘેર આવી પહોચ્યાં. આંગણામાં લોકોનો જમાવડો જોઈને બાપ દિકરીને આશ્ચર્ય થયું એટલે તો દોડી આવીને વાસુકીએ તેની માતા કંચનબેનને પુછ્યું," મંમી બધાં કેમ અહીંયા ભેગાં થયાં છે ? "ત્યાં ઉભેલ બે ત્રણ છોકરીઓ જ બોલી ઉઠી, વાસુકી " તારા ભાઈ પ્રવિણભાઇના વહુ આવ્યાં છે. બિચારી વાસુકી ! એને તો હજી માન્યામાંય નહોતું આવતું પરંતુ સામે ઘૂંઘટો તાણેલ કોઈ ઉભું હતું એ નક્કી. જો કે કોઈ જુએ નહી એમ કંચનબેને વાસુકીને ઇશારાથી ચૂપ રહેવાનો ઇશારો કરી જ દીધો હતો પરંતુ રમણભાઇ તો હજી મુંઝવણમાં જ હતા.
મનમાં કંઈક સુઝી આવતાં વાસુકી ઝડપભેર સુની પાસે જઈને "ભા... ભી" કહીને સુનીનો ઘૂંઘટ ઉંચો કરીને જોવા લાગી. એના આશ્ચર્યનો પાર ના રહ્યો. પ્રવિણે તેના મોબાઈલમાં બતાવેલ એની પત્નિ સુની જ હતી."ચાલો ભાભી હવે ઘરમાં."કહીને ખુશખુશાલ વાસુકી તેની ભાભી સુનીને ઘરમાં લઈ ગઈ. દિકરી વાસુકીના હાવભાવ જોઈને જ કંચનબેનને ખબર પડી ગઈ કે, છે તો દિકરાની વહુ જ. એમના હ્રદયને થોડી ટાઢક થઈ. મુંઝાઈને ઉભા રહેલ રમણભાઇ તરફ ઈશારો કરીને કંચનબેને હૈયાધારણ આપી.
કંચનબેન તો સરોજકાકી અને એમની સાથે આવેલ રમાકાકીનો આભાર માન્યો. ધીરે ધીરે સૌ વિખેરાઈ ગયાં. સૌ પોતપોતાને ત્યાં ચાલ્યાં જતાં જ કંચનબેન ઓરડામાં ગયાં. વાસુકીએ સુનીભાભીને પાણી પાઈને ઘરમાં સોફા પર બેસાડી હતી. રમણભાઇ પણ ઓસરીમાં આવીને ખાટલા પર બેઠા. કંચનબેને એમને પાણી ભરીને આપ્યું સુનીની નજર પતિને પાણી આપવા જઈ રહેલ કંચનબેન પર પડી. સોશ્યલ મીડીયાના પ્લેટફોમઁ પર વાંચેલ વાર્તાઓ સુનીના મદદે આવી એટલે જ તો એણે નણંદ માટે "વાસુકીબેન‘‘ સંબોધન વાપરીને કહ્યું,"બહાર કોટ પર બેઠેલા છે તે આપણા પપ્પા છે?" વાસુકીએ હકારમાં ડોક હલાવી કે તરત જ સુની ઝડપભેર ઉભી થઈને બહાર આવીને રમણભાઇના પગે પડી. રમણભાઇએ દિકરાની વહુને "સુખી રહો વહુ બેટા! "આશિર્વાદ આપ્યા. પરંતુ હજી મનમાં અચરજ તો અકબંધ હતું. એજ પરિસ્થિતિ કંચનબેન અને વાસુકીની હતી.શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે એ ચારેય જણાના હૈયાંમાં મુંઝારો હતો અત્યારે. આખરે કંચનબેન સુની પાસે આવીને બેઠાં અને તેનો ઘુંઘટ હટાવી ફરીથી માથા પર હાથ મુકે છે.
dchitnis3@gmail.com