Connection-Rooh se rooh tak - 15 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | કનેક્શન-રૂહ સે રૂહ તક - 15

Featured Books
Categories
Share

કનેક્શન-રૂહ સે રૂહ તક - 15

૧૫.ખાટી-મીઠી તકરાર


શિવની જીપ બરાબર બપોરનાં ચાર વાગ્યે મુંબઈની અંદર પ્રવેશી. એ સમયે જ અપર્ણાએ પોતાની આંખો ખોલી. એનો ચહેરો શિવ જે તરફ બેઠો હતો, એ તરફ ઢળેલો હતો. આંખો ખુલતાની સાથે જ એને શિવનો કોઈપણ પ્રકારનાં હાવભાવ વગરનો ચહેરો દેખાયો. એ જીપ ચલાવતી વખતે એકદમ શાંત નજર આવતો હતો. એની નજર રસ્તા પર મંડાયેલી હતી, અને પૂરેપૂરું ધ્યાન ડ્રાઈવિંગ પર જ હતું. એ જોઈને અપર્ણાના ચહેરાં પર સ્મિત આવી ગયું. શિવને આ વાતનો જરાં એવો પણ ખ્યાલ ન હતો, કે અપર્ણા જાગીને એને જ જોઈ રહી છે.
એણે થોડીવાર શિવને એમ જ જોયાં પછી આળસ મરડીને કહ્યું, "આપણે મુંબઈ પહોંચી ગયાં."
અપર્ણાનો અવાજ સાંભળીને શિવે એક નજર એની ઉપર કરી. અપર્ણા સીટ સાથે માથું ટેકવીને બાજુમાંથી પસાર થતાં વાહનો, ઉંચી ઉંચી બિલ્ડિંગો, મોલ્સ અને નાની-મોટી દુકાનો જોઈ રહી હતી. એક નજર અપર્ણા તરફ કરીને શિવ ફરી રોડ પર નજર કરીને જીપ ચલાવવાં લાગ્યો. થોડીવાર બહારનો નઝારો જોયાં પછી અપર્ણાએ ફરી શિવ સામે જોયું. જેનું ધ્યાન હાલ રોડ ઉપર હતું. અપર્ણા ફરી એને જોઈને સ્મિત કરતાં કરતાં મનોમન જ વિચારવા લાગી, "આમ તો કેટલો શાંત છે. પણ, ખબર નહીં કેમ? ક્યારેક ક્યારેક બહું સખ્ત અને ગુસ્સે થઈ જાય છે." એણે એક વખત પાંપણો ઢાળીને ફરી ખોલી, અને ફરી એકવાર વિચારવા લાગી, "આ હંમેશાં આવી રીતે જ રહે તો કેટલું સારું! આ રીતે કેટલો ક્યૂટ લાગે છે. બાકી ગુસ્સામાં તો એક નંબરનો ભૂત લાગે છે." કહીને અપર્ણા હસવા લાગી.
એને આમ અચાનક હસતી જોઈને શિવે એની તરફ જોયું, અને આજુબાજુ નજર ફેરવવા લાગ્યો. એ અપર્ણાનાં હસવાનું કારણ શોધી રહ્યો હતો. હવે એણે એવી કોઈ વાત તો કરી ન હતી, કે અપર્ણા એની વાત પર હસે. એટલે એ બિચારો આજુબાજુ એવી કોઈ વસ્તુ કે વ્યક્તિ શોધી રહ્યો હતો, કે જેને જોઈને કદાચ અપર્ણા હસતી હોય. પણ, અપર્ણા તો શિવનાં જ વિચાર કરીને હસતી હતી. જેની શિવને જાણ સુધ્ધા ન હતી. એવામાં બિચારાને આજુબાજુ ક્યાંથી કોઈ ફની વસ્તુ કે વ્યક્તિ નજર આવે!
"તું હસે છે કેમ?" આજુબાજુ નજર કરીને શિવે તરત જ પૂછ્યું.
શિવનો સવાલ સાંભળીને અપર્ણા ચોંકી ગઈ. એણે માંડ કરીને પોતાનું હસવાનું કંટ્રોલ કર્યું. એને ખુદને પણ ખબર ન હતી, કે પોતે હસી રહી છે, એ શિવ પણ જોઈ રહ્યો છે. એણે લથડતી જીભે કહ્યું, "એ તો બસ એમ જ...એક જોક્સ યાદ આવી ગયો."
"ઓકે." શિવે માત્ર એટલું જ કહ્યું. પણ, અપર્ણાના હસવાનું કારણ કોઈ જોક્સ તો ન જ હતો. એટલું તો શિવ પણ સમજી ગયો હતો.
શિવે થોડાં આગળ જતાં જ જે તરફ અપર્ણાનો ફ્લેટ આવતો હતો. એ તરફ જતાં રસ્તે જીપને વાળી. ત્યાં જ અપર્ણાએ એને રોકતાં કહ્યું, "એ તરફ નહીં."
અપર્ણાની આવી હરકતથી શિવનું દિલ એક ધબકારો ચૂકી ગયું. અત્યારે અપર્ણાનો હાથ શિવનાં સ્ટેરીંગ પર રહેલાં હાથ ઉપર હતો. અપર્ણાએ શિવને રોકવા માટે પોતાનો હાથ એનાં હાથ ઉપર મૂક્યો હતો. જેનાં લીધે શિવ કંઈ સમજી શક્યો નહીં. અચાનક થયેલાં અપર્ણાનાં સ્પર્શથી એને વીજળીનો કરંટ લાગ્યો હોય એવું મહેસુસ થયું. એની નજર અપર્ણાનાં ચહેરાં પર પડતાં જ એને બીજો ઝટકો લાગ્યો. અપર્ણા પણ શિવનો ચહેરો જ જોઈ રહી હતી. બંનેની નજર મળતાં જ જાણે બધું થોડીવાર પૂરતું થંભી ગયું. બંને પાંપણો ઝબકારવાનુ પણ ભૂલી ગયાં.
"સોરી, પણ મારે મારી ઘરે નથી જવું." અપર્ણાએ અચાનક જ પોતાનો હાથ શિવનાં હાથ પરથી હટાવીને કહ્યું.
"તો ક્યાં જવું છે?" શિવે હેરાન અવાજે પૂછ્યું.
"તારી ઘરે." અપર્ણાએ તરત જ કહ્યું, "આ બધું જે થયું. એ મારાં અને નિખિલના કારણે થયું. મેં જ તને મુના બાપુનાં બંગલે લઈ જવાં ઉશ્કેર્યો, એટલે...."
"શું? તે મને ઉશ્કેર્યો?" અપર્ણા આગળ કંઈ કહે એ પહેલાં જ શિવે એની વાત વચ્ચે જ કાપીને, આંખો ફાડીને એની સામે જોતાં કહ્યું, "મતલબ તે દિવસે તે જાણી જોઈને મને એ બધું કહ્યું, જેનાં લીધે હું ઉશ્કેરાટમાં આવીને તને મુના બાપુનાં બંગલે લઈ જાવ? મતલબ એ બધું એક નાટક હતું? જે હું બેવકૂફ સમજી નાં શક્યો." શિવ એનું માથું પકડીને બેસી ગયો.
"હાં, સોરી." અપર્ણાએ એનો એક કાન પકડીને કહ્યું, "હું બાપુને જાણી જોઈને ખરાબ કહી જ નાં શકું. પણ, મારી પાસે બીજો કોઈ ઓપ્શન ન હતો. મને ત્યારે નિખિલ સિવાય કોઈ નજર આવતું ન હતું. મને ખબર હતી, તું મને ત્યાં એકલી જવાં નહીં દે. એટલે મેં તને ઉશ્કેરવાનુ કામ કર્યું. જેથી તું પણ મારી સાથે આવે."
"તને કેમ ખબર હું તને એકલી જવાં નાં દેત?" શિવે અચાનક જ આંખો ઝીણી કરીને અપર્ણા સામે જોઈને પૂછયું.
"બસ.... લાગ્યું એવું." અપર્ણાએ નજર ચુરાવીને કહ્યું.
"તો હવે મારી ઘરે આવીને શું કરવાનો ઈરાદો છે?" શિવે નેણ ઉંચા કરીને પૂછ્યું.
"કંઈ નહીં...બસ બાપુની માફી માંગીશ, અને કહીશ કે જે થયું એ મારાં લીધે થયું છે. તો તમે શિવને કંઈ નાં કહેશો." અપર્ણાએ માસૂમ ચહેરો બનાવીને કહ્યું.
"મતલબ તું મને મારાં બાપુનાં ગુસ્સાથી પ્રોટેક્ટ કરવાં આવે છે એમ?" શિવે સહેજ સ્મિત સાથે પૂછ્યું.
"તારાં મતલબ પત્યા હોય, તો હવે અહીંથી આગળ વધીએ? મતલબ તારી ઘરે જઈએ?" અપર્ણાએ હાથ વડે રસ્તા તરફ ઈશારો કરીને, શિવની સ્ટાઈલમાં મતલબ સમજાવતાં કહ્યું.
શિવે સહેજ સ્મિત સાથે જીપ આગળ ચલાવી. જીપ સ્ટાર્ટ થતાં જ અપર્ણા ફરી પોતાનાં વિચારોએ ચડી. એનાં મગજમાં એની જ કહેલી વાત ઘુમવા લાગી, "મને ખબર હતી, તું મને એકલી જવાં નહીં દે. એટલે મેં તને ઉશ્કેરવાનુ કામ કર્યું. જેથી તું પણ મારી સાથે આવે." એ પોતાની જ કહેલી વાતોને વાગોળી રહી હતી. પછી તરત જ પોતાનાં જ કપાળે ટપલી મારીને ધીરેથી બોલી, "પાગલ!"
શિવ જીપ ચલાવતાં ચલાવતાં પણ અપર્ણાનાં નખરાં જોઈને મુસ્કુરાઈ રહ્યો હતો. જેની ઉપર અપર્ણાની નજર પણ ન હતી. એ તો એની જ ધુનમાં મસ્ત હતી. ક્યારેક મુસ્કુરાઈ ઉઠતી, તો ક્યારેક ખુદની સાથે જ વાતો કરી રહી હતી. જે શિવને સંભળાતું ન હતું. છતાંય એની એવી હરકતોથી એ ખુદને મુસ્કુરાતા રોકી નાં શકતો.
એક સમયે તો શિવે અપર્ણા સામે જોઈને કહી પણ દીધું, "પાગલ છોકરી!" જે અપર્ણા સાંભળી ન હતી. નહીંતર બંને વચ્ચે રસ્તા પર જ બબાલ થઈ જાત. જેનું કારણ બંને વચ્ચેની ખાટી-મીઠી તકરાર હતી. જે ક્યારે બંને વચ્ચે શરૂ થઈ જતી? એનું કંઈ નક્કી નાં કહી શકાતું. પણ, બંને એકબીજા વિશે એક સરખું જ વિચારતાં હતાં. બંને એકબીજાને પાગલ સમજતાં હતાં. હવે હકીકતે પાગલ કોણ છે? એ તો આપણે જાણીએ જ છીએ.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"