Vasudha-Vasuma - 49 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ -49

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ -49

વસુધા -વસુમાં

પ્રકરણ -49

 

ગુણવંતભાઈ અફાટ રુદનને કેમ શાંત કરવું ભાનુબહેનતો રડી રડીને બેભાન થઇ ગયાં. નર્સ દોડી આવી અને ડોકટરે એમની ટ્રીટ્મેન્ટ શરૂ કરી... એમને ઈન્જેકશન આપ્યાં ઘણીવાર પછી તેઓ ભાનમાં આવ્યાં. થોડીવાર માટે બધાને ચિતા થઈ ગઈ. ગુણવંતભાઈ અને ભાનુબહેનને પુરુષોત્તમભાઈએ કહ્યું “તમે આમ ભાન ગુમાવશો અને આટલાં ઢીલાં થશો તો આ છોકરાઓને કોણ હિંમત આપશે ?”

ભાનુબહેને કહ્યું “વેવાઈ એકનો એક જુવાનજોધ છોકરો આમ ઘડીકમાં છોડીને જાય... શું કરવું ? ખબર છે કેટલુંય રડીશ કેટલીયે છાતીઓ ફૂટીશ પણ એ પાછો નથી આવવાનો હે મહાદેવ હિંમત આપ. મારી વસુધાની કુખે એનું સંતાન આવવાનું છે અમને તાકાત આપ આવો કારમો ઘા સહન કરી શકીએ... વસુધાનું શું થશે ? સાંભળીને એ તો...”

પુરુષોત્તમભાઈએ કહ્યું “હું તમને એજ કહી રહ્યો છું હવે જે થવાનું હતું એ કારમું દુઃખ આપણે સેહવાનું આવ્યું છે મહાદેવે કૃપા ના કરી...ઈશ્વરે પણ દગો દીધો છે આટલી ભક્તિ પ્રાર્થના અને પવિત્રતા વસુધાનેય ના ફળી શું કરવાનું ? હવે આપણે મોટાઓએ વસુધા,સરલાને સંભાળી લેવાનાં છે તેઓ આપણાં આશરે છે આપણીજ હૂંફ હવે એમને રહી છે... હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. “

ગુણવંતભાઈએ આંખો લૂછી થોડાં સ્વસ્થ થયાં નર્સ પાણી લાવીને બધાંને આપ્યું સરલાએ ભાનુબહેનનાં ખભે હાથ મૂકીને કહ્યું “માં હું સમજુ છું આવો કારમો આઘાત સહન નહીં થાય પણ સ્વીકાર્યા વિનાં છૂટકો નથી વસુધા ત્યાં સુવાવડ થવાની રાહ જોઈ બેઠી છે ગમે ત્યારે બાળકનો જન્મ થવાનો છે એનું આ સાંભળી શું થશે ? મને તો એજ વિચાર ધ્રુજાવી નાંખે છે હું એની સામે નહીં થઇ શકું... હું મારી જાતને રોકી નહીં શકું...”

પુરુષોત્તમભાઈએ કહ્યું “ગુણવંતભાઈ મારી તમને એક સલાહ છે સૂચન છે...અહીંથી પીતાંબરને ઘરે લઇ જઈને વિધિ પતાવી દો... બાળકનો જન્મ થઇ જવા દો પછીજ વસુધાને જણાવીએ તો ? તમારું શું કહેવું છે ?”

ગુણવંતભાઈએ ભાનુબહેન અને સરલા સામે જોયું પુરુષોત્તમભાઈએ ઉમેર્યું “હું પાર્વતી અને વસુધા પાસે જઉં છું ડીલીવરી થઇ જાય પછી તમને જાણ કરીશ... શું કહો છો ? “

ભાનુબહેને સરલા સામે જોયું... સરલાની આંખમાં આંસુ માતાં નહોતાં છતાં એ બોલી વસુધા સાથે આવું કરવાથી અન્યાય નહીં થાય ? એને પછી જાણ થશે તો શું દુઃખ નહીં થાય ? એ આપણને માફ કરશે ? છેલ્લી વારનું મોં જોણું પણ નહીં કરાવ્યે તો ?” એવું બોલી ગુણવંતભાઈ અને પુરુષોત્તમભાઈ સામે જોયું...

ગુણવંતભાઈએ કંઈક વિચારીને કહ્યું “પણ એને પ્રસુતિનો છેલ્લો કાળ જઈ રહ્યો છે એને મોઢું બતાવવા લઇ કેવી રીતે જવો ? પીતાંબર તો મરણશૈયા પર પોઢી ગયો છે. કેવી રીતે કરવું ? હોસ્પીટલમાં વસુધા પાસે એનું શબ લઈને જવું ? શું કરવું ?” એમ કહી ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડ્યાં. બોલ્યાં “જીવતો ભડ જેવો દીકરો શબ થઇને પડ્યો છે.”

એક સાથે બધાંને ધ્રૂસકું નીકળી ગયું કેવી વિકટ પરિસ્થિતિ આવી છે? બાળક આવવાનું છે... બાપ મૃત્યુ પામ્યો છે. માં પથારીમાં વિવશ છે બેઉં પતિપત્નિ જુદી જુદી હોસ્પીટલમાં છે એક મરણને શરણ થયો છે માં બાળકને જણવાની છે. કોઈ ઉપાય નથી રહ્યો.

પુરુષોત્તમભાઈએ કહ્યું “વસુધાને સમજાવી લઈશું શું થાય ? પણ શું સમજાવીશું આપણે ? એ સમજશે ?”

સરલાએ કહ્યું “આપણે ડોક્ટર સાહેબને વિનંતી કરીએ. સ્ટ્રેચરમાં ભાઈને વસુધા છે એ હોસ્પિટલમાં લઇ જઈએ અને...” ત્યાં ગુણવંતભાઈ બોલ્યાં “એવું કોઈ ના કરવા દે ત્યાં આપણી વસુધા એકલી નથી બધી સ્ત્રીઓ સુવાવડી હોય અને આપણે... કોઈ શું બોલે ? કોઈને ગમશે નહીં માણસ જીવતો હોય અને મૃત્યુ પછી ના કિંમત રહે ના શુકનયાળ રહે’ સરલા ફરીથી રડી પડી...

ભાનુબહેને ગુણવંતભાઈ અને પુરુષોત્તમભાઈની સામે જોઈને કહ્યું “પીતાંબરને આપણાં ઘરે લઇ લો... વસુધાને સમજાવવાની જવાબદારી મારી... મારાં મૃત્યુ પામેલાં દીકરાને પણ કોઈ કંઈ અપશબ્દ બોલી જાય મારાંથી નહીં સહેવાય... વસુધા પણ નહીં સહી શકે... એ સમજી શકે. એને હમણાં કઈ જણાવવુંજ નથી એને બાળક જન્મી જાય પછીજ વાત કરીશું એને આ પ્રસવપીડા સમયે વધુ પીડા કે આઘાત નથી આપવા. જે થયું સારું નથી થયું વસુધા અને આવનાર બાળકને અન્યાય છે.” ત્યાંજ દિવાળીફોઈ અને દુષ્યંતનો રડવાનો અવાજ આવ્યો ...

દુષ્યંત રડતો રડતો પુરુષોત્તમભાઈને વળગી પડ્યો. દિવાળીબેન પોકે ને પોકે રડવાં લાગ્યાં. રડતાં રડતાં બોલ્યાં "હાય હાય મારો જુવાન જોધ દીકરો... ઓ ...ઓ... આવું કેમ થયું હું જ અભાગણી નર્મદા ગઈ હતી... ઘરે આવી દુષ્યંતે કહ્યું બધાં દવાખાને ગયાં છે હું વસુધા સુવાવડી છે એટલે બાળક જન્મની વધામણી મળશે એવું વિચારી રહી હતી ત્યાં... આવો કારમો આઘાત પચાવવાનો આવ્યો... ઓ વસુધા હવે શું થશે ? મારો પીતાંબર આવી ભર જુવાનીમાં છોડી ગયો ? હે મહાદેવ તમે આ શું કર્યું ? “

દિવાળીફોઈ આવીને કલ્પાંત કરી રહ્યાં હતાં. ભાનુબહેને એમને શાંત કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું “બહેન તમે વસુધાને ના જણાવશો એ છોકરી આવો આઘાત આ ક્ષણે પચાવી નહીં શકે...” દિવાળીફોઈએ કહ્યું “નહીં કહું પણ જયારે જાણશે ત્યારે એનું શું થશે ?”

ગુણવંતભાઈએ દીવાલીફોઈને સ્વસ્થ થવાં કહ્યું અને ત્યાં કરસન આવી ગયો એણે કહ્યું “કાકા શબવાહીની આવી ગઈ છે ર્ડાકટર પાસેથી મેં મૃત્યુનું સર્ટીફીકેટ અને કેસપેપર બધું લઇ લીધું છે અને ગામમાં પોલીસ પટેલને મળીને બધી વાત કરી છે. પહેલાં પીતાંબરની વિઘી વગેરે પતાવીએ પછી આગળ કાર્યવાહી કરીશું... “

ગુણવંતભાઈને આવા કરુણ માહોલમાં પણ ગુસ્સો આવી ગયો આંખમાં જાણે અંગારા સળગ્યા એમ આંખો લાલ થઇ ગઈ એમણે કહ્યું “મારાં પીતાંબરનાં સોગન છે હું એ કાળમુખા હત્યાંખોરોને ફાંસી અપાવીશ સાવ શુલ્લક એવાં કારણ પાછળ આટલી દુશ્મની કાઢી...”

પુરુષોત્તમભાઈએ કહ્યું “હમણાં શાંત રહો વેવાઈ પછી બધુંજ કરીશું અમે બધાં તમારાં સાથમાંજ છીએ. મારી વસુધાજ નહીં છોડે મને ખાત્રી છે.”

પુરુષોત્તમભાઈએ કહ્યું “દિવાળીબેન તમે ભાનુબેન સાથે ગાડીમાં એમનાં ઘરે પહોંચો બધાં ઘરેજ જાઓ હું વસુધાને મળીને પછી આવું છું આવતીકાલે સવારે તો...” પછી બોલતાં અટકી ગયાં.

દિવાળીફોઈએ કહ્યું “હાં ઘરે જઈને બધી તૈયારીઓ કરવી પડશે...” ભાનુબહેન સરલા અને બધાં પીતાંબરને લઇ જતી શબવાહીનીમાં જ પીતાંબરને લઈને ઘરે જવાની તૈયારીમાં પડ્યાં.

*****

વસુધાને લેબરપેઈન હતું વધી રહ્યું હતું હજી બાળકનો જન્મ નહોતો થતો. ડોકટર કુદરતી સુવાવડ થાય એની રાહ જોઈ રહ્યાં હતાં. વસુધાને ખુબ પીડા થઇ રહી હતી એ એની પાસે રહેલી માં પાર્વતિબેનને પૂછી રહેલી “માં પીતાંબરના શું સમાચાર છે ? હજી કોઈ અહીં આવતું કેમ નથી ? સરલાબેન પણ અહીંથી ગયાં તે ગયાં પાછા આવ્યાજ નથી... માં મારાં મોબાઈલથી ફોન તો કર... પીતાંબરને હવે સારું છે ને ? ભાન આવી ગયું છે ? મારુ હ્ર્દય ખુબ ધડકી રહ્યું છે મને અગમ્ય અણસાર આવ્યા કરે છે મને ખુબ ડર લાગી રહ્યો છે માં... માં પૂછને પીતાંબરને કેમ છે ?”

પાર્વતીબેને કહ્યું “દીકરા શા માટે ચિંતા કરે છે ? બધાં સારાં વાના થશે મને તમારાં આ મોબાઈલ વાપરતાં ના આવડે હમણાં દુષ્યંત આવશે અથવા એનાં પાપા આવશે બધાં સમાચાર મળી જશે નાહક ચિંતા ના કર...”

ત્યાં વસુધાને ખુબ પ્રસૂતા પીડા ઉપડી એણે માં માં કહી બૂમો પાડવા માંડી બે હાથે જોરથી એણે પલંગની ધાર પકડી લીધી. અનુભવી પાર્વતીબેન પણ ગભરાઈ ગયાં એ નર્સને બોલાવવા દોડી ગયાં.

*****

વસુધાને અંદર રૂમમાં લઇ ગયાં અને અડધાં પોણાં કલાક પછી દોડીને નર્સ બહાર આવી અને પાર્વતીબેન, દુષ્યંત અને પુરુષોત્તમભાઈ ઉભા હતાં એમને વધાઈ આપીને કહ્યું “દીકરી આવી છે લક્ષ્મીજી પધાર્યા છે... દીકરીની તબીયત એકદમ સારી છે સારું વજન છે. વસુધાને થોડી નબળાઈ છે હમણાં એને ઇન્જેક્શન અને દવાઓ આપી છે થોડો સમય સુવા દેજો એને આરામની જરૂર છે દીકરીને પછી એની સાથે રૂમમાં ઘોડીયામાં સુવાડી જઈશું. “

પુરુષોત્તમભાઈએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું “હાંશ મારી વસુધાને હવે આરામ હશે લક્ષમીજી પધાર્યા છે ઘરમાં ખુશહાલી લાવશે. પણ... એને રમાડનાર લાડ કરનાર બાપ આ દુનિયામાંજ નથી રહ્યો એ કેવી રીતે કહીશું ?”  એમણે પાર્વતીબેન સામે જોયું. પાર્વતિબેનની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

 

વધુ આવતા અંકે પ્રકરણ :50