મારી આ અનુઠી હરકતથી
તને આશ્ચર્ય થયું હશે, ખરું ને ?
કદાચ તે એવું વિચાર્યું હશે કે,
વ્હોટ્સઅપ અને ઇન્સટાગ્રામ જેવાં સરળ સંદેશા માધ્યમ હાથવગાં હોય ત્યારે..
પત્ર વ્યહવાર કોણ કરે ?
સાચું કહું તો આ સવાલ મેં સ્વયંને પૂછ્યો’તો..
અને પ્રત્યુત્તરમાં જવાબ પણ મળ્યો.. અને એ પણ ઘણા હિસ્સામાં..
સૌ પ્રથમ તો...
પત્રોમાં સંઘરાયેલી પુષ્પ સમાન પમરાટની અનુભૂતિનો અંશ
કયારેય ઈનબોક્સમાં ન આવી શકે
એ અલાયદી ખુશ્બૂનો વારસદાર તો કાયમ એકમાત્ર કાગળ રહ્યો
બીજું કારણ
પત્ર પ્રત્યેનો તારો પ્રેમ..
વાંચતી વેળાએ
એ ઉભરતાં ભાવ જે તને તારી નજદીક લઇ આવે
તને એવું મહેસૂસ કરાવે જાણે
કોઈ અતીત પળ ફરી જીવિત થઇ ગઈ
અને તું એ પણ ખુબ સારી રીતે જાણે છે કે,
જે રીતે તે પત્રોનું જતન કર્યું તેની સરખામણીમાં
તું પ્રીતનું જતન કરવામાં અસફળ રહ્યો
પણ..
એક કારણ એ પણ છે કે...
જે હોવાં છતાં ન નથી..
તે કિસ્સાને પુરાવા તરીકે પત્રમાં તો હિસ્સો મળ્યો
તને ખ્યાલ છે ?
અંતરથી અંતરના અંતરાલનો ક્યાસ કાઢવો કેટલું કઠીન છે ?
સાચું કહું....કૈક રાતો સૂર્યોદય સુધીની પ્રતીક્ષામાં જાગી છું
છેક ત્યારે...
કડવા સત્યને સમજવા અને સ્વીકારવા સક્ષમ થઇ છું
દેશના ઉત્તર-દક્ષિણ છેડે આવેલાં
બે શહેરના બે વ્યક્તિઓ વચ્ચે કેટલું ખાસ્સું અંતર હોય ?
છતાં..પણ
ક્યારેય એવો ભાસ નથી થયો કે.. તું આસપાસ નથી
તારા ગમતાં રંગ, ઢંગ
તારા ગમતાં ગીતોમાં કૈંક કેટલું'યે મશગુલ બનીને ઢાળતી’તી ખુદને ?
આઆ...આ છેલ્લા અગિયાર માસ કેમ વિતાવ્યા
તેનું શબ્દ નિરૂપણ કરવા હું અસમર્થ છું
તું પ્રત્યક્ષ નથી તેના કરતાં
તારા પ્રત્યેનું માનસિક મજલ મને ખલેલ પહોંચાડે છે
મુજમાં શૂન્ય સપાટીએ તને ભળતાં પણ માણ્યો છે
અને...
મુજથી જોજનો દુર ગયાંના શૂન્ય અવકાશને પણ જાણ્યો છે
ઘણી વાર થયું કે,
તે આપેલા અધિકારનો એકવાર વિટો વાપરીને તને રોકી લઉં..
પણ.. એ મારાંથી શક્ય નથી
કારણ કે.. તેના માટે સ્વયંમાંથી કશુંક ભૂંસવું કે ભૂલવું પડશે
અને એ પછી... ‘હું’
હું નહીં રહું..
અને
જે પરત આવશે એ ‘તું’ નહીં જ હોય
હાં.. એવું જ હોય છે કાયમ માટે..
હવે મારાં પ્લે લિસ્ટમાં કશું જ અપડેટ નથી થતું
પ્રોફાઇલ પીક કે સ્ટેટ્સના ફેરબદલમાં કોઈ રુચિ નથી
બારીના ટીંગાયેલા પડદાં પણ મારી માયૂસ તંગદીલીને તાક્યા કરે..
હવે હું..
બાલ્કનીમાં ગોઠવેલાં કુંડાના છોડ સાથે આપણી વાતો શેર નથી કરતી..
નિયમિત વ્યસન જેવી
મોડી રાતની છેલ્લી ચા નો કપ પણ નારાજ છે
કિચનમાં પગ મુકું તો
વાસણો મોં વાંકું કરીને પૂછે છે કે,
‘અલી શું થયું છે તને છોરી, હવે કોઈ ગીત કેમ નથી ગણગણતી ?
અને હું આ નાની નાની વાતો નજર અંદાજ નથી કરતી
કારણ કે..
આઆ...આ નાની અમથી વાતો જ
આપણા સમીપ અને દૂરતા માટે નિમિત્ત બન્યાં છે
એક સમયે આપણી વચ્ચે વાતોની તંતુનો કોઈ અંત નહતો,
જયારે આજે..
એકપણ શબ્દ માટે કોઈ અવકાશ નથી
હું એમ નથી કહેતી કે, મૌન પ્રેમનો હિસ્સો નથી..
પણ..
મંદિર અને મરઘટની શાંતિ વચ્ચે ઘણું અંતર હોય
છેલ્લા ઘણા સપ્તાહ મેં એવી અસમંજસ અને માનસિક મથામણમાં
પસાર કર્યા કે..
શું કહેવું ?
કેમ કહેવું ?
ક્યારે કહેવું ?
હું વાતથી સારી રીતે અવગત છું કે..
પરિસંબંધની પહેલ મેં જ કરી હતી
તને તો એ પણ કહેવું પડ્યું હતું કે,
અહીં પ્રેમ પાંગર્યો છે
તારી જાત કરતાં તને સારી રીતે હું જાણું છું,
એટલે જ કોઈ અપેક્ષાને સ્થાન નથી
તું મન ભરીને નહીં પણ મનમાં ભરીને જીવે છે
પણ, હું હવે પ્રતીક્ષાની પરીસીમા પાર કરી ચૂકી છું
જેટલું ખેંચીશું તેટલું બેડોળ થતું જશે..
અમુક સબંધો ચ્યુંગમ જેવાં થઇ જાય
સમય જતાં બેસ્વાદ અને ફિક્કા પડી જાય
વિચાર ને..
જિંદગી જાણે એક ઝુનૂન હોય..
એક રૂમ
રૂમમાં એક ટેબલ
ટેબલ પરના ફ્લાવરવાઝમાં ગુલાબનો ગુચ્છો
મંત્રમુગ્ધ કરતી પમરાટનની મુગ્ધતા માણતાં.. હું બેખબર..
અચાનક આંગળીનું ટેરવું કાંટાને સ્પર્શી જતાં....
જે ક્ષણે લોહીના ટશિયા સાથે સાથે તારું તીવ્ર સ્મરણ ફૂંટે
બસ, એ ક્ષણને હું ભરપુર જીવું છું..
આપણે બન્ને જાણીએ અને સમજીએ છે કે,
હવે આપણા સંબંધોના સમીકરણ બદલી ચુક્યા છે
પણ..
બન્ને આ બદલાવને પરસ્પર જતાવતા ડરીએ છીએ
તને નથી લાગતું કે, આ માર્ગ કોઈના ઘર તરફ નથી જતો ?
તારા અને મારાં વચ્ચે જે અનમોલ અને આપણું હતું..
એ હતો ‘સમય’
અને હવે તે જ નથી
અને તે ખરું પણ નથી
ખરાં સમયની પ્રતીક્ષામાં ઘણીવાર વ્યક્તિ ખર્ચાય જાય છે
અલગ હોવાનો કોઈ ખરો સમય હોય ખરો ?
ખરું કે ખોટું ? એવું કશું ન હોય,
માત્ર કોઈ એક ફેંસલો લેવાનો હોય
હું ફેંસલો લઇ ચુકી છું.. સંયુક્ત રીતે
જેટલું કઠીન એટલું જ જરૂરી
આપણી વચ્ચે જે કંઈપણ બચ્યું છે તેને બચાવી રાખવાની કવાયત..
નહીંતર ક્યારેય ભવિષ્યમાં
રૂબરૂ થવાની વેળાએ એકબીજાને નજરઅંદાજ કરતાં, શું સારા લાગીશું ?
મળવાનો મોકો મળશે તો.. રાહતની મુસ્કુરાહટ સાથે મળીશું..ઠીક છે ?
છેલ્લે એક વાત...
હવે તું કારણ વગર ખુશ રહેતા શીખી જા..
કારણ કે..કારણો હમેશાં સીમિત હોય છે
તું કાયમ મારી ઈબાદતનો ઈજારેદાર રહીશ...
અલવિદા...
વિજય રાવલ
૨૬/૦૭/૨૦૨૨