AABHA - 7 in Gujarati Fiction Stories by Chapara Bhavna books and stories PDF | આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 7

Featured Books
Categories
Share

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 7




"મમ્મી હું જાઉં છું." સ્કૂલ શૂઝ પહેરતા પહેરતા હું બોલી.
" હજુ તો પોણા પાંચ જ થયા છે. કેટલું અંધારું છે! તારા પપ્પાને જગાડ મૂકી જાય." રોજ રોજના બળાત્કાર અને અપરણ ના સમાચાર સાંભળતી મમ્મી ચિંતાનાં સ્વરમાં બોલી.
" પપ્પા તો હજુ ઊંઘે છે મારે લેટ થાય છે હું જાઉં છું." હું ઉતાવળમાં હતી.
" તો હું આવું મુકવા. આજકાલ કેવું બધું બની રહ્યું છે તને ખબર તો છે." મમ્મી હજુ મને એકલી જવા દેવા તૈયાર નહોતી.
હમણાંથી તો આ રોજનું જ હતું. અગિયારમું ધોરણ પૂરું થયું હતું અને બારમા ધોરણના ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ ગયા હતા. મોટાભાગે ક્લાસીસ નો સમય સવારે પાંચ કે છ વાગ્યાનો જ હોય. મમ્મીને મને એકલા જવા દેતા બીક લાગે અને મને કશા ની જ બીક ના લાગે અને રોજની આટલી રકજક પછી હું એકલી જ જવા નીકળું..
" મમ્મી, આજે ટ્યુશન પૂરું કરી સ્કૂલ જવાની છું. મારું રીઝલ્ટ છે એટલે કદાચ વહેલું મોડું થાય.બાય બાય, જય શ્રી કૃષ્ણ." અને હું ફટાફટ નીકળી ગઈ.
ખાલી રસ્તા પર મારી સ્કુટી પેપ ફુલ સ્પીડમાં જતી હતી. પંદર જ મિનિટમાં હું ક્લાસીસ પર પહોંચી ગઈ. ટ્યુશન પૂરું કરી સાત વાગે હું સ્કૂલે પહોંચી ગઈ. બધા આવી ગયા હતા. જીગ્નેશ સર બધાના રીઝલ્ટ એનાઉન્સ કરી રહ્યા હતા, ફ્રોમ લાસ્ટ ટુ ફર્સ્ટ.....
આમ તો મારું રીઝલ્ટ નક્કી જ હોય. ક્યારેક ફર્સ્ટ તો ક્યારેક સેકન્ડ. ફર્સ્ટ અને સેકન્ડ નંબર પર હું અને પાર્થિવ ફિક્સ હતા એટલે અમારે છેલ્લે સુધી રાહ જોવાની હતી. જેમ જેમ રિઝલ્ટ અપાતા ગયા તેમ કેટલાક નીકળતા ગયા.. અને કેટલાક પાર્થિવ અને મારામાંથી કોણ કોને બીટ કરે છે એની રાહ જોતા રહ્યા. છેલ્લે જીગ્નેશ સરે મારા ફર્સ્ટ આવવાનું એનાઉન્સ કર્યું. એ સાથે જ પાર્થિવ મારી સામે ખુન્નસ ભરી નજરે જોઈ રહ્યો પણ મને એનાથી કોઈ ફરક ના પડ્યો... અમારા ક્લાસમાં મારા મિત્રો મને કોન્ગ્રેચ્યુલેટ કરી રહ્યા હતા. પાર્થિવને દીલાસો આપી રહ્યા હતા..
" કોન્ગ્રેચ્યુલેશન્સ.."
"શું કોન્ગ્રેચ્યુલેશન્સ?? મારો ફર્સ્ટ નંબર તો તું લઈ ગઈ.. "પાર્થિવ ખીજાયેલા સ્વરે બોલ્યો...
" તો મેં કઈ ચોરી તો નથી કર્યો ને ?? નેક્સ્ટ ટાઈમ તું વધારે મહેનત કરજે અને ફર્સ્ટ નંબર તું લઈ લેજે.."મેં એને શાંત કરવા કહ્યું..
"સારું સારું હવે. તને પણ કોંગ્રેચ્યુલેશન." એ થોડો નરમ પડતા બોલ્યો..
એના મનની કડવાશ દૂર કરી હું ઘરે જવા નીકળી.. મારા બાકીના મિત્રો એમના બીજા ક્લાસના મિત્રો માટે રાહ જોતા હતા. અને મારે ઘરે જઈને મમ્મી પપ્પાને ફર્સ્ટ આવવાના ગુડ ન્યુઝ આપવા હતા એટલે હું ઉતાવળે નીકળી પડી. રોજની માફક આજે મારી સ્કુટી મેં બેઝમેન્ટમાં પાર્ક ન્હોતી કરી.. સ્કૂલના ગેટ પાસે બહાર જ પાર્ક કરી દીધી હતી..


સ્કુટી સ્ટાર્ટ કરું એની પહેલા જ મારી નજર સામે એક ભયાનક દ્રશ્ય ખડું થઈ ગયું...
બે ત્રણ વ્યક્તિઓ એક વ્યક્તિને ઘેરીને ઉભી હતી. બે ના હાથમાં ધારદાર ચપ્પુ હતા. અને વચ્ચે ઉભેલા વ્યક્તિ પર નિર્દયતાથી વાર કરી રહ્યા હતા. એની દયામણી ચીસો મને ધ્રુજાવી ગઈ. આમ તો હું ક્યારેય કોઈનાથી ના ડરતી. પણ આવું દ્રશ્ય!!

ફક્ત ફિલ્મોમાં જોવા મળતું હોય એ દ્રશ્ય મારી સામે ખડુ થઈ ગયું હતું...


'હૃદય દ્રાવક ચીસો.'
'ચપ્પુના ઘા સાથે જ ઉડતી રક્તની છોળો. '
' મરણતોલ હાલતમાં તરફડતો એક માણસ ને એની સામે એની લાચારી ની મજાક ઉડાવતું અટ્ટહાસ્ય. '

હું રીતસર ની કાંપી રહી હતી. હાથમાંથી સ્કૂટીની ચાવી પણ નીચે પડી ગઈ. મારું મગજ જાણે સુન્ન પડી રહ્યું હતું. હું ચક્કર ખાઈને પડવાની જ હતી કે કોઈના મજબૂત હાથોએ મને જીલી લીધી. એનો ચહેરો, એની આંખો, મેં જોઈ હોય એવું લાગ્યું. પણ મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. એ કંઈક કહી રહ્યો હતો. પણ મને કંઈ સંભળાતું ન્હોતું.
નજર ની સામે એક તરફડતો આદમી એના સિવાય બધું જ જાણે શૂન્ય.....
પેલા મજબૂત હાથોએ મને આધાર આપ્યો, સ્કૂટીની પાછળની સીટ પર બેસાડી દીધી. અને ચાવી લઈ પોતે સ્કુટી ચલાવવા લાગ્યો.
અમે ત્યાંથી નીકળ્યા ત્યારે પેલા આદમીનો તરફરાટ શમી ગયો હતો. હવે ત્યાં ચીર શાંતિ સ્થપાઈ ગઈ હતી. આસપાસ ઘણા લોકો હતા પણ બધા જ ચુપ. પેલા ચપ્પુધારી માણસો આરામથી એક માણસની હત્યા કરી ત્યાંથી ચાલતા થયા હતા અને આસપાસના લોકો જાણી કશું જ ન થયું હોય એમ પોત પોતાના કામમાં પરત ફરી ગયા.
હું ચૂપ હતી અને એ પણ. અમે મારા ઘરના રસ્તા તરફ આગળ વધી રહ્યા હતા. પોણી કલાક પછી મારા ઘરના દરવાજે અમે ઉભા હતા‌ એ હજુ પણ ચુપ જ હતો. ગાડી પરથી નીચે ઉતર્યો અને સ્કુટી ની ચાવી મારા હાથમાં પકડાવી એટલું જ બોલ્યો, "તારું ધ્યાન રાખજે. ટેક કેર. બાય....."

હું કંઈ બોલી ન શકી અને તેને જતા જોઈ રહી. એનું નામ શું હતું એ પણ ના પૂછ્યું. એણે મને સલામત ઘરે પહોંચાડી એના માટે એનો આભાર પણ ન માની શકી..

ધ્રુજતાં ધ્રુજતાં ઘરમાં પ્રવેશી. મારા ફર્સ્ટ આવવાની ખુશી ઓસરી ગઈ હતી. હું ચૂપચાપ બેડ પર સુઈ ગઈ. મમ્મીને થયું કદાચ હું ફર્સ્ટ નહીં આવી હોય એટલે ઉદાસ હોઈશ. એણે મને ચૂપચાપ સુવા દીધી.
થોડી જ વારમાં પપ્પા આવ્યા. મારી સ્કૂલનાં ગેટ પાસે થયેલી હત્યા વિશે એમને સમાચાર મળી ચૂક્યા હતા. એમણે આવતા જ મને પૂછ્યું અને હું પપ્પાને ગળે વળગી રડવા લાગી. પપ્પાને સમજતા વાર ન લાગી કે જે હત્યા વિશે એ પૂછી રહ્યા છે, એ હું રૂબરૂ જોઈને આવી છું.. મમ્મી પપ્પા એ મહામહેનતે મને ચૂપ કરાવી...

એ દિવસે બાકીના ટ્યુશનમાં રજા રાખી દીધી. પપ્પા પણ આખો દિવસ મારી સાથે રહ્યા. મને આખી રાત ઊંઘ ના આવી. આંખો બંધ કરતા જ તરફડતો લોહી લુહાણ વ્યક્તિ જાણે મારી પાસે મદદ માંગતો હોય એવો આભાસ થતો.
એક બે દિવસ આમ જ પસાર થયા. અચાનક જ ભયથી ધ્રુજી ઉઠતી અને મમ્મી મને પોતાના ખોળામાં છુપાવી દેતી હોય એમ બાથ માં લઇ લેતી. પણ આવું કેટલાક દિવસ ચાલે એવું વિચારી પપ્પાએ ટ્યુશનમાં જવા ફરમાન આપી દીધું હતું. પેલા હત્યારાઓ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થઈ ગયા હતા એટલે પપ્પાને બીજો કોઈ ભય નહોતો. સવારે વહેલા જાગીને તૈયાર તો થઈ ગઈ. પણ સાડા પાંચ વાગ્યાના અંધારામાં ટ્યુશન જતાં આજે મને ડર લાગતો હતો. મમ્મીએ પપ્પાને જગાડી મને મુકવા આવવા કહ્યું.. ટ્યુશનમાં બધા જ સર અને મારા ક્લાસમેટ ને આ ઘટનાની જાણ હતી. તેથી એ લોકો પણ હું આ ઘટના જલ્દી ભૂલી શકું એ માટે જુદા જુદા નુસખાઓ અપનાવતાં. ગ્રુપમાં સ્ટડી, મસ્તી, એન્ડ પાર્ટી... આ બધા વચ્ચે હું પેલી ઘટના તો ભૂલી ગઈ. પણ એ દિવસે મને સ્કૂલથી ઘર પહોંચાડનાર એ છોકરો.. એને હું વારંવાર યાદ કરતી. પણ એ પછી એ ક્યારેય દેખાયો નહીં.... એ ઘણીવાર મારા સપનામાં પણ આવતો.. એ બસ મને જોયા કરતો અને છેલ્લે તારું ધ્યાન રાખજે એવું કહીને ગાયબ થઈ જતો..... હું હંમેશા જ વિચાર્યા કરતી "કોણ હતો એ??? ક્યાંથી આવ્યો ને ક્યાં ગાયબ થઈ ગયો.???"

*............*.............*................*

મારી આંખો ખૂલતાં જ મારી આસપાસ ઉભેલા બધા લોકોના ચહેરા પર થોડું હળવું સ્મિત આવ્યું. મમ્મી એ મને થોડું પાણી પાયું. હવે હું ઠીક છું એવું જાણી બધા પોતપોતાના રૂમમાં ગયાં. આકાશે ધીમે રહીને પૂછ્યું," તુ ઠીક છે??? અચાનક શું થઈ ગયું તને.????
આકાશ ની આંખો અને તેનો ચહેરો જોઈ મારા મોં થી શબ્દો સરી પડ્યાં, " એ તું જ હતો ને???"