ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
"સાહેબ હું કહું છું ને કે એ 2 લોકો હતા જાણે લોરેલ અને હાર્ડીની જોડી હોય એવા, એક મહાભારતના ભીમ જેવો જાડો અને એક સાવ પતલો." માંડ ભાનમાં આવેલી 2 યુવતીઓ માંથી એક સવારે 11 વાગ્યે હોસ્પિટલના બિછાને થી એના ઉપરીને કહી રહી હતી. એને હજી ચક્કર આવતા હતા એમને કંઈક સૂંઘાડવામા આવ્યું હતું જેનાથી એ લોકો બેહોશ થઇ ગયા હતા. સાંભળીને એકના કાન ચમક્યા એણે કાલે અનેક હોટલ ગેસ્ટ હાઉસ ચેક કર્યા હતા. એમાંથી ક્યાંક ભીમ જેવો દેખતો એક માણસ જોયો હતો પણ એને યાદ આવતું ન હતું.
xxx
બપોરે 2 વાગ્યે ગેસ્ટ હાઉસમાં જમીને પછી ભીમ સિંહ જોધપુર જવા નીકળ્યો એના પંદર મિનિટ પછી એક જોંગા જીપ આનંદ ગેસ્ટ હાઉસ સામે ઉભી રહી એમાં એક પ્રતિષ્ઠિત બિઝનેસમેન ઉપરાંત 3-4 ગુંડા જેવા દેખાતા માણસો હતા. બિઝનેસમેને રિક્વેસ્ટ કરીને ગેસ્ટ હાઉસમાં ઉતરેલા મહેમાનનું લિસ્ટ માંગ્યું જે થોડી આનાકાની પછી મેનેજરે આપ્યું. લિસ્ટ ચેક કરીને કઈ શંકાસ્પદ ન મળતા એણે ગુંડાઓ સામે જોયું એમાંથી એક આગળ આવ્યો અને ચેક આઉટ કરનાર વિશે પૂછ્યું ખાસ કરીને એક જાડો ભીમ જેવો માણસ વિશે. મેનેજરે જણાવ્યું કે "એ તો જેસલમેરથી આવેલા અને એમની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવાની હોવાથી પંદર દિવસ પછી આજુ બાજુમાં કૈક નિશાળ કે હોલ ભાડે મળે એની તપાસ કરતા હતા. 3-4 પાર્ટી એમને મળવા પણ આવેલી હમણાં જ 20 મિનિટ પહેલા નીકળ્યા."
"તો એ સજ્જન ક્યાં ગયા જેસલમેર?" દાંત પીસાતા બિઝનેસમેને પૂછ્યું.
"એ મને કેવી રીતે ખબર હોય? અમે અહીં આવનારા ક્યાંથી આવે છે અને અહીં રોકવાનો શું ઉદ્દેશ છે એ પુછીયે. હવે ક્યાં જવાના એની સાથે અમારે શું નિસબત." સાંભળીને ગુંડાઓના સરદારે પોતાની હથેળીમાં મુઠ્ઠી મારી એને ગુસ્સો કરતા જોઈને બિઝનેસમેને એને શાંત કર્યો કેમ કે આનંદ ભુવન ગેસ્ટ હાઉસના માલિક પણ મોટું માથું હતા. એના કાકા વિધાનસભ્ય હતા. અને અમુક પહોંચેલ વ્યક્તિનું એમાં રોકાણ હતું. "પણ ભાઈ કઈ વાત થઇ હોય કે કઈ એમનો પોગ્રામ તમારા કોઈ વેઈટરે સાંભળ્યો હોય તો પૂછી જુવો ને મારે એનું બહુ અર્જન્ટ કામ છે." બિઝનેસમેને કહ્યું.
"અહીં મારી સાથે કઈ ખાસ વાત થઇ નથી હા એકાદ બે હોલના મેનેજરના નંબર એમણે મારી પાસે માંગ્યા એ મેં ગોતાવી આપ્યા ઉપરાંત આ દોઢ દિવસમાં માંડ એમની રૂમમાં એકાદ વાર ચા પાણીનો ઓર્ડર એમણે આપેલો એ અમારા ઈશ્વર ભાઈ આપી આવ્યા હતા. જોકે ત્યારે એમને મળવા નજીકની શાળાના પ્રિન્સિપાલ આવેલા હું ઈશ્વરને બોલવું છું તમે પૂછી લો. પણ આ બધી શું ધમાલ છે?" હળવેકથી મેનેજરે પૂછ્યું અને ઉમેર્યું "મારે વિધાનસભ્ય શ્રીને અને મારા માલિકને જણાવવું પડશે એટલે."
"નારે એવું કોઈ ખાસ કામ નથી. એ તો અમારા જુના ઓળખીતા છે અત્યાર સુધી અમે એમને ગાર્ડ પુરા પડતા હતા હવે એમણે ડાયરેક્ટ ભરતી ગોઠવી છે. એટલે એમને શું મનદુઃખ થયું છે એ પૂછવું હતું. જરા ઈશ્વર ભાઈ ને બોલાવી દો. અને આટલી નાની વાતમાં તમારા મલિક સંગ્રામસિંહને કઈ તકલીફ આપવાની જરૂર નથી નહીં તો હું ડાયરેક્ટ એમને પૂછી લેત."
"ભલે" કહી મેનેજરે ઈશ્વરને બોલાવ્યો લગભગ 50-52 નો ઈશ્વર 2 -3 મિનિટ પછી આવ્યો એણે શર્ટ અને લેંઘો પહેર્યા હતા શર્ટના ઉપરના 2 બટન તૂટેલા હતા લેંઘા નું નાડું લબડતું હતું 7-8 દિવસની વધેલી કાબરચીતરી દાઢી, વિખરાયેલા વાળ પગમાં સ્લીપર અને આંખોમાં ઊંઘ એણે આવીને મેનેજરને સલામ મારી અને પૂછ્યું. "જી હુકમ શું કામ હતું?"
"જો ઈશ્વર, આ સાહેબ, આપણા માલિકના ઓળખીતા છે. મિત્ર છે. એમને રૂમ નંબર 102 માં ઉતરેલા ઓલા જાડા સિક્યુરિટી ઓફિસર બાબત કઈ પૂછવું છે."
"ઓહ્હ ઓલા ભીમ સાહેબ" કહી ઈશ્વર હસ્યો
"હા એ ભીમ સાહેબ અત્યારે ક્યાં ગયા તને કઈ ખબર છે?" બિઝનેસમેને પૂછ્યું.
"એ તો મને કેવી રીતે ખબર હોય?" ઈશ્વરે સામો પ્રશ્ન કર્યો
"તો એનું નામ પડતા તું હસ્યો કેમ" ગુંડાનાં સરદારે સીધો પ્રશ્ન કર્યો.
"અરે એ તો કાલે રમૂજ થઇ હતી એ યાદ આવ્યું. અમારા ડાઇનિંગ હોલ માં એ ભીમ સાહેબ રાત્રે જમવા બેઠા અને પછી રોટલી ઉપર જે મારો ચલાવ્યો કે રોટલી ખૂટી પડી અમે ગેસ્ટહાઉસના મહેમાનો હોય એના થયો 4-5 માણસ નું વધારે જ ભોજન બનાવીયે છીએ પણ રાત્રે મારા કે રસોડાના મહારાજ શું બધા વેઈટરને ભાગે માંડ થોડા થોડા દાળ રાઈસ આવ્યા જે એમના જમી લીધી પછી મહારાજે બનાવ્યા હતા એટલે જ આજે મહારાજે રજા કરી નાખી કે એ ભીંસ સેન ગેસ્ટ હાઉસ માંથી ચાલ્યો જાય પછી જ હું નોકરીએ આવીશ રોટલી વણીને એના હાથ દુખી ગયા." ઈશ્વરે હસતા હસતા કહ્યું.
"અચ્છા એટલે મહારાજે આજે રજા કરી મને તો કહ્યું કે મને તાવ આવ્યો છે" મેનેજરે કહ્યું. પછી બિઝનેસમેને પ્યારથી અને 5 સો રૂપિયા આપીને ઈશ્વરને ફેરવી ફેરવીને પૂછ્યું અને ગુંડા નાં સરદારે સહેજ દમદાટી પણ આપી પણ જમાનાના ખાધેલ ઈશ્વર પાસેથી માહિતી ના નામે કઈ મળ્યું નહિ.
xxx
"હા સાહેબ કુમાર બિસનોય એના 3-4 પાલતુ કુત્તાને લઇ ને આવેલો પણ મેં અને ઈશ્વરે મળીને એને રવાના કરી દીધો છે." ગેસ્ટ હાઉસનો મેનેજર એના માલિકને રિપોર્ટ આપી રહ્યો હતો.
"ઓકે, એ કે એના માણસો રાત પહેલા પાછા આવશે અને ભીમની કંપનીનું એડ્રેસ માંગશે તો એને આપી દેજે એમાં ચિંતા ની કોઈ વાત નથી. એ લોકો ગાર્ડની ભરતી કરવાની જ છે અને ભીમ જેવા 2-3 લોકો આખા રાજસ્થાનમાં કંપની વતી ફરી રહ્યા છે" કહી આનંદ ભુવન ગેસ્ટ હાઉસના માલિકે ફોન કટ કર્યો અને પછી પૃથ્વીને ફોન જોડ્યો.
xxx
"મોહનલાલ જી પેપર વર્ક પૂરું થઇ ગયું" કંડલાથી મુકેશ ફોનમાં કહી રહ્યો હતો.
"વેરી ગુડ,"
"એક પ્રશ્ન પૂછું. શેઠજી એ જે ફેરફાર કહ્યા હતા એ અને.."
"મુકેશ..." મોહનલાલે રાડ નાખતા કહ્યું.
"સોરી સર. ગુસ્સો ના કરો પણ મારા હાથ નીચેના 40 જણા પાસે આટલું મોટું અને આટલા વર્ષોનું.."
“લાગે છે કે તારું મોઢું વધારે ખુલી રહ્યું છે. મુકેશ સમજી લે જે મારું નામ મોહનલાલ છે. કલાકમાં તું અને તારો 40 જણનો સ્ટાફ...." મોહનલાલે ગુસ્સાથી રાડ નાખતા કહ્યું.
"સોરી સર, આ તો બધા એક સાથે આટલા મોટા ફેરફાર અંગે પૂછતાં હતા એટલે અને આમેય મારે 4 વર્ષનો દીકરો ને દોઢ વર્ષની દીકરી છે. બાકી તમે જણાવેલ બધું કામ થઈ ગયું છે. ચેક કરી લેજો."
" હા એ તો ચેક કરીશ જ ને અને હા તમારું પેમેન્ટ જમા કરાવી દીધું છે હવે તું ત્યાંથી નીકળ અને તારી નોકરીએ પાછો લાગી જા. અને ઘરે છોકરાવ માટે મીઠાઈ લઇ જજે. આજે હું બહુ ખુશ છું." કહી મોહનલાલે ફોન કટ કર્યો અને પછી પૃથ્વી અને જીતુભાની સગાઈમાં જવા માટે ઓફિસમાંથી બહાર નીકળ્યા.
xxx
સગાઈ માટેના હોલ પર માહોલ એકદમ મસ્ત હતો. મહેમાનો ખુશ હતા. મહિલાઓ એક બીજાના દાગીના અને કપડાના વખાણ કરી રહી હતી (અને મનોમન અમુક ઈર્ષ્યાથી બળી રહી હતી તો અમુક એ પહેરનાર પર સારું નથી લાગતું એમ મનોમન વિચારી રહી હતી.) પુરુષ વર્ગ ક્રિકેટ મેચ અને પોતપોતાના બિઝનેસ વિષે ચર્ચા કરી રહ્યા હતા. હાજર મહેમાનો માં મોટા ભાગના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. પૃથ્વી અને પ્રદીપભાઈ તરફના ખાસ. જયારે કેટલાક લોકો મહેમાનની આગતા સ્વાગતા માં વ્યસ્ત હતા. સુરેન્દ્રસિંહ ને ખડકસિંહે જબરદસ્તી પોતાની સાથે બેસાડ્યા હતા અને પ્રદીપ ભાઈને પણ ત્યાં બોલાવ્યા હતા. સુરેન્દ્રસિંહને દીકરીના સાસરિયાઓ અને એમના મહેમાનોની બરાબર ખાતર બરદાસ્ત થાય એની ચિંતા હતી. પણ ખડકસિંહે ભાર દઈને કહ્યું કે 'સુરેન્દ્ર સિંહ એ બધું પડતું મુકો અને આ પ્રસંગને માણો .
થોડીવાર પછી પંડિતજીના કહેવાથી જીતુભા - મોહિની તથા પૃથ્વી - સોનલ સ્ટેજ પર આવ્યા અને સગાઈની વિધિ શરૂ થઈ. સનાતનની ધાર્મિક વિધિ પછી આધુનિક રિંગ સેરેમની થઇ. સોનલે એના મમ્મી ની ભરત ભરેલી ગ્રીન અને રેડ કલર કોમ્બિનેશન વાળી સાડી પહેરી હતી તો મોહિની એ લાઇટ ગ્રીન અને પિંક કલરની સિલ્કની સાડી પહેરી હતી. સોનલે પહેરેલા આભૂષણ થોડા જુના (એના મમ્મી ના) તો હતા પણ એમાં એક રાજસી ઠાઠ હતો. જીતુભાની માં એ નવા દાગીના બનાવરાવવા માટે કહ્યું તો સોનલે ઘસી ને ના કહી હતી અને કહ્યું હતું કે "ફૈબા. તમે મારી માં કરતા વિશેસ મારી સંભાળ રાખી છે અને જીતુભાએ કદી મને ભાઈ ની ખોટ સાલવા દીધી નથી. પણ આજે આ પ્રસંગે હું મારી મા ને મારી સાથે મહેસુસ કરવા માંગુ છું અને એની જ સાડી અને ઘરેણાં પહેરીશ' આ સાંભળીને જીતુભાની માં ના મનમાં સોનલની છોકરમત વિષે જે ચિંતા હતી એ દૂર થઇ હતી એમને લાગ્યું હતું કે 'ના સોનલ ઘરના સભ્યો સામે ભલે હજી બાળક જેવી હઠ કરે પણ એ એક પ્રગલ્ભ યુવતી બની રહી છે. પરણવાની ઉંમરની યુવતી માં જે એક પ્રકારની ગંભીરતા હોવી જોઈએ એ એનામાં છે. મોહિનીના કપડાં અને ઘરેણાં નવી ફેશનના અને આધુનિક હતા. પણ મોહિનીના ચહેરા પર રહેલું નિર્દોર્ષ પણું એની એક અલગ જ છાપ ઊભી કરતું હતું. જીતુભા અને પૃથ્વી બન્ને એ સૂટ પહેર્યો હતો. મોજ મસ્તી વાળું વાતાવરણ હતું. ધીમા ધીમા મ્યુઝિક માં સગા વ્હાલા ને મિત્રો ડાન્સ આઇટમો કરી રહ્યા હતા. જીગ્ના એ 2 આઈટમ સોન્ગ કર્યા એક મોહિની માટે તો બીજો સોનલ માટે. પછી એ જીતુભા પૃથ્વી બન્ને ને મળી અને અભિનંદન આપ્યા એ બન્નેને ઓળખતી હતી. પછી સોનલ અને મોહિની ને ભેટી પડી અને બન્નેને અભીનંદન આપ્યા પણ એ જમવા માટે ન રોકાઈ અને સીધી એના ભાઈ ભાભી સાથે નીકળી ગઈ કેમ કે એની સગાઈની પણ વાતો ચાલુ હતી અને લગભગ નક્કી જ હતી એના થનારા સાસરેથી અમુક મહેમાનો મળવા આવવાના હતા.
xxx
મોહન લાલ હોલ પર પહોંચ્યો. ત્યારે અડધા મહેમાનો જમી રહ્યા હતા તો અમુક જલ્દી ઘરે પહોંચવાની ઉતાવળ વાળા નીકળી ગયા હતા. સુરેન્દ્રસિંહ એને આવકાર્યો. ખડક સિંહ સાથે એનો પરિચય હતો પ્રદીપ ભાઈ ને એ પહેલી વાર મળ્યો હતો. પછી એ સ્ટેજ પર ગયો અને જીતુભા- મોહિની, પૃથ્વી અને સોનલને મળ્યો. પૃથ્વીએ સોનલ અને મોહિની બન્ને ને કહ્યું 'જુઓ હું અને જારેજા કાલ સવારે ભારત બહાર જઈએ છીએ આ મોહનલાલનો નંબર બન્ને નોંધી લો દુનિયાના ગમે તે છેડે તમેં કદાચ મુસીબતમાં હશો તો એકે ફોનથી તુરત તમને મદદ પહોંચાડશે. બરાબરને મોહન લાલ' જવાબમાં મોહનલાલ માત્ર ફિક્કું હસ્યો. જાણે એ કોઈ ઊંડા વિચારમાં હતો એણે પૃથ્વીના વાક્યને સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. મોહનલાલ આજે બદલાયેલ લાગી રહ્યો હતો.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.