રાણીપના શુભમ્ અપાર્ટમેન્ટ આગળ શ્રેયાની ગાડી આવી ઊભી રહી. શ્રેયાએ તેમાંથી ઊતરીને આજુબાજુ જોયું તો બીજા પણ ઘણા બધા ફ્લેટ હારબંધ દેખાયા. રસ્તા પર બહુ ચહલપહલ ન હતી. ફ્લેટ નવા બનેલા હોય એમ લાગતું હતું. તેણે ભૂખ લાગી હતી. તેણે આજુબાજુ નજર કરી, પણ ક્યાંક કોઈ ઢંગની રેસ્ટોરન્ટ ન દેખાઈ. તેણે નાસ્તો કરવાનું માંડી વાળ્યું. ફ્લેટની સામે બસ સ્ટેન્ડ પર તેની નજર ગઈ. તને જોયું કે એક યુવક યુવતીને કંઇક વાત ઉપર બોલાચાલી થઈ રહી હતી. શ્રેયાને દુરથી કંઈ સંભળાતું ન હતું. યુવકે પેલી યુવતીને ઉપરાઉપરી બે ત્રણ તમાચા ચોડી દીધા. શ્રેયા તરત તેમના તરફ આગળ વધી.
યુવક પાસે જઈને તેણે પૂછ્યું, “કેમ, બહુ તાકાત છે શરીરમાં?”
યુવકે તેની સામે જોયું અને પોતાના એ જ તેવરમાં શ્રેયાને કહ્યું, “તું તારું કામ કર. તારે જોવી હોય તો તને પણ બતાવું તાકાત.” હજી તો પેલો આટલું બોલી જ રહ્યો હતો ત્યાં તો શ્રેયાએ પેલાની બોચીમાં એક તમાચો જડી દીધો. પેલાને તમ્મર આવી ગયા. શ્રેયાએ પેલાનું કમરમાંથી પેન્ટ પકડીને હચમચાવી નાખ્યો. બીજી બે ધોલ મારતાં કહ્યું, “સ્ત્રી ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી નામર્દ સાલા. હરામી.” પેલો કંઈ સમજી શકે તે પહેલાં તો એના હોશ ગુમ થઇ ગયા હતા.
પેલી છોકરી વચ્ચે પડી, “છોડી દો એને.”
શ્રેયાએ પેલી છોકરીને પૂછ્યું, “કોણ છે આ?”
પેલીએ ગભરાતા ગભરાતા જવાબ આપ્યો, “બીએફ છે મારો.”
પેલો આજીજી કરતાં બોલ્યો, “ભૂલ થઈ ગઈ બેન... ભૂલ થઇ ગઈ મારી.”
શ્રેયાએ પેલી છોકરીને પૂછ્યું, “રોજ આ રીતે મારે છે?” ત્યાંથી પસાર થતાં બે ચાર રાહદારીઓ આ છોકરાને પડતો મેથીપાક જોવા ઉભા રહ્યા. ડ્રાઈવરે આ જોયું. એ પણ ત્યાં આવી ગયો.
શ્રેયાએ પેલા છોકરાને કહ્યું, “ફરી કોઈ દિવસ કોઈ સ્ત્રી પર હાથ ચાલાકી કરીશ?” પેલાએ કણસતા કણસતા “ના” પાડી.
પેલી છોકરીને શ્રેયાએ કહ્યું, “આ અત્યારથી આવી રીતે તને ટ્રીટ કરે છે, તો આખી જિંદગી કેવી રીતે કાઢીશ આની સાથે. શું જોઇને પ્રેમમાં પડો છો.”
પેલા છોકરાનો કાન પકડતાં કહ્યું, “સોરી કહે.”
પેલો “સોરી.. સોરી” બોલતા બોલતા કણસતો જતો હતો.
શ્રેયાએ ઉમેર્યું, “મને નહીં, આ છોકરીને કહે. અને અહીં દસ ઉઠકબેઠક કર.”
પેલો છોકરીને સોરી... સોરી... બોલતા બોલતા ઉઠકબેઠક કરવા લાગ્યો.
બંનેને રવાના કરીને તે ફ્લેટમાં દાખલ થઈ. ફલેટમાંથી નીકળતા એક પુરુષને પૂછ્યું, “અહીં સી વિભાગ કઈ બાજુ છે.” પેલા પુરુષે હાથથી ઈશારો કરીને બતાવતાં કહ્યું, “સામે.”
શ્રેયા સી વિભાગની લીફ્ટમાં ત્રીજે માળે પહોંચી. લિફટમાં નીકળીને તેણે બંને બાજુ નજર કરી. તે ડાબી તરફ વળી. ત્યાં પહેલાં ફ્લેટ પર નંબર જોયો. ૩૦૪ નંબર લખેલો હતો. તે આગળ વધી. પછીના ફલેટનો નંબર જોયો. તેના પર ૩૦૩ નંબર લખેલો હતો. તે પાછી વળી. ૩૦૪ નંબરનો ફ્લેટ વટાવી ૩૦૫ નંબરના ફ્લેટ સામે આવી તેની ડોરબેલ દબાવી. ડોરબેલ વાગી નહીં. તને દરવાજો ખખડાવ્યો. એક પચાસેક વર્ષના પુરુષે દરવાજો ખોલ્યો.
શ્રેયાએ પૂછ્યું, “પૂજા છે?”
પેલા પુરુષે કહ્યું, “ના.”
શ્રેયાએ પ્રશ્નાર્થભાવે પુરુષને પૂછ્યું, “આ પૂજા યાદવનું ઘર જ છે ને?”
પેલા પુરુષે કહ્યું, “હા, પણ એ અત્યારે ઘરે નથી. તમે કોણ?”
શ્રેયાએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, “ડીસીપી શ્રેયા ગોહિલ, ક્રાઈમ બ્રાંચ.”
સામે ઊભેલા પુરુષના મોં ઉપર શ્રેયાએ ડર જોયો. તેનો ડર કરવા તેણે કહ્યું. “ડરવાની જરૂર નથી. કોઈ ગંભીર વાત નથી. ફક્ત એક કેસમાં સામાન્ય પૂછપરછ કરવી હતી.”
પેલા પુરુષે કહ્યું, “અંદર આવો.”
શ્રેયા ઘરમાં દાખલ થઈ. તેણે ઘરમાં પોલીસની મૂળ આદત પ્રમાણે ચારેય બાજુ નજર કરી. દરવાજાની બાજુમાંથી જ નેવું અંશના કાટખૂણે સોફા લગાવેલો હતો. સોફાની સામેની બાજુએ નાનકડું ડાયનીંગ ટેબલ હતું, જેની સામસામે બે બે ખુરશીઓ મુકેલી હતી. દીવાલ પર ચારેય પેઈન્ટીંગ લગાડેલા હતા. દરવાજાની બાજુની દીવાલ પર એક શોકેસમાં અવોર્ડ મુકેલા હતા. શ્રેયા સોફામાં બેઠી. પેલો પુરુષ પાણી લઈને આવ્યો.
શ્રેયાએ, “હમણાં જ પીધું છે” કહ્યું. પેલો પુરુષ પાણીનો ગ્લાસ ડાયનીંગ ટેબલ પર મૂકી શ્રેયાની સામેના સોફા પર બેઠો.
શ્રેયાએ તેને પૂછ્યું, “તમે શ્રેયાના પપ્પા છો?”
“હા, રાજેન્દ્ર યાદવ.” પેલા પુરુષના ચેહરા પર હજી પણ ડર જણાતો હતો.
પેલાનો ડર દૂર કરવા કહ્યું, “પૂજાની એક સ્ટુડન્ટ મૈત્રી જોશી કાલ સાંજે વિદ્યાપીઠ પ્રક્ટિસ માટે આવી પછી ઘરે પાછી નથી પહોંચી. કદાચ પૂજાને કંઈ જાણકારી હોય તો એટલે એને પૂછવા આવી હતી. મેં એને ફોન લગાડ્યો હતો, પણ એનો મોબાઈલ સ્વીચ ઓફ આવે છે.”
રાજેન્દ્રભાઈએ કહ્યું, “એનો મોબાઈલ કાલે વરસાદમાં પલળી ગયો હતો એટલે બંધ થઈ ગયો છે.”
શ્રેયાએ પૂછ્યું, “એને આવતા વાર લાગશે?”
પેલાએ તરત જવાબ આપ્યો, “ના, થોડીવારમાં આવી જશે.”
શ્રેયાએ સમય પસાર કરવા કંઈ તો વાત કરવી જરૂરી હતી. પણ પોલીસની આદત મુજબ તપાસ માટેના પ્રશ્નો સિવાય બીજું પૂછે શું?
શ્રેયાએ કહ્યું, “કોઈ અગત્યના કામથી બહાર ગઈ છે?”
“ના. દવા લેવા લઈ છે. કાલે રાત્રે બરાબર ઊંઘી નથી એટલે થોડી તબિયત લથડી ગઈ છે.” રાજેન્દ્રભાઈ ધીમે ધીમે સ્વસ્થ અને સહજ થઇ રહ્યા હતા.
શ્રેયાએ પૂછ્યું, “કેમ?” શ્રેયાના મનમાં શંકા ઉદ્ભવી. અટકીને ફરી ધીમેથી પૂછ્યું, “કંઈ પ્રોબ્લેમ થયો હતો?”
રાજેન્દ્રભાઈએ કહ્યું, “ખબર નહીં, પણ રડતી હતી.”
શ્રેયાએ ગંભીરતાથી રાજેન્દ્રભાઈ સામે જોયું અને પૂછ્યું, “કેમ?”
રાજેન્દ્રભાઈએ કહ્યું, “ખબર નહીં. મેં એને પૂછ્યું પણ ખરું કે શું થયું છે, કેમ રડે છે. પણ એણે સરખો જવાબ આપ્યો નહીં. ફક્ત કંઈ નહીં એટલું જ કહ્યું અને ફરી રડવા લાગી.” એટલામાં દરવાજે ટકોરા થયા. રાજેદ્રભાઈએ દરવાજો ખોલ્યો. પૂજા અને તેની મમ્મી અંદર પ્રવેશ્યા. શ્રેયાને જોઈને બંનેના ચેહરા પર પ્રશ્નાર્થ હતો.
શ્રેયાએ તેમની આ અવસ્થાને જોતાં કહ્યું, “હું શ્રેયા ગોહિલ. ડીસીપી ક્રાઈમ બ્રાંચ. પૂજા તારી એક સ્ટુડન્ટ મૈત્રી જોશી ગુમ થઈ ગઈ છે. એની પૂછપરછ માટે આવી છું.” શ્રેયા તેના ચેહરાના હાવભાવ જોવા અટકી, પણ પુજાના ચેહરા પર ડર ન હતો. પૂજા અંદર આવી અને તેણે પોતાનું પર્સ શોકેસના ખાના પર મુક્યું. બધા ફરીથી સોફા પર ગોઠવાયા. પૂજા અને તેની મમ્મી તેના પપ્પાની બાજુમાં બેઠા. શ્રેયાએ વાત આગળ ચલાવતા પૂછ્યું, “તેં એને છેલ્લે કયારે જોઈ હતી.”
પૂજાએ એક પળનો પણ વિચાર કર્યા વિના જવાબ આપ્યો, “કાલે એ મારી સાથે જ તો હતી. એણે પ્રક્ટિસ કરી અને પછી લગભગ સાત વાગ્યે એ નીકળી ગઈ હતી.”
શ્રેયાએ એની સામે ઘડીક જોઈ રહી જાણે એના ચેહરા પર કંઈક વાંચવાની કોશિશ કરી રહી હોય. પૂજાને શ્રેયાનું આ રીતે શંકાની દ્રષ્ટીએ પોતાને જોવું ખટક્યું.
શ્રેયાએ પૂછ્યું, “બીજું કંઈ એવું તારા ધ્યાનમાં આવ્યું હોય, જેમ કે એના વ્યવહારમાં કે વર્તણુકમાં પાછલા થોડા દિવસોમાં કોઈ પ્રકારનો બદલાવ આવ્યો હોય.”
પૂજાએ કહ્યું, “ના. એવું કંઈ મારા ધ્યાનમાં આવ્યું નથી. અને આમ પણ ત્યાં ઘણી છોકરીઓ આવે છે ને હું કોઈની પર્સનલ લાઈફમાં દખલ નથી કરતી.”
“એનો બીજા સ્ટુડન્ટસ સાથે વ્યવહાર કેવો છે?” શ્રેયાએ પૂછ્યું. પૂજાએ ફક્ત “સારો” એટલો જ જવાબ આપ્યો.
શ્રેયાએ છેલ્લો સવાલ પૂછ્યો, “તું મૈત્રીને કેટલા સમયથી ઓળખે છે?”
પૂજાએ કહ્યું, “લગભગ ત્રણ વર્ષથી.”
શ્રેયાએ પોતાનું કાર્ડ આપતા કહ્યું, “જો તને કંઈ પણ જાણકારી મળે તો મને જાણ કરજે.”
શ્રેયા પોતાની ગાડીમાં બેઠી. ડ્રાઈવરને કહ્યું, “ઓફીસ લઈ લે.” ગાડીમાં શ્રેયાનું મન ઘટનાને સમજવા મથી રહ્યું હતું. તેનું મગજ પૂજા પર શંકા કરી રહ્યું હતું, જયારે દિલ તેને નિર્દોષ ઠેરવી રહ્યું હતું. તેની ગાડી ઓફીસ તરફ આગળ વધી રહી હતી.