ઠહેરાવમાં અત્યાર સુધી આપણે જોયું કે, વીરાને પોતાના લગ્ન પછી, ખબર પડી હતી કે જે લગ્ન એને ગિરિશ પપ્પાની ખુશી માટે કર્યા એ ગિરીશ પપ્પાની ઈચ્છા ક્યારેય ન હતી. વીરા અને સમય વચ્ચે જે તિરાડ પડી ચુકી હતી કે આ પત્ર પછી વધારે ને વધારે પહોળી થઇ. વીરા અને સમય વચ્ચે પડેલ તિરાડ, વીરાને સાહિલ તરફ લઇ ગઈ. પત્ર વાંચીને વધારે હતાશ થયેલ વીરા વરંડામાં ચાલવાનું નક્કી કરે છે અને વિચારોની સફર વીરાને, પોતાની સાહિલ સાથેની પ્રથમ મુલાકાતના વર્ષોમાં લઇ જાય છે. ચાલો વાંચીએ સાહિલ અને વિરાના, મિત્રતા અને પ્રેમના સફર વિશે ઠહેરાવ - 7 માં.
વીરાને વીલની સાથે ગિરિશ પપ્પાનો લેટર મળ્યો ત્યારે એના લગ્નને લગભગ દોઢ વર્ષ થઇ ગયા હતા. સમય અને તારા મોમે કરેલાં દગા પછી વીરા એક એવા દોરાહા પર આવીને ઉભી રહી ગઈ હતી જ્યાંથી બે રસ્તા પડતા હતા. વારે-વારે વિચારતી કે શું મારે આ લગ્નમાં જોડાઈ રહેવું જોઈએ કે પછી? એક મન કહેતું કે, શું સમયે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં મરજીથી જવાબ આપ્યો હોત તો શું એ જવાબ "ના" જ હોત? શું પોતાના બચપણના સાથી તરીકે મેં સમયને એક મોકો ના આપ્યો હોત? ના કહેવાનું કોઈ બીજું કારણ ક્યાં હતું? અંદરથી બીજુ મન બોલી ઉઠ્યું કે, વીરા, ના કહેવાનું કારણ તો હતું ને! શું પ્રેમનું ના હોવું એ એકમાત્ર કારણ નથી લગ્ન માટે ના કહેવાનું? તું ક્યાં સમયને પ્રેમ કરતી હતી? તે પ્રયત્ન પણ કરી જોયા પણ જેને તું પ્રેમ સમજતી હતી એ ક્યાં પ્રેમ હતો? પોતાની મૂંઝવણથી ડિપ્રેસનમાં રહેતી વીરા એક શાંતિની, એક ઠહેરાવની તલાશમાં હતી એટલે એણે પોતાની જાતને કામમાં જોતરી દેવાનું નક્કી કર્યું. જ્યારે સમય અને સાહિલ અમદાવાના પહેલાં કાફે માટે મળવાના હતા ત્યારે, સમય અને વીરા એક જોઈન્ટ પ્રોજેકટ પર કામ કરી રહ્યા હતા. સમયથી દૂર રહેવા માટે જ વીરાએ સમયને કહ્યું કે મી. સાહિલનો પ્રોજેક્ટ હું એકલી કરવા માંગુ છું.
સમયને ક્યારેય વીરાની કાબેલિયત પર શંકા ન હતી. ખરેખર તો એને પોતાની કાબેલિયત પર વિશ્વાસ ન હતો અને એટલે જ એ વીરા સાથે જોડી બનાવી એની ઓથમાં છૂપાવા માંગતો હતો. વીરા સાથે લગ્ન કરવા માટેનો એનો મૂળ ઉદ્દેશ પણ એ જ હતો. સમયને હંમેશાથી જાણતો હતો કે, વીરા એનાથી વધારે લાયક છે અને એટલે જ એ ઈચ્છતો ન હતો કે એ વાત બહાર આવે. એ શરૂઆતથી ફ્રન્ટ સાઈડમાં રહેતો, વીરાને ઝટ પોતાના વિચારો રજૂ કરવા ન દેતો. સાહિલના પ્રોજેક્ટ વખતે સમય અને વિરાનો એક બીજો મોટો પ્રોજેક્ટ પણ ચાલતો હતો જેમાં ડિઝાઇન ફાઇનલ થઇ ગઈ હતી અને હવે એક્ઝિક્યુશન કરવાનું હતું. વીરા એકલી સાહિલનો પ્રોજેકટ કરતી હોય તો ડિઝાઇનનું બધું કામ એ કરી લે પછી પાછળથી જોડાઈને ક્રેડિટ લઇ શકાય. વળી સાહિલનો અમદાવાદમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે તો એને મહત્વ આપવા કરતાં અત્યાર હાથમાં રહેલ મી શાહ, જેમનું બહુ મોટું નામ છે એમના પ્રોજેક્ટ પર કામ કરવું જોઈએ એવું વિચારીને સમયે, સાહિલના પ્રોજેક્ટથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. સમયે એટલે જ છેલ્લી મિનિટે આવેલ કામનું બહાનું કાઢી, વીરાને, સાહિલને મળવા મોકલી હતી.
વીરા, સાહિલને જયારે પહેલી વાર મળી ત્યારે એ ખરેખર શાંતિની, ઠહેરાવની જ તલાશમાં જ હતી, પણ એને ક્યાં ખબર હતી કે જે કાફેનું નામ એને ઠહેરાવ પાડ્યું એ કાફેનો માલિક એના મનનો પણ ઠહેરાવ બની જશે! સાહિલની સાથે કામ કરતાં -કરતાં વીરા પોતાની સાથે થયેલ દગાને, પોતાના દર્દને ભૂલી રહી હતી. આ સમય ગાળામાં વીરા ઝડપથી સમયથી ખુબ દૂર થઇ રહી હતી અને ઘીરે-ધીરે સાહિલની નજીક આવી રહી હતી. સાહિલ માટે તો વીરા પહેલી નજરનો પ્રેમ હતો તો વીરા પણ હવે સાહિલને એનો સારો મિત્ર ગણવાં લાગી હતી. સાહિલ ધીમે-ધીમે વીરાના મન પર કાબૂ કરી રહ્યો હતો. સાહિલ હતો પણ એવો. એકદમ નિખાલસ, મજાકીયો અને વિવેકી! કાફેના કામ માટે બન્ને ઘણી જગ્યાએ સાથે જતાં. સાહિલ વીરાની સાથે મજાક મસ્તી કરતો પણ એની અમાન્યા જળવાય એનું પૂરું ધ્યાન રાખતો. બધાની વચ્ચે વીરાને હંમેશા મેડમ કહીને બોલાવતો. કોઈ પણ જગ્યાએ વીરાને સહેજ પણ સંકોચ થાય ત્યારે સાહિલ વીરા માટે દીવાર બની જતો. એક વાર કાફે માટે પ્લાન્ટ્સ લેવા સાહિલ અને વીરા સાથે ગયાં હતાં ત્યારે વરસાદ પડ્યો. વીરાએ પહેરેલ આસમાની ડ્રેસ પાણીમાં ભીંજાવાથી પારદર્શક બની ગયો. સાહિલ, વીરાને ઢાંકતો હોય એમ એની આગળ આવીને ઉભો રહી ગયો. ગાડી સુધી પહોંચતા ટ્રેનના એન્જીનની જેમ, વીરાને કવર કરતો રહ્યો અને ગાડી પાસે પહોંચતા જ વીરાને ડ્રાઈવર સીટની પાછળ બેસાડી દીધી જેથી વીરાને એની નજર સામે પણ શરમાવું ના પડે. ગાડીને એક કપડાંની દુકાને લઇ આવ્યો. એક દુપટ્ટો ખરીદીને, નજર નીચે કરીને એ દુપટ્ટો પાછળની સીટ પર બેસેલી વીરાને આપ્યો જેથી એને ઘર પહોંચતા સંકોચ ના થાય. એક વાર બન્ને સાથે લિફ્ટમાં હતા ત્યારે એક મોટું ટોળું લિફ્ટમાં પ્રવેશ્યું જેમાં કોઈ સ્ત્રી ન હતી ત્યારે સાહિલ વગર કહ્યે વિરાની આગળ ઊંધો ઉભો રહી ગયો. વીરા એ વખતે સાહિલને જોતી રહી અને સાહિલ એની સામે જોઈને જાણે આંખોથી કહી રહ્યો હતો કે હું છું ને, તને કંઈ નહિ થવા દઉં!
વીરાને આ બધું જ તો જોઈતું હતું. આંખોથી થતી વાતો, વગર કહે સમજાઈ જતી ઈચ્છાઓ. કામ કરતાં- કરતાં સાહિલનો હાથ અડકી જાય તો હવે વીરાને પણ મીઠી ઝણઝણાટ થતી. સાહિલ, જે અત્યાર સુધી પોતાના પ્રેમીની તલાશમાં હતો એ પોતાની જ ઉપર હસી રહ્યો હતો કે પ્રેમ થયો તો પણ એની સાથે જે પહેલેથી જ કોઈ બીજાની છે. સાહિલ, વીરાની તરફ વધારે ને વધારે આકર્ષાઈ રહ્યો હતો. પોતાની લાગણીઓ સમજતો હતો તો એની મર્યાદા પણ. વીરા સાથે મજાક મસ્તી કરતા, ઘણીવાર વીરાને, ચલને, ભાગી જઈએ કહેનાર સાહિલ, પોતાના નસીબ પર હસતો. કામ કરતાં કરતાં, વીરાના વાળને એના ગાલને અડતા જોતો ત્યારે એને મન થતું કે એના વાળની લટને કાનની પાછળ કરે. ક્યારેક મન કરતું કે વીરાના બાંધેલા વાળને છોડી નાખે. વરસતા વરસાદમાં વીરાનો હાથ પકડીને ભીના ઘાસ પર કલાકો ચાલે. એક કપમાંથી બન્ને એઠી ચા પીવે. એકબીજાની સામે બેસીને, બસ આંખોના ઇશારાથી, વાતો કરતા રહે.
સાહિલ અને વીરાને ક્યાં ખબર હતી કે, એમનાં જીવનમાં એ પળ આવશે જયારે એમનાં બધા સપનાં પૂરા થશે. બન્ને અધૂરા હતા, તરસ્યા હતા, પ્રેમ માટે. પ્રેમ પાણી જેવો છે. પાણી જેમ પોતાની જગ્યા કરી લે એમ પ્રેમ પણ પોતાની જગ્યા કરી જ લે છે.
✍️CA આનલ ગોસ્વામી વર્મા
વધુ આવતા અંકે....
ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.