An innocent love - Part 29 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 29

Featured Books
Categories
Share

An innocent love - Part 29

પાછળના ભાગમાં આપણે જોયું કે...

"હું કરીશ મા, આ વ્રત પૂરું પણ કરીશ અને જાગરણ ના દિવસે જાગીશ પણ ખરી. એક દિવસ જ જાગવાનું છે ને , એતો હું આરામથી જાગી શકીશ." સુમન ઉત્સાહથી બોલી.

"સારું મારી ઢીંગલી તું પણ કરજે આં વ્રત. પણ એના માટે તારે વહેલા ઉઠવું પડશે એટલે ચાલ હવે સુઈ જા જેથી તું કલે વહેલી ઊઠી વ્રતની તૈયારી કરી શકે. કાલે તને હું સરસ મજાની મહેંદી મૂકી આપીશ અને તારા માટે નવા ફ્રોક પણ તૈયાર રાખીશ." સુમનને વહાલથી સમજાવતા મમતા બહેન બોલ્યા.

"મમ્મી મારે પણ વ્રત કરવું", હવે ક્યારનો શાંત રહીને બધું સાંભળી રહેલો રાઘવ બોલ્યો.

મમતા બહેનની સાથે સાથે હજુ ઘરમાં પગ મૂકતાંની સાથે જ રાઘવની આં વાત સાંભળીને મનોહર ભાઈ પણ ચોંકી ગયા.


હવે આગળ.......

"બેટા, આ વ્રત ફક્ત છોકરીઓ જ કરે, તું ન કરી શકે", રાઘવની વાત સાંભળીને મમતા બહેન મનોહર ભાઈ સામે જોઈ હસતા બોલ્યા.

"કેમ વળી, હું કેમ વ્રત ન કરી શકું? છોકરીઓને મનગમતો પતિ જોઈએ તો અમારે છોકરાઓને કેમ મનગમતી પત્ની ન જોઈતી હોય! માટે હું પણ મારી સુમી સાથે આ વ્રત કરીશ", રાઘવની આવી માસુમ વાત સાંભળી ક્ષણભર તો મમતા બહેન વિચારમાં પડી ગયા.

"અહી આવ મારા નટખટ કાનુડા સમજાવું તને", બોલતા મમતા બહેને રાઘવને પોતાના ખોળામાં બેસાડી દીધો.

"જો દીકરા આં વ્રત મા પાર્વતીએ શિવજી ને મેળવવા 3000 વર્ષ તપ કરેલું અને મનગમતા પતિ મેળવ્યા. વળી સ્ત્રીએ પરણીને બીજાના ઘરે જવાનું હોય છે એટલે જ સારુ સાસરું મળે તેં માટે દરેક છોકરી આ વ્રત કરે છે. અને તું તો છોકરો છે, છોકરાને ક્યાં સાસરે જવાનું હોય તો ચિંતા.

સમજ્યો હવે મારા કાનુડા? ચાલો હવે, અત્યારે બધા સુઈ જાઓ, માટે કાલે વહેલા ઊઠી શકો", આમ કહી મમતા બહેને રાઘવના મનની વાતનું સમાધાન કર્યું.

બીજા દિવસે મીરા અને સુમન વહેલા ઉઠીને સરસ તૈયાર થઇ ગયા, સાથે રાઘવ પણ નવા કપડાં પહેરી પોતે પણ સુમીની સાથે વ્રત કરશે તેની હઠ લઈને બેઠો. આખરે મમતા બહેનને તેની સામે નમતું જોખવું પડ્યું.

"મીરા ચાલ જલ્દી મંદિર જવાનું મોડું થઈ રહ્યું છે", શેરીની બધી બાળાઓ ખૂબ સુંદર તૈયાર થઇ મમતા બહેનના ઘરે મીરાને બોલાવવા આવી.

"વાહ તમે બધા તો ખૂબ સરસ લાગો છો ને", મમતા બહેન બધાંના ઓવારણાં લેતા બોલ્યા.

"હા મોટા ભાભી, હવેતો વ્રત ચાલશે એટલા દિવસ આમજ તૈયાર થઈ ફરવા મળશે", એક મોટી છોકરી બોલી.

"પણ અમારી મીરા ક્યાં છે, એને બોલાવો જલ્દી", બીજી છોકરી લહેકાથી બોલી.

"અરે આવી ગઈ જુઓ હું ક્યારની તૈયાર થઈ તમારા બધાની રાહ જોઈ રહી હતી", સીડીઓ પરથી ઉતરતા મીરા ટહુકી ઊઠી.

"સુમન તું તો બહુ સુંદર દેખાય છે આજે", મીરાની સાથે આજે સુમનને પણ તૈયાર થયેલી જોઈ બધી છોકરીઓ નાનકડી પરી જેવી લાગતી સુમનને જોઈ રહી.

"હા તો લાગે જ ને. મારી સુમી છે જે એટલી સુંદર", બધા સુમનના વખાણ કરી રહ્યા હતાં ત્યાંજ રાઘવ ઠાઠમાઠ સાથે સુમનની પાછળથી આવીને બોલી ઉઠ્યો.

"રાઘવ તું કેમ આટલો તૈયાર થયો છે?" પાછળથી એક છોકરી રાઘવના કપડા જોઈ બોલી.

"અરે મારો નાનકડો ભાઈ એની સુમી સાથે વ્રત કરવાનો છે એટલે, અને તમે બધી ઊભી ઊભી પંચાત શું માંડી છે, ચાલો ઝટ નહીતો મોડું થઈ જાશે", વાતને પતાવવાના મૂડમાં મીરા બોલી.

રાઘવ પણ વ્રત કરવાનો છે તે વાત સાંભળી બધી છોકરીઓ હસી પડી.

આખરે બધા ભેગા થઇને વાવેલા જ્વારા અને નાગલાના પૂજાપા સાથે ગામમાં આવેલ મંદિર જવા નીકળ્યા, મંદિર જઈને મહાદેવ સમક્ષ જ્વારા ને નાગલા ચડાવી અક્ષત કંકુ ચડાવી સુંદર રીતે પૂજા અર્ચના કરી.

સુમન માટે આ બધું ખુબ નવું અને અચરજ પમાડે તેવું હતું પણ તેને બધાની સાથે રહી આં બઘું કરવું ખૂબ સારું લાગી રહ્યું હતું.


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)