પાછળના ભાગમાં આપણે જોયું કે...
"તારે મહેંદી ન મુકાય, તું ક્યાં વ્રત કરવાની છે? મા મારા માટે જ્વારા અને ખાઉં લાવી કે નહિ?" સુમનની વાતને વધારે ગણકાર્યા વગર મીરા મમતા બહેનને પૂછવા લાગી.
"હા દીકરી બધું લઈ આવી છું અને કાલ સવારે વહેલા ઊઠી પૂજા કરવા જવાનું છે યાદ છે ને? મમતા બહેન મીરાના કપાળે હાથ ફેરવતા બોલ્યા.
"હા મા મને યાદ છે, અને મારો નવો ડ્રેસ પણ નીકાળીને રાખ્યો છે.હવે તો વ્રત ચાલશે ત્યાં સુધી મજા જ મજા. રોજ નવા નવા કપડાં પહેરીને સ્કૂલ જવા મળશે", ખુશીથી કૂદતી મીરા બોલી.
"મા, મીરા દીદી અને તમે શું વાત કરી રહ્યા છો ? મને કંઈ સમજાતું નથી. આ વ્રત અને પૂજા બધું શું છે?" આશ્ચર્ય પામતી સુમન બોલી.
હવે આગળ.......
"દીકરી અમે ગૌરી વ્રતની વાત કરી રહ્યા છીએ. આ વ્રત પાર્વતીજીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કર્યું હતું. માટે ત્યારથી દરેક કુંવારિકાઓ આં વ્રત કરી શિવ પાર્વતી પાસે પોતાના મનગમતા પતિને માંગે છે", મમતા બહેન ગૌરી વ્રતનું મહત્વ સમજાવતા સુમનને કહી રહ્યા.
"વાહ મા, તો આ વ્રત મારે પણ કરવું. હું પણ મીરા દીદીની સાથે આં વ્રત કરીશ. મને આ વ્રત વિષે કહો ને એમાં શું કરવાનું હોય અને કેવીરીતે કરવાનું હોય? હું પણ ચોક્કસ બધું કરીશ", ઉત્સુક થતી સુમન બોલી.
"આ માતા પાર્વતીનું વ્રત છે જે કુમારિકાઓ મનભાવન પતિ પ્રાપ્ત કરવા માટે કરે છે. જેમાં જ્વારાનું પૂજન કરવામાં આવે છે. પકાવેલા રામપાત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે.
જ્વારા એ માતા પાર્વતીજી નું સ્વરૂપ છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વળીને 'નાગલા' બનાવવામાં આવે છે. 'નાગલા' શિવજીનું પ્રતીક છે. શિવજી મૃત્યુંજય અને પાર્વતીજી મૃત્યુંજયા છે, માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. અને આ વ્રત પૂરા પાંચ દિવસનું હોય છે જેમાં મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરવું પડે છે.
છોકરીઓ આં દિવસોમાં રોજ નવા નવા કપડાં પહેરી તૈયાર થાય છે, મંદિર જઈને પૂજા કરે છે, હાથોમાં મહેંદી મુકાવે છે, રમે છે, મેળામાં જાય છે અને આનંદથી વ્રતના દિવસો માણે છે.
પાંચ વર્ષ સુધી સળંગ આં વ્રત કરવામાં આવે છે. એકટાણું, પૂજા, વ્રતના નિયમો અને આં બધું શું તું કરી શકીશ?"સુમનની વ્રત કરવાની વાત સાંભળી મમતા બહેન થોડા ચિંતિત થતા બોલ્યા.
"અને છેલ્લા દિવસે તો જાગરણ કરવું પડે છે, તું ઊંઘણશી રોજ કેટલી વહેલા સુઈ જાય છે. તું ક્યાં જાગરણ કરી શકવાની, હે ને મા? સુમનને ચિડવતી મીરા વચ્ચે જ બોલી પડી.
"હું કરીશ મા, આ વ્રત પૂરું પણ કરીશ અને જાગરણના દિવસે જાગીશ પણ ખરી. એક દિવસ જ જાગવાનું છે ને , એતો હું આરામથી જાગી શકીશ." સુમન ઉત્સાહથી બોલી.
"સારું મારી ઢીંગલી તું પણ કરજે આં વ્રત. પણ એના માટે તારે વહેલા ઉઠવું પડશે એટલે ચાલ હવે સુઈ જા જેથી તું કલે વહેલી ઊઠી વ્રતની તૈયારી કરી શકે. કાલે તને હું સરસ મજાની મહેંદી મૂકી આપીશ અને તારા માટે નવા ફ્રોક પણ તૈયાર રાખીશ." સુમનને વહાલથી સમજાવતા મમતા બહેન બોલ્યા.
"મમ્મી મારે પણ વ્રત કરવું", હવે ક્યારનો શાંત રહીને બધું સાંભળી રહેલો રાઘવ બોલ્યો.
મમતા બહેનની સાથે સાથે હજુ ઘરમાં પગ મૂકતાંની સાથે જ રાઘવની આં વાત સાંભળીને મનોહર ભાઈ પણ ચોંકી ગયા.
🌺🌸ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,
ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.
આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,
કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો.
વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,
ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.
ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,
પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.
માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,
હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.
હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,
ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો.🌸🌺
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)