‘તું ’
કદાચિત બે વિભિન્ન પ્રકારનો માનવ સમુદાય હશે, સંસારમાં
એક, જે ઈચ્છે કે કોઈ તેને પ્રેમ કરે..અને
બીજો, જે ઈચ્છે કે તે કોઈને પ્રેમ કરી શકે
પ્રેમની કંઇક પરિભાષા અને પરિમાણ શક્ય છે
અને એ બીજા સ્નેહ સંપ્રદાયનો સુમદાય એવું ઈચ્છે કે,
પોતાની મરજીથી કોઈને પોતીકું માનવાનો અધિકાર મળે
અધિકાર...પ્રેમનો
પરવા કરવાનો પરવાનો
સમરસ સમઝણનો સ્વાધિકાર
કિસ્સાના હિસ્સાની હિસ્સેદારી
સુખમાં નહીં,
માત્ર દુઃખમાં સહભાગી બનવવાનું સૌભાગ્ય પણ મંજૂર છે
મનોવેદનાના મારણ માટે કોઈનું સ્મરણ પણ પર્યાપ્ત છે
કોઈ એવો ડર ઘર ન કરી જાય કે,
આટલો પ્રેમ તે કેમનો થશે ?
એ સ્વાભાવિક સંશય સમી સંવેદના છે કે,
કે કોઈ અજાણ્યાંમાં જાતનું જગત જોતાં જોતાં
સ્વયંના સમગ્ર સંસારના રૂપરંગ કઈ હદે તબદીલ કરી શકે ?
પણ શક્ય છે કારણ કે,
એ પ્રેમ એક કિસ્સો નથી, કે નથી હિસ્સો
એ પ્રેમ તો હવે આયખાનો આધાર બની ચુક્યો છે
અને હોવો પણ જોઈએ
ગમે ત્યારે જિંદગી જતાવે છે, ડરાવે છે કે
સઘળું લડથડી રહ્યું છે, ખખડી ગયું છે
આધાર વિહીન અને અરસાથી ઓળખ ઝંખતી અસ્તિત્વની ઈમારત
ગમે તે ઘડીએ ધ્વંશ થઇ શકે તેમ છે
તેના પાયાને એકલતાની ઉદાસીના ઉંદરો એ કાતરી નાખ્યા છે
છતાં...
મુજમાં પારાવાર પ્રેમ પાંગરી રહ્યો છે
તેની સીમાઓ એ રીતે લાંઘી રહ્યો છે
જાણે કે, ચિક્કાર વર્ષા ઋતુમાં કોઈ જળાશયની સપાટીને ઓળંગીને
પ્રચંડ જળપ્રવાહ તેનો મારગ શોધી લે
હવે આ નામ માત્રનો બંધન બાંધ, તેને નહીં બાંધી શકે
સરિતા સરીખો સ્નેહ સમંદરમાં ભળવા આતુર છે,કારણ
જળાશયની દીવાલો સક્ષમ નથી જળના આશ્રય માટે
એક સમાન દ્રષ્ટિકોણથી નિહાળીએ તો આપણે સૌ કોઈ
પ્રેમ અતિરેકના શિકાર છીએ
સૌ ડૂબી રહ્યાં છીએ, પ્રેમના પૂરમાં
અને સોં કોઈ એ તારણહારની શોધમાં છે જે તેને ડૂબતાં ઉગારે
અજાણતાં કોઈ અજાણ્યું હાથ જકડી લે અને..
ઢસડાતા પૂર પ્રવાહમાંથી તારી લે
આમ જુઓ તો અસ્લ્લમાં
હું..
તોફાની છું
બદમાશ છું
ચુલબુલી છું
બિન્દાસ છું.
બેબાક છું.. પણ જિંદગી..
જિંદગી એક એવા જીદ્દી બાળકની મા છે
જે કોઈપણ ભોગે તેના બાળકને સ્હેજે ઓછુ ન આવવા દે
કંઈક કેટલીયે વખત દર્પણ સામે ઊભાં રહીને
આંસુને કહ્યું છે કે, હું ખુદ લૂછી લઈશ તને
હવે એકલતાને અવગણતી નથી
હવે કોઈને કિસ્સાનો હિસ્સો નથી બનાવવો
કૈક કેટલીયે વાર જિંદગીએ અવસર આપ્યો હશે,
કોઈના હિસ્સેદાર બનવાનો
હવે તો ગાઈ વગાડીને કહી શકું કે
પોતાને કોઈપણ હદે પાંગળા સમજતા હો,પણ
અંતે તમારો ટચલી આંગળીના વેઢા જેટલો પ્રેમ જ
તમને બાહુબલી બનાવશે
મારાં કાચ જેવાં ચાળીશ કિલો વજનના ખોળીયામાંથી
વજ્ર જેવી ધાક આવે
તેનો શ્રેય સ્નેહને આભારી છે
જીદ્દી બાળકની જીદ્દી મા એક એકથી ચડીયાતી દલીલ ધરી દે મારી આગળ
સત્યથી મોં ફેરવી, તેને અસત્ય કઈ રીતે સાબિત કરી શકીએ.?
આ અનંત કથાનો વિષય છે..
જેને સમજવા કે સમજાવવા એક જમાનો જોઈએ
અને તું..
તારી જોડે તો કઈક જમાના વિતાવવા છે
આ મારી નાની એવી ખ્વાહીશ છે
હું ગાર્ડન બેસી તને પત્ર લખી રહી છું..
તારા ઉલ્લેખ માત્રથી ચમનમાં સુમન ફેલાઈ ગઈ
એક તો તું મને જિંદગીના એવા પડાવ પર મળ્યો કે
જ્યાં સઘળી સંભાવના સંકેલાઈ ગઈ એવું લાગતું'તુ
અને જોગાનુજોગ આપણે મળ્યાં પણ એ શહેરમાં
જે શહેરે એક અરસા પહેલાં મારુ ભોળપણ છીનવી લીધુ હતું
અને એ સમયે તને જોઇને
પાશ્ચાત્યભૂમિમાં કોઈ રોમાન્ટિક ધૂન નહતી વાગતી
મૂશળધાર વરસાદ અને તારી તીવ્ર ઇન્તેઝારી એ
રીતસર મારી બેન્ડ વગાડી હતી
અમદાવાદ..
અમદાવાદ શહેર મારાં ગળાનો એક એવો કોળીયો
જે ના ગળેથી નીચે ઉતરે ના બહાર નીકળે..
એક દસકાનો સિરસ્તો છે આ શહેર સાથે
ખ્યાલ નથી કયારેય મારું હતું કે નહીં
મારાં મારાં કિસ્સાનો એ હિસ્સો છે એ વાત હું કેમ કરીને નકારી શકું ?
અંતે તું યાર, ઓક્ટોબરમાં માર્ચ વાળી ફીલિંગ લઈને આવે
જેટલો સરળ એટલો જ જટિલ
કેટલો પારકો અને કેટલો પોતીકો
હવે મારી પાસે કહેવા માટે કશું નવું નથી
ઘટના,કિસ્સા,યાદોનું અનેકોવાર પુનરાવર્તન થઇ ચુક્યું છે
તને ખુબ જાણ્યો, છતાં એવું લાગે છે હજુ;યે જાણવાનો બાકી છે
જીવનમાં અજનબી સ્વાંગમાં આવેલાં કઈક જૂજવા રૂપ સાથે
અનાયસે જુદા રૂપે આપણે સાક્ષાત થઇ ચુક્યા હોઈએ છીએ
છતાં આપણામાં બાકી રહેતી અધુરપ અને ખૂટતા પરિચયના
સાચા પરખની સંવેદના કોઈ તેના સાત્વિક સાનિધ્યથી કરાવે
એ કેવી આશ્ચર્યજનક બાબત છે નહીં ?
કોઈ અજાણ્યો સ્વયં સાથે સ્વનો સાક્ષાત્કાર કરાવે ?
પણ હવે એ અજાણ્યો ક્યાં રહ્યો ?
લાખોની ભીડમાં પણ આપણે આપણો હિસ્સો ખોળી લઈએ છીએ
કેવી કમાલની વાત છે નહીં ?
અહીં, હાં અહીં જ, આ મુઠ્ઠી જેવડા મનના કોઈક ખૂણામાં
ખોવાયેલું, મનગમતું કશું જ જડી જશે
અથવા કોઈ એવાં નવાં રંગે રંગવાના એવા એંધાણ કે જે દિલની દીવાલ પર સમયચૂકથી લાગેલી ગલત તસ્વીર હટી જતા બેરંગ બની ગયેલી દીવાલના રંગ ફિક્કા પડવાના ભયનો છેદ ઉડાડી દે..
યા તો પુરપાટ બેફામ દોડતી, હાંફતી જિંદગીને અચાનક કોઈ હાથ લંબાવીને પોતાની તરફ ખેંચતું ઈશ્વરીય ઇન્ડીકેશન જેવું ચુંબકીય આકર્ષણ
જેની પર તમારો કોઈ અખ્તિયાર નહીં ચાલે....
માત્ર મનગમતા બંધન માટે સ્મિત વેરી શકો
બસ કૈંક આવું જ સ્મિત છે, મારાં ચહેરા પર આ પત્ર લખતી વેળાએ..
નિમિત તું છો
દિવાળીના તહેવારને હજુ વાર છે છતાં
પણ હાલ હું તારા ખ્યાલ માત્રથી ચમકી ઉઠું છું
આ દિવાળી પર રંગબેરંગી મીણબત્તી અને દીવડાઓ લાવીશું
પણ બધું ગણતરીમાં
માત્ર બે
એક તારું અને એક મારું
ઠીક છે ને ?
વધુ આવતા પત્રમાં..
તને ખ્યાલ છે ને...?
મારાં કરતા મારાં શબ્દો વધુ બોલકા છે.
વિજય રાવલ
૦૪/૦૮/૨૦૨૨