Divorce in Gujarati Short Stories by M. Soni books and stories PDF | છૂટાછેડા

The Author
Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

છૂટાછેડા

એ સાંજ કોઈ પણ રીતે ખુશનુમા નહોતી. વાતાવરણમાં અજબ પ્રકારની વ્યગ્રતા છવાયેલી હતી, બહુ બોઝિલ સાંજ હતી એ. મારૂ મન ઉકળાટથી ભરેલું હતુ, બેચેની અને બંધિયારપણુ લાગી રહ્યું હતું. હું ઘર તરફ જવા તો નીકળ્યો હતો પણ મારા અસ્તિત્વનો એક એક અંશ એ ઘરની બોરીંગ ચાર દીવાલોથી છુટકારો મેળવવા તડપતો હતો.

એવું હતું પણ શું કે એ ઘરમાં પગ મુકવાનુ મન થાય?

પ્રેમના એક ટીપા વગરના રણ પ્રદેશ જેવો સૂકો ભઠ્ઠ સંસાર હતો.

જ્યારથી બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ મલ્લિકા સાથે મનમેળ થયો હતો ત્યારથી અદિતિમાંથી મને રસ ઊડી ગયો હતો. ક્યાં એ અલબેલી, અલ્લડ, ફેશનેબલ, કોન્વેન્ટમાં ભણેલી અને US થી MBA થયેલી એક મલ્ટીનેશનલ કંપનીની વાઈસ પ્રેસિડેન્ટ મલ્લિકા અને ક્યાં એ સીધી સાદી B.A. વિથ ગુજરાતી માસ્તરાણી અદિતિ?

અદિતિ કોઈ પણ વાતમાં મલ્લિકાનો મુકાબલો ના કરી શકે.

અને એમ પણ માર્કેટમાં નામ જમાવી ચૂકેલી સોફટવેર કંપનીના માલિક સાથે અદિતિ જેવી શિક્ષિકાની નહીં પણ મલ્લિકા જેવી હોટ બિઝનેસ વુમનની જોડી જામે.

મલ્લિકાની યાદ આવતાં જ મારા દિલો દિમાગમાં હજ્જારો ગુલાબોની મહેંક પ્રસરી ગઇ.

હજુ કલાક પહેલાં જ મારી ઓફિસની કેબિનમાં ટેબલ નીચેથી પોતાનો પગ મારા પગ સાથે પસવારતા મને યાદ અપાવ્યું હતું કે આજે અદિતિ સાથે છુટાછેડા વિષે વાત કરી લેવાની છે.

એક બિઝનેસ સેમિનારમાં અમે મળ્યા એને પાંચથી વધુ વર્ષ થઈ ગયા હતા હવે અમે અમારા સંબંધ પર કાયદાની મહોર મારી દેવા માંગતા હતા.

હું ઘરે થોડો મોડો પહોંચ્યો, હું નહોતો ઈચ્છતો કે મારા દિકરા સારાંશ સામે અમારી વચ્ચે તડાફડી થાય.

હું ઘરે પહોંચી ફ્રેશ થયો અદિતિએ જમવાનું પીરસ્યું, મારી સામેની ખુરશીમાં એ બેઠી હતી તેની સાથે નજર મેળવ્યા વિના સાવ શુષ્ક અવાજે હું બોલ્યો મારે તને કંઈક કહેવું છે. તેણે એક વાર મારી સામે જોયુ અને બસ કંઈ બોલ્યા વગર શાંતિથી ડિનર પતાવ્યુ, જાણે એને ખબર હોય કે હું શું કહેવાનો છું.

ડિનર પત્યુ મને ખબર નહતી પડતી કે વાતની શરૂઆત કયાંથી કરવી, પરંતુ મારે તેને જણાવવું હતું કે હું શું વિચારી રહ્યો હતો.

“મારે છૂટાછેડા જોઈએ છે.” હું સપાટ શબ્દોમાં બોલી ગયો.

તે મારા શબ્દોથી નારાજ ન હોય તેવું લાગ્યું પણ મેં તેની આંખોમાં કશુંક તૂટતુ જોયું. મારા પર વિફરવાને બદલે તેણે મને હળવેથી પૂછ્યું, કેમ?

હું એના પ્રશ્નનો જવાબ આપવા માંગતો નહોતો, મેં તેનો પ્રશ્ન ટાળ્યો. આનાથી તે ગુસ્સે થઈ પણ કંઈ બોલી નહીં. કિચનમાં જતી રહી. વોશબેસિનમાં જોરથી વાસણ પટકાવાનો અવાજ સંભળાયો.

તે રાત્રે અમારી એકબીજા સાથે બીજી કોઈ વાત ન થઈ.

પલંગમાં સુતા સુતા તે રડી રહી હતી. મને ખબર હતી કે અદિતિ એ જાણવા માંગે છે કે વાત છેક અહીં સુધી કેવી રીતે પહોંચી? પરંતુ હું તેને સંતોષકારક જવાબ આપી શકુ એમ નહોતો. હું તને પ્રેમ કરતો નથી હવે તારુ સ્થાન મલ્લિકાએ લઇ લીધુ છે એવું કહી શકું તેમ પણ નહોતો. એને રડતાં જોઇને મને એની દયા આવી પણ હવે હું કશું કરી શકુ એમ નહોતો.

છુટાછેડાનુ એગ્રીમેન્ટ મે બનાવી રાખ્યું હતું મે અમારો બંગલો, કાર ઉપરાંત મારી કંપનીમાં ૨૦% ભાગીદારી અદિતિના નામ પર કરી હતી અને સારાંશ માટે ત્રણ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ અલગથી કરી હતી.

સવારના મે જોયું કે એણે મારો ફેવરિટ નાસ્તો બનાવ્યો હતો. હું સમજી નહોતો શકતો કે મારી સાથે ઝઘડો કરવાને બદલે અદિતિ આવું વર્તન શું કામ કરે છે?

એક ક્ષણ માટે અમારી આંખો મળી એની નિર્દોષ ભોળી આંખો એજ રાત વાળો સવાલ મને પૂછતી હતી: શું કામ?

એ આંખોમાં જાણે ઠંડી આગ હતી જે મને દઝાડી ગઈ, હું સહન ન કરી શક્યો મે આંખો ઝુકાવી લીધી.

એક અપરાધભાવ સાથે એગ્રીમેન્ટ ટેબલ પર મૂકતાં મે કહ્યુ આ વાંચીને સાઈન કરી રાખજે..

અદિતિએ એગ્રીમેન્ટ તરફ અછડતી નજર નાખી.. અને એ રડી પડી… જીવનના દસ વર્ષ મારી સાથે વિતાવનાર સ્ત્રી અચાનક મારા માટે અજાણી બની ગઈ હતી. અદિતિ માટે મને થોડી દિલગીરી થઈ પણ તેના આ આંસુ મને મલ્લિકા પાસેથી તેના તરફ પાછો વાળી શકે તેમ નહોતા.

અદિતિનું રડવુ મારા માટે જોકે અપેક્ષિત હતું મે ખરેખર થોડો હાશકારો અનુભવ્યો. છૂટાછેડાનો વિચાર જે મને કેટલાંક અઠવાડિયાંથી ઘેરી વળ્યો હતો તે હવે મને વધુ મજબુત અને સ્પષ્ટ લાગતો હતો.

હું નાસ્તો કર્યા વગર ઘરેથી નીકળી ગયો.

એ રાત્રે હું ખૂબ મોડો ઘરે પાછો આવ્યો અદિતિ ટેબલ પર કંઈક લખતી હતી એ મે જોયું પરંતુ હું સીધો સૂવા ચાલ્યો ગયો. આજે છુટકારાનો પહેલો પડાવ પાર કર્યાની ખુશીમાં મે અને મલ્લિકાએ નાનકડી પાર્ટી કરી હતી એટલે મારે જમવાનું તો હતુ નહીં અને એમ પણ હું થાકી ગયો હતો એટલે ઉંઘ પણ જલ્દી આવી ગઈ. વચ્ચે એક વાર હું જાગી ગયો, તે હજી પણ ટેબલ પર લખતી હતી. મને પરવા ન હતી હું પડખું ફરીને પાછો સૂઈ ગયો.

સવારના એ મારા ઉઠવાની રાહ જોઇ રહી હતી. મારા ઉઠતાં જ એ મારી બાજુમાં આવીને બેઠી અને મારુ આપેલુ એગ્રીમેન્ટ ફાડતાં હળવેકથી બોલી: મારે તરી પાસેથી કંઈ નથી જોઈતું, હું છુટાછેડા આપવા તૈયાર છું, પણ છૂટાછેડા પહેલાં મારે એક મહિનાની નોટિસ જોઇએ છે.

એણે આ છેલ્લો એક મહિનો સાથે રહેવાની અને શક્ય તેટલું સામાન્ય જીવન જીવવાની કોશિષ કરવાની વિનવણી કરી. તેની પાસે કારણ હતું: સારાંશની પરીક્ષા એક મહિનામાં હતી અને તે અમારા તૂટેલા લગ્નથી તેને ડિસ્ટર્બ કરવા માંગતી ન હતી..

આમા મને કોઈ વાંધો નહોતો એટલે મે એની વાત કબૂલ રાખી.

પણ તેની હજુ કંઇક માંગણી હતી તેણે મને પુછ્યું કે આપણા લગ્નની રાતે તુ કેવી રીતે મને તારી બાહોંમાં ઉઠાવીને બેડરૂમમાં લઇ ગયો હતો એ તને યાદ છે?

મારે તારી પાસેથી બીજુ કંઈ નથી જોઈતું બસ મારી એટલી જ માંગણી છે કે આ એક મહિના દરમ્યાન દરરોજ સવારે તુ મને આપણાં બેડરૂમમાંથી ઉંચકીને આપણાં બંગલાના દરવાજા સુધી લઈ જાય. મને લાગ્યું કે આ બાઈનું ચસકી ગયું છે, આવી વાહિયાત ઈચ્છા પૂરી કરવા માટે કરોડો રૂપિયાને ઠોકર મારે છે!

ફક્ત અમારા છેલ્લા દિવસોને શાંતિથી પસાર કરવા માટે મેં તેની આ વિચિત્ર માંગણી પણ સ્વીકારી લીધી અને ચોખવટ કરી કે પાછળથી કોઈ કોર્ટે કેસના લફરાં ના થવા જોઇએ.

એ આછું સ્મિત કરીને એક કાગળ મને આપતા બોલી તું ટેંશન નહીં લે, હું તને કયારેય હેરાન નહીં કરૂ. જો આ પેપરમાં મેં બધુ લખી આપ્યું છે અને નીચે મારી સાઈન છે.

આજે મને આ સ્ત્રી એક કોયડા જેવી લાગી. કોણ જાણે કેમ પણ એક ક્ષણ પુરતો મને મારી જાત પર તિરસ્કાર થયો. મને લાગ્યું કે હું હવે વધુ વાર અદિતિનો સામનો નહીં કરી શકું. હું ફટાફટ બાથરૂમમાં ઘુસી ગયો.

તૈયાર થઈને આજે પણ નાસ્તો કર્યા વગર જ ઘરેથી નીકળી ગયો. વચ્ચે મલ્લિકાને પિક અપ કરી કાર અમારા ફેવરિટ રેસ્ટોરન્ટ તરફ લીધી.

રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતાં કરતાં મે સવારમાં અદિતિ સાથે થયેલી વાતો મલ્લિકાને કહી.

મલ્લિકા તુચ્છકાર ભર્યુ હસતાં બોલી મહાન બનવાની કોશિશ કરે છે મુર્ખી.. તને ભરમાવવાનાં પૈતરા છે આ બધાં. એ બાઈ ભલેને ગમે એટલા ત્રાગડાં કરતી પણ છૂટાછેડા તો થઈને જ રહેશે.

મારી અને અદિતિ વચ્ચે હવે પતિ પત્નીના સંબંધ તો રહ્યા નહોતા તેથી પહેલી સવારે હું એને બેડરૂમમાંથી તેડીને બહાર લાવ્યો ત્યારે બહુ વિચિત્ર લાગતું હતું જાણે કોઈ અજાણ્યા માણસને બાથમાં લીધુ હોય તેમ બેઉ અલિપ્ત હોય એવું લાગતું હતું.

અદિતિએ આંખો મીંચી રાખી હતી બેડરૂમમાંથી સીટિંગરૂમ ને ત્યાંથી મુખ્ય હોલમાંથી થઇ બંગલાની લોન પસાર કરીને દરવાજા સુધી હું તેને તેડીને લગભગ સોએક ડગલાં ચાલ્યો હોઈશ.

અમારા ત્રણમાંથી સારાંશ સૌથી વધુ ખુશ હતો તે અમારી પાછળ તાળીઓ પાડતા પાડતા બોલતો હતો પપ્પાએ મમ્મીને તેડી… પપ્પાએ મમ્મીને તેડી… પપ્પા લવ્ઝ મમ્મી…

અદિતિ ધીમેથી બોલી આપણે સારાંશને ડિવોર્સ વિશે ખબર નહીં પડવા દઈએ..

“હા ભલે..” એમ હું બોલવા ગયો પણ મારા ગળામાં ડૂમો ભરાઈ આવ્યો, મે ફક્ત હકારમાં માથુ ધુણાવ્યું. મારી અંદરથી હળવી ધ્રુજારી પસાર થઇ ગઇ.

મેં તેને બંગલાના ગેટ પાસે નીચે ઉતારી એ થેંક્સ કહીને સારાંશનાં કપાળ પર કિસ કરીને સ્કુટી પર સ્કૂલ જવા નીકળી ગઈ હું થોડી વાર એને જતી જોઇ રહ્યો. અદિતિની પર્સનલ કાર હોવા છતા તે સ્કુટી પર સ્કૂલ જતી એ વાત મારી સમજની બહાર હતી, જોકે મેં ક્યારેય પુછ્યું પણ નહોતુ.

સ્કુટી પરથી ક્ષણભર માટે તેનુ બેલેંસ ગયુ હોય તેવું મને લાગ્યું પણ પછી મેં જોયું કે હવે સ્કુટી બરાબર જતી હતી એટલે કદાચ મારો ભ્રમ હોય તેમ મે માન્યુ. મને મારૂ પોતાનું વર્તન વિચિત્ર લાગ્યું. મારી વેવલા જેવી હરકત બદલ મે ખુદને ટપાર્યો. વિચારો ખંખેરીને કાર લઈને હું પણ ઓફિસ જવા નીકળ્યો.

ઓફિસનું કામ પતાવીને સાંજ મલ્લિકા સાથે ગાળી.

બીજા દિવસે અમે વધુ સહજ રીતે વર્તયા અદિતિ જસ્ટ સ્નાન કરીને બહાર આવી હતી

ભીના વાળ પરથી જાણે મોતી ખરતાં હોય તેમ પાણીનાં ટીપા ખરી રહ્યા હતા.

મે અદિતિને હળવેથી ઉઠાવી તેણે બેઉ હાથનાં અંકોડા મારી ગરદન પાછળ ભીડી દીધાં. હું એના સધ્યસ્નાતા બદનની ખુશ્બુ અનુભવી રહ્યો.. તેના ચહેરાની કરચલીઓએ મારું ધ્યાન ખેંચ્યુંકોણ જાણે કેટલા વર્ષો બાદ મે અદિતિ સામે ધ્યાનથી જોયુ. મને લાગ્યું અદિતિની યુવાની એનો સાથ છોડી રહી છે એના વાળ સફેદી પકડી રહ્યા હતા. પહેલીવાર મને સમજાયું કે મારી ખરાબે ચડેલી જીવન નૈયાનો ભાર તો આ સ્ત્રીએ એકલીએ ઉઠાવી રાખ્યો છે.

અરરરરઆ શું કરી નાખ્યું મે અદિતિ સાથે? થોડી ક્ષણ માટે મને અપરાધભાવ જાગ્યો… એ દિવસે મારા હ્રદયમાં પહેલીવાર એક અજબ પ્રકારનો સળવળાટ થયો હતો. પણ પછી મેં સ્વસ્થતા ધારણ કરી લીધી.

ચોથા દિવસે મે એને ઉંચકી. પોતાનું માથું મારી છાતી પર ઢાળીને એણે આંખો બંધ કરી લીધી. એના નિર્દોષ શાંત ચહેરા પર વિશ્વાસ ઝળકી રહ્યો હતો જાણે એને ખાત્રી હોય કે અમે છૂટા પડવાના નથી.

હું એના ચહેરા સામે જોઈને વિચારી રહ્યો આ એ સ્ત્રી છે જેણે પોતાના જીવનના દસ વર્ષ મને આપ્યા છે, ઘડીભર મને અદિતિ પર હેત ઉભરાઇ આવ્યું.

પાંચમા દિવસે અદિતિએ મને કહ્યું કે મેં જોબ છોડી દીધી છે...

મે પૂછ્યું: કેમ?

અદિતિ બોલી : બસ હવે મન નથી..

પહેલાં તો મને કહેવાનું મન થયું કે તારે જોબ ચાલુ રાખવી જોઈએ છુટાછેડા પછીના સમયમાં કંઈક પ્રવૃત્તિ હશે તો તને સારુ રહેશે... પણ પછી ઠીક છે... કહીને મેં વાત પૂરી કરી.

સાતમાં દિવસે મને લાગ્યું કે અમારી વચ્ચે લાગણીનો તંતુ બંધાઈ રહ્યો છે. આજે પણ એણે પોતાના બંને હાથ મારા ગળા ફરતાં વીંટાળીને આંખો બંધ કરી મારી છાતી પર માથું ટેક્વયુ હતું. એના વાળની એક લટ એના ચહેરા પર ફરફરતી હતી એટલે એને જાણે હળવી ગલીપચી થતી હોય તેમ એ મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી, મને એના વાળની લટની ઈર્ષા થઈ.

મારી સાથે આ શું થઈ રહ્યું હતું? હું આ કઇ તરફ જઈ રહ્યો હતો? મને કશું સમજાતું નહોતું. મેં આના વિશે મલ્લિકાને કોઈ વાત ન કરી. જો એને વાત કરૂ તો ધોબીનો કુતરો ન ઘરનો ન ઘાટનો એવા હાલ થાય એટલે અત્યારે ડહાપણ ન ડ્હોળવામાં જ ફાયદો હતો.

જેમ જેમ મહિનો વિતતો ગયો તેમ તેમ અદિતિને ઉંચકવામાં મને આસાની થતી ગઈ. કદાચ રોજેરોજની અદિતિને ઉંચકવાની આ કસરતથી મારા બાવડાં મજબૂત બન્યા હશે અને મારી શારિરીક ક્ષમતા વધી હશે એવું મને લાગ્યું.

એ છેલ્લો દિવસ હતો... અદિતિ સવારે શું પહેરવું એની મથામણમાં પડી હતી, એક પછી એક ઘણાં ડ્રેસ એણે ટ્રાઈ કર્યા પણ મેળ પડતો નહોતો, અંતે નિસાસો નાંખતા બોલી મારા બધા કપડાં મોટા થઈ ગયા છે...

હું ઉભો થઇ અદિતિની નજીક ગયો બરાબર એજ ઘડીએ એ મારા તરફ ફરી અને મારી સાથે અથડાઈ.

અચાનક મને ભાન થયું કે અમારા બગડેલા લગ્ન જીવનની ઉપાધિના લીધે અદિતિ ઘણી દુબળી થઇ ગઇ છે, રોજેરોજ સૂકાતી જાય છે એનુ વજન ઘટતું જાય છે અને એટલે જ તો હું એને આસાનીથી ઉંચકી શકું છું..

આ બાઈએ કેટકેટલી પીડા, કેટલીયે ફરીયાદો, કેટલી કડવાશ પોતાના હ્રદયનાં ખુણામાં કાયમ માટે દફનાવી દીધી છે. મારો હાથ એના માથાં પર ફરી રહ્યો હતો, હું વિચારી રહ્યો હતો -મૂંગા મોઢે એકલા હાથે તુટેલા ફૂટેલા સંસારનો રથ ખેંચ્યા કરતી આ સ્ત્રીનાં મનોમસ્તિષ્કમાં ન જાણે કેટલા ઉઝરડા પડ્યા હશે? બરાબર એ ક્ષણે સારાંશ અંદર આવ્યો અને બોલ્યો : "ચલો ચલો પપ્પા મમ્મીને તેડીને બહાર લાવવાનો સમય થઈ ગયો છે..." હું મારા વિચારોમાંથી બહાર આવ્યો.

સારાંશ માટે તો પપ્પા એની મમ્મીને તેડીને બહાર લાવે એ દ્રશ્ય જાણે જીવનનો આવશ્યક ભાગ બની ગયું હતું.

અદિતિએ સારાંશને બે હાથ ખુલ્લા કરી બથમાં બોલાવ્યો માંએ દિકરાને જોશથી ગળે લગાવ્યો… માં નું વાત્સલ્ય ઉભરાયું મને લાગ્યું કે છેલ્લી ઘડીએ કદાચ મારો વિચાર બદલી જશે.. મે મોઢું ફેરવી લીધું…

સારાંશ અદિતિથી અળગો થતાં બોલ્યો બાય મમ્મી... બાય પપ્પા.. હું સ્કૂલ જવા નીકળુ છું.

અદિતિએ ફરીથી સારાંશને ગળે લગાવ્યો એના કપાળ પર ચુમ્મી લીધી…

સારાંશ સ્કૂલ જવા નીકળ્યો અદિતિ મમતાભરી નજરે એને જતો જોઇ રહી..

મેં અદિતિને ઉંચકી, તેડીને બેડરૂમથી ડ્રોઇંગરૂમ તરફ ચાલ્યો એના હાથ સહજ રીતે મારાં ગળા ફરતાં વીંટળાયા મે એને એકદમ કસીને પકડી.. આ દિવસ અમારા લગ્નના દિવસ જેવો જ હતો...

મને અદિતિનું વજન ખુબ ઘટી ગયું હોય તેમ લાગ્યું. એનું મોઢું એકદમ નિસ્તેજ વર્તાયું, હું આજે માંડ માંડ કરીને એક ડગલું ભરી શકતો હતો હું પોતાને જ સવાલ પૂછતો હતો કે આ હું શું કરી રહ્યો હતો? એક એક ડગલા સાથે હું મારા ભૂતકાળ તરફ સરકી રહ્યો હતો... મિડલ ક્લાસ માં-બાપનાં સંતાનમાંથી આજે હું કરોડપતિ બની ગયો હતો, એકલા હાથે શરૂ કરેલી મારી કંપની દસ જ વર્ષમાં દેશની પહેલી ૫૦ સોફ્ટવેર એક્સપોર્ટ કંપનીમાં સામેલ થઈ ગઈ હતી.. આ હરણફાળ હતી કે એક આંધળી દોટ? પૈસા કમાવવા સિવાય પણ મારી કોઈ જવાબદારી હતી, એક જીવતી જાગતી વ્યક્તિ સાથે મે લગ્ન કર્યા હતા, એક નવા જીવનને ધરતી પર લાવ્યો હતો, મારા જીવનમાં એ લોકોનું કેમ કોઇ અસ્તિત્વ જ નહોતું? મારાં મનમાં વિચારોનું તોફાન ઉઠયું હતું.... મને જાણે મારા સવાલોનો જવાબ મળી રહ્યો હતો...

હું અદિતિને લઇને બંગલાની લોનમાં પહોંચ્યો અદિતિને નીચે ઉતારી અને ગાડી લઈને હું મલ્લિકાની ઓફિસ તરફ ભાગ્યો મારે હવે મોડું નહોતું કરવું. મેં ફુલ સ્પીડમાં ગાડી ભગાવી.

મલ્લિકાની ઓફિસ આવતા મેં બ્રેક મારી, ચિચિયારી બોલાવતાં થોડી ઘસડાઈને કાર ઉભી રહી. હું રીતસરનો કારમાંથી કુદ્યો. કારનો દરવાજો લોક કર્યા વગર હું ઓફિસની બિલ્ડીંગમાં ઘૂસ્યો, મલ્લિકાની કેબિન પાંચમા માળે હતી, અત્યારે એક પણ લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર નહોતી, લિફ્ટ આવે એની રાહ જોયા વગર હું સ્ટેરકેસ તરફ લપક્યો એક સાથે બે બે પગથિયાં કુદાવતાં હું પાંચમાં માળે પહોંચ્યો, હું સખત હાંફી રહ્યો હતો, સેંટ્રલી એસી બિલ્ડીંગમાં પણ મારો શર્ટ પસીનાથી લથપથ હતો... કાંચની કેબિનમાંથી મલ્લિકાએ મને આવતો જોયો.,

એણે ઉભી થઇને દરવાજો ખોલ્યો.

દરવાજો ખુલતાંવેંત હું બોલ્યો

“સોરી મલ્લિકા, મારે અદિતિથી છૂટાછેડા નથી લેવા.... “

હે..?! આશ્ચર્યચકિત થઈને મલ્લિકા મારા સામે જોઈ રહી મારા કપાળ પર હાથ મૂકીને બોલી તારી તબિયત ખરાબ છે?

મેં મારા કપાળ પરથી મલ્લિકાનો હાથ હટાવીને કહ્યું મને એવું લાગતું હતું કે હું અને અદિતિ એકબીજાને પ્રેમ કરતાં નથી, સાચું કહું તો હું જેટલી મજબૂત પકડ મારા બિઝનેસ પર જમાવી શક્યો એટલી મજબૂત પકડ અમારા બંનેના સંબંધ ટકાવી રાખવા પર જાળવી શક્યો નથી. હવે મને સમજાયું છે કે ખોટ તો મારામાં હતી. પ્રેમ, પરિપક્વતા, સમય, સમજ અને સમર્પણની કમી તો મારા પક્ષે રહી ગઈ. અમારા જીવન રથને પાટે ચડાવવા અદિતિ ઘણી મથી પણ એના પ્રયાસ તદ્દન એકતરફી હતાં, અદિતિની સહનશક્તિની દરેક હદ પાર થઇ ચૂકી હતી પણ એણે કોશિશ છોડી નહોતી. આજે મને સમજાયું કે જે હાથ પકડીને હું અગ્નિની સાક્ષીએ લગ્નના ફેરા ફર્યો એ હાથ હવે હું મધદરિયે છોડવા માંગતો નથી એટલે સોરી, હું અદિતિ સાથે છુટાછેડા લેવાનો નથી.

મલ્લિકા જાણે કે ઉંઘમાંથી સફાળા જાગી એણે મારા ગાલ પર સણસણતો લાફો ઝીંકી દીધો. કેબીન ડોરની વચ્ચોવચ એ જયાં ઉભી હતી ત્યાં જ ફસડાઇ પડી અને રડવા લાગી. હું એને રડતી છોડીને મારી ઓફિસ જવા નીકળી ગયો.

ઓફિસમાં પણ મારુ મન લાગતું નહોતું. બેએક કલાક પછી સેક્રેટરીને જરૂરી સૂચનાઓ આપીને હું ઘરે જવા નીકળ્યો. રસ્તામાં મેં વિચાર્યુ કે અદિતિને તાજા ફૂલોનો બુકે આપીને મારી બધી ભૂલોની માફી માંગી લઈશ અને કહી દઈશ કે હવે આપણે છૂટા પડવાના નથી. બુકે લેવા માટે મેં કાર ઉભી રાખી. ફ્લોરિસ્ટે પૂછ્યું સર! બુકે પર કાર્ડમાં શું લખવું છે? મેં સ્મિત કરીને કહ્યું લાવ હું લખી લઉ.

મેં લખ્યું “I will carry you out every morning until death do us apart.” હાં મેં નિશ્ચય કરી લીધો હતો કે હવેથી હું રોજ સવારે બેડરૂમમાંથી અદિતિને તેડીને બહાર લઇ આવીશ.

ફૂલ વાળાની દુકાનમાં મને મોગરાનો ગજરો દેખાતા મને યાદ આવ્યું કે અદિતિને માથામાં ગજરો લગાવવાનું ખૂબ પસંદ હતું. લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં મારા હાથે એના વાળમાં ગજરો પહેરવાનો આગ્રહ રાખતી… પછી તો મારા જ ઘરે આવવાનાં ઠેકાણા નહોતા એમાં ગજરાની તો વાત જ ક્યાં કરવી?

ફક્ત ચાલીસ રૂપિયાનો છે બાંધી આપું?

ફ્લોરિસ્ટનો અવાજ સંભળાતાં હું વર્તમાનમાં પાછો ફર્યો.

હં…? હા, હા એક આપી દે મે સ્વસ્થતા મેળવતાં કહ્યું.

બુકે અને ગજરો બાજુની સીટ પર મૂકી મેં કાર ઘર તરફ લીધી. એફ. એમ. પર ગીત વાગી રહ્યુ હતું

વાદા રહા.. વાદા રહા...

વાદા રહા પ્યાર સે પ્યાર કા

અબ હમ ન હોંગે જૂદા....

કાર પાર્ક કરી ઉતાવળા પગલે હું ઘરમાં આવ્યો.

અદિતિ... એય અદિતિ.. આ જો હું તારી માટે શું લાવ્યો... એમ બોલતો હું ડ્રોઇંગરૂમમાં આવ્યો, પણ અદિતિ ડ્રોઇંગરૂમમાં નહોતી.

અદિતિ.... ક્યાં છે....? મેં ફરી અવાજ દીધો પણ જવાબ ના મળતાં મને લાગ્યું કે કદાચ બેડરૂમમાં હશે.

મે બેડરૂમના દરવાજાનો નોબ ઘૂમાવ્યો લોક નહોતો લગાવ્યો એટલે દરવાજો ખુલી ગયો, મે જોયું તો પલંગ પર અદિતિ સૂતી હતી... એની આંખો ખુલ્લી હતી અને એકધારી છત તરફ મંડાયેલી હતી.

હેય અદિતિ આ જો હું શું લાવ્યો કહેતો હું પલંગ પાસે ગયો, પણ અદિતિએ કોઈ જવાબ ન આપ્યો..

બુકે અને ગજરો સાઇડમાં મૂકી હું પલંગ પર બેઠો. હેય અદિતિ આઈ એમ સોરી કહી મેં અદિતિના ગાલ પર હાથ ફેરવ્યો... અને મારુ હ્રદય ઘબકારો ચૂકી ગયું... અદિતિનું શરીર ઠંડું હતું.

યંત્રવત્ મારો હાથ અદિતિનાં નાક પાસે ગયો, એનાં શ્વાસોશ્વાસ બંધ હતાં.

મારા મોઢેથી પ્રેમનાં બે શબ્દો સાંભળવા જીંદગી આખી ઝૂરતી રહેલી સ્ત્રી આજે મારુ સોરી સાંભળવા પણ રોકાઇ નહોતી.

મેં જોયું કે અદિતિની આંખના ખૂણેથી એક આંસુ સરકીને લમણાં પાસે જઈને થીજી ગયું હતું. એ આંસુ ઘણું બધું કહી રહ્યું હતું. થીજી ગયેલા આંસુ પાસે જાણે પોતાની એક દર્દભરી કહાની હતી. હું એ કહાણી સાંભળવાની કોશિશ કરી રહ્યો. પણ આ કોશિશની હવે કોઈ કિંમત નહોતી… હું મોડો પડી ચૂક્યો હતો… ખૂબ મોડો...

******* સમાપ્ત *******