આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૪
ભૂત સ્વરૂપમાં રહેલાં મેવાન અને શિનામી અત્યારે દિયાન અને હેવાલીથી બહુ પ્રભાવિત જણાતા હતા. બંને એમની દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. આજે મેવાન એમની બધી જ વાતોનો ખુલાસો કરવા જઇ રહ્યો હતો. મેવાનને સમજાતું ન હતું કે શરૂઆત ક્યાંથી કરવી. એમની પોતાની કહાની પણ લાંબી હતી. બંને મૃત્યુ પામીને ભૂત સ્વરૂપમાં આવ્યા ત્યારે એમના જીવનસાથી સાથે ન હતા. એમની મુલાકાત કેવી રીતે થઇ. હેવાલી અને દિયાનને કેવી રીતે શોધી કાઢ્યા. પછી એમની સાથે રહ્યા અને છેલ્લે એમને ભૂત સ્વરૂપમાં લાવવાનું કેમ માંડી વાળ્યું એની પાછળ ઘણા રહસ્ય હતા. દિયાન અને હેવાલી મેવાન સામે મીટ માંડીને બેઠા હતા.
આખરે કેટલી વાત કહેવી એ નક્કી કરીને મેવાને બોલવાનું શરૂ કર્યું:'જુઓ, અમે તમને જણાવી જ ગયા છીએ કે ગયા જન્મમાં હું અને હેવાલી પતિ-પત્ની હતા એ જ રીતે શિનામી અને દિયાન હતા. પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજુર હતું. આ જોડીઓ તૂટી ગઇ. બંનેના મોત થઇ ગયા. અમારા અગાઉના જન્મોના લેખાજોખાંનું પરિણામ કહો કે બીજું જે ગણો તે પણ આ જોડીમાંથી દિયાન અને હેવાલી તરીકે તમે નવો માનવ જન્મ પામ્યા જ્યારે અમે બંને ભૂત સ્વરૂપમાં ભટકતા રહ્યા. અમે બંને ભૂત સ્વરૂપમાં પોતપોતાના જીવનસાથીને શોધતા એકબીજા સાથે ભટકાઇ ગયા હતા.'
'હા, ભૂત જગતમાં આવું બહુ ઓછું બને છે.' શિનામીએ વચ્ચે કહ્યું.
મેવાન આગળ બોલવા લાગ્યો:'હા, જ્યારે અમે એકબીજાને મળ્યા અને જાણ્યું કે અમારા સાથીઓ માનવરૂપમાં જીવી રહ્યા છે ત્યારે અમને આંચકો લાગ્યો. અમે તમારી સાથે જ રહેવા માગતા હતા. પહેલાં અમારે એ સાબિત કરવાનું હતું કે અમે ખરેખર તમારા પૂર્વજન્મના જીવનસાથી છે. એટલે અમારી શક્તિથી તમારા મનોજગતમાં આવીને મળતા રહ્યા. તમને એમ લાગતું હશે કે કોઇ સપનું જોયું હતું. અમે એ સાબિત કરવામાં સફળ રહ્યા કે તમે જ અમારા જીવનસાથી છો અને તમે માની ગયા. પરંતુ આ દિવસો દરમ્યાન અને એ પહેલાંથી જ ભૂત સ્વરૂપમાં હું અને શિનામી એકબીજાને મળતા રહ્યા હતા ત્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા....'
શિનામી ફરી વચ્ચે બોલી:'તેનું એક મુખ્ય કારણ એ હતું કે બંને ભૂત સ્વરૂપમાં હતા.'
મેવાન ફરી વાતનું અનુસંધાન કરતાં બોલ્યો:'એક તરફ પૂર્વજન્મના સાથીને મેળવવાની ઇચ્છા હતી અને બીજી તરફ અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આ કશ્મકશમાં અમે તમારી સાથે સપનામાં મળતા રહ્યા. એવા નિર્ધાર સાથે કે તમને જન્મોજનમનું વચન આપીને સાથે રહેવા માટે રાજી કરી લઇશું. પણ છેલ્લે એક એવા મોડ પર આવીને અટકી ગયા કે હવે અમે બંને ભૂત સ્વરૂપમાં જ સાથે રહીએ એ જ યોગ્ય રહેશે. તમારા જીવનમાં ખલેલ પહોંચાડવી નથી. ત્યારે શિનામીને ગમ્મત સૂઝી કે પરીક્ષા લેવાનું મન થયું એ જે ગણો તે પણ અમે નક્કી કર્યું કે તમે આ જન્મમાં તો એકબીજાની સાથે રહેવાનું વચન આપી ચૂક્યા છો પણ અગાઉના જનમનું વચન પાળવાની તમારી કેટલી તત્પરતા છે? તમે આ માનવ જન્મની પેલે પાર ભૂત-લોકમાં આવશો કે નહીં? એ જાણવા અમે એક રમત શરૂ કરી. તમારી એક પછી એક કસોટી લેતા રહ્યા. માફ કરજો પણ અમને એમાં મજા આવતી હતી એ સાથે તમારા પ્રત્યે માન થતું હતું. એક વખત તો એમ થયું કે અમે બંને તમારી સામે તુચ્છ છીએ. તમારામાં પ્રેમની જે લાગણી હતી એ અવર્ણનીય હતી. પૂર્વ જન્મના પ્રેમને પાળવાની જે વચનબધ્ધતા બતાવી એ સલામ કરવા જેવી હતી. તમે અમારી સાથે ભૂત સ્વરૂપમાં આવવા માટે જીવની પણ પરવા ના કરી એ બાબત અમારા માટે શરમજનક બની રહી હતી. અમે બંને તમારો જીવ લેવાનો ઢોંગ કરી રહ્યા હતા પણ એમ કરતાં જીવ ચાલે એમ ન હતો. તમે જે પ્રેમ બતાવ્યો છે એની સામે અમારો પ્રેમ કંઇ જ નથી. તમે પ્રેમનું એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમે ભૂત સ્વરૂપમાં પણ આવા પ્રેમને સન્માન આપનારા કોઇને જોયા નથી... એક વાત પૂછું?'
'હા, એમાં પૂછવાનું ન હોય!' દિયાને હસીને કહ્યું.
'શું તમે બંને ખરેખર પોતાનો જીવ આપવા તૈયાર થઇ ગયા હતા?' મેવાને ગંભીર થઇ પૂછ્યું.
મેવાનના પ્રશ્નથી દિયાન સાથે હેવાલી પણ ચમકી ગઇ. બંને એકબીજા સામે જોવા લાગ્યા.
ક્રમશ: