DNA. - 7 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૭)

Featured Books
Categories
Share

ડીએનએ (ભાગ ૭)

ઈનોવા ગાડી ઉપર પીળી લાઈટ લગાડેલી હતી. ગાડીમાંથી ઉતારનાર યુવતીએ બ્લ્યુ કલરનું જીન્સ અને ઝીણાં વાદળી ટપકાંવાળો સફેદ શર્ટ પહેર્યો હતો. તેણે વાળમાં પોનીટેલ બનાવી હતી અને આંખો પર ફૂલ રીમના કાળા પોલરાઈઝ ચશ્માં પહેર્યા હતા. ચેહરો સાફ અને વારંવાર જોવો ગમે તેવો સુંદર હતો. તેને જોતા લાગતું હતું કે ચેહરા પર નાક અને હોઠ કોઈ શિલ્પકારે સમય લઈને મૂર્તિ પર બનાવ્યા હોય તેવા લાગતાં હતા. મોડેલ તરીકે બીજી મોડેલોને હરીફાઈ આપે તેવો તેનો ઘાટ હતો. શરીરનો ઉપરનો ભાગ કમર પર આવતા જ વળાંક લઈને નીચે જતા ફરી ઉપરના ભાગ જેવો જ ઘાટ પકડતો હતો.

તેણે તેના હાથ પર બાંધેલી ઘડિયાળમાં જોયું. નવ ને ચાલીસ થવા આવી હતી. તેણે એક નજર પત્રકાર તરફ નાંખી. પત્રકાર તેને ઓળખી ગયો હતો. તેણે કેમેરામેનને કેમેરો બંધ કરવા ઈશારો કર્યો.

યુવતીએ ઘરની અંદર જવા પગ ઉપાડ્યા. પત્રકાર યુવતીની પીઠ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે તેનો એક હાથ તેના ગાલ ઉપર જતો રહ્યો. તને હળવેથી ગાલને પંપાર્યો.

યુવતી ઘરની અંદર પહોંચી. તેણે એક ઉડતી નજર નાંખી આખા ઓરડાની રેકી કરી લીધી. તેણે સોફા પાસે જઈને પૂછ્યું, “નિરામયભાઈ?”

નિરામયભાઈએ યુવતીની સામે જોઈ અચરજ પામતાં કહ્યું, “હું છું.” યુવતી નરેશભાઈની પીઠ પાછળ ઊભી હતી. નરેશભાઈ યુવતીનો અવાજ સંભાળીને પાછળ ફર્યા. તેમને જોતાં જ યુવતી “સર” કહી તેમને પગે લાગી. નરેશભાઈ માટે આ ઘટના આશ્ચર્યજનક હતી.

યુવતીએ નરેશભાઈને સંબોધીને પૂછ્યું, “કેમ છો, સર?”

નરેશભાઈએ અસમંજસમાં પૂછ્યું, “તમારી ઓળખાણ ન પડી?”

યુવતીએ ફોડ પાડતા કહ્યું, “સર, હું શ્રેયા. શ્રેયા ગોહિલ. તમારી વિદ્યાર્થીની હતી.”

નરેશભાઈને હજી ઓળખાણ ન હતી પડી. તેમણે કહ્યું, “ખરેખર મને યાદ નથી.”

શ્રેયાએ સહજ ભાવે કહ્યું, “સર, હું કોઈ ખાસ વિદ્યાર્થીની નહતી એટલે ઓળખાણ નહીં પડે. હું પંદર વર્ષ પહેલાં આપની કોલેજમાં ભણતી હતી. આપ ગુજરાત કોલેજમાં અમને સાયકોલોજી ભણાવતા હતા.”

 નરેશભાઈએ જરાક હસીને કહ્યું, “હા હું ગુજરાત કોલેજમાં ભણાવતો હતો, પણ માફ કરજો મને તમે ખરેખર યાદ નથી. પણ તમે અહિયાં...”

શ્રેયાએ કહ્યું, “સોરી સર, હું મારી ઓળખાણ આપવાનું ભૂલી ગઈ. હું ડીસીપી શ્રેયા ગોહિલ, ક્રાઈમ બ્રાંચ. કમિશ્નર સરનો મને સવારમાં ફોન આવ્યો હતો કે મૈત્રી જોશી નામની યુવતી ગુમ થઈ છે. આપે તેમને ફોન કર્યો હતો.”

નરેશભાઈએ કહ્યું, “હા એ મારા જુના મિત્ર છે.” નિરામયભાઈ સામે ઈશારો કરીને ઉમેર્યું, “આ અમારી કોલેજના સંસ્કૃતના પ્રોફેસર છે નિરામયભાઈ. મૈત્રી એમની દીકરી છે. કાલ સાંજથી ગુમ છે.”

શ્રેયાએ નિરામયભાઈને પૂછ્યું, “કોઈનો ફોન આવ્યો હતો?”

નિરામયભાઈએ પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું, “ફોન. ના તો. કોનો ફોન?”

શ્રેયાને સમજાયું કે પોતે ચોખવટથી પ્રશ્ન નથી પૂછ્યો. તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું, “કોઈ ખંડણીખોરનો કે કોઈ કિડનેપરનો ફોન આવ્યો હોય.”

નિરામયભાઈને ખંડણીખોર અને કિડનેપર જેવા શબ્દો સાંભળી ડર લાગ્યો અને એમના કરતાં સોફા ઉપર બેઠેલા તેમના પત્ની કુમુદબેન ઉપર આ શબ્દોની ઘેરી અસર થઈ હોય એમ તેમને ધ્રાસકો પડ્યો અને તેઓ રડવા લાગ્યા.

શ્રેયા તેમની પાસે બેસી ગઈ અને દિલાસો આપતા કહ્યું, “મેડમ મન મક્કમ રાખો, અમે શોધી લઈશું તમારી દીકરીને.”

કુમુદબેન ગુસ્સે થઈ ગયા અને શ્રેયા તેમની છોકરીના ગુમ થવા માટે જવાબદાર હોય તેમ તેને છણકો કરતાં બોલ્યા, “કાલ રાતથી સાંભળું છું કે અમે શોધી લઈશું. હજી સુધી તમારી પોલીસ શોધી નથી શકી. ખાલી ટાઇમપાસ કરો છો બધા ભેગા થઈને.”

નિરામયભાઈએ કહ્યું, “શાંત થા કુમુદ. ભાનુબેન એને એના રૂમમાં લઈ જાઓ.” ભાનુબેન કુમુદબેનને અંદર લઈ ગયા. બધા એમને જતા જોઈ રહ્યા. થોડીકવાર ઓરડામાં શાંતિ છવાઈ ગઈ.

શાંતિનો ભંગ કરતાં શ્રેયાએ નિરામયભાઈને, “આમ તો બધી માહિતી મેં ઇન્સ્પેક્ટર પરેશ પાસેથી લઈ લીધી છે, પણ એના સિવાય કોઈ ખાસ જાણકારી કે જે તમે એમને ન આપી હોય કે પછી કદાચ ભૂલી ગયા હોય એવું કંઈ જે અમને તપાસમાં મદદ કરી શકે.”

નિરામયભાઈએ યાદ કરી જોયું અને કહ્યું, “એવું કંઈ... ખાસ તો કંઈ નથી, તો પણ તમે કંઈ પૂછવા માંગતા હોવ તો પૂછો.”

શ્રેયાએ પૂછ્યું, “તમારે કે પરિવારને કોઈની સાથે ઝઘડો હોય કે પછી પાછલા દિવસોમાં કોઈ સાથે ઝઘડો થયો હોય કે કોઈ અણબનાવ બન્યો હોય. કોઈ સગાસંબંધીઓમાં વિવાદ થયો હોય.”

નિરામયભાઈને બદલે મુકુંદભાઈએ  જવાબ આપતા કહ્યું, “નિરામયભાઈ વર્ષોથી અહિયાં રહીએ છીએ. પણ આજ સુધી કોઈ દિવસ એમને સોસાયટીમાં કોઈની પણ સાથે કોઈ દિવસ નાની બાબતમાં પણ વિવાદ થયો નથી.

નિરામયભાઈએ ઉમેરતા કહ્યું, “સગાસંબંધીઓમાંય પણ કોઈ મોટો વિખવાદ કે ઝઘડો આજ સુધી થયો નથી.”

શ્રેયાએ વાત આગળ ચાલવતા પૂછ્યું, “મૈત્રીને એના દોસ્તો સાથે કોઈ લડાઈ કે ઝઘડો થયો હોય અને તમને જાણ હોય એવું કંઈ.”

“એકદમ સીધીસાદી છોકરી છે મારી મૈત્રી. ઘરમાં પણ ઊંચા અવાજે નથી બોલતી.” નિરામયભાઈએ કહ્યું.

શ્રેયાએ પૂછ્યું, “કોઈ બોયફ્રેન્ડ?”

નરેશભાઈએ કહ્યું, “કેવી વાત કરો છો, હજી તો સોળ વર્ષની છે?”

શ્રેયાએ બચાવ કરતાં કહ્યું, “સોરી સર, પણ તપાસ માટે મારે જાણવું જરૂરી હોય છે. અત્યારે ઘણા કિસ્સા બને છે. આ ઉંમરે ઘરમાં પ્રેમ ન મળતો હોય એટલે એ બહાર શોધતાં હોય અને બહાર લફંગાઓ તાકીને જ બેઠા હોય છે.”

નિરામયભાઈએ પોતાનો બચાવ રજુ કરતાં કહ્યું, “તમારી વાત સાચી છે મેડમ. પણ અમે અમારા બાળકોને ફકત ઉછેર્યા જ નથી, એમને કેળવ્યા પણ છે. અમે અમારા બાળકો સાથે હંમેશાં જોડાયેલા રહ્યા છીએ.” 

શ્રેયાએ પોતાનું કાર્ડ આપતા કહ્યું, “ઠીક છે. હું રજા લઉં. આ મારું કાર્ડ રાખો. જો તમને કંઈપણ શંકાસ્પદ જણાય તો તરત મને જાણ કરજો અને મને જે પણ જાણકારી મળશે તે તમને જણાવીશ. હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ મૈત્રીને શોધવા માટે.” શ્રેયા બાય કહીને નીકળી ગઈ.

શ્રેયા ઘરની બહાર આવી. હજી પેલો પત્રકાર ત્યાં ઊભો હતો. શ્રેયાએ તેની સામે જોયું. એ જ વખતે પેલા પત્રકારની નજર પણ શ્રેયા સામે ગઈ. શ્રેયાએ દુરથી જ કહ્યું, “તે દિવસ પછી પણ હજી સુધર્યો નથી? મજા આવે છે લોકોની લાગણીઓ સાથે રમવામાં, હેં.”

પેલાને તે દિવસનો શ્રેયાનો લાફો યાદ આવ્યો. તેણે બાઈક લીધી અને કેમેરામેનને લઈને રફુચક્કર થઇ ગયો. તેને જતા જોઇને શ્રેયાએ હોઠ ફફડાવ્યા, “હલકટ.” 

શ્રેયા ગાડીમાં બેઠી અને ડ્રાઈવરને કહ્યું, “ગુજરાત વિદ્યાપીઠ લઈ લો.” ગાડીમાં શ્રેયાએ ફોન લગાડ્યો, “મનોજ, તું અને રેશ્મા ટીમ સાથે ગુજરાત વિદ્યાપીઠ પહોંચો.” સામેવાળાએ ફોન કટ કર્યો. શ્રેયાએ ફરી ફોન લગાડ્યો, “તને દરેક વખતે આટલી ઉતાવળ શેની હોય છે? પૂરી વાત તો સાંભળી લે.” સામેથી “જી મેડમ” અવાજ આવ્યો. ડ્રાઈવરના હોઠ પર સ્મિત આવ્યું. શ્રેયાએ ફોન પર કહ્યું, “ડોગ સ્ક્વોડને પણ બોલાવી લે.”

શ્રેયાની ગાડી ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગારના ગેટ આગળ આવીને ઉભી રહી. દરવાજો ખુલ્લો હતો. શ્રેયાએ સ્નાનાગારમાં જઈને આજુબાજુ નજર કરી. અંદર પુલમાં અમુક તરવૈયાઓ પ્રક્ટિસ કરી રહ્યા હતા. હળવા સંગીતનો અવાજ આવી રહ્યો હતો. તેણે ટેબલ પર બેઠેલા એક યુવાનને જોયો. યુવાન ચોપડામાં કંઇક લખી રહ્યો હતો.

શ્રેયાએ તેને પૂછ્યું, “અહિયાં ઇન્ચાર્જ કોણ છે?”

પેલાએ ઊંચે જોયું અને શ્રેયાને બેઘડી જોતો રહ્યો. શ્રેયાએ કડક અવાજે પૂછ્યું, “કાનમાં તકલીફ છે?”

પેલાએ સંકોચાઈને મજાકના સ્વરમાં કહ્યું, “તમને જોયા એટલે તમારો સવાલ ભૂલી ગયો.”

શ્રેયા અત્યારે મજાક સાંભળવાના મુડમાં ન હતી. તેણે પેલાને આંખોમાં ગુસ્સો લાવતાં પૂછ્યું, “ઇન્ચાર્જ કોણ છે?”

પેલો શ્રેયાની આંખો જોઈ ગભરાયો. ઊભો થઈ અંદર ગયો અને એક આધેડ વ્યક્તિને પોતાની સાથે લઈ આવ્યો.

પેલાએ કહ્યું, “આ છે સીરાજભાઈ. અહીંના ઇન્ચાર્જ અને મારું નામ સુદીપ.”

શ્રેયાએ પેલાની તરફ એક નજર નાંખી અને સીરાજભાઈને સંબોધીને કહ્યું, “હું ડીસીપી શ્રેયા ગોહિલ, ક્રાઈમ બ્રાંચ.” સુદીપના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને અહેસાસ થયો ખોટી જગ્યાએ મજાક થઈ ગઈ. શ્રેયાએ તેની અવગણના કરી.

શ્રેયાએ સીરાજભાઈને પૂછ્યું, “અહીંયા કેટલા સ્ટુડન્ટસ છે.”

“૨૬૭” સીરાજભાઈએ ગણેલા હોય એમ તરત જવાબ આપ્યો.

શ્રેયાએ બીજો સવાલ કર્યો, “છોકરા છોકરીઓની બેચ અલગ અલગ હોય છે?”

સીરાજભાઈએ ઔપચારિકતા બતાવતા કહ્યું, “મેડમ, અંદર આવો. ઓફિસમાં બેસીને વાત કરીએ.”

શ્રેયાએ ના કહ્યું. સીરાજભાઈને થોડોક ખચકાટ થયો. સીરાજભાઈએ શ્રેયાના સવાલનો જવાબ આપતા કહ્યું, “જે વિદ્યાર્થીઓ શીખવા માટે આવે છે તેમાં છોકરા છોકરીઓની બેચ અલગ અલગ હોય છે. અને જે હરીફાઈ માટે પ્રક્ટિસ કરવા આવે છે તેમની બેચમાં છોકરા છોકરીઓ ભેગા હોય છે. કોણે એડમિશન લેવું છે?”

શ્રેયાએ ફોડ પાડતાં કહ્યું, “તમારે ત્યાંથી કાલે સાંજે એક છોકરી ગુમ થઈ છે.”

 સીરાજભાઈને આંચકો લાગ્યો. તરત બોલ્યા, “કોણ? કઈ છોકરી?”

શ્રેયાની નજર આજુબાજુ ફરી રહી હતી. તેણે સીરાજભાઈ સામે જોયું અને કહ્યું, “મૈત્રી જોશી.”

સીરાજભાઈ હજી ડઘાયેલા હતા. તેમણે પૂછ્યું, “ક્યારે?”

શ્રેયાએ કહ્યું, “કાલે સાંજે અહીં આવ્યા પછી એ ઘરે પાછી નથી પહોંચી.” શ્રેયાએ સુદીપની સામે જોઇને પૂછ્યું, “તને ખબર છે કાંઈ?”

“મને કંઈ ખબર નથી અને કાલે તો હું આવ્યો જ નહતો” સુદીપના શબ્દો બીકના માર્યા થોથવાતા હતા. શ્રેયાએ સીરાજભાઈ સામે જોયું.

સીરાજભાઈએ કહ્યું, “હું સાડા આઠે નીકળ્યો ત્યારે બધા જતા રહ્યા હતા.”

શ્રેયાએ સીરાજભાઈને ઉદ્દેશીને પૂછ્યું, “એના વિશે વધુ જાણકારી કોણ આપી શકે? તેની કોઈ મિત્ર કે ટ્રેનર?”

સીરાજભાઈએ કહ્યું, “તેની સાથેના બધા સાંજે આવશે. મૈત્રી જોશી તો નેશનલ સ્વીમર છે એટલે એમના ટ્રેનર પણ સાંજે જ આવશે.”

શ્રેયાએ પૂછ્યું, “એમના ટ્રેનરનો નંબર છે?”

સીરાજભાઈએ કહ્યું, “બે મિનીટ.” તે તેમની ઓફિસમાં ગયા અને એમનો ફોન લઈ આવ્યા. મૈત્રીની ટ્રેનરનો નંબર કાઢી શ્રેયાને લખાવ્યો.

શ્રેયાએ પૂછ્યું, “નામ”

“પૂજા યાદવ”, સીરાજભાઈએ કહ્યું. શ્રેયાએ નંબર લગાડ્યો. પણ નંબર સ્વીચ ઓફ આવતો હતો.