નાનકડા નેહડામાં કોઈપણ વાતના સમાચાર વાયુવેગે ફેલાઈ જાય છે. જેના સમાચાર પૂછવા સાંજે માલ ઢોર દોઇને, દૂધને ડેરીએ પહોંચાડી પછી નેહડાવાસીઓ આવી જાય છે. આમાં મોટા ભાગે વડીલો સમાચાર પૂછવા આવે છે. જુવાનીયા ઘરે હાજર રહે છે. જેથી માલઢોરનું ધ્યાન રહે. કેમ કે રાતના સમયે ગમે ત્યારે સાવજ કે દીપડા જોકમાં ઘૂસી જતાં હોય છે. જ્યાં સુધી માલધારીની હાજરી હોય ત્યાં સુધી જનાવર આવવાની હિંમત કરતા નથી.
રાધી ડૂબી ગઈ હતી અને કનાએ તેને બચાવી,અને કનો પણ માંડ માંડ ડૂબતાં બચ્યો, તે સમાચાર આખા નેહડામાં પહોંચી ગયા હતા. રાત્રે ગેલાના ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા હતા. એક પછી એક વડીલ ભાભલા અને ડોશીઓ આવવા લાગ્યા હતા. વડીલ બધા ખાટલે ગોઠવાવા લાગ્યા અને ડોશીઓ બધી ઓસરીમાં બેસી ગયું હતી. એકમાત્ર સોલર લેમ્પના ધોળા અંજવાળે બેઠેલા માલધારીઓ અને માલધારીઓની સ્ત્રીઓ કોઈ ચિત્રકારના ચિત્ર સમાન લાગી રહ્યા હતા. બુઢા માલધારી ચલમુ ફૂકી રહ્યા હતા. ચલમનો ધુમાડો ફેફસામાં જતા ઉધરસ પણ ખાઈ રહ્યા હતા. કનો બધાને પાણીના કળશા ભરીને પાણી પાઈ રહ્યો હતો. કોઈના ઘરે ગ્લાસ કે કળશો મોઢે માંડીને પાણી પીવું એ માલધારીઓ સારી બાબત ગણતા નથી. એટલે કળશાની ઉંચેથી ધાર કરીને ધાર તોડ્યા વગર ઘટક..ઘટક..કરતા પાણી પી રહ્યા હતા. પાણી પીતી વખતે ઊંચું જોવાથી માથે બાંધેલ ફાળિયું નીચે પડી ન જાય તે માટે બીજા હાથે તે ફાળિયું દબાવી રાખ્યું હતું. મોટી ધોળી મૂછોને ધોળી દાઢીવાળા બધાથી વડીલ એવા ભીમાઆતા હતા, એમણે પાણી પીવડાવી રહેલા કનાને કહ્યું,"અલ્યા કાઠીયાવાડી હીઁવે તારી નસુમાં હાવજના હેંજળ પોગી જ્યાં લે! મેં હાંભળ્યું તે ડુંગરીનેસવાળી રાધીને પાણીમાં ડૂબતી બસાવી. ઈમાં તારો જીવ માંડ માંડ બસ્યો.પણ ગર્યનો માલધારી આવા આફતના ટાણે જીવ આપી દેતાં ય બીતો નહિ. હવે તારામાં ગર્યની બાદુરી આવી જય ખરી." હાવજના હેન્જળ એટલે માલધારીઓ નેહડે પીવાના પાણી નદીએથી ભરી લાવતા હોય છે. અને જંગલમાં માલ ચરાવતા હોય ત્યાં પણ તરસ લાગે તો વહેતી નદીમાંથી ખોબે ખોબે પાણી ભરીને પી લેતા હોય છે. નદીમાં ક્યાંક ઉપરવાસ સાવજે પણ પાણી પીધેલા હોય છે. આ સાવજના એંઠા પાણી એટલે સાવજના સેંજળ.માલધારીઓ એવું માને છે કે સાવજના એઠા પાણી પીધેલા ગીરવાસીઓ સાવજ જેવા બહાદુર થાય છે. અને એ વાત પણ સાચી છે, બાકી ચિત્રમાં કે ટીવીમાં સાવજ જોવો અને જંગલમાં કેડીએ જતા હોઈએ અને સામે વિકરાળ સાવજ આવી જવો બંને અલગ વાત છે. ગીરમાં માલધારી અને સાવજનો ભેટો ઘણી વખત થઈ જતો હોય છે. પરંતુ સાવજ જેવા બહાદુર માલધારીઓ સાવજનો ભેટો થાય એવા સમયે સાવજને પીઠ બતાવ્યા વગર તેની સામે જ જોઈને એક બાજુ ઊભા રહી સાવજને રસ્તો આપી દેતા હોય છે. આવા સમયે કાચી છાતીના માનવીની છાતી બેસી થતા વાર ન લાગે. પરંતુ આ ગીરના બહાદુર માલધારીઓ છે. જે સાવજનું માન રાખી લેતા હોય છે.અને સામે સાવજ પણ નેહડાવાસીઓનું માન રાખી લેતા હોય છે.
ભીમાઆતાની વાત સાંભળી કનાએ મોઢું મલકાવી માથું નમાવ્યું. બધા ભીમાઆતાની વાત સાંભળી રહ્યા હતા. ઓસરીમાં બધી સ્ત્રીઓ વાતો કરી રહી હતી. સ્ત્રીઓની વાતોના ઘોંઘાટમાં કંઈ સમજાતું ન હતું. બધી સ્ત્રીઓ વાતો કરી રહી હતી. કોણ કોને સાંભળે છે તે કહેવું મુશ્કેલ હતું! પરંતુ વાતનો વિષય એવો હતો કે રાજીને આટલી ઉંમરે માંડ માંડ પોતાના ભાણીયા રૂપે પુત્ર મળ્યો છે." આજ ઓલી નનાની છોરીની વાહે પાણીમાં કાકય બની જયું હોત તો આ કાઠીયાવાડીનો બાપ હાજણનું પૂરું નો પડત."જે નથી થયું તે થયું હોત તો? ના વિચારોથી ચારે બાજુ ભયનું વાતાવરણ ઊભું કરી દીધેલું હતું! ભીમાઆતાએ પોતાની ધોળી દાઢીમાં હાથ પસરાવતા ચુંગીનો કશ ખેંચતા કહ્યું, "અલ્યા ગેલીયા, હીઁવે તું આ કાઠીયાવાડીનું હગપણ ગર્યના નેહડામાં ક્યાંક ગોઠવી દે તો હારું. હીવે ઈ જુવાન થય જ્યો સે.તારો આપો રામુ જો કે તો હોય તો હું એક બે નેહડે આંટો દય આવું. ને કાઠીયાવાડી હારું કન્યા ગોતી આવું."
રામુ આપાએ હસતાં હસતાં કહ્યું, "ભીમાઆતા એમાં તમારે મારી રજા થોડી લેવી પડે? તમી અમારા વડીલ સો. તમ તમારે તમી આવતા જાતા કન્યા જોય રાખજો.તમને જીયા હારું લાગે નીયા આપડે ભાણીયાનું ગોઠવી લાખીશું."
કનો બધાને પાણી પાઇ રહ્યો હતો. પરંતુ તેના કાન વડીલોની ચાલી રહેલી વાતો પર મંડાયેલા હતા. ભીમાઆતાની આ વાત કનાને ગમી નહીં. પરંતુ નેહડામાં વડીલોની સામે બોલવું કે જવાબ આપવો અનાદર ગણાય છે.
ડુંગરીનેસમાં પણ રાતના સમયે માલધારીઓ રાધીની ખબર પૂછવા નનાભાઈના નેસમાં ભેગા થઈ ગયા હતા. બધાના મોઢે કનાનું જ નામ હતું. નનોભાઈ રાધી કઈ રીતે પાણીમાં ફસાઈ ગઈ હતી, અને તેને કેવું સાહસ કરી કનાએ બહાર કાઢી તે આખો પ્રસંગ વર્ણવી રહ્યા હતા. બધાની આંખો નનાભાઈ પર મંડાયેલી હતી. બધા ડોહલા ખાટલે ચડીને બેઠા હતા. સ્ત્રીઓ બધી નીચે પ્લાસ્ટિકનું બુંગણ પાથરીને બેઠી હતી. નનાભાઈની વાત સાંભળવા બધી સ્ત્રીઓ પણ પોતાની વાતો બંધ કરી નનાભાઈની સામે તાકી રહી હતી. નનોભાઈ આખો પ્રસંગ વર્ણવી રહ્યો હતો, ત્યારે રાધી પણ ફરી ફરી પાણીમાં ડૂબી રહી હોય તેવો અહેસાસ તેને થતો હતો. રાધીને કનાએ બચાવી ત્યારે તો તે ભાનમાં ન હતી.પરંતુ તેને કનો બાથમાં લઈને પાણીની ઉપર ખેંસીને કેમ લાવ્યો હશે? કનાએ પોતાની ચુંદડી ક્યાંથી પકડી ફાડી હશે? આ વાતના વિચાર માત્રથી રાધીની આંખોમાં શરમના શેરડા ફૂટી ગયા હતા. તેના ગાલ પર લાલી આવી ગઈ હતી. ઘણી વખત વાત સાંભળી ચૂકેલી રાધીની મા કાશી અત્યારે નનાભાઈને મોઢે ફરી વાત સાંભળતી વખતે પણ ભયભીત જણાતી હતી.વાત સાંભળી રહેલી કાશીનો હાથ તેની બાજુમાં અડીને બેઠેલી રાધીના માથે ફરી રહ્યો હતો. રાધીએ ઘરે આવી કપડાં બદલી નાખ્યા હતા.કનાની લૂંગી સૂકાવી દિધી હતી.
આવેલી બધી સ્ત્રીઓ કાશીને ઠપકો આપી રહી હતી, "રાધી હવે જુવાન થય જય સે. ઈને હવે ક્યાં લગી માલમાં મેલવી સે? હવે ગર્યના નેહડામાં હગામાં હગુ ગોતીને એની હગાઈ કરાવી આલો." કાશી પણ આ બધી સ્ત્રીઓની વાત સાથે સહમત હતી. તે પણ ઘણા દિવસથી રાધીની સગાઈ કરાવી દેવા માટે તેના પતિ નનાભાઈને સમજાવી રહી હતી. નેહડામાં સોળની થઈ ગયેલી ઘણી છોકરીઓના તો લગ્ન પણ થઈ ગઈ ગયા હતા. નેહડામાં મોટાભાગે છોરી સોળ વર્ષની થાય એટલે તેની સગાઈ કરી નાખતા. સગાઈ કરીને છએક મહિનામાં લગ્ન કરી નાખે. લગ્ન પછી બે વર્ષ પિયરમાં રોકાવાનો વાયદો હોય. એટલે છોરી અઢારની થાય ત્યાં તો સાસરે વળાવી દે. અને એકાદ બે વર્ષ સુધી પિયરમાં આવન જાવન ચાલુ રહે.એકાદ મહિનો સાસરે રહે ત્યાં વારે તહેવારે પાછી પિયરમાં મળવા આવે. એટલે વળી પંદર દિવસ, મહિનો પિયરમાં રોકાઈ જાય. આમ કરતા કરતા છોરી ઓગણીસ વીસની થઈ જાય. એટલે તેનામાં ઠરેલ બુદ્ધિ આવી જાય. આટલો સમય જાય ત્યાં સુધીમાં તો લગભગ છોરીનું શ્રીમંત પણ આવી ગયું હોય. એટલે શ્રીમંત કરી છોરીને પાછી પિયરમાં તેડી લાવે. તે પછી છેક ભાણિયો કે ભાણકી છ આઠ મહિનાના થાય ત્યારે જીયાણાનું આણું વળાવે. આટલા વર્ષોમાં તો છોરી ઠરેલ બુદ્ધિની સ્ત્રી બની જાય છે. સાસરિયામાં પણ મોટાભાગે માલધારી લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે. એટલે ઘરડા મા બાપ અને મોટાભાઈ ભોજાઈઓ અને તેના બાળકો સાથે છોરીનું સંતાન પણ પાયા બહાર નીકળી જતું હોય છે.ઢોર ઢાંખરનું કામ તો માલધારીની છોરીને નાનપણથી જ આવડતું હોય છે. એટલે વર્ષો વીતતા જાય તેમ તેમ છોરી ક્યારે સ્ત્રી બની જાય છે, તેની પોતાને પણ ખબર રહેતી નથી. બાળ ગોપાલ અને પારિવારિક જિંદગી સાથે માલઢોરમાં તે બરાબરની ગુંથાઈ જાય છે.
રાધી નનાભાઈની ખૂબ લાડકી હતી. તેથી તેના મનમાં તો રાધી હજી નાનકડી જ હતી.એટલે જ તે તેની પત્ની કાશીને કાયમ એવો જવાબ વાળતો, " સુ ઉતાવળ સે?હજી રાધી તો નાની સે!"
ક્રમશ: ....
( નેહડાની રીતભાત, હેતપ્રિત માણવા વાંચતા રહો.."નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no.9428810621