પ્રકરણ. ૧
"કમુ.. એ.. કમુ ક્યાં ગઈ, આ તો કાંઈ સાંભળતી જ નથી.,"
"શું કામ વારાઘડીએ બરકો છો, એની બેનપણીયુ સાથે રમતી હશે પાંચીકે.. તમારા બધા કામ પતાવીને ગઈ છે ને હૈયે ધરપત રાખો, હમણાં આવી જશે."
"પણ...."
"પણ.. શું? આગળ બોલો તો ખબર પડે ને કમુની બા."
"કાલ તેમને હરિભાઈ અને જમનાબેન જોવા આવવાનાં છે, જો તેને આપણી કમુ પસંદ પડી જાય તો ગંગ ન્હાયા."
"હા, તમારી વાત તો સોળ આની સાચી, એમને એકનો એક છોકરો છે, દીકરીયુ જાજી છે પણ એ તો એમને સાસરે ચાલી જશે."
"કહું છું સાંભળો, તેની બે છોડી તો સાસરે ચાલી ગઈ છે. તેની ત્રીજી છોડીનુ આપણા ગણપત સાથે ગોઠવી દઈએ તો, શું ક્યો છો કમુના બાપા?"
ત્રિવેણીબેન અને શંભુભાઇ વાત કરી રહ્યા હતાં ત્યાં કમુ એના ધૂળ વાળા હાથ પોતાની ઓઢણીથી લૂછતી લૂછતી આવી.
"શું વાત કરો છો બા? અને ગણપતનું કોની સાથે ગોઠવવાનું ક્યો છો?" કમુએ તેની બાની સામે જોતાં જોતાં કહ્યું.
"કાંઈ વાત નથી કરતા પણ મેં તને બે 'દી પહેલાં કીધું તું ને કે હરિભાઈ અને જમનાબેન આપણા ઘરે બેસવા આવવાનાં છે, તો તે કાલ સવારે આવશે ને જમીને જાશે." શંભુભાઈ એ કહ્યું.
"ગોળ ગોળ વાતું શું કરવા કરો છો, કહી દો ને કે તને જોવા આવવાનાં છે," ત્રિવેણીબેને કહ્યું.
"ના, બાપા ના, ત્યાં મારે નથી પરણવું, તેને તો ચાર ચાર છોકરીયું છે, ઘરમાં કેટલાય બધા આવ-જા કર્યા કરે છે". કમુએ મોં ફૂલાવતા કહ્યું.
"બેટા, તેને ચાર છોકરી છે તો છોકરો પણ એક જ છે ને! બાપ દીકરો બેય લોટ માંગવા જાય છે ને બપોર સુધીમાં તો ત્રણ-ત્રણ થેલીયુ ભરીને લોટ લઈ આવે છે, તેનો છોકરો દલસુખ કથા-વાર્તા કરવા પણ જાય છે. ખાધે-પીધે સુખી ઘર છે. તું ત્યાં જઈશ ને તો સુખી થઈ જઈશ," શંભુભાઈએ કહ્યું.
ત્રિવેણીબેને કમુ પાસે આવી તેનાં માથે હાથ ફેરવ્યો ને કહ્યું, "બેટા, સારા પરતાપ તો માણસોનાં ખપ પડે ને ત્યારે પડખે ઉભા રહે. ગામના માણસોને બરકવા ન જવા પડે. મોટું કુટુંબ હોય ને પણ તે આપણું કુટુંબ કહેવાય, આપણો પરિવાર કહેવાય. બીજા તો કોઈ મુશકેલી આવે ને ત્યારે આઘા ખસી જાય."
"કમુ, જો તારૂં ત્યાં ગોઠવાય જાય ને તો આપણાં ગણપતનું તેની ત્રીજી દીકરી સાથે ગોઠવી દઈએ." શંભુભાઈએ કહ્યું.
"ભલે," કહેતાં કમુ અંદર જતી રહી.
શંભુભાઈનાં દિલને ટાઢક વળી. તેમણે ત્રિવેણીબેનને કહ્યું. " આપણી કમુને શીખામણ સારી આપજે હો.. પરણીને જાય ને તો ઘરને એક તાંતણે બાંધીને રાખે ને હરિભાઈનાં પરિવારને પોતાનો પરિવાર સમજે."
"તમે બધી ચિંતા કરવાનું છોડી દો, હું બધું સંભાળી લઈશ. હવે મારે કડવી બેનનાં ઘરે જવાનું છે, તે મળ્યા ત્યારે કેતા'તા વાડીએથી રિંગણા ને મૂળા આવ્યા છે લઈ જાજો," ત્રિવેણીબેને હસતાં હસતાં કહ્યું.
"હા, હા, જા તું તારે હું અહીં મનિયાની દૂકાને જઈ છાપામાં નજર કરી આવું કાંઈ નવા સમાચાર આવ્યા હોય તો," કહેતા શંભુભાઈ પોતે પહેરેલા ધોતિયાનો છેડો હાથમાં પકડીને ઘરની બહાર નીકળી ગયાં.
લાઠી તાલુકાનું એક નાનું ગામ દામનગર, જ્યાં શંભુભાઈ અને ત્રિવેણીબેનનું કુટુંબ વર્ષોથી રહેતું હતું. શંભુભાઈને પોતાનું ઘર હતું. જે શંભુભાઈએ પોતાના હાથે ગાર-માટીથી બનાવેલું હતું. જેમાં એક ઓસરીએ બે નાના-નાના રૂમ ઉતારેલા હતા. ઓસરીની એક બાજુ પાણીયારૂ ને તેની બાજુમાં સાવ નાનું રસોડુ બનાવ્યું હતું. ત્રિવેણીબેન હંમેશા ઘરને ગારથી લીંપેલું રાખતા. તેના આંગળાની છાપ ગાર ઉપર ઉપસેલી ખૂબ જ સુંદર લાગતી હતી. ગામની શેરીની બાયુ ત્રિવેણીબેને કરેલી ગારના વખાણ કરતા થાકતી નહોતી. ઓસરીમાં નાની લાકડાની ખાટ બાંધેલી હતી, રાત્રે શંભુભાઈ અને ત્રિવેણીબેન ખાટ પર હિંચકા ખાતા ખાતા વાતો કરતાં.ઓસરીની દિવાલ પર ટીંગાડેલા ભરત ભરેલા ચાકળા ને ટોડલીયા ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતાં હતાં. તેમજ એક રૂમમાં લાકડાની અભરાઈ બનાવવામાં આવી હતી તેની ઉપર કાંસાનાં, તાંબાના તેમજ પિત્તળના ઘસી ઘસીને ઉટકેલા વાસણો ગોઠવવામાં આવ્યા હતાં તેનો ચળકાટ આખા રૂમમાં ઝગારા મારતો હતો.
સવારે ત્રિવેણીબેન વહેલા ઉઠી ગયાં, તેની સાથોસાથ કમુ પણ ઉઠી, ઘરનું વાસીદું કરી કમુ રસોડાંમાં ગઈ તો ત્રિવેણીબેને તેને કાંસાની તાંસળીમાં દૂધ આપ્યું, તે કમુ એક શ્વાસે ગટગટાવી ગઈ ને ઉભી થતા બોલી,
"બા, કુવેથી બે હેલ પાણી ભરી આવું ત્યાં સુધીમાં તું કળશ્યા ને બુજારા માંજી નાખજે, જો જે ચાળેલી રાખ લેજે, નહીં તો વાસણમાં લીસોટા પડશે." કહેતા કમુ હેલ ને ઈંઢોણી લઈ ઘરની બહાર નીકળી ગઈ.
શંભુભાઈ ખડકીએ બેઠાં બેઠાં દાતણ કરતાં હતાં, 'હવે તો કમુ સાસરે ચાલી જશે ત્યારે તેની બાનુ સઘળું કામ કોણ કરશે ને ધ્યાન કોણ રાખશે,' એ વિચારે તેમની આંખો ભીની થઈ ગઈ.
"હવે તો આ ડોયો મોઢામાંથી કાઢો, તમારી ચા ઠરીને ઠીકરું થઈ ગઈ, પેલા ચા પીવે નહીં ને પછી કહેશે, ચા ઠરી ગઈ, ફરી ગરમ કરી આપને. બીજી વખત ગરમ કરેલી ચા માં શું શક્કરવાર હોય." ત્રિવેણીબેન શંભુભાઈ ઉપર ખોટો રોષ કરતા બોલ્યાં.
"બસ, બસ હવે તું બોલવાનું બંધ કર ને મારી ચા ખાટે લેતી આવ, જોજે હો.. તારી ચા સાથે લાવવાનું ભૂલતી નહીં," કહેતાં શંભુભાઈ હસવા લાગ્યા.
બંનેની ચા પીવાઈ ગઈ એટલીવારમાં તો કમુ કુવેથી પાણી ભરીને આવી ગઈ. ઘરના બધા કામ ફટાફટ પતાવી દીધા. ત્રિવેણીબેને રસોડામાં જઈને રસોઈની તૈયારી શરૂ કરી દીધી. શંભુભાઈ પણ ન્હાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ગણપત પણ વહેલો ઉઠી તૈયાર થઈ ગામમાં આવેલા મંદિરે પોતાનું આસન, માળા, પુજાનો ડબ્બો તેમજ થોડા ભગવાનના ચોપડા લઈને જતો રહ્યો, તે રોજ મંદિરમાં જઈ પુજા પાઠ કરતો ને પછી એક ખૂણામાં આસન પાથરી ગીતા વાંચતો, માળા ફેરવતો, દર્શને આવતા માણસો તેમને 'પાય કે એકાનો' આપતાં. ખાવાનાં સમય સુધી તે મંદિરમાં જ રહેતો. કોઈવાર તેમને કોઈ બોલાવે તો કથા-વાર્તા કરવા પણ જતો, ને સાથે ગોરપદુ કરતો. શંભુભાઈ ઘણીવાર તેમને કહેતા, મારી સાથે લોટ માંગવા ચાલ, બામણનો દિકરો તો લોટ માંગે જ ને!' પણ ગણપતને ઘરે-ઘરે લોટ માંગવા જવું નહોતું ગમતું.
દશ વાગતા જ હરિભાઈએ જમનાબેનની સાથે " એ.. આવું કે," કહેતાં શંભુભાઈની ખડકીમાં દેખા દીધા.
"આવો..આવો.." કહેતા શંભુભાઈ અને ત્રિવેણીબેન બંનેને લેવા સામે દોડી ગયા.
વધુ આવતા અંકે......
પલ્લવી ઓઝા
"નવપલ્લવ"