"સાસરિયામાં આટલું મોડું કરાતું હશે.?
શું વિચારશે મમ્મી અને કાકી માં???
એલાર્મ પણ મૂકવાનું ન સૂઝ્યું મને...."વિચારો નાં વાવાઝોડા સાથે હું ઝડપથી તૈયાર થઈ નીચે જવા લાગી..,
" સોરી, હું ઘણી લેઈટ થઈ છું, હવે એવું નહીં થાય." હું નાસ્તાની પ્લેટ લેતા બોલી.
" બેટા, સોરી શું કામ કહે છે? તું આરામથી ઊંઘી ને?? એ સારું છે તારી હેલ્થ માટે. વહેલાં જાગી ને શું કરવું છે તારે??? હું ને વનિતા છીએ ને બધું સંભાળવા. તું આ ઘરમાં આવી પછી આખું ઘર તું જ સંભાળતી હતી.. હવે અમને મોકો આપ તને સંભાળવાનો..." મમ્મી ની વાત સાંભળીને લાગ્યું કે હું કેટલી નસીબદાર છું.....
આકાશ ઓફિસ જતો રહ્યો હતો.. પપ્પાજી અને કાકાજી કોઈ મિટિંગ માટે અમદાવાદ બહાર ગયા હતા. એન્ડ રાહુલ ની એક્ઝામ આવતી હોવાથી એ પણ એક્સ્ટ્રા ક્લાસ એટેન્ડ કરવા વહેલો જતો રહ્યો હતો. કાકી માં અને મમ્મી બંને મળીને રસોઈ સંભાળી લીધી હતી. ને બીજું કંઈ કામ હતું નહીં.
ઘરમાં બાકીના બધા કામ માટે કામવાળી કાશી હતી. જે લગભગ અઢાર કે ઓગણીસ વર્ષની હશે. થોડી શ્યામવર્ણી કાયા પણ ખૂબ જ નમણી... સ્વભાવે પણ મળતાવડી.. એ કામ કરતી જાય ને સાથે વાત અપાર.... કયારેક એનાં ઘરની વાત..
એના પિતા એ નાની હતી ત્યારે ગુજરી ગયેલા એની યાદ...એની માં બીજા નાં ઘરના કામ કરી ને બીમારીમાં સપડાઈને થોડા સમય પહેલાં જ મરી ગઈ એનું દુઃખ.. બીજા કોઈ સગાં સંબંધીઓને એની કોઈ પરવાહ ન્હોતી.. એના મમ્મી પણ પહેલા અહીં જ કામ કરતા એમની સાથે એ અહીં પહેલાં થી જ આવતી એટલે ઘરના બધા પહેલાથી જ એને ઓળખતા. એના મમ્મીના ગુજરી ગયા પછી પટેલ પરિવાર એનો સહારો બની ગયો. પછી તો એ આ જ ઘરમાં રહેતી હતી.
એ મને મારા જીવનની ભુલાઈ ગયેલી અમુક વાતો યાદ દેવડાવાનો પ્રયત્ન કરતી. આખા દિવસ દરમિયાન મમ્મી અને કાકીમાં મારી સાથે વાતો કરીને મારું મન હળવું કરતાં રહ્યા. મારો ભૂતકાળ યાદ ન આવતા, હું ક્યારેક વિચલિત થઈ જતી. હું આ ઘરના ખૂણે ખૂણા ફરીને તેને યાદ કરવા મથતી હતી.
પણ મને કંઈ જ યાદ આવતું નહોતું. ખરું કહું તો હું આકાશ સાથેના મારા સંબંધોને યાદ કરવા મથતી હતી.
" આકાશ સાથે મારો સંબંધ કેવો હતો? અમારા બંનેના પરિવારોની આટલી બધી અસમાનતા વચ્ચે અમારા લગ્ન કેવી રીતે થયા? શું અમે લવ મેરેજ કર્યા હતા?? અથવા તો કોઈ એવી વ્યક્તિ જે અમારો સંબંધ જોડવાનો પુલ બની... શું હતી અમારી સચ્ચાઈ?......"આવા વિચારોના વમળમાં હું અટવાતી રહી.
આખો દિવસ આમ જ પસાર કરી દીધો. હું કાગડોળે આકાશની રાહ જોતી રહી... હવે મેં નક્કી કરી લીધું હતું કે હું આકાશ સાથે વાત કરીશ અને મારા સવાલોના જવાબ માંગીશ....
સાંજે સાત વાગ્યે આકાશ આવ્યો. આખા દિવસનો થાક તેના ચહેરા પર વર્તાતો હતો. આવીને તરત તેની ઓફિસ બેગ ટેબલ પર મૂકી એની સામેના સોફા પર તેણે લંબાવી દીધું.
"મમ્મા, પાણી....."થાકેલા અવાજથી તેણે બૂમ પાડી....
" હું આપી આવું.." કહેતા મેં મમ્મીના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ લીધો...
" તું...." પાણીનો ગ્લાસ લેતા એ કંઈક કહેવા જતો હતો પણ એને કદાચ કંઈ સૂઝ્યું નહીં એટલે તે ગ્લાસથી પાણી પીવા લાગ્યો...
હું સાંજે તેની સાથે વાત કરીશ એવું વિચારી તેના હાથમાંથી ખાલી ગ્લાસ લઈ પાછી કિચન તરફ વળી.....
પપ્પાજી અને કાકાજી પણ મિટિંગમાંથી આવી ગયા હતા.. બધા ફ્રેશ થઈ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ચૂક્યા હતા. રાહુલ ચમ્મચ વડે પ્લેટ્સ પર ટકોરા મારી રહ્યો હતો.. ઘરનો નિયમ હતો કે ઘરના દરેક સભ્યો સાંજનું ભોજન એક સાથે જ લે. અને દિવસભરની પોતાની વાતોનો પટારો ખોલે...
ભોજન પીરસાઈ ચૂક્યું હતું. કાકાજી અને પપ્પાજી પોતાની સક્સેસ ફૂલ મીટિંગ ની વાત કરી રહ્યા હતા. આકાશ પપ્પા અને કાકા ની ગેરહાજરી નાં લીધે કામનું ભારણ વધુ હોવાનું જણાવી રહ્યો હતો. રાહુલ પણ એક્સ્ટ્રા ક્લાસ નો થાક વર્ણવી રહ્યો હતો. મમ્મી અને કાકીમાં સાથે હું બધાને ધ્યાન થી સાંભળી રહી હતી.
ભોજન પછી સૌ એક સાથે ટી.વી. સામે ગોઠવાઈ ગયા. લીવીંગ રૂમમાં એક દિવાલ પર મોટું એલ.ઈ.ડી. અને એની સામે ગોઠવાયેલ એક આખો પરિવાર... જોઈને આંખો ઠરે......
ધીમે ધીમે સૌ પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા. પણ આકાશ હજુ ચેનલો ફેરવી રહ્યો હતો. તેણે એક વાર મને ઊંઘી જવા માટે સૂચન પણ કર્યું. પરંતુ આજે તો એની સાથે વાત કરવી જ છે એવું વિચારીને હું તેની રાહ જોઈ રહી.....
એ પણ જાણે મારી સાથે વાત કરવાનું ટાળી શકાય એમ મારી સાથેના એકાંત થી દૂર રહેતો હતો. હું કંટાળીને બેડરૂમમાં જતી રહી. થોડીવાર આકાશની રાહ જોઈ પણ તે ન જ આવ્યો.
થોડા દિવસ રોજે આવું જ ચાલ્યું. સવારે હું જાગુ એની પહેલા જ એનું જતું રહેવું. અને રાત્રે હું ઊંઘી જાવ પછી તેનું આવવું.
દિવસમાં એકાદ વાર ફોન પર મારી તબિયત પૂછતો. એણે મને જણાવ્યું કે મને ડ્રોઈંગનો ખૂબ જ શોખ છે. તેથી એણે મને પેપર, પેન્સિલ અને કલર્સ ગિફ્ટ કર્યા. હું દિવસ પસાર કરવા ક્યારેક મમ્મી અને કાકીમાં સાથે શોપિંગ કરવા જતી, તો ક્યારેક કોઈ ડ્રોઈંગ બનાવતી વળી ક્યારેક કંઈક લખવા બેસી જતી. ક્યારેક કાશી સાથે ઘરના કામમાં મચી પડતી.
આટલી વ્યસ્ત રહેવા છતાં મનમાં ઉમટતા પ્રશ્નો મને ઘાંઘી બનાવી દેતાં. અને હું કેમેય કરીને એ પ્રશ્નોથી મારો પીછો છોડાવી ન શકતી.
હું રોજે નક્કી કરતી કે આજે તો આકાશ સાથે વાત કરીશ જ પણ એ એટલો થાકીને આવતો અને જમ્યા પછી પણ ઓફિસનું કંઈ કામ લઈને બેસી જતો અથવા કોઈ ફિલ્મમાં ઇન્ટરેસ્ટ પડ્યો હોય એમ ટીવી સામે બેસી જ હતો. અને હું મારા પ્રશ્નો મનમાં ધરબીને ઊંઘી જતી.
આજે પણ એ ટીવી સામે બેસી ગયો છે. કોઈ ફિલ્મ જોઈ રહ્યો છે અને હું તેને નિહાળી રહી છું. આમ તો તેની આંખો હંમેશા મને નિહાળી રહી હોય એવું લાગતું. પણ એ મારી નજર સામે નજર ન આવી જાય એનું ધ્યાન રાખતો.
કેવી નિર્દોષ આંખો??
એણે મારી સામે જોયા વગર જ કહ્યું," તને ડર નથી લાગતો ને આ હોરર ફિલ્મ છે??"
મેં તેની સામે નજર હટાવીને ટીવીમાં ફિલ્મ જોતી હોય એમ જોતા કહ્યું, " ના મને કશાયથી ડર નથી લાગતો.'"
અને એટલી જ વારમાં ટીવીમાં એક સીન આવતો હતો. એક મર્ડર સીન.....
વિલનના હાથમાં ચપ્પુ,
એક લોહી લુહાણ વ્યક્તિ.... અને અચાનક
મને કશી ખબર નહોતી કે મને શું થઈ રહ્યું છે હું આકાશને જોઈ રહી હતી ...
"એની નિર્મળ આંખો, એકદમ સોમ્ય ચહેરો એનો અવાજ........"
એની મજબૂત બાંહોએ મને સંભાળી હતી એનો આછેરો અવાજ માંડ માંડ મારા કાનમાં પહોંચતો હતો..
"આભા, આર યુ ઓલ રાઈટ??? તુ ઠીક છે?? શું થાય છે તને???"
હું બેશુદ્ધ બની રહી હતી..... અથવા શાયદ મારા ભૂતકાળ માં સરી રહી હતી...
*............*............*.............*