DNA. - 4 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૪)

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

ડીએનએ (ભાગ ૪)

મુકુંદભાઈ નિરામયભાઈની જ સોસાયટીમાં તેમના ઘરથી ત્રણ ઘર છોડીને રહેતા હતા. મુકુંદભાઈના ઘરનો નંબર ૩૯ અને નિરામયભાઈના ઘરનો નંબર ૪૨. મુકુંદભાઈને નિરામયભાઈએ તેમના ઘરે જઈને આખી ઘટનાની વાત કરી ત્યારે મુકુંદભાઈએ સાંત્વના આપતા કહ્યું, “નિરામયભાઈ ચિંતા ન કરો, આપણે મૈત્રીને શોધી લઈશું.” બંને તરત રવાના થયા.

નિરામયભાઈ માટે પોલીસ સ્ટેશનનો અનુભવ પહેલીવારનો હતો. તેમણે ઘણીવાર તેમના મિત્રો પાસેથી પોલીસ સ્ટેશનના ખરાબ અનુભવો વિષે સાંભળ્યું હતું. પોલીસ કંઈ કામ કરતી નથી. એમને તો બસ હપ્તા ઉઘરાવવામાં અને હરામનું ખાવામાં જ રસ હોય છે.

વરસાદ રોકાઈ ગયો હતો. મુકુંદભાઈએ પોતાના લાગતાવળગતાને ફોન શરૂ કરી દીધા હતા કે કોઈની ઓળખાણ છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં. જો હોય તો કામ ઝડપી થઇ જાય. નવરંગપુરા પોલીસ સ્ટેશનની બહાર બાઈક પાર્ક કરી બંનેએ અંદર જવા પગ ઉપાડ્યા. બંને પગથીયાં ચડી રહ્યા હતા, ત્યાં જ પોલીસ સ્ટેશનની અંદરથી જોર જોરથી હસવાનો અવાજ સંભળાયો.

નિરામયભાઈ મુકુંદભાઈ સાથે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. અંદરનું દ્રશ્ય તેમના માટે અજુગતું હતું. એક ટેબલની ફરતે સાતેક જણા ઊભા હતા. ટેબલ ઉપર પેપર ઉપર નાસ્તો પાથરેલો હતો. ભજીયાં અને દાળવડાની મિશ્ર સુગંધ તેમના નાકને સ્પર્શી ગઈ. બધા એકબીજાની મજાક કરી રહ્યા હતા અને જોર જોરથી હસી રહ્યા હતા.

નિરામયભાઈએ ડરતાં ડરતાં પાસે જતા કહ્યું, “સર, ફરિયાદ લખાવવી છે.”

બધાએ તેમની સામે વારાફરથી જોયું. એક હવાલદારે કહ્યું, “પહેલાં નાસ્તો કરી લો. પછી શાંતિથી લખીએ છીએ.”

એક હવાલદારે એક વૃદ્ધ હવાલદાર સામે હાથમાં ભજીયું રાખીને ઈશારો કરતા કહ્યું, “આજે અમારા ઠાકોર કાકાનો બર્થડે છે.”

બીજાએ કહ્યું, “છેલ્લો બર્થ ડે.”

એક હવાલદારે કહ્યું, “અલા હજી તો કાકાએ ઘણું જીવવાનું છે. હજી તો ફેરથી ઘોડે ચડે એવા છે.” બધા જોરથી હસ્યાં.

પેલા હવાલદારે મજાક સુધારતા કહ્યું, “એમ નહીં લ્યા, આવતી સાલ એમનો બર્થ ડે આવશે એ પેલ્લા તો એ રીટાયર્ડ થઈ જશે ને.”

એક બે જણાએ હા હા નો સુર પુરાવ્યો. નિરામયભાઈ અને મુકુંદભાઈને ગુસ્સો આવતો હતો, પણ અત્યારે એમણે ગરજ હતી.

મુકુંદભાઈએ ગુસ્સાને કાબુમાં રાખતા વિનંતી સાથે કહ્યું, “સર, અમારી છોકરી હજી સુધી ઘરે નથી આવી.”

અચાનક હસવાનો અવાજ અટકી ગયો. જાણે કે એમની બધાની પોતાની છોકરી ગુમ થઈ ગઈ હોય એવી શાંતિ છવાઈ ગઈ. કોઈના હાથમાં ભજીયાનો ટુકડો તો કોઈના હાથમાં દાળવડાનો ટુકડો તો કોઈના હાથમાં મરચાંનો ટુકડો તો કોઈના હાથમાં ચાનો કપ હતો. પથુજી ઠાકોરે એમના હાથમાંનો ચાનો કપ નીચે મૂકી દીધો. તે તરત મુકુંદભાઈ અને નિરામયભાઈની પાસે આવ્યાં ને બોલ્યા, “તમે મારા હાથે આવો. મું તમારી ફરિયાદ લખું સું.”  ને તેમના સાથીદારોને સંબોધતા બોલ્યા, “તમે નાસ્તો પતાવો. મું ઈમની ફરિયાદ લખી દઉં સું.”

મુકુંદભાઈ અને નિરામયભાઈ પથુજી સાથે એક ટેબલ પાસે ગયા. પથુજીએ એમને ખુરશીમાં બેસાડ્યા. પોતે સામેની ખુરશીમાં બેસતા બોલ્યા, “મું જે જે પુસું ઈનો જવાબ આલતા જોઅ.”

પથુજીએ તેમના ટેબલના એક ખાનામાંથી કોરા કાગળ કાઢ્યા. તેમાંથી એક કાગળનો આગળનો બે ઈંચ જેટલો ભાગ વળીને હાંસિયો પાડ્યો. ટેબલ પર પડેલી પેન ઉઠાવીને લખવાનું શરૂ કર્યું. પાછળ નાસ્તો કરી રહેલા હવાલદારોનો વાતો કરવાનો ધીમો ધીમો અવાજ સંભળાતો હતો.

કાગળ ઉપર તારીખ લખીને પુછ્યું, “છોકરીનું નામ હું?”

નિરામયભાઈએ જવાબ આપ્યો, “મૈત્રી”

પથુજીએ જવાબ સુધારતા પૂછ્યું, “આખું નાંમ”

નિરામયભાઈએ જવાબ આપતા કહ્યું, “મૈત્રી નિરામય જોશી.”

પથુજી એક એક સવાલ પૂછતાં જતા હતા અને નિરામયભાઈ બધી માહિતી લખાવી રહ્યા હતા.

વચ્ચે એક હવાલદારે પથુજીને પૂછ્યું, “કાકા, તમારે માટે રહેવા દઈએ થોડા.”

પથુજીએ હાથના નકારનો ઈશારો કરતાં કહ્યું, “પતાઈ દો. માર પેટ ભરઈ જ્યું સ.”

પથુજીએ નિરામયભાઈ સામે જોઈને ફરી પૂછવાનું ચાલુ કર્યું. “ક્યાંથી અને કેવી રીતે ગુમ થઈ.”

નિરામયભાઈએ કહ્યું, “એ રોજ ગુજરાત વિદ્યાપીઠના સ્નાનાગારમાં પ્રક્ટિસ માટે જાય છે. આજે પણ પાંચ વાગ્યે ગઈ હતી. રોજ તો સાત વાગ્યે પાછી આવી જાય છે, પણ આજે સાડા સાત સુધી આવી નહિ, એટલે હું વિદ્યાપીઠ ગયો. પણ ત્યાં એ લોકોએ કહ્યું કે એ તો સાત વાગ્યે જ નીકળી ગઈ હતી.”

  લગભગ પંદરેક મીનીટમાં પથુજીએ ચાર પાનામાં આખી ફરિયાદ લખી. એટલામાં પાછળથી આવતો પોલીસ ટુકડીનો અવાજ બંધ થઈ ગયો. પથુજીએ નજર ઊંચે કરી અને પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. સાવધાનની પોઝીશનમાં આવી “સર” કહયું. નિરામયભાઈ અને મુકુંદભાઈએ પાછળ વળીને જોયું. એક યુવાન પોલીસ ઓફિસર ઊભો હતો. ઉજળા ચેહરા પર પાતળી મુછ અને પોલીસ ગણવેશમાં સજ્જ આવનાર યુવાન કોઈ ફિલ્મના હીરો જેવો લાગતો હતો.

આવનાર યુવાને પૂછ્યું, “પથુજી મેટર શું છે?”

પથુજીએ સામાન્ય પોઝીશનમાં આવી જવાબ આપ્યો, “સર, આંમની છોકરી ખોવઈ જઈ સ. મી ફરિયાદ તો લખી દીધી.”

       યુવાને નિરામયભાઈની સામે હાથ મિલાવવા હાથ લંબાવતા કહ્યું, “હું ઇન્સ્પેક્ટર પરેશ પટેલ.”

       નિરામયભાઈની હિંમત તૂટી રહી હતી. તેમણે હાથમાં તાકાત ન હોય એ રીતે ઇન્સ્પેક્ટર સાથે હાથ મિલાવ્યો. હાથ મિલાવતા જ ઇન્સ્પેક્ટર પરેશ સમજી ગયા કે પિતા ખરેખર દીકરી માટે વ્યથિત છે.

ઈન્સ્પેક્ટરે હૈયાધારણ આપતા કહ્યું, “તમે ચિંતા ના કરો. પોલીસ તમારી મદદ માટે જ છે.”

“સર ચિંતા કેવી રીતે ના કરું. આજ દિવસ સુધી એવું નથી બન્યું કે એ સવા સાત સુધીમાં ઘરે ન આવી હોય.” આટલું કહેતા કહેતા નિરામયભાઈના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.

ઈન્સ્પેક્ટરે એક હવાલદારને પાણી લાવવા કહ્યું અને નિરામયભાઈને ખુરશીમાં બેસાડ્યા. મુકુંદભાઈને બીજી ખુરશીમાં બેસવા ઈશારો કર્યો, પણ તેમણે હાથના ઈશારાથી ના પાડી. ઇન્સ્પેકટર નિરામયભાઈની સામેની ખુરશીમાં બેઠા. મુકુંદભાઈ નિરામયભાઈની ખુરશીની જમણી બાજુના કિનારે ઉભા રહ્યા. એક હવાલદાર પાણી લઈ આવ્યો. એક ગ્લાસ ઈન્સ્પેક્ટરે નિરામયભાઈને આપ્યો અને બીજો ગ્લાસ હવાલદારે મુકુંદભાઈ સામે ધર્યો. બંનેએ પાણી પીધું.

ઇન્સ્પેક્ટર પરેશે નિરામયભાઈને પૂછ્યું, “તમે એના મિત્રોને ફોન કરી જોયો?”

નિરામયભાઈએ હિંમત એકઠી કરતાં કહ્યું, “હા. પણ એ કોઈની સાથે નથી ગઈ?”

ઈન્સ્પેક્ટરે અચકાતાં સવાલ કર્યો, “કોઈ બોયફ્રેન્ડ છે?”

નિરામયભાઈને આંચકો લાગ્યો હોય એમ તેમણે તીક્ષ્ણ નજરે ઇન્સ્પેક્ટર સામે જોયું, “કેવી વાત કરો છો! એ હજી સોળ વર્ષની છે.”

ઈન્સ્પેક્ટરે દિલાસો આપતા કહ્યું, “ખોટું ન લગાડતા, પણ કદાચ તમને ખબર ન હોય. જુઓ, અત્યારની જનરેશન બહુ ફાસ્ટ છે અને જનરલી છોકરીઓના ઘરે ખબર નથી હોતી કે...”

નિરામયભાઈને ઇન્સ્પેકટરની વાત યોગ્ય લાગી હોય એમ તેમનો અવાજ જરા મૃદુ બન્યો, “અમે અમારા બાળકોને એવી રીતે ઉછેર્યા છે કે તે તેમની બધી વાતો અમને કહે છે.”

ઈન્સ્પેક્ટરે વાતને વધુ ન ખેંચતા ફક્ત “હશે” કહ્યું અને ઉમેરતા પૂછ્યું, “ તમારી પાસે એનો કોઈ ફોટો છે?”

નિરામયભાઈએ હા કહ્યું.

ઈન્સ્પેકટરે પથુજીની સામે જોઈ કહ્યું, “પથુજી, આમની પાસેથી એમની છોકરીના ફોટા લઈ લો અને દરેક ન્યુઝ ચેનલમાં મોકલી આપો. એમનું એડ્રેસ અને ફોન નંબર લખી લો.”

પથુજીએ જવાબ આપતા કહ્યું, “એમનું એડ્રેસ અને નંબર લઈ લીધા સે. ફોટા લઈને મોકલી દઉં સું.”

ઈન્સ્પેક્ટરે પોલીસ ટુકડીને ઉદ્દેશીને કહ્યું, “ચૌહાણ, ઝાલા અને રમેશ મારી સાથે ચાલો.” ને નિરામયભાઈ સામે જોતા કહ્યું, “હવે તમે ઘરે જાઓ. અમે તપાસ કરીને તમને માહિતી આપીશું.”

નિરામયભાઈએ લથડતા અવાજે કહ્યું, “ઘરે જઈને શું કરીશ. હું પણ તમારી સાથે આવું છું.”

ઈન્સ્પેક્ટર પરેશે તેમને સમજાવતા કહ્યું, “ભરોસો રાખો, અમે તપાસ કરીશું. તમારા ઘરના તમે ઘરે નહીં જાઓ તો વધારે પરેશાન થશે.” ઈન્સ્પેક્ટરે મુકુંદભાઈ સામે જોયું.

મુકુંદભાઈએ નિરામયભાઈના ખભા ઉપર હાથ મુકતા કહ્યું, “ઇન્સ્પેકટરની વાત સાચી છે. પોલીસ એમનું કામ કરશે. આપણે ઘરે નહીં જઈએ તો ભાભી અને હેલી વધારે પરેશાન થશે.”

ઈન્સ્પેક્ટરે પોતાની વાતનું પુનરાવર્તન કર્યું, “ચિંતા ના કરો, ભરોસો રાખો.” ઇન્સ્પેક્ટર પરેશ ઊભા થયા ને હવાલદારોની ટુકડીને સંબોધીને કહ્યું, “ચાલો.”

ચારેય જણાને પોલીસ સ્ટેશનની બહાર નીકળતા નિરામયભાઈ ને મુકુંદભાઈ જોઈ રહ્યા. પથુજીનો “તમારી છોકરીનો ફોટો આપો” અવાજ તેમના કાને પડ્યો.

નિરામયભાઈએ પોતાનો ફોન કાઢી તેમાંથી મૈત્રીના ફોટાઓ પથુજીને વ્હોટસ અપ કરી આપ્યા. નિરામયભાઈ પોતાના હાથેથી ખુરશીના બંને હાથા પકડીને ખુરશીમાંથી મહામહેનતે ઊભા થયા.

પથુજીએ હિંમત આપતા કહ્યું, “સાહેબ ચિંતા ના કરતાં. ઉપરવાળો હઉ હારા વાંના કરશે. ધીરજ રાખો. તમારી છોકરી મલી જસે.”

બંને પથુજીનો આભાર માનીને પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા. મુકુંદભાઈએ નિરામયભાઈની હાલત જોતાં કહ્યું, “હું ચલાવી લઉં છું બાઈક.” મુકુંદભાઈએ બાઈક ચાલુ કર્યું. નિરામયભાઈ પાછળ બેઠા તેની ખાતરી કરીને તેમણે બાઈક ઘર તરફ હાંક્યું.