JYA MALI KERI TYA CHADHAAVI BEDI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૨૧

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૨૧

જ્યાં મળી કેરી ત્યાં ચઢાવી બેડી..!

                        બેડી એટલે કેદીને પહેરાવવાની નહિ..! આજની પેઢીને સમજાવવું પડે કે, આંબા ઉપરથી કેરી ઉતારવા માટે ‘બેડી’ નો ઉપયોગ થાય. શહેરી ‘કલ્ચર’ ને BODY નો ખ્યાલ આવે, બેડીની બલા નહિ સમજાય..! ગામડામાં જનમ લેવો પડે. આંબા-આંબલીના વૃક્ષ ઓળખવા શહેરમાં કેમ્પ રાખવા પડે. જુના શબ્દો, જુના રીવાજો, જુના પહેરવેશ, જુના ધંધા-પાણી ને જૂની બોલીની હાલત હવે વિસરાતા સૂર જેવી થવા માંડી. પણ પાંચથી છ હજારથી ચાલી આવેલી કેરીએ હજી એની ઓળખ જાળવી રાખી છે. અધધધ..કેરીના પણ કેટલા પ્રકાર..? ૫૦૦ જાતોમાંથી ૧૦૫ જેટલી જાતો જ હવે ઓળખમાં છે.  બાકીની કાળ સાથે વિસરાતી ગઈ. ગુજરાતની પ્રજા કેરી માટે જ ઉનાળો સહન કરતી હોવાથી, કેસર અને હાફૂસથી પરિચિત. બાકીની સુંદરી, લંગડો, પાયરી, નીલમ, હાફૂસ, કાળો હાફૂસ, કાકડો, કેસર,બદામી હાફૂસ, માલદારી, શ્રાવણીયા, રેશમિયા, કરંજીયો, કેસર, રાજાપુરી, આકરો મધક્પુરી, તીતીયા, તોતાપુરી, સરદાર, બારમાસી,વલસાડી, લીમડી. ને સાકરિયા જેવી કેરી સ્વાદના રસિયાઓને જ યાદ હોય. જેને આ નામોની ઓળખ નથી, એ તો કદાચ હવા ખાવાના સ્થળ જ માનતા હશે. વેચવાવાળાને પણ આ નામો યાદ નહિ હોય. જેટલા માણસના પ્રકાર એનાથી વધારે કેરીના પ્રકાર. પણ નહિ જાણતા હોય એને તો  કાલે ઇતને સબ જાંબુ..! કેરીની એક જાતનું નામ લંગડો પણ છે. કેરીનું નામ સાંભળીને તો એમ જ લાગે  કે, બે માં લંગડું કોણ? કેરી કે આંબો..? સ્વાદમાં એવી અદભૂત કે વિદેશીઓની દાઢમાં પણ એ હોય..! જેવો  ઉનાળો બેસે એટલે તમામ પ્રકારની કેરીઓ રાણીની માફક રાજમાર્ગો ઉપર ફરતી થઇ જાય. અમારો શ્રીશ્રી ભગો સરસ વાત કરે કે, કેરીના ગોટલા કાઢવા તો ઉનાળામાં વેકેશન આપે છે, નહિ તો ઉનાળામાં લૂ ખાવા સિવાય બીજું મળે શું..?  કેરી ખાવાની તો મોજ જ અલગ. કેરી જોઇને જ મોંઢામાં ઝરા ફૂટવા માંડે. મોંઢું લપલપ થવા માંડે. કોઈ ગમતી રસસુંદરીએ ‘હલ્લો-હાઈ’ કહી નાંખ્યું હોય, એવી ગીલીગીલી થવા માંડે. દિલ ધમણની માફક ધડક-ધડક થવા માંડે..! પણ નખરાળી બહુ..! આવી તો આવી, નહિ આવી તો હવન-પૂજાથી પણ નહિ આવે. હોલીડે સ્પેશ્યલ ટ્રેનમાં માંડ ગણી શકાય એટલા પેસેન્જર બેઠેલા હોય એમ, કેરીઓને ગણી શકાય એટલી જ આંબે આવે. એમાં આ વરસે તો કોઈએ મૂઠ  મારી હોય, એવો કેરીનો દુકાળ આવ્યો. આંબા ઉપર વાંદરા દેખાય પણ કેરી નહિ દેખાય..! છોકરાઓને કેરીનો ક શીખવવાને બદલે કાકડીનો ક શીખવવો પડે દાદૂ..! આખી સરકાર ઉથલી પડી હોય, એવું થઈ ગયું. કેરીગાળાએ ગજબનો ધબડકો વાળી દીધો..! પૈસા ખર્ચીએ તો 'આકાશ-દર્શન' જોવાનું મળે એમ, આંબા ઉપર 'કેરી-દર્શન' કરવા પડે, એવી કફોડી હાલત બેઠી. ચીરીના ભાવે કેરી નહિ વેચાય તો સારું..! દર વરસે આપણે કેરીનું કચુંબર કરતા, આ વરસે કેરીએ આપણું કચુંબર કરી નાંખ્યું.,! ઉનાળો બે જ વાતની લહેર કરાવે. એક કેરીગાળાની ને બીજી વેકેશનની..! કેરીના કારણે તો ઉનાળો જરા  'પોચો-પોચો' લાગે..! બાકી અમારા જમાનાનો ઉનાળો પણ સખણો તો હતો જ નહિ. એ જમાનામાં દેશી માણસ પાસે AC તો હોય નહિ. બાપાને જો કહેવાના થયા કે, “ બાપા, ગરમી બહુ  લાગે,  તો ખલ્લાસ..! સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા કરાવતા હોય એમ, તરત વાળંદને  ત્યાં જઈને બાપા માથે ટક્લું કરાવી આપતાં..! ઉપરથી કહેતાં કે, 'જાવ બેટા, હવે ચારેય બાજુથી ઠંડક જ ઠંડક..!' તેમ છતાં પણ ગરમી નહિ ગાંઠે તો, AC વાળા સરકારી દફતરે જઈને, ઠંડી હવા ખવડાવી લાવતા. એકાદ પૂંઠાવાળો પંખો પણ અપાવતા. અને કહેતાં કે, ‘ બેટા..! આ પૂંઠા સામે માત્ર માથું જ હલાવજો, પંખો હલાવતા નહિ, તૂટી જશે..!’  એના કપાળમાં કાંદા ફોડું, હાથના બંને કાંડામાં ઉનાળાની ગરમીએ ખુજલીના માળા બાંધ્યા હોય, એક હાથમાં પંખો હોય ને બીજા હાથમાં કેરી પકડાવી હોય, સાલા ખુજલી ઘવળવા જાય, પંખો પકડવા જાય કે કેરી ચૂસવા જાય..? છતાં, ખૂજલી ઘવળતા-ઘવળતા પણ પાંચ-છ કેરીનો ઘાણ કાઢી નાંખતા. કેરી અમને ‘ગ્લેમર’ તારિકા જેવી લાગતી. ખુજલીની તો અમે પરવાહ પણ નહિ કરતા. પણ હાથમાંથી કેરી નહિ મૂકતા..! કેરી ખાવાની મળે તો ખૂજલી તો શું, લ્હાય જેવો ઉનાળો પણ ઓઢી લેતાં. કોઈ દેખાવડી કન્યા જોઇને જેમ શરીરની ભૂગોળ બદલાય જાય, એમ કેરીઓ જોઇને અમારો જીવનફેરો સુધરી જતો. ડાયાબીટીશવાળા સિવાય કેરી કોઈની વેરી નહિ થતી. એટલે તો કેરીના રસિકજનોએ કેરીને ફળોની રાણી કહી. આમ તો ઉનાળામાં ફણસ પણ થાય. ફળોમાં મહાકાય હોવાં છતાં, કોઈએ એને ફળોના રાજાની પદવી આપી નવાજ્યો નથી. કેરીની સામે ફણસ મુક્યું હોય તો, પોપટના પાંજરામાં મરઘો બેસાડ્યો હોય એવું લાગે..! જો કે ‘ચાંપાનેરી’ તરીકે, મારાથી આવી ટીપ્પણી નહિ થાય એ હું જાણું છું. મને ‘ગોત્રેજ-પાપ’ લાગે. કારણ કે મારી અટક ચાંપાનેરી અને ફણસ ‘ચાંપા’ ની જનેતા કહેવાય..! આવું કહેવા જઈએ તો રતનજી ખીજાય..! 

                               મઝેની વાત કરું તો,  એક દિવસ મૌસમની પહેલી કેરીએ મારા ઘરમાં ઠાઠમાઠથી પધરામણી કરી. અને મને વળગેલો ડાયાબીટીશ..! બ્રિટીશરોએ હિન્દુસ્તાન છોડ્યું ત્યારે,  ‘ડાયાબીટીશ’ ને શરીરનાં હવાલે મુકતા ગયેલા. થયું એવું કે, ઘરમાં આવેલી કેરીને  જોઇને વાઈફ એવી ભડકી કે, કેરી વેરી બની ગઈ. કેરીને બદલે ડાયનોસોર ઘરમાં ઘુસી આવ્યો  હોય એમ, ‘ધમ્માલ’ મચી ગઈ. કોઈની રૂપાળી કન્યાને ઘરમાં લાવીને બેસાડી દીધી હોય એમ,  બધા મારી સામે ચકળ-વકળ જોવા લાગ્યા. છોકરાઓ તો કેરી જોઇને ગેલમાં આવી ગયાં. એમને તો, કેરીને બદલે, પોતાની ‘MINIMUM’ (માસી ઉર્ફ મારી સાળી) આવી હોય એમ, ‘નંદ ઘર આનંદ ભયો’ ની જેમ મઝા પડી, પણ વાઈફનો નકશો બદલાય ગયો. એક બાજુ સાલો આનંદ પણ આવે, ને બીજી બાજુ ઉત્પાત પણ થાય. વાઈફનો ચહેરો આમ તો કાશ્મીરનાં શાલીમાર ગાર્ડન જેવો, પણ કેરીને જોયા દિવસે એનો ચહેરો ઉકરડા જેવો થઇ ગયો..! એની આંખમાં સાપોલિયાં રમે તે તો દેખાય. એ ભડકો તો કેરીગાળો પૂરો થયા પછી પણ હજી હોલવાયો નથી. ક્સ્સ્મથી કહું તો અમારા લગનની કુંડળી પૈણતી વખતે તો ફક્કડ મળેલી, પણ એક માત્ર મારા ડાયાબીટીશને કારણે વાઈફ કેરીને જોઇને અક્કડ થઇ ગયેલી. એને  કઈ ભાષામાં સમજાવું કે, કેરી ખાવાનો શોખીન હોવાથી તો, ભગવાને મને વલસાડમાં જનમ આપેલો. નહિ તો બીજા દેશોમાં ક્યાં જગ્યા ઓછી પડતી હતી..?  આખરે એ કેરી ઉકરડામાં ગઈ, પણ કોઈના પેટમાં નહિ ગઈ..! 

                    જૂનાગઢની કેસર હોય કે વલસાડની હાફૂસ હોય, આજે પણ એ નવાબ જેવી જાહોજલલી ધરાવી, લોકોની દાઢમાં સિંહાસન જમાવે છે. બંને વિસ્તાર એવાં સ્વાદપ્રિય કે, એ વિસ્તારની કોઈ કન્યાઓ કેરીના કારણે સાસરા વગરની રહેતી નથી. મંગળ કે શનિના દોષ પણ આડા આવતા નથી. લોકો પણ વિચારે ને કે, આવા વિસ્તારમાં વેવાઈવાડો રાખ્યો હોય તો, ઉનાળામાં કેરીગાળો તો કાઢવાનો થાય..! જેમ પ્રત્યેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે,  એમ આ વિસ્તારને કેરીનો સાથ છે..! 

 

                                                                                                લાસ્ટ ધ બોલ

 

                     શ્રીશ્રી ભગો કેરીનો કોથળો લઈને બસમાં ચઢ્યો. અને સીટ ઉપર કેરીનો કોથળો મુક્યો. કંડકટરે આવીને કહ્યું, ‘એ ભાઈ..! આ કરીનો કોથળો સીટ ઉપરથી ઉઠાવી નીચે મુકો.

આ સીટ વિકલાંગ માટેની અનામત સીટ છે. શ્રીશ્રી ભગો કહે, મને એની ખબર છે. એટલે જ તો કોથળો મેં સીટ ઉપર મુક્યો. કારણકે કોથળામાં લંગડો કેરી ભરેલી છે..!

 

એના કપાળમાં કાંદા ફોડું..!