Ajukt - 1 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | અજુક્ત (ભાગ ૧)

Featured Books
Categories
Share

અજુક્ત (ભાગ ૧)

મુંબઈના માહિમ બીચ ઉપર રોજની જેમ આજે સવારનો માહોલ સામાન્ય હતો. સૂર્યના કિરણો દરિયા પર પથરાઈને દરિયાની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. હવામાં ભેજ અને પવન હળવે હળવે વાઈ રહ્યો હતો. સવારની ખુશનુમા હવા માટે હોય કે પછી સ્વસ્થ તબિયત માટે હોય, પણ મુંબઈગરાઓ બીચના કિનારે ફરી રહ્યા હતા. કોઈ આરામથી તો કોઈ ઉતાવળે આંટા મારી રહ્યા હતા.

માછીમારો પોતાના નિત્યક્રમ પ્રમાણે રોજીરોટી માટે દરિયો ખેડવા તૈયારી કરી રહ્યા હતા. અદમ્ય શાંતિ મળતી હશે કે કેમ પણ વાહનચાલકો નાહક હોર્ન માર્યે જતા હતા. વચ્ચે વચ્ચે સીગલના અવાજો સંભળાઈ રહ્યા હતા. માણસોના કલબલ કલબલ સંગીતના અલગ અલગ વાદ્યોની માફક સૂરમાં ઉમેરો કરી રહ્યા હતા. આ બધા સૂરોમાં દરિયાના મોજાંનો અવાજ કોઈ ગીતમાં બેકગ્રાઉન્ડમાં રેલાતા આલાપ સમાન જણાઈ રહ્યો હતો. જે સાતત્ય જાળવી રાખતો હતો.

દરિયાના મોજાં પવનની સાથે ગાઢ મૈત્રી નિભાવી રહ્યા હતા. પવનની સાથે સાથે કિનારે આવતાં મોજાં સુકાવા મથતી રેતીને ફરી ભીંજવી પાછાં ફરી જતા હતા. માનવજાતે દરિયાને અર્પણ કરેલ વિવિધ ભેટ સોગાદો દરિયો સ્વીકારવાના મુડમાં ન હોય તેમ દરેક મોજાં સાથે કિનારે પરત કરતો જતો હતો.

ધીમે ધીમે મોજાં પવનની ગતિ વધતાં વધુ ઊંચે ઊઠી રહ્યા હતા. અચાનક મોજાંઓએ કે સૂટકેસ કિનારે લાવી ત્યજી દીધી. દરિયાના પાણી સાથે મસ્તીએ ચડેલા યુવક યુવતીની નજર આ સુટકેસ ઉપર પડી. યુવતીએ સુટકેસ ઉપાડીને પાણીમાં રહેલા પોતાના પ્રેમીને ગીફ્ટ આપતી હોય એ અદાથી આપી. યુવક સુટકેસ પોતાના હાથમાં લીધી અને કિનારે સુટકેસનો ઘા કર્યો. બંને જોરથી હસી પડ્યા.

દરિયા કિનારે પોતાના સંસ્મરણો કેમેરામાં કેદ કરી રહેલ એક યુગલનું ધ્યાન સુટકેસ પર ગયું. યુવતીએ તેની સાથેના યુવકને એક ફોટો ક્લિક કરવા કહ્યું. યુવતી સુટકેસને ઉભી મુકીને તેના ઉપર દરિયા તરફ મોં રાખી બેસી ગઈ. યુવકે યુવતીની પીઠ પાછળથી થોડેક દૂર ઉભા રહી એક પછી એક તસ્વીરો કેમેરામાં કેદ કરવા માંડી. દરિયા કિનારે મુલાકાતના પુરતા પુરાવા એકઠા થઈ ગયા એટલે બંને સુટકેસને ત્યાંજ મૂકી રવાના થયા.

મસાલા ચણા દાળ વેચતો ફેરિયો આ ઘટનાને સાક્ષીભાવે જોઈ રહ્યો હતો. વતનમાં પોતાની પત્નીને છોડી અહીં રોજગારી માટે આવ્યો હતો. યુવક યુવતીને જોઈ તેને પોતાની પત્ની યાદ આવી ગઈ. શરીર દરિયા કિનારે મૂકી મન તેની પત્ની પાસે આંટો મારી રહ્યું હતું, ત્યાંજ કોઈકના અવાજે તેને ઢંઢોળ્યો, “ભૈયા, કિતને કા દિયા?” ફેરિયોનું મન શરીરમાં પરત આવ્યું. તેણે કહ્યું, “બીસ કા પ્લેટ.” આગંતુક પ્લેટ લઈ વીસ રૂપિયા ચૂકવી રવાના થયો. ફેરિયાની નજર સુટકેસ પર ગઈ અને તે તેનો ઠેલો લઈ આગળ વધ્યો.

પ્રદીપભાઈએ બેન્કમાંથી વહેલા નિવૃત્તિ લેવી પડી હતી. હાર્ટ એટેક આવ્યા પછી તેમના દીકરાઓએ અને તેમની પત્નીએ તેમને નિવૃત્તિ લેવા કહ્યું અને તેમની લાગણીને વશ થઈ તેમણે તેમની વાત માની લીધી. પ્રવૃત વ્યક્તિ માટે નિવૃત જીવન જીવવું અઘરું લાગે છે. પણ પ્રદીપભાઈ પાસે બીજો નિવૃત્તિ લેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ડોક્ટરની સલાહ માની તેઓ તેમની પત્ની દિપીકાબેન સાથે રોજ સવારે નાસ્તો કરી નવ થી અગિયાર વાગ્યા સુધી દરિયા કિનારે લટાર મારતા અને જુના સંસ્મરણો વાગોળતા. ચાલતાં ચાલતાં બંનેની નજર સુટકેસ પર પડી.

દીપીકાબેન કંઇક યાદ કરતાં હોય તેમ પ્રદીપભાઈને કહ્યું, “સાંભળો છો?”

પ્રદીપભાઈ ફક્ત હં બોલ્યા.

દિપીકાબેને કહ્યું, “આ સુટકેસ આપણે આવ્યાં ત્યારની અહીંજ પડી છે. પેલા છોકરો ને છોકરી ફોટા પડાવતા હતા એ ભૂલી ગયા લાગે છે.”

પ્રદીપભાઈએ જવાબ આપતા કહ્યું, “મોબાઈલ આવ્યાં પછી લોકો ભૂલકણા થઈ ગયા હોય એવું નથી લાગતું તને.”

દિપીકાબેન હસ્યાં ને બોલ્યા, “હા હોં, બહુ જ.”

બંને સામેની પાળીએ બેસી પોતાની વાતોમાં મશગુલ થઈ ગયા. ક્યારેક ક્યારેક દીપીકાબેનની નજર સુટકેસ પર ટકરાઈને પાછી ફરતી.

સમય વહી રહ્યો હતો પણ સુટકેસ પોતાની જગ્યાએ ધ્યાનમાં બેઠેલા યોગીની માફક સ્થિર હતી. સુટકેસની પાસેથી પસાર થતા લોકો તેને જોઈને આગળ વધી જતા. પણ આ સુટકેસનો કોઈ ધણી થતો ન હતો. જેમ જેમ સમય પસાર થઇ રહ્યો હતો તેમ તેમ લોકોમાં સુટકેસ પ્રત્યે કુતુહલ વધી રહ્યું હતું. હવે ધીમે ધીમે લોકો એકબીજાને પૂછવા લાગ્યા હતા.

એક જણાએ પ્રદીપભાઈ પાસે આવી પૂછ્યું, “કાકા ક્યારના બેઠા છો?”

પ્રદીપભાઈ ને બદલે દિપીકાબેને જવાબ આપ્યો, “એકાદ કલાક થયો. કેમ શું થયું?”

પેલાએ સુટકેસ તરફ નજર નાંખી ને પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું, “આ સુટકેસ?”

દીપીકાબેનની નજર સુટકેસ પર ગઈ અને ફરી પેલા ભાઈ તરફ જોતા કહ્યું, “અમે આવ્યા ત્યારે એક છોકરો ને છોકરી ફોટા પાડતા હતા એટલે અમને લાગ્યું કે.”

વાક્ય પૂરું થાય એની પહેલાં જ પેલો ભાઈ બેધ્યાન થઈ ગયો. તેને ટીક ટીક.. ટીક ટીક.. ટીક ટીક.. અવાજ સંભળાવા લાગ્યો. અચાનક તેને ભાઈ ભાઈ ના હળવો અવાજ સંભળાયો. તે સફાળો જાગ્યો. દિપીકાબેન શું થયું એમ પૂછે તેના પહેલાં જ પેલાએ દોટ મૂકી અને બુમો પાડવાનું શરૂ કર્યું, “હટી જાવ ત્યાંથી... આઘા ખસો...”

દિપીકાબેન અને પ્રદીપભાઈ કાંઈ સમજે અને પૂછે તે પહેલાં પેલો ભાઈ સુટકેસ ભણી દોડતા દોડતા બુમો પાડવા લાગ્યો હતો. બંને ડઘાઈ ગયા.

પેલાએ સુટકેસ પાસે જઈને બુમો પાડવાના સૂરમાં ચાલુ રાખ્યું, “ખસી જાવ... આઘા જતા રહો. આ સુટકેસ બિનવારસી છે. એમાં બોમ્બ પણ હોય.”

બોમ્બનું નામ સાંભળતા લોકોના હાંજા ગગડવા માંડ્યા અને કંઈપણ વિચાર્યા વિના જેને જ્યાં રસ્તો મળ્યો ત્યાં દોડવા માંડ્યા. અચાનક હળવું વાતાવરણ અફરાતફરીમાં ફેરવાઈ ગયું. લોકોને જ્યાં જગ્યા મળી ત્યાં જતા રહ્યા. કેટલાક તો પોતાનાં વાહનો લઈને ઘર તરફ રવાના થઈ ગયા. અમુક રહસ્ય જાણવા આતુર ત્યાંજ રોકાયા.

સુટકેસથી દૂર ટોળું સ્થિર થયું. સુટકેસ જાણે કે કોઈ પરગ્રહવાસી હોય એમ કુતૂહલવશ લોકો એને નિહાળી રહ્યા હતા. જેને હમણાં સુધી કોઈ ગણકારતું ન હતું, એનું મહત્વ અચાનક વધી ગયું હતું. માથા એટલા ખ્યાલો હતા. દરેક પહેલીવાર સુટકેસને ધ્યાનથી જોઈ રહ્યા હતા. કાળા રંગની સુટકેસ આશરે ૨ ફૂટ ઊંચી અને ૧.૫ ફૂટ પહોળી હતી. સુટકેસ પણ મનમાં હરખાઈ, “જોયો આપણો પાવર!”  

એક જણ બે ગાર્ડને બોલાવી લાવ્યો. બંને ગાર્ડની સાથે ચારપાંચ વ્યક્તિઓ સુટકેસ પાસે ગયા. ગાર્ડે સુટકેસને ધ્યાનથી જોઈ. સુટકેસની એક તરફ કાળો અને બીજી તરફ સફેદ રંગ હતો. તેણે બંધ કરવાની ચેન પર બંને તરફની ચેન ભેગી કરી નાનકડું સ્ટીલનું લોક લગાવેલું હતું.

એક ગાર્ડે પોલીસને ફોન કર્યો અને આખી ઘટના જણાવી. લગભગ પંદર મીનીટમાં પોલીસની ગાડી આવી દરિયાકાંઠે ઉભી રહી. તેમાંથી એક ઇન્સ્પેકટર ચાર હવાલદારની સાથે ટોળાને ચીરતા સુટકેસ પાસે આવી ઉભા રહ્યા. ઇન્સ્પેકટરના આદેશથી એક હવાલદારે સુટકેસને હેંડલથી પકડી ઊંચી કરી. સુટકેસ ભારે ન જણાઈ.

હવાલદારે સુટકેસ નીચે મુકતા કહ્યું, “સર, બહુ વજન નથી.”

ઇન્સ્પેકટરે આદેશના સ્વરે કહ્યું, “ડાભી, ખોલ એને.”

હવાલદાર સુટકેસ ખોલે એના પહેલાં એક જણાએ કહ્યું, “સાચવજો સાહેબ, બોમ્બ ના હોય.”

ઇન્સ્પેકટરે ગંભીર અવાજે બોલ્યા, “ભલે ને હોય. શું ફરક પડે છે? ફાટશે તોય કંઈ નહીં થાય, આમેય તારી તો ફાટી ગઈ છે.”

બધા જોરથી હસવા લાગ્યા. ગંભીર માહોલ અચાનક હળવો થઈ ગયો. એક હવાલદાર પક્કડ લઈ આવ્યો અને લોક તોડવા વળ્યો. લોક નાનું હતું એટલે તૂટવામાં વાર ન લાગી. ત્યાં ઊભેલા દરેકના ધબકારા વધી રહ્યા હતા. સુટકેસમાં શું હશે તે જોવા બધા અધીરા થઈ ગયા હતા. એક એક ક્ષણ ભારે લાગી રહી હતી. પોલીસ ટુકડી એકદમ સહજતાથી કામ કરી રહી હતી, કારણ કે આવા કામ તેમના નિત્યક્રમમાં સામેલ હતા.

હવાલદારે તાળું તોડી સુટકેસને આડી પાડી. એક ચેન પકડી તેને તેના અંત સુધી ખોલી નાંખી. સુટકેસ અડધી ખુલ્લી થઈ. ત્યાં હાજર દરેકની નજર સુટકેસ પર સ્થિર થઈ ગઈ હતી. હવાલદારે બીજી ચેનને પણ તેના છેડા સુધી ખોલી નાંખી. પળેપળ દૂર ઊભેલા લોકોના પણ ધબકારાની સાથે અધીરાઈ વધી રહી હતી. સુટકેસના ઉપરના ભાગને આગળથી બંને હાથથી પકડી ઊંચો કર્યો અને સુટકેસ પુરેપુરી ખોલી નાંખી.   

       સુટકેસમાં લાલ રંગનું સ્વેટર દેખાયું. સ્વેટરની એક તરફ ઘાટા જાંબલી રંગનું પેન્ટ અને બીજી તરફ આછા વાદળી રંગનું શર્ટ મુકેલું હતું.

ઇન્સ્પેક્ટર, પેલા વ્યક્તિ કે જેણે બોમ્બ હોવાની ભીતિ હતી, તેના તરફ નજર કરી અને કટાક્ષમાં કહ્યું, “બોમ્બ..” બધા ફરી ખડખડાટ  હસ્યાં. પેલો જરાક ભોંઠો પડ્યો. ખડખડાટ હસવાના અવાજથી દૂર ઊભેલા લોકોને પણ રાહત થઈ કે કંઇક અજુગતું નથી બન્યું.

એક હવાલદાર બોલ્યો, “ સર, કોઈના કપડાં લાગે છે.”

ઇન્સ્પેકટરે પૂછ્યું, “પણ કોઈ કપડાં ભરેલી સુટકેસ દરિયામાં શું કામ ફેંકી દે?”

ત્યાં ઉભેલામાંથી એક જણાએ શંકાનું સમાધાન આપતા પોતાનું જ્ઞાનનો પ્રકાશ પાથર્યો, “કદાચ કોઈ ચોરે સુટકેસ ચોરી લીધી હોય અને એને કંઈ ના મળ્યું હોય એટલે ફેંકી દીધી હોય?”

ઇન્સ્પેકટર તેની સામે જોઈ મજાકમાં બોલ્યા, “તો પછી ભાઈ જેમ્સ બોન્ડ, એ તો કહો કે ચોરે લોક મારીને ફેંકી?” ઇન્સ્પેકટરે તેની સામે પ્રશ્નાર્થભાવે આંખ ઉલાળી. પેલાને પોતાની ભૂલ સમજાઈ ગઈ.

ઇન્સ્પેકટરે સુટકેસ પાસે બેસેલા હવાલદારને આદેશના સ્વરે કહ્યું, “ડાભી, સુટકેસ ખાલી કર.”

ડાભીએ સ્વેટર પકડી સુટકેસની બહાર ફેંક્યું. સુટકેસમાં સ્વેટર હટતાં તેની નીચે પ્લાસ્ટીકની કાળા રંગની બે પોલીથીન બેગ દેખાઈ કે જેમાં કંઈક ભરેલું હતું. ડાભીએ પોલીથીનની એક બેગની ગાંઠ ખોલી અને ખુલ્લી કરી. બેગમાં જે દ્રશ્ય જોયું તેનાથી ડાભી વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એકદમ ઉભો થઈ ગયો. ડાભીના અચાનક ઉભા થવાથી તેની પાછળ ઊભેલા બે જણાને ધક્કો વાગ્યો એટલે તેઓ પણ આઘા ખસી ગયા. દૂર ઊભેલામાંથી જે લોકો એકીટશે પોલીસ ટુકડીની કામગીરી જોઈ રહ્યા હતા તેમને પણ આ અણધાર્યા બનાવથી કંઇક શંકાસ્પદ થયાનો આભાસ થયો. કોઈ કાંઇક સમજે તે પહેલાં તો બે ગાર્ડમાંથી એક ગાર્ડ ઉલટી કરવા લાગ્યો. તેણે આવું દ્રશ્ય પહેલીવાર જ જોયું હતું. તેને ઉલટી કરતો જોઈ જાણે બીજાઓને પણ ચેપ લાગ્યો હોય એમ બીજા બે જણા પણ ઉલટી કરવા લાગ્યા. પોલીસ ટુકડી પણ ડઘાઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યાં ઉભેલામાંથી જે હોશમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એમના મગજ પણ કાબુ ગુમાવી રહ્યા હતા. બધા સહેજ સહેજ સુટકેસથી દૂર ખસી ગયા હતા. હળવો થયેલો માહોલ ફરી અચાનક ગંભીર થઇ ગયો હતો. દૂર ઊભેલા ટોળાંએ પણ આ ગંભીરતાની નોંધ લીધી, પણ તેઓ દૂર હોવાથી સુટકેસમાંનું દ્રશ્ય જોઈ શકતા ન હતા, પણ ચોક્કસ કંઇક અઘટિત બન્યાનો ભાસ થતો હતો. તેમના મનમાં અનેક પશ્નો ઉઠતા હતા. ત્યાં એવું તે શું બન્યું હશે? કેમ ત્યાં બધા ડઘાઈને સ્તબ્ધ થઈ ગયા? કેમ ત્રણ જણાને ઉલટી થઈ ગઈ હશે. બધા અંદરોઅંદર ડરના માર્યા એકબીજાને જોઈ રહ્યા હતા.