Bhed bharam - part 26 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 26

The Author
Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

ભેદ ભરમ - ભાગ 26

ભેદભરમ

ભાગ-૨6

 

ખૂનીએ રચેલું ભેદભરમનું ચક્રવ્યૂહ

 

પોલીસ સ્ટેશનમાંથી નાથુસિંહના ગયા બાદ ઇન્સ્પેક્ટર પરમારે હરમનને કહ્યું હતું.

"હરમન, ધીરજભાઇ મહેતા અને મયંક ભરવાડના ખૂન કેસ ખૂબ પેચીદો બની ગયો છે. તે અત્યાર સુધી વિચારેલી તારી દરેક થીયરી સદંતર ખોટી સાબિત થઇ રહી છે. આ ખૂન કેસનો મુખ્ય આરોપી બિસ્કીટવાળો ફેરિયો તેમજ ધર્માનંદ સ્વામી અથવા ભુવન ભરવાડ લાગી રહ્યા હતાં એ બધાં જ અત્યારે તો સાવ નિર્દોષ સાબિત થઇ રહ્યા છે. નાથુસિંહ પણ જે રીતે પોતાનું હોમવર્ક કરીને આવ્યો હતો અને એની પાસે તક હોવા છતાં એ શહેર છોડીને ભાગ્યો ન હતો એ ઉપરથી તો એ પણ સાવ નિર્દોષ લાગે છે. મને લાગે છે કે આપણે આ કેસને એક અલગ દૃષ્ટિકોણથી ચકાસવો અને તપાસવો પડશે, તો જ સાચા ખૂનીને આપણે પકડી શકીશું." ઇન્સ્પેક્ટર પરમારે સીગરેટ સળગાવતા હરમનને કહ્યું હતું.

"પરમાર સાહેબ, ખૂની આંખ સામે જ છે. પરંતુ ખૂનીએ ભેદભરમનું એવું ચક્રવ્યૂહ બનાવ્યું છે કે એ ચક્રવ્યૂહના ભૂલભુલૈયામાં આપણે અટવાઇ ગયા છીએ અને ભૂલભુલૈયામાંથી બહાર નીકળી શકતા નથી. નાથુસિંહની વાત સાંભળી હવે આપણે સુધાબેન અને પ્રેયસને અહીં પોલીસ સ્ટેશને બોલાવીએ અને સુધાબેનનો જવાબ પણ સાંભળીએ. સાથે-સાથે પ્રેયસ સુધાબેન અને નાથુસિંહ પતિ-પત્ની છે એ જાણીને એના મોઢાના હાવભાવ બદલાય છે કે એ નોર્મલ રહે છે એ ઉપરથી પણ કેસમાં આગળ કોઇ ચોક્કસ કડી નવી મળશે." હરમને ઇન્સ્પેક્ટર પરમાર સામે જોઇ કહ્યું હતું.

"પ્રેયસે તને ધીરજ મહેતાના ખૂન કેસની તપાસ માટે એપોઇન્ટ કર્યો છે. જો એણે ધીરજભાઇનું ખૂન કર્યું હોય તો એ તને એપોઇન્ટ શું કરવા કરે? તું સાવ અંધારામાં ગોળીબાર કરી રહ્યો છે." ઇન્સ્પેક્ટર પરમારે અકળાઇને હરમનને કહ્યું હતું.

"હું જાણું છું કે પ્રેયસે જ મને એપોઇન્ટ કર્યો છે. પરંતુ છતાં પણ વસિયતમાં જેમ બે સાક્ષી બદલાયા હતાં તેમ ધીરજભાઇ કદાચ વસિયત બદલવાનું વિચારતા હોય અને એના કારણે પણ પ્રેયસે એમનું ખૂન કર્યું હોય એવી શક્યતા ઉપર એકવાર તપાસ કરવી જરૂરી છે." આટલું કહી હરમને પોતાના મોબાઇલમાં ધીરજભાઇના રૂમના પંખાના હુકના પાડેલા ફોટા બતાવ્યા હતાં.

"આ પંખાના હુકના ફોટા હું પહેલા પણ જોઇ ચુક્યો છું. આ બતાવીને તું મને શું સમજાવવા માંગે છે?" ઇન્સ્પેક્ટર પરમારે અકળાઇને કહ્યું હતું.

"મેં આપને પહેલા પણ કહ્યું હતું કે ધીરજભાઇને આ પંખાના હુક ઉપર ઊંધા લટકાવવામાં આવ્યા હશે. જેથી આખા શરીરનું લોહી એમના માથામાં જાય અને માથાની નસો ફાટી જાય અને આ કામ કરવા ઓછામાં ઓછા દસ મિનિટ સુધી એમને ઊંધા લટકાવી રાખવા પડે. આ કામ કોઇ એક જણ માટે કરવું અઘરું છે. માટે ધીરજભાઇનું ખૂન એક જણે નહીં પરંતુ બે જણે કર્યું છે અને આ બાબતે પ્રેયસ કંઇક એવું જાણતો હશે જે આપણને કહેતો નથી એવું મારું માનવું છે." હરમને ઇન્સ્પેક્ટર પરમારની સામે જોઇ કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમારે પ્રેયસને ફોન કરી એને અને સુધાબેનને બોપલ પોલીસ સ્ટેશન આવવા માટે કહ્યું હતું.

પ્રેયસ અને સુધાબેન આવે ત્યાં સુધી ઇન્સ્પેક્ટર પરમાર, જમાલ અને હરમને પોલીસ સ્ટેશનમાં જ ભાજીપાઉં મંગાવીને જમી લીધું હતું.

  પ્રેયસ અને સુધાબેન પોલીસ સ્ટેશનમાં દાખલ થયા ત્યારે હરમન એક કાગળ ઉપર આખા કેસને લગતા મુદ્દાઓ લખી રહ્યો હતો.

હવાલદાર જોરાવરે સુધાબેન અને પ્રેયસને ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં મોકલ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે બંન્નેને ખુરશીમાં બેસવા માટે કહ્યું હતું અને હરમન સામે જોઇને સવાલો પૂછવાનો ઇશારો કર્યો હતો.

"સુધાબેન, અમે હમણાં જ તમારા પતિ નાથુસિંહને મળ્યા હતાં. તમને લાગે છે કે ધીરજભાઇના ખૂનમાં તમારા પતિ નાથુસિંહનો હાથ હોય?" હરમને સીધો જ સવાલનો પ્રહાર સુધાબેન ઉપર કર્યો હતો.

હરમનનો સવાલ સાંભળી પ્રેયસ એકદમ ભડકી ગયો હતો.

"હરમનભાઇ, તમે શું બોલો છો? કાકીના કોઇ પતિ નથી. તમે એમના ઉપર આવો ખોટો આરોપ ના મુકી શકો." પ્રેયસે ગુસ્સાથી હરમન સામે જોઇ કહ્યું હતું.

પ્રેયસના વર્તનથી ઇન્સ્પેક્ટર પરમાર અને હરમને એકબીજા સામે નિરાશ આંખોથી જોયું હતું.

સુધાબેને પ્રેયસને શાંત થવા કહ્યું અને હરમનના સવાલનો જવાબ આપવા એમણે પોતાની આંખના આંસુ લૂછ્યા હતાં.

"હા, નાથુસિંહ મારો પતિ છે અને ધીરજભાઇ એ વાત સારી રીતે જાણતા હતાં. જેલમાંથી છુટ્યા બાદ નાથુસિંહ સુધરી ગયો હતો અને એટલે જ છેલ્લા આઠ મહિનાથી હું એને મળતી હતી. નાથુસિંહે તમને જે બયાન આપ્યું એ વિશે એણે મને ફોનમાં જણાવ્યું છે. મારું પણ એ જ બયાન છે જે નાથુસિંહે આપ્યું છે. ધીરજભાઇના મારા ઉપર ઘણાં ઉપકાર છે. હું ચોક્કસ એમના ઘરમાં બદલો લેવાના ઇરાદાથી ગઇ હતી. પરંતુ એ ગમેતેટલા દારૂના વ્યસની હતાં કે પછી જમીનના ધંધામાં આંટીઘૂંટી કરતા હતાં પરંતુ ચરિત્ર્યની બાબતમાં તે એકદમ સ્વચ્છ હતાં. એમણે ધાર્યું હોત તો છેલ્લા દસ વર્ષમાં એ મારી જોડે ઘણું ખરાબ કરી શક્યા હોત પરંતુ એમણે મને ક્યારેય પણ એવી ખરાબ દૃષ્ટિથી જોઇ નથી. આજના સમયમાં આવો ચારિત્ર્યવાન પુરૂષ મળવો મુશ્કેલ છે. જે દિવસે ધીરજભાઇનું ખૂન થયું એ દિવસે હું નાથુસિંહને મળવા ગઇ હતી. હું એને મળવા નીકળતી હતી ત્યારે જ મને ડો. બ્રિજેશનું સિતાર સંભળાયું હતું અને ડો. બ્રિજેશ શનિ-રવિવારે સિતાર વગાડતા હોય છે એટલે મેં તમને સિતાર સાંભળતા સાંભળતા સુઇ ગઈ હતી એવું બયાન પહેલા આપ્યું હતું. હું રાત્રે પાછી આવી અને મારા રૂમમાં જઇને સુઇ ગઇ હતી. ધીરજભાઇના રૂમનો દરવાજો બંધ હતો અને એમણે પહેરેલો કોટ મેં સોફામાં પડેલો જોયો હતો. એટલે હું સમજી ગઇ હતી કે એ પાર્ટીમાંથી આવી ગયા છે. એટલે હું તરત મારા રૂમમાં દાખલ થઇ અને સુઇ ગઇ હતી અને હા, એક વાત એ હતી કે જે દિવસે ધીરજભાઇનો મૃતદેહ મળ્યો એ વખતે એમના પગમાં એમણે જે મોજા પહેર્યા હતાં એ મોજા એમના ન હતાં, કારણકે મોજા મરૂણ કલરના હતાં અને ધીરજભાઇ હંમેશા સફેદ કલરના મોજા પહેરતા હતાં. આ વાત દર વખતે મારા મનમાં યાદ આવતી હતી પરંતુ તમને કહેવાની રહી જતી હતી." સુધાબેને પોતાનું બયાન પૂરી ઇમાનદારી આપ્યું છે એવું હરમનને લાગ્યું હતું.

"પ્રેયસ, સુધાબેન નાથુસિંહની પત્ની છે એ વાતની તને જાણ હતી ખરી અને ધીરજભાઇ પોતાનું વસિયતનામું બદલવાના છે એ વાતની તને ખબર હતી ખરી?" હરમને પ્રેયસને વસિયતનામા વિશેનો સવાલ ખોટું બોલતા પૂછ્યો હતો.

"કાકી નાથુસિંહના પત્ની છે એ વાતની મને હમણાં જ ખબર પડી છે અને આ વાતનો મને ખૂબ જ આંચકો લાગ્યો છે. તમે પૂછેલી વસિયતની બાબતના પ્રશ્નનો જવાબ એવો છે કે મારા કાકા મને ખૂબ જ પ્રેમ કરતા હતાં. હું નાનપણથી મોટો પણ એમની જોડે જ થયો છું. કાકાના સગાં-સંબંધીમાં હું એક જ માત્ર વ્યક્તિ એવો છું કે જે એમનું સગું લોહી કહેવાય. માટે એ એમની મિલકત મારા સિવાય કોઇને આપવાના ન હતાં એવું એ બધાંને પહેલા જ કહી ચૂક્યા હતાં. બીજું, કાકા તો કાકી માટે વસિયતમાં એક નાનો ફ્લેટ આપીને જવાના હતાં. પરંતુ મેં જ કાકાને કહીને વસિયતમાં એવું લખાવ્યું હતું કે કાકી જીવે ત્યાં સુધી આ બંગલામાં રહી શકે છે. માટે વસિયતને લઇને તમારા મનમાં મારા ઉપર જો શંકા હોય તો એ શંકા સાવ બેબુનિયાદ છે. હું સમજું છું કે આ કેસમાં હજી સુધી તમને ખૂની વિશે કોઇ કડી મળી નથી. પરંતુ મારા ઉપર શક કરવો કે કાકી ઉપર શક કરવો એ નકામો છે. રહી નાથુસિંહની વાત, તો એના વિશે હું કંઇ પણ જાણતો નથી. એટલે હું કશું કહી શકું નહિ." પ્રેયસે જુબાની આપતા કહ્યું હતું.

"પ્રોફેસર રાકેશભાઇને તમારા કાકા ધીરજભાઇ ઉપર શું કરવા ગુસ્સો આવતો હતો? તમારા કાકા અને એમની વચ્ચે શું દુશ્મની હતી?" હરમને પ્રેયસ સામે જોઇ પૂછ્યું હતું.

"હજી તમને એ વાત ખબર નથી કે પ્રોફેસર રાકેશ મારા લગ્ન મીતાલી સાથે સગપણ તૂટ્યા બાદ એમની દીકરી વંશિકા સાથે કરાવવા માંગતા હતાં! પરંતુ વંશિકા જોડે લગ્ન કરવાની મારી જરાય ઇચ્છા ન હતી અને એટલે મેં લગ્ન માટે ના પાડી હતી અને એના કારણે પ્રોફેસર રાકેશને મારા ના પાડવાના કારણે એમનું પોતાનું અપમાન થયું હોય એવું લાગ્યું હતું અને આ જ કારણે તેઓ અલગ-અલગ બાબતે કાકા સાથે ઝઘડ્યા કરતા હતાં. તેમજ ગુસ્સાનું બીજું કારણ સોસાયટીના વહીવટમાં કાકા એમની દખલગીરી ચલાવતા ન હતાં એ એમને ગમતું ન હતું અને એક છેલ્લી વાત, જે મેં કોઇને કીધી નથી પરંતુ અત્યારે હું તમને કહી રહ્યો છું. આજથી થોડા મહિના પહેલા શનિવારના એક દિવસે પાર્ટી પતાવી અને હું અમારા ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે હું દારૂના નશામાં હતો. એ વખતે મેં ડો. બ્રિજેશના ઘર પાસે એક ખૂબ ઊંચું પડછંદ ભૂત જેવું કશું જોયું હતું. દારૂના નશામાં હોવાના કારણે મેં આ વાત અવગણી હતી પરંતુ પરમદિવસે રાત્રે મેં એક આવું જ ભૂત ફરીવાર ડો. બ્રિજેશના ઘર પાસે જોયું હતું. મારા ઘરના વરંડામાંથી આ દૃશ્ય મેં જોયું અને એ જોઇ હું ખૂબ ડરી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. હવે આ વાત સાચી છે કે મારા મનનો ભ્રમ છે એ મને ખબર નથી. પરંતુ મને કહેવા જેવું લાગ્યું એટલે મેં તમને કીધું." પ્રેયસનો જવાબ સાંભળી હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્નેની આંખો પ્હોળી થઇ ગઇ હતી.

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

-  ૐ ગુરુ