DNA. - 3 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૩)

Featured Books
Categories
Share

ડીએનએ (ભાગ ૩)

ઘડિયાળમાં સાડા સાત થયા હતા. કુમુદબેને ઘડિયાળ જોઈ. તેમના માથાની રેખાઓ તંગ બની. મનમાં બબડ્યા, “કેમ હજી આવી નહીં.” તેમણે મૈત્રીને ફોન લગાડ્યો. ફોનમાં રીંગ વાગી અને ત્રીજી રીંગ પછી ફોન કટ થઈ ગયો.

નિરામયભાઈ તૈયાર થઈને આવ્યા. તેમણે કુમુદબેનની સામે જોયું. તેમના ચેહરા પર ચિંતા છવાયેલી જણાઈ. તેમણે અવાજમાં માધુર્ય લાવી પૂછ્યું, “આજે તો બહુ સુંદર લાગો છો ને. પણ ચેહરા પર કેમ સુંદરતા કરમાયેલી લાગે છે? શું ચિંતા સતાવે છે?”

કુમેદબેને મીઠો સણકો કરતાં કહ્યું, “તમને મજાક સુજે છે. મૈત્રી હજી સુધી આવી નથી.”

નિરામયભાઈએ દિલાસો આપતા કહ્યું, “આવી જશે.”

કુમુદબેને તરત થોડા ઊંચા અવાજે કહ્યું, “શું આવી જશે. રોજ તો આટલા વાગ્યે આવી જાય છે.”

નિરામયભાઈએ ઉકેલ આપતા હોય એમ કહ્યું, “તો ફોન કરી જો.”

કુમેદબેન અવાજમાં હળવો ગુસ્સો લાવતા બોલ્યા, “કર્યો. પણ એણે કટ કર્યો.”

નિરામયભાઈએ તેમને સોફા પર બેસાડી સમજાવતા કહ્યું, “છોકરી હવે મોટી થઈ રહી છે. તને નથી લાગતું હવે એને એની જવાબદારી જાતે સમજવા દેવી જોઈએ. અરે કોઈ દોસ્ત સાથે ગઈ હશે કે વાતોએ વળગી હશે કે પછી ક્લાસમાં કંઇક કામ હશે. આવી જશે. હજી તો સાત ને પાંચ થઈ છે. તું તો એટલી ચિંતા કરે છે કે જાણે એકાદ કલાક મોડું થઈ ગયું હોય. વરસાદની મોસમ છે. વાર થઈ જાય કોઈક વાર.”

કુમેદબેનને લાગ્યું કે નિરામયભાઈની વાત યોગ્ય છે. તેમણે ફક્ત હંમ કહ્યું. પણ તેમના ચેહરા પરથી નિરામયભાઈને સ્પષ્ટ જણાતું હતું કે તેમની ચિંતા તેમની વાતથી દૂર થઈ નથી. નિરામયભાઈ ઊભા થયા.

તેમણે ઊભા થતા જોઈ તરત કુમુદબેને ટોકતા પૂછ્યું, “તમે ક્યાં ચાલ્યા?”

નિરામયભાઈને હવે પાક્કી ખાતરી થઈ ગઈ કે કુમુદબેનની ચિંતા વધી રહી છે. એ પાછા બેસી ગયા. હેલી પોતાના રૂમમાંથી તૈયાર થઈને આવી ગઈ. હેલીએ આવતાં જ પૂછ્યું, “મૈત્રી આવી?” પ્રશ્ન સાંભળીને કુમુદબેનની ચિંતામાં વધારો થયો. તેમણે બંને હાથની આંગળીઓ એકબીજા સાથે મસળવા માંડી. આ ક્રિયા નિરામયભાઈથી છુપી ન શકી.

“ફરી એકવાર ફોન લગાડી જો.” નિરામયભાઈએ તેમની ચિંતા ઓછી કરવાના ઈરાદે કહ્યું.

કુમુદબેને ફરી ફોન લગાડ્યો, પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો.

નિરામયભાઈએ પૂછ્યું, “શું થયું?”

કુમુદબેને તરત ફરી ફોન લગાડતા કહ્યું, “ફોન સ્વીચ ઓફ આવે છે.” કુમુદબેને આ વખતે ફોન સ્પીકર મોડ પર કર્યો. ફોનમાંથી અવાજ આવ્યો, “આપ જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે હમણાં સ્વીચ ઓફ છે.” કુમેદબેને ફોન કટ કર્યો.

કુમુદબેન ફરી ફોન લગાડવા જતા હતા, નિરામયભાઈએ તેમને રોકતાં કહ્યું, “થોડી રાહ તો જો. ઉપરાઉપરી ફોન કરીશ એટલે કંઈ ફોન ચાલુ થઈ જશે. કદાચ બેટરી પૂરી થઈ ગઈ હોય.”

કુમુદબેન સોફામાંથી ઊભા થઈને દરવાજા પાસે જઈ આવ્યા. દરવાજો ખોલી બહાર નજર કરી. બહાર અંધારું છવાઈ ગયું હતું. કમ્પાઉન્ડની લાઈટ ચાલુ કરી. લાઈટનું અજવાળું પોર્ચથી વરંડા સુધી પથરાયું. કોઈ નથી એની ખાતરી કરી પાછા સોફા સુધી આવ્યા. સોફાની આગળ બે ત્રણ આંટા માર્યા. હેલી અને નિરામયભાઈ તેમને જોઈ રહ્યા હતા. કુમુદબેન ફરી દરવાજો ખોલી છેક મુખ્ય પ્રવેશદ્વારના લોખંડના દરવાજા સુધી પહોંચી ગયા. નિરામયભાઈ એમની પાછળ પાછળ ઘરના દરવાજા સુધી આવી ગયા. હેલી પણ તેમની પાછળ પાછળ આવીને ઊભી રહી ગઈ. નિરામયભાઈએ તેના ખભા ઉપર હાથ મુક્યો. હેલી તેમને અઢેલીને ઊભી રહી.

કુમુદબેને લોખંડના ઝાંપાને ખોલીને બહાર જોયું. ચારેક કુતરા રમતા દેખાયા. બે જણા સોસાયટીની બહાર જતા દેખાયા. દુરથી એક છોકરી તેમની તરફ આવતી દેખાઈ. તેમના મનમાં હાશ થઈ. તેમનો શ્વાસ હળવો થયો. પણ ત્યાં તો પેલી છોકરી સોસાયટીની એક ગલીમાં વળી ગઈ. ફરીથી તેમને ઉચાટે ઘેરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ઉચાટ વધવા લાગ્યો.

કુમુદબેન દરવાજો બંધ કરી પાછા ફર્યા. તેમણે નિરામયભાઈ અને હેલીને જોયા. નિરાશ અને વિહવળ ચહેરે ત્રણે જણા ઘરમાં પાછા આવ્યા. હેલી અને નિરામયભાઈ સોફા પર બેઠા, પણ કુમુદબેન હજી આંટા મારી રહ્યા હતા.

મૈત્રીની રાહ જોવામાં કુમેદબેનને હવે ઘડિયાળના કાંટાનો ટક ટક અવાજ ચોખ્ખો સંભળાતો હતો. નસોમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બન્યું હતું અને એની અસર રૂપે એમના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. ઘડિયાળના કાંટાનું ટક ટક અને હૃદયના ધબકારાના ધક ધક એકરૂપ થઈ કુમુદબેનના માનસ પર ભયની લાગણી ઊભી કરી રહ્યા હતા.

ઘડિયાળમાં મોટો કાંટો પાંચ ઉપર અને નાનો કાંટો સાત અને આઠની વચ્ચે આવવા મથી રહ્યો હતો. નિરામયભાઈએ ઘડિયાળ સામે જોયું. હવે તેમને પણ ચિંતા ઘેરવા માંડી હતી.

કુમુદબેને ઘડિયાળ જોતાં વિહવળતાથી કહ્યું, “તમે વિદ્યાપીઠ જઈ આવો.”

નિરામયભાઈ તરત ઊભા થઈ ગયા. દીવાલ પર લગાડેલા કી સ્ટેન્ડ પરથી બાઈકની ચાવી લીધી. નીકળતા નીકળતા દરવાજેથી પાછા આવી કુમેદબેનને કહ્યું, “હું આવું ત્યાં સુધી તું તેના મિત્રોને ફોન કરી જો, કોઈની સાથે હોય કે કોઈને ખબર હોય તો.”

કુમેદબેન ઠીક છે એટલું બોલ્યા અને નિરામયભાઈ ઉતાવળે પગલે ઘરની બહાર નીકળી ગયા. કુમેદબેને મોબાઈલ હાથમાં લીધો, બાઈક ચાલુ થવાનો અવાજ કાને પડ્યો. પળવારમાં બાઈકનો અવાજ ધીમો થતો થતો ઓસરી ગયો. કુમેદબેને ફોનમાંથી મોનાનો નંબર શોધી ફોન લગાડ્યો. એક રીંગ, બીજી રીંગ, ત્રીજી રીંગ. દરેક રીંગ પછી કુમુદબેનની અધીરાઈ વધતી જતી હતી. સામેથી કોઈ ફોન ઉપાડતું ન હતું. બીજી વાર તરત જ ફોન જોડ્યો, ફરી કોઈએ ફોન ન ઉપાડ્યો. તેમની પાસે સ્વીમીંગના મૈત્રીના બીજા કોઈ મિત્રોનો નંબર ન હતો.

આજે પહેલીવાર તેમને પોતાના ઉપર પણ ગુસ્સો આવતો હતો. તેમની પાસે ના તો ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગારની ઓફિસનો નંબર ન હતો, ના તો કોઈ સ્વીમીંગ ટ્રેનરનો, કેમ કે આજથી પહેલાં તેમને કોઈ દિવસ જરૂર પડી ન હતી. અને એક કારણ એ પણ હતું કે કદાચ ગુજરાત વિદ્યાપીઠ એમના ઘરેથી બહુ દૂર ન હતી, એટલે તેમને જરૂર ન હતી લાગી. મોનાનો નંબર પણ ન હોત, જો તે દિવસે મૈત્રીએ તેમના ફોનમાંથી મોનાને ફોન ન કર્યો હોત અને કુમુદબેને સેવ ના કર્યો હોત તો.

કુમુદબેનની ધીરજ ખૂટી રહી હતી. નિરામયભાઈ હાલ જ ગયા હતા તો પણ એમને એવું લાગ્યું કે તેઓને ગયે ખાસ્સી વાર થઈ ગઈ છે. મૈત્રી મળી કે નહીં તે જાણવા કુમુદબેને તેમને ફોન લગાવ્યો. ફોનની રીંગ વાગી, પણ ફોન ઘરમાં જ રણકતો હતો. તેમણે નિરામયભાઈનો ફોન ટીવીની નીચેના ડ્રોઅર પર ચાર્જિંગમાં લગાડેલો જોયો. તેમણે ફોન કટ કર્યો. 

તેમણે હેલી સામે જોયું. હેલીના મોં પર અસમંજસ હતું. તેને ખબર ન હતી પડતી કે શું થઈ રહ્યું છે. તે વિચારતી હતી કે તે કઈ રીતે મમ્મીને મદદ કરે. કુમુદબેનનો ફોન રણક્યો. તેમણે ફોન જોયો. મોનાનો ફોન હતો. રાહ જોયા વગર તરત તેમણે ફોન ઉપાડ્યો, “હલો, મોના”

સામેથી આવાજ સંભળાયો, “હા, મોના. આંટી તમારો ફોન હતો.”

કુમુદબેનના અવાજમાં ગભરાહટ હતી, “મોના, મૈત્રી તારી સાથે છે?

મોનાનો અવાજ આવ્યો, “ના આંટી, હું તો એના પહેલાં નીકળી ગઈ હતી.”

કુમુદબેનનો ડર વધી ગયો અને તે અવાજમાં વરતાતો હતો, “ઠીક છે. બીજી કોઈ એની ફ્રેન્ડ છે કે જેની સાથે એ ગઈ હોય?”

સામેથી પ્રત્યુત્તરમાં મોનાનો અવાજ આવ્યો, “સ્વીમીંગમાં ઘણી છોકરીઓ આવે છે. પણ હું નીકળી ત્યારે મૈત્રી એકલી જ પ્રક્ટિસ કરતી હતી. બધી છોકરીઓ જતી રહી હતી. શું થયું આંટી? કંઈ પ્રોબ્લેમ થયો છે?”

કુમુદબેને કહ્યું, “કંઈ નથી થયું.” પણ તેમના શરીરમાં ડરને લીધે કંપારી છૂટવા લાગી હતી. તેમણે આગળ ચલાવ્યું, “આજે હજી સુધી આવી નહીં એટલે તને પૂછવા ફોન કર્યો. ચિંતા ના કરતી. કોઈ પ્રોબ્લેમ નથી.”

કુમુદબેને મોનાને તો ચિંતા ન કરવાનું કહી દીધું, પણ તેમની ચિંતા વધી ગઈ. તેમના પગમાં જાણે તાકાત જતી રહી હોય એવું તેમને લાગ્યું. તેઓ સોફા પર બેસી ગયા. તેમને સૂઝતું ન હતું કે કરવું શું?

વીસેક મિનીટ પછી બાઈકનો અવાજ આવ્યો. બાઈક નજીક આવીને બંધ થઈ. કુમુદબેન દોડીને દરવાજે પહોંચી ગયા. નિરામયભાઈ ઉતાવળે ઘરનો બગીચો વટાવીને આવી રહ્યા હતા. નિરામયભાઈ અને કુમુદબેન બંનેએ એકબીજાને જોયા. હેલી પણ કુમુદબેનની પાછળ આવી ગઈ હતી.

કુમુદબેને થડકતા અવાજે પૂછ્યું, “મૈત્રી.”

“ત્યાં કોઈને ખબર નથી. એમનું કહેવું છે કે એ તો સાત વાગ્યે જ નીકળી ગઈ હતી.” નિરામયભાઈએ અવાજને ઢીલો ન પડવા દેવાની નિરર્થક કોશિશ કરી, પણ તેમના અવાજમાં પણ હવે ડર અને ચિંતા વરતાતા હતા. કુમુદબેન પોતાના આંસુને રોકી ન શક્યા. તેમનાથી પોક મુકાઇ ગઈ. હેલીને પણ તેનો ચેપ લાગ્યો હોય એમ તે પણ રડવા લાગી.

નિરામયભાઈ બંનેને પકડીને અંદર લઈ આવ્યા. બંનેને સોફા પર બેસાડી સાંત્વના આપતા કહ્યું, “કુમુદ શાંત થા. કંઈ નહિ થાય. હું હાલ જ પોલીસ સ્ટેશન જાઉં છું. મૈત્રી મળી જશે.” નિરામયભાઈનો આવાજ પણ તૂટતો હતો. પણ તેમની પાસે હાલ હિંમત રાખ્યા સિવાય કોઈ આરો ન હતો. તેઓ ઊભા થયા અને ફોન લેવા જતા જતા બોલ્યા, “હું ત્યાંથીજ સીધો પોલીસ સ્ટેશન જવાનો હતો, પણ ઉતાવળમાં ફોન ઘરે રહી ગયો હતો. જો મારે મોડું થઈ જાત તો તું વધારે ચિંતા કરતી એટલે ઘરે આવીને જવાનું વિચાર્યું. હું પોલીસ સ્ટેશને જઈને આવું છું.”

કુમુદબેને રડમસ અવાજે કહ્યું, “હું પણ આવું છું.”

નિરામયભાઈએ તેમને રોકતા કહ્યું, “ના તું અહી જ રહે. હેલી એકલી પડી જશે. હું મુકુંદભાઈને સાથે લઈ જાઉં છું.”

નિરામયભાઈ એટલું કહી સમય બગાડ્યા વિના દરવાજાની બહાર નીકળી ગયા. કુમુદબેન તેમને જતા જોઈ રહ્યા ને તેમના મોંમાંથી ડૂસકું નીકળી ગયું.