DNA. - 2 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૨)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ડીએનએ (ભાગ ૨)

જ્યુસના ખાલી ગ્લાસ અને ભાખરીની ખાલી ડીશ ટીપોઈ પર પડ્યા હતા. જોશી પરિવારના હસવાનો અને વાતોનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તેમની ખુશી જોઈને ઘણાને ઈર્ષા થતી હતી. પરિવાર પ્રેમ, સ્નેહ, હુંફ અને લાગણીથી ટકી રહે છે અને સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ રહેતી નથી.

       નિરામયભાઈએ ઘડીયાર જોતા મૈત્રીને કહ્યું, “બેટા, સાડા પાંચ થયા. તારે જવાનું નથી?”

       મૈત્રીએ ધીરજથી જવાબ આપતા કહ્યું, “હજી તો વાર છે.”

       નિરામયભાઈએ ઉમેર્યું, “પણ રોજ તો તું સાડા પાંચ વાગ્યે નીકળી જાય છે ને.”

       મૈત્રીએ મજાકમાં કહ્યું, “હેં, ખરેખર. તો હું જાઉં.”

       નિરામયભાઈએ તેની બેગ લઈ લીધી અને તેમણે પણ મજાક કરતાં કહ્યું, “ના ચાલશે. નથી જવું.”

       મૈત્રી નિરામયભાઈની પાસેથી બેગ છોડાવતાં બોલી, “પપ્પા, ખરેખર મોડું થઈ જશે.”

       નિરામયભાઈએ બેગ છોડી દીધી. મૈત્રીએ એના પપ્પાના ગાલ પર પપ્પી આપી બાય કહ્યું. એ જ રીતે મમ્મી અને હેલીને પણ બાય કહીને ઘરની બહાર નીકળી. બધાએ વારાફરથી મૈત્રીને બાય કહ્યું.

       મૈત્રીની પીઠ પાછળ કુમુદબેનનો અવાજ આવ્યો, “સમયસર આવી જજે. આજે સાંજે મેનુ ખાસ છે.”

       મૈત્રીએ પાછા વળીને પૂછ્યું, “શું છે?”

       કુમુદબેને આંખ મીંચકારતા કહ્યું, “એ તો સાંજે ખબર પડશે”

       નિરામયભાઈ એને જતી જોઈ રહ્યા અને બબડયા, “ક્યારે મોટી થશે?”

       કુમુદબેને ટીખળ કરી, “તમારાથી તો મોટી નહીં જ થાય.”

       બંને હસ્યા. મૈત્રી બગીચો વટાવી લોખંડનો દરવાજો ખોલી બહાર નીકળતી હતી ત્યાં જ એને સામે એક પરિચિત સ્ત્રી દેખાઈ. એણે પગે લાગતાં કહ્યું, “રમીલા માસી. ઘણા દિવસે દેખાયાને. અમને તો ભૂલી જ ગયા. ક્યાં ખોવાઈ ગયા હતા.”

       રમીલાબેને મૈત્રીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, “ક્યાંય નહી ખોવઈ ગઈ. આંય જ અતી. તમન ચેવી રીતે ભૂલું. અમણા જ્યા મઈને તો આઈ તી મુ.” મૈત્રીને નીરખતાં ઉમેર્યું, “તું તો દાડે દાડે મોટી થઈ જાંય છ.”

       મૈત્રીએ હસતાં હસતાં કહ્યું, “ખરેખર, હું તમને મોટી થઈ ગઈ હોય એવું લાગે છે? ”

       રમીલાબેને પણ હસતાં હસતાં જવાબ આપ્યો, “લાગ છ હુ? ખરેખર થઈ ગઈ છ. બુન છ ઘેર?”

       મૈત્રીએ કહ્યું, “હા, છે. પપ્પા પણ ઘરે જ છે. તમે એમને મળવા આવ્યા છો?”

       રમીલાબેને કહ્યું, “હંઅ”

       મૈત્રીએ ઉતાવળ કરતાં કહ્યું, “સારું હું જાઉં છું. મારે મોડું થાય છે.”

       રમીલાબેને પૂછ્યું, “ક્યાં જાય છે?

       મૈત્રીએ જતા જતા કહ્યું, “બીજે ક્યાં તરવા.”

       રમીલાબેને કોમળ અવાજે કહ્યું, “હાચવીને જજે.”

       રમીલાબેન મૈત્રીને જતા જોઈ રહ્યા. પછી પાછા ફરીને ઘર તરફ જવા પગ ઉપાડ્યા અને દરવાજો ખોલી અંદર દાખલ થયા. મૈત્રી નેશનલ ગેમ્સ માટે સ્વીમીંગની અન્ડર ૧૮ કેટેગરીમાં ભાગ લેવા પ્રક્ટિસ કરી રહી હતી. તે અન્ડર ૧૬માં ગુજરાતમાં પ્રથમ નંબરે આવી હતી અને નેશનલ ગેમ્સમાં અન્ડર ૧૬માં ગુજરાતનું પ્રતિનિધત્વ કરી ચુકી હતી.

       મૈત્રી ટ્રાફિક સિગ્નલ પાસે આવી. સિગ્નલ લાલ હતું એટલે એ ત્યાં જ ઊભી રહી ગઈ. એણે સામે જોયું, એક વૃદ્ધ બંધ સીગ્નલમાં રસ્તો ઓળંગીને આવી રહ્યા હતા. તેમની આગળથી એક લોડીંગ રીક્ષા હોર્ન વગાડતી સડસડાટ પસાર થઈ ગઈ. પાછળથી એક પછી એક ચાર પાંચ બાઈકવાળા હોર્ન મારીને નીકળી ગયા. એમાંથી એક બાઈકવાળો ભેણ.. અભદ્ર શબ્દ બોલીને નીકળ્યો. મૈત્રીએ એ સાંભળ્યો. એને આવા શબ્દો રોજ પોતાની આસપાસ ઘણીવાર સાંભળવા મળતા એટલે એ નવાઈ ન પામી, પણ પેલાને પૂરપાટ સ્પીડે જતા જોયો. એના મોં પર ગુસ્સો તરી આવ્યો.

       મૈત્રી વાહનોને રોકવા હાથ બતાવતી રસ્તાની વચ્ચે નીકળી. વાહનોનો ધસારો ચીરતી વૃદ્ધ પાસે પહોંચી, પણ ચાલકો રેસિંગ ટ્રેક પર હોય એટલી સ્પીડે વાહનો હંકારી જતા હતા. મૈત્રીએ વૃદ્ધનો હાથ પકડ્યો, આ વખતે બીજો હાથ તેણે એટલા આત્મવિશ્વાસથી ઊંચો કર્યો કે તેની સામે આવતી બસના ડ્રાઈવરે કચકચાવીને બ્રેક મારી. બસ તેનાથી એકાદ ફૂટના અંતરે ઉભી થઇ ગઈ. બસની બ્રેક વાગી એની સાથે બીજા તેની સાથેના અને પાછળના વાહનોએ પણ બ્રેક મારી. અચાનક બધા વાહનો થંભી ગયા. મૈત્રી વૃદ્ધને લઈને રસ્તાની પેલી પાર પહોંચી ગઈ. બસ અને તેની બાજુમાં ઊભેલા વાહનોના ડ્રાઈવરો આવાક બની મૈત્રીને જતી જોઈ રહ્યા.

       વૃદ્ધે મૈત્રીના માથે હાથ મુક્યો ને આશીર્વાદ આપતા બોલ્યા, “ઘણું જીવ દીકરા. ભગવાન તને સો વરસની કરે.”

       મૈત્રી મજાક કરતાં બોલી, “દાદા, એ તો હું જીવવાની જ છું.” વૃદ્ધને રસ્તાથી દૂર લઈ જતા બોલી, “હું જાઉં ત્યારે.”

       વૃદ્ધે ફરી મૈત્રીના માથે હાથ ફેરવ્યો, “સાચવીને જજે દીકરા.” મૈત્રી સડસડાટ નીકળી ગઈ.

       ગુજરાત વિદ્યાપીઠના સ્નાનાગારમાં જતા ગેટમાં મૈત્રી પ્રવેશી. તેના ઘરેથી સ્નાનાગાર નજીક હોવાથી તે દરરોજ ચાલતી જ આવતી જતી. તે ગેટમાં પ્રવેશી ત્યાં જ ગેટથી થોડે દૂર એક ગ્રે કલરની મારુતિ ઈકો ગાડી આવીને ઊભી રહી. ગેટમાં પ્રવેશતાં જ તેણે મોનાને જતા જોઈ. મોના તેની સાથે જ સ્વીમીંગમાં પ્રક્ટિસ કરતી હતી.

મૈત્રીએ બુમ પાડી, “મોના.”

       મોનાએ પાછા વળીને જોયું. મૈત્રી ત્યાં સુધી તો દોડીને તેની પાસે પહોંચી ગઈ હતી.

       મોનાએ તેને આશ્ચર્યથી જોઇને પુછ્યું, “આજે લેટ થઈ ગઈ?”

       બંનેએ સ્નાનાગાર તરફ ચાલવાનું શરૂ કર્યું. ચાલતાં ચાલતાં મૈત્રીએ જવાબ આપ્યો, “ક્યાં લેટ થઈ ગઈ? હજી તો વાર છે ને?”

        મોનાએ કહ્યું, “આમ તો તું મારા પહેલાં આવી જાય છે ને.”

       બંને લેડીસ ચેન્જીંગ રૂમમાં પ્રવેશ્યા. ત્યાં બીજી છોકરીઓ કપડાં બદલી રહી હતી. મોના એક છોકરીના નિતંબ પર ટપલી મારીને બોલી, “હાય સેક્સી.”

       પેલી છોકરી ફ્લાઈંગ કિસ આપતાં બોલી, “બોલને જાનેમન.”

       મોના અને મૈત્રીના ડ્રોઅર સામ સામે હતા. બંનેએ બાજુના ટેબલ પર બેગો મુકીને કપડાં કાઢવાનું શરૂ કર્યું.

મોના કપડાં કાઢતા કાઢતાં મૈત્રીને જોઈને ટીખળ કરતાં બોલી, “જવાની ખીલી રહી છે તારી.”

મૈત્રીએ આંખ ઉલાળતા કહ્યું, “કેમ તારી નથી ખીલી રહી.”

મોનાએ મૈત્રીને કમરથી પકડીને પોતાની તરફ ખેંચી, “પણ તારા જેવી નહીં.” અવાજમાં કામુકતા લાવીને, “કાશ હું છોકરો હોત..”

મૈત્રીએ તેને હળવો ધક્કો મારતા પૂછ્યું, “તો” મૈત્રી કપડાં બદલવા લાગી.

મોનાએ હોઠને દાંત સાથે દબાવીને ગરદન આગળ ઝુકાવી, “તો તને ભરપુર પ્રેમ કરત.”

બંને હસ્યાં. મૈત્રી મોનાના ટીખળી સ્વભાવથી પરિચિત હતી. મોના ગમે ત્યારે ગમે તેની ફીરકી ઉતારી લેતી. કેટલાય છોકરાઓને પોતાની અદાથી લલચાવતી. મૈત્રીને અમુકવાર તેની હરકતોથી ચીડ ચડતી, પણ અંદરથી ગમતી પણ ખરી એટલે તે તેનો બહુ વિરોધ ન કરતી. તે પણ તેની કોઈવાર મજા લઈ લેતી.

       બંને સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેરીને બહાર આવ્યા. બંનેએ એકસાથે પુલમાં જંપલાવ્યું. મૈત્રી ઝડપ વધારે હતી. તે મોનાની આગળ નીકળી ગઈ. કલાક પ્રક્ટિસ કરીને મૈત્રી બહાર આવી. તેણે ચેન્જીંગ રૂમની ઘડીયાર સામે નજર કરી. સાંજના સાત વાગ્યા હતા. મોના તેના પહેલાં જતી રહી હતી.

       મૈત્રી પોતાના ડ્રોઅરમાંથી ટુવાલ કાઢી બાથરૂમમાં ગઈ. નાહીને આવી કપડાં બદલ્યા. પોતાની બેગ લઈ બહાર નીકળી. બહાર ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. તેણે મોબાઈલ કાઢી મેસેજ ટાઇપ કર્યો. મોબાઈલ બેગમાં પાછો મૂકી ગેટની બહાર નીકળી.

           રસ્તો સુમસામ હતો. તમરાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. ક્યારેક ક્યારેક દુરથી વાહનોના હોર્નના મંદ અવાજ સંભળાઈ જતા. જો આ મુખ્ય રસ્તો હોત તો અજવાળું અને ઘોંઘાટ સારા પ્રમાણમાં હોત. તે પેલી ગ્રે મારુતિ ઈકોની બાજુમાંથી નીકળી.

       અચાનક વીજળી થઈ અને એના પ્રકાશે ક્ષણવાર માટે આખા રસ્તા પર અજવાળું પાથરી દીધું. આખા રસ્તા પર અજવાળામાં મૈત્રી અને ઈકો ગાડી બંને જ દેખાયા. ફરીથી અંધકાર છવાઈ ગયો અને એક જબરદસ્ત કડાકો થયો. વરસાદે જોર પકડ્યું. ગ્રે મારુતિ ઈકોમાં કોઈએ ચાવી ફેરવી. ઈકોની હેડ લાઈટે ભેંકાર રસ્તા પર પીળો પ્રકાશ વહાવ્યો. ઈકોના ડ્રાઈવરે ગાડીને રસ્તા પર વાળી. ઈકો ગાડી ધીમે ધીમે મૈત્રી તરફ આગળ વધી. ઈકોની હેડ લાઈટનું અજવાળું મૈત્રીની પીઠ ઉપર પડ્યું અને ઈકોની બેક લાઈટથી રસ્તા ઉપર આછો લાલ પ્રકાશ પથરાયો.