talash 2 - 23 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ 2 - ભાગ 23

Featured Books
Categories
Share

તલાશ 2 - ભાગ 23

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"ફૈબા જુઓ કોણ આવ્યું છે." કહેતી બારણું ઉઘાડું રાખીને સોનલ શરમાઈને પોતાની રૂમમાં ઘુસી ગઈ. બિલ્ડીંગની નીચે આવેલ ઓફિસમાં બેઠેલા સુરેન્દ્ર સિંહે એ બેઉ ને બોલેરોમાંથી ઉતરતા જોયા એટલે ઓફિસમાંથી બહાર આવી ને પૃથ્વી ને કહ્યું. "પધારો કુંવર સા." પૃથ્વી બોલેરો પાર્ક કરીને એની ઓફિસમાં ગયો. એટલે સોનલે કહ્યું "હું ઉપર ફૈબાને કહી ને ભોજનની તૈયારી કરું છું બાપુ તમે લોકો ઉપર જ બેસો". 

"કોણ આવ્યું છે અત્યારે?" કહેતા જીતુભાની માં બહાર આવ્યા. એટલામાં સોનલે પોતાની રૂમમાંથી કહ્યું. "ફૈબા તમારા જમાઈ રાજ આવ્યા છે. એ અને બાપુ ઉપર જ આવે છે."

"અરે દીકરી, તને એ ક્યાં મળી ગયા. અને તું એમની સાથે આવી?" સહેજ જુનવાણી સ્વભાવ વાળા જીતુભાની માં એ પૂછ્યું.

"હા ફૈબા, હું 2 મિનિટ માં નાહીને આવું છું. શું જમાડશો તમારા જમાઈ રાજ ને? 

અરે તે મને ફોન કર્યો હોત તો કંઈક સારી વાનગી બનાવી રાખત. પહેલીવાર આપણા ઘરે આવે છે. ચાલો હું કંઈક કરું છું." કરતા એ રસોડામાં પ્રવેશ્યા અને તૈયારી કરવા માંડી ફટાફટ ચણાનો લોટ ચાળી, અને એક બાજુ ગેસ પર રવો શેકવા મૂકી દીધો. અને પછી બટાકા સમારવા લાગ્યા. 

"શું બનાવશું ફૈબા? સોનલે રસોડામાં આવતા પૂછ્યું. 

"અત્યારે તુરંત તો બીજું શું બની શકે? દાળ ભાત અને શાક રોટલી તૈયાર છે. રવાનો શીરો અને ભજીયા સાથે ઉતારી નાખીશું. પણ એમ જમાઈ માણસ ને સાવ પહેલીવાર આવ્યા હોય ત્યારે આવું જમાડવું યોગ્ય નથી."

"હું એટલે જ અહીં નહોતો આવવા માંગતો. મને તમે લોકો ઘરનો જ એક સભ્ય ગણો તો વધુ ગમશે. પણ મારા બાપુ  સાહેબનો હુકમ હતો કે મારે તમને લોકોને મળવા જવું અને એમનો એક સંદેશો પણ આપવાનો હતો કે આવતી કાલે એ લોકો અહીં તમારા ઘરે આવી રહ્યા છે સગાઈની વાત કરવા માટે." પૃથ્વી એ કહ્યું. 

"અરે વાહ આ તો બહુ ખુશીની વાત છે. ક્યારે આવશે એ લોકો? એમને કહેવડાવી દેજો કે સીધા અહીં જ ઉતરે." જીતુભાની માંએ કહ્યું. 

"ના માસીબા, હું તમને માસીબા જ કહીશ જીતુભાનો મિત્ર છું એટલે. અહીં આવશે તો તમારે બીજા લોકોને બોલાવવા હશે તો કદાચ તમને અગવડ થાય. એટલે અમારું અંધેરીમાં એક રો હાઉસ છે ત્યાં જ ઉતરશે."

"હવે અમને કોઈ અગવડ નહિ થાય અને અમારે ક્યાં બીજા કોઈ સગાવહાલા ને બોલાવવાના છે." 

"બીજા સગાવહાલા તો ઠીક છે પણ મોહિની ભાભીના ઘરનો ને તો બોલાવશોજ ને? મારી અને જીતુભાની સગાઈ એક સાથે એક જ હોલમાં ગોહવવી છે." પૃથ્વી એ કહ્યું. અને ઉમેર્યું "બાપુ સાહેબ તો કહેતા હતા કે તમને લોકોને અમારા અંધેરીના રો હાઉસ પર બોલાવીને જ વાત કરીએ. પણ માં સાહેબે કહ્યું કે, 'ના એમ થનારા વેવાઈને બોલાવીએ તો એમને નાનપ લાગે અને આપણે ધનવાન છીએ એનું અભિમાન દેખાય. આપણે દીકરી માંગવા તો એમના જ ઘરે જવું જોઈએ'."

"એ તો સાવ સાચી વાત છે. તમારા માં સાહેબની મોટાઈ છે કે અમારું સન્માન જળવાય એવી વાત કહી એમણે."

"જીતુભા ક્યારે આવશે?" પૃથ્વીએ પૂછ્યું.

"એ આજે રાત્રે લંડન થી ફ્લાઇટ પકડશે કાલે આવી જશે." સોનલે કહ્યું.  

xxx

સવારના 10 વાગ્યા હતા ફ્રેન્કફર્ટના એક અજ્ઞાત બિલ્ડીંગનાં ટોપ ફ્લોર પર એક વિશાળ ઓફિસમાં 4 જણા બેઠા હતા 

"પણ એ છટકી કેવી રીતે ગયો?" રોબર્ટ કે જે જર્મનીનો બહુ મોટો ડોન હતો એને પૂછ્યું. એની ગેંગ બહુ વિશાળ હતી અને કોઠા કબાડા માં એની ગેંગ નો ડંકો વાગતો હતો એ ધૂંધવાયેલો હતો. કેમ કે પાકી ખબર ના આધારે એણે નિનાદ ને કિડનેપ કરવાનો પ્લાન બનાવ્યો. પણ નિનાદ છટકી ગયો એટલે એ બહુ ગુસ્સામાં હતો.

"રોબર્ટ એમાં એવું છે ને કે.."મિલર કંઈક કહેવા ગયો એની વાત કાપી ને રોબર્ટ કહ્યું. "મારે કોઈ એક્સક્યુઝ નથી સાંભળવા એ જર્મનીમાં આવ્યો હતો કરોડોપતિનો છેલબટાઉ દીકરો 8 દિવસ રોકાયો કોઈ પણ કારણ વગર. ન કોઈ બિઝનેસ મિટિંગ ન કોઈ સરકારી અધિકારી સાથે વાત. હા થોડું રોકાણ છે એનું જર્મનીમાં પણ એમાંથી એકેય સ્થળની મુલાકાત પણ ન લીધી. 8 દિવસમાં એને મળવા આવનારાઓ માં માત્ર 4 લલનાઓ જ હતો. જેમાંથી 2 એની સાથે એની જ હોટલમાં અલગ રૂમ લઇ ને રોકાઈ હતી. હવે રાત્રે એ બે અલગ રૂમમાં સુતા કે ભેગા એ ક્યાં કોઈ જોવા ગયું હતું. આવો લાપરવાહ શોખીન પૈસાદાર બાપનો ઉડાઉ દીકરો મારી ગેંગના હાથમાંથી છટકી કઈ રીતે ગયો."

"મેં તને પહેલાં જ કહ્યું હતું" મિલર કે જે જર્મનીના ઇન્ટેલિજન્સના મામૂલી ક્લાર્ક હતો અને એનું કામ રોબર્ટ જેવા લોકો ને વિદેશી ઉડાઉ લોકો વિષે ની માહિતી આપવાનું હતું એણે કહ્યું અને ઉમેર્યું "મે તને પહેલા જ કહ્યું હતું કે એ માત્ર રૂપિયા વાળો જ નથી અત્યંત બુદ્ધિમાન છે. એને ગંધ આવી ગઈ હશે કે એનો પીછો થઇ રહ્યો છે એટલે એણે ઓસ્ટ્રેલિયાની ટિકિટ કેન્સલ પણ ન કરીને ફ્લાઇટના સમયે એરપોર્ટ પર પણ ગયો અને ચેક ઈન કરાવવાના કાઉન્ટર પર સમાનમાં વજન વધુ હોવાનું  સાંભળીને 'એનો નિકાલ કરી ને આવું કહી એ ડોમેસ્ટિક એરપોર્ટમાં ઘુસી ગયો અને ત્યાંથી છટકી ગયો.". 

"કાશ એ એક વાર મારા માણસોના હાથમાં આવ્યો હોત તો આપણે બધા કરોડો પતિ હોત."

"તે કેટલા માણસો મોકલ્યા હતા રોબર્ટ?" મિલરે પૂછ્યું. 

"3 માણસો. કેમ એવું પૂછે છે? "

"સારું થયું એનો સામનો ન થયો નહિ તો અત્યારે એ ત્રણે ની લાશ મોર્ગમાં પડી હોત." મિલરે કહ્યું.

"શું એ ધનવાન બચ્ચો. એ, એ, મારત મારા ખુંખાર ગુંડાઓને? આશ્ચર્યથી રોબર્ટ બોલ્યો. 

"જો એને સામસામા ગોળીબારનો મોકો મળશે તો તારા પંદર માણસો ઓછા પડશે. મે તને પહેલા પણ કહ્યું હતું કે એ એક ખતરનાક જાસૂસ કરતાંય ખતરનાક છે. પૂરો ટ્રેંડ જાસૂસ."

"સારું હવે બીજા કોઈ શિકારની ડિટેઇલ લાવ્યો હોય તો કહે." રોબર્ટ કહ્યું. 

જે વખતે રોબર્ટ અને મિલર જર્મનીમાં સવારે 10 વાગ્યે વાત કરતા હતા એજ વખતે નિનાદ અને નીતા હોસ્પિટલ (લંડનમાં) પહોંચ્યા અને હોસ્પિટલનો હિસાબ કરી રહ્યા હતા. તો એજ વખતે ભારતમાં સાંજના લગભગ સવા ચાર વાગ્યા હતા અને પૃથ્વી જમીને જીતુભાનાં ઘરેથી વિદાય લઇ રહ્યો હતો એણે સોનલ ને સાથે ફરવા લઇ જવી હતી. બન્નેને ક્યાંક ક્વોલિટી ટાઈમ પસાર કરવો હતો પણ એના માં સાહેબે એને ચોખ્ખી ના કરી હતી કે સગાઈ થાય એ પહેલાં ક્યાંય ફરવા જવાનું કહેતો નહીં. પણ એમની આજ્ઞા ઉથાપી ને પૃથ્વી સોનલને મળવા દાદર માર્કેટમાં ગયો હતો અને પછી સોનલને સાથે એના ઘરે ગયો હતો. જો માં સાહેબ ને એ વાતની ખબર પડશે તો જરૂર પોતાને ખીજાશે. એટલે જ સુરેન્દ્રસિંહ અને જીતુભાની માં ને વિંનતી કરી રહ્યો હતો કે પોતે સોનલને મળી ને એની સાથે અહીં સંદેશો દેવા આવ્યો હતો એમ માં સાહેબ ને ન કહે. તો એજ વખતે અનોપચંદને એના મોબાઇલ પર કોઈ કહી રહ્યું હતું કે. 'અમુક સરકારી ડિપાર્ટમેન્ટમાં તમારી કંપનીની તપાસ કરવાનો હુકમ થયો છે અને તમારી વિરુદ્ધ નું કઈ મળે તો કોઈ મોટા માથાને પહોંચાડવાનું છે. માટે સાવચેત રહેજો.' 

xxx

"શેઠ જી. બધા ફોન થઇ ગયા છે. કોઈ ને કઈ સૂચના આપવાની બાકી નથી."

"ઠીક છે મોહનલાલ તો ચાલો આપણે હવે ઘરે જઈએ. પૃથ્વી ક્યાં છે?"

"એ એક કલાક પહેલા નીકળ્યો કાલે ખડકસિંહ અને રાજપૂતાણીજી આવે છે. પૃથ્વી અને સોનલ ની સગાઈ માટે વાત કરવા એટલે જ મેં સુરેન્દ્ર સિંહ ને કહ્યું છે કે થોડા દિવસ ઘરેથી જ કામ કાજ જોજો. 5-7 દિવસમાં પૃથ્વી અને જીતુભા બન્નેની સગાઈ એક સાથે ગોઠવાશે."

"બહુ સરસ.ચાલો તો પછી આપણે નીકળીએ. મારે ઘરે જઈને મારી ફોરેન ટ્રીપના ડોક્યુમેન્ટ ચેક કરવાના છે. સુમિત અને સ્નેહા પણ ઘરે આવી ગયા હશે."

"અરે હા શેઠજી પછી નીતા વાળા મામલે શું થયું? બપોરે મેં તમને પૂછ્યું એજ વખતે તમારો કોઈ કોલ આવી ગયો અને પછી મને એડમીનવાળા કોઈ એ બોલાવ્યો વાત અધૂરી જ રહી ગઈ.પણ તમે એ પછી ચિંતામુક્ત દેખાણા એટલે વિચાર્યું કે સહુ સારાવાના હશે. હવે કહો શું થયું?"

"અરે એ નિનાદની બદમાશી હતી. બ્રિટન ટુડેનો હિસ્સો વધારવા આમેય નીતાને લંડન જવાનું જ હતું. પણ એણે થોડી મસ્તી કરેલી. બપોરે તમે પૂછ્યું ત્યારે નિનાદ અને નીતાનોજ ફોન હતો." કહી અનોપચંદે મોહનલાલને બધી વાત કરી પછી કહ્યું."હું કાલે સવારે વાપી જવાનો છું. ત્યાં આપણો નવો પ્રોજેક્ટ કૈક અટવાઇ રહ્યો છે. પણ સવારે મારે યુએસ.ડેલિગેશન સાથે પણ વાત કરવાની છે અને રાત્રે તો હું યુએસ જવા નીકળી જઈશ. બહુ ટાઈટ સિડ્યુલ છે. વળી જીતુભા આવે છે એને મિડલ ઇસ્ટના એસાઇન્મેન્ટ માટે થોડો બ્રીફ કરવાનો છે. સુમિત તો સવારે જ દુબઈ જવા નીકળી જશે. બહુ ટાઈટ શેડ્યુલ છે.કાલનું."

"તમે કહો તો હું વાપી જઈ આવું અથવા..."

"યસ, એમ જ કરો તમે સવારે વાપી જઈ આવો. અને બને એટલા વહેલા પાછા આવવાની કોશિશ કરજો. પણ કામ થોડું અટપટું છે. જો મળ્યા તો મળ્યા અને નહીં તો પાછું હું યુએસ થી આવું પછી" કહી. અનોપચંદે પોતાની નાની બ્રીફકેસ હાથમાં લીધી અને એ બન્ને કેબિનની બહાર આવ્યા. એમને બહાર નીકળતા જોઈ એક પ્યુન એમની પાસે આવ્યો અને અનોપચંદના હાથમાંથી બ્રીફકેસ લઇ લીધી અને લિફ્ટ તરફ આગળ વધ્યો. બીજો પ્યુન કેબિનમાં ઘુસ્યો અને લાઈટ એસી બંધ કરીને બહાર આવ્યો અનોપચંદની પાછળ જ ચાલતા મોહનલાલને સલામ મારી. મોહન લાલે એની સામે સ્મિત કર્યું અને એણે જમણો અંગૂઠો ઉંચો કરી થમ્સ આપણી નિશાની કરી. પ્યુનની આખો. સહેજ પહોળી થઇ. પછી એણે પણ થમ્સ આપણી નિશાની દેખાડી. અને મોહનલાલ દોડતો અનોપચંદની સાથે થઇ ગયો. પણ એ બે માંથી કોઈને ખબર ન હતી કે  રઘુ કે જે મુલુંડના સાકરચંદના ભંગારના ગોડાઉનમાં મજૂરી કરતો હતો એ મોહનલાલ અને પેલા પ્યુન ના ઈશારાઓ જોઈ ગયો હતો.

xxx .

જમીને અનોપચંદે કે હોલમાં સ્નેહા અને સુમિતને બોલાવ્યા. અને આગળનો પ્લાન વિશે ચર્ચા કરી. તેમના સોર્સ દ્વારા મળેલ માહિતી થોડી ચિંતા કરાવનારી હતી. એક સાથે કેન્દ્રીય સચિવાલયના અનેક કર્મચારીઓ અનોપચંદ એન્ડ કુ. અને એની બધી સબસિડિયરી કંપની વિશેની ઝીણામાં ઝીણી વિગતો ભેગી કરી રહ્યા હતા. અને એ બધા જ કઈ કંપની સાથે સંકળાયેલા ન હતા. કેટલાક વફાદાર લોકોએ એ માહિતી અનોપચંદને પહોંચાડી હતી. પણ જયારે ખણખોદિયા પેંધી ગયેલા સરકારી કર્મચારીઓ આળસ ખંખેરી અને કોઈ કંપની પાછળ પડી જાય તો એના વિરુદ્ધનું કૈક તો શોધી જ શકે. કેમ કે આપણા કાયદાજ એટલા અટપટા છે કે ન પૂછો વાત. અને એમાંય  બપોરે સુમિતે અત્યારે સરકારના વિરોધમાં વિપક્ષને એકઠો કરનાર એવી અમ્માની પાર્ટીને સીધી ચુનોતી આપી હતી. વળી અમ્માના કેબિનેટમાં 2 ખાતાઓ હતા. એના પોતાના મિનિસ્ટર હતા. બધી ચર્ચા કર્યા પછી અનોપચંદે કહ્યું. "જેમ કાચબો પોતાનું શરીર સંકોચીને પોતાના કવચમાં છુંપાઇ ને ભય ચાલ્યો જવાની રાહ જોવે છે એમ આપણે થોડા દિવસ સાંભળવાના છે. નિનાદ નીતા અનુક્રમે લંડન અને ઓસ્ટ્રેલિયામાં છે. હું કાલે યુએસ જઈશ સુમિત દુબઈ જશે. પણ સ્નેહા બેટા, આ અમ્માનો ભરોસો નથી. એ ઘવાયેલ વાઘણ જેમ હુમલો કરશે. તારી પાસે 2 ઓપશન છે. યા તો તું દિલ્હી જા અને આપણા વિશે તપાસ ઢીલી પાડવા માટે કોઈ વ્યવસ્થા કર અથવા. તું પોરબંદર જા."

"હું દિલ્હી જઈશ." સ્નેહા એ કહ્યું.

"પણ દીકરી એ કદાચ ખાર રાખીને તારી ધરપકડ પણ કરાવે. જો કે એ એટલી હિંમત નહીં કરે. અને કદાચ એ એવું કરશે તો પણ હું સરકારની સહાય વગર જ તને 24 કલાક પહેલા જામીન કરાવી લઈશ. આપણા વિરુદ્ધ કઈ છે જ નહીં પણ કંપનીને બદનામ કરવા એ કોઈપણ હદે જઈ શકે."

"પપ્પાજી મારે એ સંજોગોનો સામનો કરવો છે."

"પણ એની કોઈ જરૂર નથી બીજા કોઈ દેશમાં જવાનું આપણી પાસે ઉપયુક્ત કોઈ કારણ નથી પણ પોરબંદરમાં છે."

"છતાં હું દિલ્હી જ જઈશ." સ્નેહાએ કહ્યું અને પછી એ અને સુમિત પોતાના બેડરૂમમાં ગયા. સુમિતને સવારે દુબઇ જવા નીકળવું હતું એની તૈયારી કરવા માંડી ત્યારે રાત્રીના એક વાગ્યો હતો. એજ વખતે લંડનથી જીતુભાની ફ્લાઇટ મુંબઈ આવવા ઉપડી હતી. નિનાદની ફ્લાઇટ 2 કલાક પછી હતી. અનોપચંદ પોતાના બેડરૂમમાં આરામથી સુઈ ગયો હતો પણ એનાથી 5 કિલોમીટર દૂર રહેતા એના જમણા હાથ, એના નાના ભાઈ જેવા એના રહસ્યમંત્રી અને અનોપચંદ એન્ડ કુ. ના મેનેજર મોહનલાલની આંખોમાંથી અજંપો છલકાતો હતો અને એની નીંદર ઉડી ગઈ હતી.      

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.