Varasdaar - 11 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 11

Featured Books
Categories
Share

વારસદાર - 11

વારસદાર પ્રકરણ 11

મંથન કેતાથી છૂટો પડીને ઝાલા અંકલના ફ્લેટ ઉપર પહોંચ્યો ત્યારે રાતના પોણા નવ વાગી ગયા હતા. ધાર્યા કરતાં ઘણું મોડું થયું હતું.

મંથને ડોરબેલ દબાવી. ઝાલા અંકલે જ દરવાજો ખોલ્યો. મંથન એમની સાથે ડ્રોઈંગ રૂમમાં જઈને બેઠો.

" આઈ એમ સોરી અંકલ. ખૂબ જ મોડું થઈ ગયું મને સમયનું ભાન ના રહ્યું. તમારે લોકોને પણ જમવાનું ઘણું મોડું થઈ ગયું. " મંથન બોલ્યો.

" ઇટ્સ ઓલ રાઈટ. એમાં તમારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. આ તો મુંબઈ છે. ટ્રાફિક પણ પુષ્કળ હોય છે. ઘણીવાર સમય સાચવી શકાતો નથી. અને અમે લોકો પણ ૮:૩૦ વાગ્યા પછી જ જમવા બેસીએ છીએ. " અંકલ હસીને બોલ્યા.

ત્યાં અદિતિ મંથન માટે પાણીનો ગ્લાસ લઈને આવી. મંથને પાણી પીને ગ્લાસ પાછો આપ્યો.

" તમારે હાથ મોં ધોવાં હોય તો ધોઈ નાખો. આપણે હવે જમવા જ બેસી જઈએ. " ઝાલા અંકલ બોલ્યા.

મંથન વોશબેસિન પાસે ગયો અને હાથ મોં ધોઈ થોડો ફ્રેશ થઈ ગયો. ત્યાંથી એ સીધો ડાઈનીંગ ટેબલ ઉપર જઈને બેઠો.

" બહુ ભૂખ લાગી ગઈ છે કે શું ?" ડાઇનિંગ ટેબલ ઉપર થાળીઓ ગોઠવી રહેલી અદિતિ ધીમેથી બોલી.

" ના જરા પણ નહીં. પણ તમારો વિચાર પણ મારે કરવો પડે ને ? હું જમી લઉં તો જ તમારો નંબર લાગે ને ? " મંથન બોલ્યો.

" વાહ ! ખૂબ જ હાજરજવાબી છો !! " અદિતિ બોલી.

ત્યાં તો ઝાલા અંકલ પણ આવી ગયા અને મંથનની બાજુમાં બેસી ગયા.

" શું વાતો ચાલી રહી છે તમારા બંને વચ્ચે ? " અંકલ હસીને બોલ્યા.

" કંઈ નહીં પપ્પા બસ એમ જ." અદિતિ બોલી.

મંથનના આશ્ચર્ય વચ્ચે આજે સાંજે જમવામાં એને ખૂબ જ પ્રિય ઢોંસા હતા. ઢોંસા સાંભાર અને કોકોનટ ચટણી !!

" તમે તો આજે મારી પ્રિય વાનગી બનાવી. થેન્ક્સ. " બધા સાંભળે એમ મંથન મોટેથી બોલ્યો.

" મને ખબર જ હતી એટલા માટે મેં જ મમ્મીને સજેશન કરેલું. " કિચનમાંથી બહાર આવીને અદિતિ બોલી.

" અદિતિની વાત સાચી છે હોં ! એણે સવારે જ મને કહેલું કે મમ્મી સાંજે ઢોંસા બનાવીએ." સરયૂબાએ અદિતિની વાતને સમર્થન આપ્યું.

" અરે પણ તમને કેવી રીતે ખબર પડી કે મને ઢોંસા ભાવે છે ? " મંથને આશ્ચર્યથી પૂછ્યું.

" કારણ કે તમારા પપ્પાને ઢોંસા બહુ જ પ્રિય હતા અને જ્યારે પણ મન થાય ત્યારે એ અમારા ત્યાં ઢોંસા જમવા માટે ફોન કરીને આવતા. તમારા લોહીમાં પણ એ ટેસ્ટ હોય જ !! " અદિતિ બોલી.

" અંકલ તમારી આ દીકરી ખરેખર સ્માર્ટ અને હોંશિયાર છે. આટલું બધું એ વિચારે છે એ બહુ કહેવાય !!" મંથન બોલ્યો.

" કારણ કે હું રાજપૂતની દીકરી છું. રજવાડાનું લોહી છે. અને રાજપૂતની દીકરી રાજકુમારી જ કહેવાય. " અદિતિ બોલી અને બધાં હસી પડ્યાં.

" તમે રોજ કેટલા વાગે સુઈ જાઓ છો મંથનભાઈ ? " જમતાં જમતાં ઝાલા અંકલે પૂછ્યું.

" સામાન્ય રીતે ૧૧ વાગ્યા સુધીમાં સૂઈ જતો હોઉં છું. જો કે સવારે તો છ વાગે હું ઊભો થઈ જાઉં છું. એકલો છું અને મમ્મી નથી એટલે અત્યાર સુધી બધાં કામ મારે જાતે કરવાં પડતાં હતાં. તમે આવી ગયા પછી હવે કામવાળી બંધાવી દીધી છે. " મંથન બોલ્યો.

" હવે તમે લગ્ન માટે શું વિચાર્યું છે મંથનભાઈ ? આ ઉંમરે તમારે કંપનીની જરૂર છે. " ઝાલા અંકલ બોલ્યા.

" હા હું પણ લગ્ન માટે ગંભીર છું. કેરિયર એકવાર સેટ થઈ જાય એટલે લગ્ન કરી લઉં. પૈસાની ભલે હવે કોઈ ચિંતા નથી પરંતુ કોઈ પ્રવૃત્તિ તો જોઈએ ને !! " મંથન બોલ્યો.

" તમારી વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. લગ્ન ભલે છ મહિના પછી કરો પરંતુ પાત્ર પસંદગી એકવાર થઇ જશે તો તમને પણ જીવન જીવવાની મજા આવશે. " ઝાલા અંકલ બોલ્યા.

જમીને બંને જણા ડ્રોઈંગરૂમ માં આવી ગયા.

" એક સવાલ પૂછું મંથનભાઈ ? " ઝાલા અંકલ બોલ્યા.

" તમારે મારી રજા લેવાની ના હોય વડીલ " મંથન બોલ્યો.

" તમે બ્રાહ્મણ છો. લગ્ન માટે બ્રાહ્મણ કન્યાનો જ આગ્રહ છે ? કે ઈતર જ્ઞાતિ ચાલી શકે ? " ઝાલા અંકલે પૂછ્યું.

" નહીં અંકલ મારા વિચારો જુનવાણી નથી. જ્ઞાતિ કરતાં સંસ્કાર મારા માટે વધારે મહત્વના છે. " મંથન બોલ્યો.

" તમારા વિચારો જાણીને મને આનંદ થયો. મારા ધ્યાનમાં એક પાત્ર છે. તમારા પપ્પા વિજયભાઈની ઈચ્છા પણ હતી. છતાં લગ્નની બાબતમાં તમને યોગ્ય લાગે તો જ તમારે વિચારવાનું. પપ્પાની ઈચ્છા હતી માટે તમારે હા પાડવી એ જરૂરી નથી. " ઝાલા અંકલ બોલ્યા. એ ખૂબ જ વ્યવહારુ હતા.

" ઠીક છે અંકલ મને કંઈ પ્રોબ્લેમ નથી. તમને યોગ્ય લાગે ત્યારે મીટીંગ ગોઠવજો. " મંથન બોલ્યો.

જમી લીધા પછી અદિતિ અને સરયૂબા પણ હોલમાં આવીને બેઠાં. ઝાલા અંકલે અને સરયૂબાએ વિજયભાઈ અંગે ઘણી બધી વાતો કરી. તો મંથને પણ પોતાના ભૂતકાળ વિશે અને મમ્મી વિશે વાતો શેર કરી.

" તમે તમારા અડોશ-પડોશમાં પિતાના વારસા અંગે વાત કરી દીધી ? " ઝાલા અંકલે અચાનક પૂછ્યું.

" ના અંકલ. એ વાત કરવામાં મારે મારા માતા-પિતાની બધી વાતો કરવી પડે. મારાં મા-બાપ પોળમાં ચર્ચાનો વિષય બને એ મને મંજૂર નથી. અને કરોડોનો વારસદાર હું બની ગયો છું એ વાત જાહેર કરું તો બધા લોકો પચાવી શકે નહીં. એટલે મારે બીજી જ વાત કરવી પડી. " મંથન બોલ્યો.

" તમે કઈ વાત કરી ? " અદિતિ આતુરતાથી બોલી.

" સૌથી પહેલાં તો મેં ઘરમાં કામકાજ કરવા માટે કામવાળી રાખી. બે ટાઈમ ચા પીવાનું હોટલમાં ચાલુ કર્યું અને જમવા માટે પણ એક માસીના ત્યાં જવાનું ચાલુ કર્યું. એટલે પડોશીઓની આંખો ચાર થઇ. એક પંચાતિયાં માજીએ તો મને સીધું પૂછી લીધું કે મને નવી નોકરી મળી કે શું ? "

" પછી ? તમે શું કહ્યું ? " અદિતિની જિજ્ઞાસા વધી ગઈ.

" મેં જાહેર કર્યું કે મને અમેરિકાની એક કંપનીમાં મહિને બે લાખ રૂપિયાની જોબ મળી છે. આ કંપની અમેરિકાની સુખી એનઆરઆઈ પાર્ટીઓ ચલાવે છે. અમદાવાદ અને મુંબઈની સારી સારી સ્કીમો બતાવવાની અને કરોડોનું ઈન્વેસ્ટમેન્ટ કરાવવાનું. સાથે સાથે અહીં નવી બનતી સારી સ્કીમોની ડિઝાઇન પણ એ કંપનીને ઓનલાઇન અમેરિકા મોકલવાની. જેથી એ લોકો આખે આખી સ્કીમનું ફાઈનાન્સ કરે. ઘરે બેઠાં કામ કરવાનું. મેં કહ્યું કે મને ત્રણ મહિનાનો છ લાખ રૂપિયા પગાર એડવાન્સ પણ મળી ગયો. " મંથન બોલ્યો.

" વાહ, શું દિમાગ લગાવ્યું છે ! માન ગયે !!" અદિતિ બોલી ઉઠી.

" અદિતિ ની વાત સાચી છે મંથનભાઈ. જવાબ એવો તમે આપ્યો છે કે બધા સ્વીકારી જ લે. અને આવું ખરેખર અહીં મુંબઈમાં ચાલે જ છે. તમે તો તમારા હવે પછીના ધંધાની નવી લાઈન ખોલી દીધી. તમે પોતે પણ સારી સારી સ્કીમો બનાવીને ફોરેનના ઈન્વેસ્ટરો લાવી શકો. તમારી પાસે અદભુત વિઝન છે. વિજયભાઈના તમામ ગુણો તમારામાં છે." ઝાલા અંકલ ઉત્સાહથી બોલ્યા.

પોણા અગિયાર વાગવા આવ્યા હતા એટલે વાતો ત્યાં પૂરી થઈ.

" ચાલો હવે તમારા સૂવાનો ટાઈમ થઈ ગયો. તમે આરામ કરો. " ઝાલા અંકલ બોલ્યા.

મંથન પાણી પીને બેડરૂમમાં ગયો અને એસી ચાલુ કરીને સૂઈ ગયો.

સવારે છ વાગ્યે ઊઠીને એણે બ્રશ કરી લીધું. દાઢી પણ કરી લીધી અને નાહી લીધું.

સાત વાગ્યે એ તૈયાર થઈને હોલમાં આવ્યો.

" અરે તમે તો તૈયાર પણ થઈ ગયા !" હોલમાં બેઠેલા અંકલ બોલ્યા.

" હા છ વાગે આંખ ખૂલી જ જાય છે."

" મંથનભાઈ ઉઠી ગયા છે. હવે ચા બનાવજો. " ઝાલા અંકલે કિચન તરફ જોઈને મોટેથી બૂમ પાડી.

" ચા મૂકી જ દીધી છે. " સરયૂબા બોલ્યાં.

દસેક મિનિટમાં જ અદિતિ ટ્રે માં બે કપ લઈને બહાર આવી. સાથે બ્રેડ બટરની પ્લેટ પણ હતી.

" તમે પણ મારી જેમ વહેલાં ઉઠી જતાં લાગો છો. " મંથને હસીને કહ્યું.

" લેડીઝ ફર્સ્ટ ! તમારા કરતાં પણ વહેલી. " અદિતિ પણ હસીને બોલી.

" આપણે નવ વાગે નીકળી જઈએ. બહાર જ જમી લઈશું. " ઝાલા અંકલે મંથનને કહ્યું.

" હું તો તૈયાર જ છું. " મંથન બોલ્યો.

" હું પણ આવું પપ્પા ? " અદિતિ બોલી.

" ના બેટા. આજે નહીં. મારે એમને અંધેરી ઓફિસ પણ બતાવવાની છે. " ઝાલા અંકલ બોલ્યા.

નવ વાગે અંકલ મંથનને લઈને નીચે આવ્યા. સામે ગાડીઓના પાર્કિંગમાં જઈને સ્વિફ્ટ ગાડી બહાર કાઢી.

મંથન એમની બાજુનો દરવાજો ખોલીને અંદર બેઠો. અંકલે ગાડી સ્ટાર્ટ કરી.

" અમારા મુંબઈમાં પરા વિસ્તારમાં જવા માટે અમે ટ્રેનનો જ ઉપયોગ કરીએ છીએ. બસમાં ટ્રેન કરતાં ઘણી વાર ત્રણ ગણો ટાઇમ જતો હોય છે. છતાં મલાડ બહુ દૂર નથી એટલે મેં ગાડી લીધી. ટ્રેનમાં જઈએ એટલે વારંવાર રીક્ષા કરવી પડે. " ઝાલા અંકલે ગાડી ચંદાવરકર લેન થઇને એસ.વી રોડ ઉપર લીધી.

" સુંદરનગર અત્યારે તો ખૂબ જ વિકસિત થઇ ગયું છે પરંતુ વર્ષો પહેલાં એ જ્યારે નવું નવું બન્યું ત્યારે તમારા પપ્પાએ અહીંયા થ્રી બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો. સુંદરનગર વિસ્તારમાં ૫૦ થી પણ વધારે તો સ્કૂલો છે. ૪ થી ૫ શૉપિંગ મોલ છે. ૫ હોસ્પિટલો છે. રહેવા માટે આ એક ઉત્તમ એરિયા છે અને ગુજરાતીઓની વસ્તી ઘણી છે." ઝાલા અંકલ સુંદરનગરનો પરિચય આપતા હતા.

મલાડ સ્ટેશનનો ડાબી તરફનો રસ્તો ગયા પછી અંકલે ગાડીને જમણી બાજુ સુંદરનગર તરફ વાળી અને ગાર્ડન પાસે થઈને સુંદરનગરના એમના સી બ્લોક પાસે જઈને પાર્ક કરી.

" તમારો બ્લોક ત્રીજા માળે ૬ નંબરનો છે અને ચાવી સામે ૫ નંબરમાં ધનલક્ષ્મીબેન ના ઘરે છે. " ઝાલા અંકલ બોલ્યા.

લીફ્ટમાં બેસીને બંને ત્રીજા માળે પહોંચી ગયા અને ૫ નંબરના ફ્લેટની બેલ દબાવી. દરેક માળ ઉપર માત્ર બે વિશાળ ફ્લેટ હતા.

ધનલક્ષ્મીબેને જ દરવાજો ખોલ્યો અને બન્નેને આવકાર આપ્યો. ધનલક્ષ્મીબેન વૈષ્ણવ વાણિયા હતાં. એમના પતિ રૂગનાથભાઈનું ત્રણ વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. મૂળ એ લોકો આફ્રિકાથી આવેલાં હતાં. એમનો એક દીકરો હતો પ્રશાંત જે સાંતાક્રુઝમાં વિઝા કન્સલ્ટન્ટ હતો.

" આ મંથનભાઈ. તમારા પડોશી સ્વ. વિજયભાઈ મહેતાના દિકરા. છેક અમદાવાદથી એમને શોધી કાઢ્યા. તમે તો નજીકના પડોશી તરીકે વિજયભાઈની આખી સ્ટોરી જાણો જ છો. " ઝાલા અંકલ બોલ્યા.

" આવો ભાઈ. તમારાં મમ્મી ગૌરીબેનની એમણે બહુ જ તપાસ કરી પણ વર્ષો સુધી કોઈ પત્તો ન લાગ્યો. પત્તો લાગ્યો અને અમદાવાદ જવાનું વિચારતા હતા ત્યાં એમના અવસાનના સમાચાર મળ્યા. એમને જ્યારે ખબર પડી કે એમને દીકરો પણ છે ત્યારે એટલા બધા ખુશ થઈ ગયેલા કે હું તમને શું વાત કરું ભાઈ !! અમારા આખા સી બ્લોકમાં એમણે આઈસ્ક્રીમ પાર્ટી આપેલી. " ધનલક્ષ્મીબેન વિજયભાઈને યાદ કરીને બોલ્યાં અને અંદર જઈને ૬ નંબરના ફ્લેટની ચાવી લઇ આવ્યાં.

" તમે હવે રહેવા આવી જાવ ભાઈ. પડોશી વગર અમને પણ ઘણું સૂનું લાગે છે. તમારાં લગ્ન થઈ ગયાં કે નહીં ? " ચાવી મંથનના હાથમાં આપતાં ધનલક્ષ્મીબેન બોલ્યાં.

" એમનાં લગ્ન થયાં નથી. ખૂબ જ સંઘર્ષમાં દિવસો પસાર કરેલા છે. હવે કન્યાઓ જોવાનું ચાલુ કરવાના છે. " ઝાલા અંકલ બોલ્યા.

" સારુ સારુ. તમે ફ્લેટ ખોલીને જોઈ લો ત્યાં સુધીમાં હું ચા મૂકી દઉં. " ધનલક્ષ્મી બેન બોલ્યાં.

" ચાની અત્યારે જરૂર નથી. અમે ઘરેથી પીને જ નીકળ્યા છીએ. અને આમે ૧૦ મિનિટમાં તો નીકળી જઈએ છીએ. " કહીને ઝાલા અંકલ મંથનને લઈને બહાર નીકળ્યા.

ફ્લેટ ખોલ્યો તો આટલો સુંદર ફ્લેટ જોઈને મંથન તો આભો જ બની ગયો. સુંદર ફર્નિચર થી સજાવેલો આ ફ્લેટ હતો. રહેવા આવી જાઓ તો એક પણ વસ્તુ બહારથી લાવવી ના પડે એટલી વ્યવસ્થા હતી. કિચન પણ અપ-ટુ-ડેટ હતું. ફ્રીઝ પણ હતું. એ સિવાય ડ્રોઇંગ રૂમમાં અને દરેક બેડરૂમમાં એસી હતાં. ડ્રોઇંગરૂમમાં તો વોલ ટુ વોલ કાર્પેટ લગાવેલી હતી. આખો ફ્લેટ શ્રીમંતાઈની ચાડી ખાતો હતો.

ફ્લેટ જોઈને ૧૦ ૧૫ મિનિટમાં એ લોકો બહાર નીકળ્યા અને ચાવી ૫ નંબરમાં આપી દીધી.

" હવે તમારી ત્રણેય બેંકોમાં જઈ આવીએ. તમારી સિગ્નેચર ત્યાં આપવી પડશે અને અમુક ફોર્માલિટી પણ પૂરી કરવી પડશે. તમારું આઈડી અને એડ્રેસ પ્રૂફની ઝેરોક્ષ આપણે રસ્તામાં કરાવી લઈએ." ઝાલા અંકલ બોલ્યા.

દેના બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક અને સારસ્વત બેંકમાં જઈને ઝાલા અંકલ અને મંથને તમામ ફોર્માલિટી પતાવી દીધી. એડ્રેસ ચેન્જ કરાવવાનો વિચાર હાલ પૂરતો માંડી વાળ્યો. કારણ કે સુંદરનગરના ફ્લેટનો એ પણ કાયદેસરનો વારસદાર હતો. ત્રણેય ખાતાં મંથનના નામે ચાલુ થઈ ગયાં.

આ બધી પ્રોસેસ કરવામાં અઢી કલાકનો સમય લાગી ગયો. બપોરનો એક વાગી ગયો હતો. અંધેરીની ઓફીસ જતાં પહેલાં જમી લેવું જરૂરી હતું.

ઝાલા અંકલે મલાડના ખુબ જાણીતા 'વેરહાઉસ કિચન ' રેસ્ટોરન્ટ તરફ ગાડી લઈ લીધી. વિજયભાઈ સાથે ઘણીવાર ઝાલા આ રેસ્ટોરન્ટમાં જમવા આવતા. મંથનને જમવાની મજા આવી. ફુડ ખરેખર સરસ હતું.

મંથનને મલાડનો સુંદરનગરનો આખો એરિયા ખુબ જ સરસ લાગ્યો. સુંદરનગર તો એક જૂની સોસાયટી હતી પરંતુ એ પછી ત્યાં આજુબાજુ ડેવલપ થયેલો તમામ એરીયા સુંદરનગર તરીકે જ ઓળખાય છે. આજુબાજુની સ્કૂલો, શોપિંગ મોલ, થિયેટરો, હોસ્પિટલો, ગાર્ડન વગેરે તમામ સુંદરનગરમાં જ ગણાય છે.

જમીને ઝાલા અંકલે ગાડીને હાઈવે બાજુ લઈ લીધી અને અંધેરી આવતાં જ ત્યાંથી જમણી બાજુ ટર્ન લીધો. ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર અલ્લાહાબાદ બેંકની બાજુમાં જ એક કોમ્પ્લેકસમાં વિજયભાઈ મહેતાની ઓફિસ હતી.

ઝાલા અંકલે મંથનની મદદથી શટર ખોલીને ગ્લાસનો દરવાજો ખોલી દીધો. થોડી વાર બંને બહાર ઊભા રહ્યા જેથી બંધિયાર હવા બહાર નીકળી જાય. ઓફિસ ઘણા સમયથી બંધ હતી. એકદમ વેલ ફર્નિશ્ડ વિશાળ ઓફિસ હતી. અંદર એક મોટી ચેમ્બર અને ચા પાણી બનાવવા પેન્ટ્રી રૂમ પણ હતો. ઓફિસમાં સારો એવો સ્ટાફ હોવો જોઈએ એવું અનુમાન થઈ શકતું હતું. ઓફિસ વ્યવસ્થિત રીતે સાફસૂફ કરાવવાની જરૂર હતી !

સુંદરનગર નો ફ્લેટ અને અંધેરીની ઓફીસ બંને જોવાઈ ગયા હતા. બેંકોનું કામકાજ પણ પતી ગયું હતું એટલે અંધેરીથી ગાડી ફરી બોરીવલી તરફ વાળી.

બોરીવલી સ્ટેશન આવ્યું ત્યારે સાંજના સાડા ચાર વાગી ગયા હતા. મંથને ગાડીને સાઇડમાં ઊભી રખાવી.

" અંકલ હું એકાદ કલાકમાં આવું છું. મારો એક મિત્ર અહીં નજીકમાં જ રહે છે. અહીં સુધી આવ્યો છું તો એને પણ મળી લઉં. હું મારી રીતે રીક્ષા કરીને ઘરે આવી જઈશ. " મંથન બોલ્યો.

" ઠીક છે... નો પ્રોબ્લેમ. તમે તમારું કામ પતાવીને આવો. " ઝાલા અંકલ બોલ્યા.

ગાડી નીકળી ગઈ પછી મંથને રીક્ષા કરી અને કેતા ઝવેરીને મળવા હોટલ નાઈસ સ્ટે પહોંચી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)