ભેદભરમ
ભાગ-૨૫
વાસણોનું રહસ્ય ઉકેલાયું
રાકેશભાઈની વાત સાંભળી હરમન વિચારમાં પડી ગયો અને એણે એમને સવાલ પૂછ્યો હતો.
"તમે એવું કઈ રીતે કહી શકો કે મયંક ભરવાડનો ખૂની અને ધીરજભાઈનો ખૂની અલગ-અલગ છે." હરમને રાકેશભાઈ સામે આશ્ચર્યચકિત થઈ પૂછ્યું હતું. કારણકે હરમન ખુબ મક્કમતાથી માનતો હતો કે બંનેનો ખૂની એકજ છે.
"રાત્રે સાડા અગિયારથી પોણા બારની વચ્ચે મયંક ભરવાડને મેં ક્લબ હાઉસમાંથી સોસાયટીના મેઈન દરવાજામાંથી બહાર જતાં જોયો હતો. અને મયંક ઘણીવાર આવી રીતે શનિવાર-રવિવારે જયારે ક્લબ હાઉસમાં પાર્ટી હોય ત્યારે આવતો હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે મયંક સાડા અગિયારથી પોણા બાર સુધીમાં સોસાયટીની બહાર નીકળી ગયો હોય અને હું રાત્રે પોણો વાગ્યા સુધી અહીં બગીચામાં બેઠો હતો ત્યાં સુધી મેં એને પાછો સોસાયટીમાં આવતો જોયો ન હતો અને પછી સવારના ક્લબ હાઉસમાં એની લાશ મળે તો ચોક્કસ ધીરજભાઈ અને એનો ખૂની એક નથી એ સાબિત થઇ જાય કારણકે ધીરજભાઈનો ખૂની રાત્રે ધીરજભાઈનું ખૂન કરી અને બીજા દિવસે સવારે મયંક ભરવાડ સોસાયટીમાં પાછો આવે એની રાહ જોઈને બેસી થોડો રહે? માટે મારું માનવું છે કે ધીરજભાઈનો ખૂની અને મયંકનો ખૂની એક નથી." પ્રોફેસર રાકેશે તમાકુની પડીકી તોડી તમાકુ મોંમાં નાંખતા કહ્યું હતું.
પ્રોફેસર રાકેશનું બયાન સાંભળી હરમન અને ઇન્સ્પેકટર પરમાર અંદરથી ચોંકી ગયા હતા. કારણકે હરમનની થીયરી વિરુદ્ધ ફરી એકવાર કેસે નવો વળાંક લીધો હતો.
ત્રણેય જણા પોલીસ જીપમાં બેસીને પોલીસ સ્ટેશન પાછા આવ્યા હતા. ત્રણેયના મનમાં એક અજીબ જ પ્રકારની ઉલઝન ચાલી રહી હતી. પોલીસ સ્ટેશનમાં અંદર દાખલ થતાં જ બેન્ચ ઉપર જમાલની નજર પડી હતી.
"આ તો સ્કેચવાળો વ્યક્તિ છે." જમાલથી બોલાઈ ગયું હતું.
હરમન અને ઇન્સ્પેકટર પરમારે પણ બેન્ચ તરફ જોયું હતું.
ઇન્સ્પેકટર પરમારે હવાલદાર જોરાવરને બેન્ચ ઉપર બેઠેલા વ્યક્તિને પોતાની કેબીનમાં મોકલવા કહ્યું હતું. સ્કેચવાળા વ્યક્તિને જોઈને હરમન ખુશ થઈ ગયો હતો. કારણકે સ્કેચવાળો વ્યક્તિ ઉર્ફે બિસ્કીટવાળો ફેરિયો એ આ કેસની મહત્વની કડી છે એવું એ ચોક્કસ માનતો હતો.
"હરમન, આ વ્યક્તિનું નામ નાથુસિંહ છે. ધીરજભાઈ સાહેબે આને ચોરી અને ફ્લેટના માલિકને મારવા માટે પકડ્યો હતો અને આ નાથુસિંહને જેલની સજા થઇ હતી. આઠ મહિના પહેલા જ આ જેલમાંથી છૂટ્યો છે." ઇન્સ્પેકટર પરમારે હરમન સામે જોઇ નાથુસિંહ વિશે માહિતી આપતા કહ્યું હતું.
"કેમ નાથુસિંહ, મારી વાત બરાબર છે ને?" ઇન્સ્પેકટર પરમારે થોડા ગુસ્સાથી નાથુસિંહને કહ્યું હતું.
"હા સાહેબ, બરાબર છે." નાથુસિંહે ટૂંકમાં જવાબ આપ્યો હતો.
"નાથુસિંહ, તું ધીરજભાઈની સોસાયટીની બહાર બિસ્કીટવાળો ફેરિયો બનીને આંટા કેમ મારતો હતો અને એ સોસાયટીમાં તું અંદર દાખલ કેમ થયો હતો? જે કંઈપણ વાત સાચી હોય તે તું જણાવી દેજે. નહિતર ધીરજભાઈના ખૂનના આરોપમાં અમે તને જેલમાં નાખી દઈશું." હરમને નાથુસિંહને કડકાઈથી પૂછતાં કહ્યું હતું.
"મેં ધીરજભાઈનું ખૂન નથી કર્યું. હું તો માત્ર મારી ધર્મપત્ની સુધાને મળવા આવતો હતો અને એની પાસેથી પૈસા લેવા આવતો હતો." નાથુસિંહે ડરીને હરમનને કહ્યું હતું.
નાથુસિંહનો ખુલાસો સાંભળીને હરમન, ઇન્સ્પેકટર પરમાર અને જમાલ ત્રણેય ચોંકી ગયા હતા. કદાચ આજનો દિવસ આ ત્રણેય જણા માટે ચોકાવનારા ખુલાસા મળવાનો દિવસ હોય એવું લાગતું હતું.
ત્રણેયના મોંઢા પર આવેલું આશ્ચર્ય જોઈ નાથુસિંહે પોતાની જોડે લાવેલ એના અને સુધાના લગ્નનાં ફોટા ટેબલ ઉપર મૂકી દીધા હતા.
હરમને ઝડપથી ફોટા ઉપાડી લીધા હતા અને એક પછી એક ફોટા જોવા લાગ્યો હતો. હરમને ફોટા જોઈને નિસાસો નાંખ્યો હતો અને ફોટા ઇન્સ્પેકટર પરમારને જોવા માટે આપ્યા હતા.
"ફોટોગ્રાફ્સ ઉપરથી ખબર પડી જાય છે કે સુધા તારી પત્ની છે. તો પછી એ ધીરજભાઈ પાસે એમની પત્ની બનીને કેમ રહે છે?" હરમને નાથુસિંહને પૂછ્યું હતું.
"ઇન્સ્પેકટર ધીરજભાઈએ મને જેલમાં નાખ્યો ત્યારે સુધાને મેં એમની પાસે મને જેલમાં નાખવા બદલ બદલો લેવા મોકલી હતી. સુધા ખુબજ સુંદર હોવાના કારણે ધીરજભાઈ સુધાની સુંદરતાની જાળમાં ફસાઈ જશે એ મને ખાતરી હતી. જેથી સુધા મારફતે હું ધીરજભાઈએ મને જેલમાં બંધ કર્યો એનો બદલો લઈ મારા મનને શાંત કરી શકું. સુધા ધીરજભાઈને એ વાત સમજાવવામાં કામયાબ રહી કે એ મારાથી ત્રાસી ગઈ છે અને મારાથી છૂટવા માંગે છે અને ધીરજભાઈએ એને પત્ની બનાવી પોતાના ઘરમાં રાખી લીધી. અમે બંનેએ નક્કી કર્યું હતું કે હું જેલમાંથી છૂટીશ પછી ધીરજભાઈનું ખૂન કરી મને જેલમાં નાંખ્યાનો બદલો લઈશ અને ધીરજભાઈની સંપતિનો માલિક પણ બની જઈશ અને મારા કામમાં સુધા મને સહકાર આપશે. પરંતુ આઠ મહિના પહેલા જેલમાંથી છૂટીને હું સુધાને પહેલીવાર મળ્યો ત્યારે સુધાએ મને કહ્યું હતું કે ‘ધીરજભાઈ ખુબ સારા માણસ છે અને દસ વર્ષમાં ધીરજભાઈએ મને હાથ પણ લગાડ્યો નથી.’ ધીરજભાઈની આવી મહાનતા જોઈ સુધા એમનાથી પ્રભાવિત થઇ ગઈ હતી. એટલે એણે મને ધીરજભાઈને મારવાની ના પાડી અને મને એના સમ આપીને કહ્યું કે મારે ધીરજભાઈનું કશું બગાડવાનું નથી. મને પણ સુધાની વાત સાંભળીને આંચકો લાગ્યો હતો. પરંતુ ધીરજભાઈની માણસાઈ આગળ મારી નફરત ઝૂકી ગઈ અને મેં એમને મારવાનો ઈરાદો બદલી નાંખ્યો. હું અને સુધા છેલ્લા આઠ મહિનાથી એકબીજાને મળવા લાગ્યા હતા. મારે જે દિવસે એને મળવું હોય એના આગલા દિવસે હું સોસાયટીની બહાર કટાયેલા જુના વાસણો ઉપર મળવાનો સમય કોડવર્ડમાં લખી નાખતો હતો. જેમકે ‘હું T9 લખું એટલે T એટલે ટાઇમ અને 9 એટલે નવ વાગે આનો મતલબ નવ વાગે આપણે રાત્રે મળવાનું છે.' એમ સુધાએ સમજવું એવું મેં એને સમજાવી રાખ્યું હતું. સુધા મને પૈસા પણ આપતી હતી, જેથી મારે કોઈ કામ કરવાની જરૂર રહેતી ન હતી. મેં ધીરજભાઈની સોસાયટી નજીક આવેલા એક બિલ્ડીંગમાં એક ફ્લેટ ભાડે રાખી લીધો હતો અને વટવા મારું જૂનું ઘર છે ત્યાં પાડોશીને ભાડે રાખેલા ફ્લેટનું અડ્રેસ પણ બે દિવસ પહેલા આપીને આવ્યો હતો, કારણકે મને ખબર હતી કે ધીરજભાઈના ખૂનની તપાસ કરતી-કરતી પોલીસ મારા સુધી ચોક્કસ પ્હોંચશે. એટલે જ તો તમે મને પકડી શક્યા છો. હવે જે દિવસે ધીરજભાઈનું ખૂન થયું એ દિવસે હું અને સુધા રાત્રે અગિયાર વાગે મળવાના હતા. ધીરજભાઈની સોસાયટીથી પાંચ મિનિટમાં ચાલીને પ્હોંચી શકાય એટલો નજીક મારો ફ્લેટ છે. સુધા એ દિવસે મને મળવા મારા ફ્લેટ ઉપર આવી હતી. અમે બંને ધીરજભાઈએ એને આપેલા દાગીના લઈ બે દિવસ પછી અમે ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. એ દિવસે ધીરજભાઈના ક્લબ હાઉસમાં પાર્ટી હોવાના કારણે ધીરજભાઈ પાર્ટીમાંથી દોઢ વાગ્યા પહેલા પાછા નહિ આવે એની સુધાને ખબર હતી અને પાછા આવશે ત્યારે એ દારૂના નશામાં હશે. એટલે એ રાત્રે સુધા એક વાગ્યા સુધી મારા ફ્લેટ ઉપર રોકાઈ હતી અને એક વાગે હું એને સોસાયટીની એકદમ નજીક મુકી ગયો હતો અને માટે જ ધીરજભાઈના ખૂનમાં મારો કે સુધાનો હાથ નથી." નાથુસિંહે વિસ્તાર પૂર્વક કહ્યું હતું.
"તું સાચું બોલી છે એ વાત અમે કેમ માની લઈએ." ઇન્સ્પેકટર પરમારે નાથુસિંહને પૂછ્યું હતું.
"ઇન્સ્પેકટર સાહેબ, મને ખબર જ હતી કે તમે મારી વાત ઉપર વિશ્વાસ નહિ કરો, એટલે જ એ દિવસે રાત્રિનું CCTV ફૂટેજ હું લાવ્યો છું. જેમાં સુધા તમને મારા ફ્લેટના બિલ્ડીંગના મુખ્ય દરવાજામાં અંદર દાખલ થતી પણ દેખાશે અને એક વાગે બહાર અમે બંને નીકળતા પણ તમને દેખાઈશું. મારા બિલ્ડીંગના સેક્રેટરી પાસેથી એ દિવસની CCTV ફૂટેજની કોપી હું આ પેનડ્રાઈવમાં લઈને આવ્યો છું. તેમજ હું સાચું કહી રહ્યો છું એની સાક્ષી સિક્યોરીટી ગાર્ડ તરીકે એ વખતે ડ્યુટી બજાવતા માધવસિંહને પણ તમે મારા આ બયાન વિશે પૂછી શકો છો." નાથુસિંહે પેનડ્રાઈવ ઇન્સ્પેકટર પરમારને આપતા કહ્યું હતું.
"તારો અને સુધાનો ભાગવાનો પ્લાન હતો તો તમે બંને ભાગ્યાં કેમ નહિ?" હરમને નાથુસિંહને પૂછ્યું હતું.
"જુઓ સાહેબ, ધીરજભાઈનું ખૂન થયું એના બે દિવસ પછી અમે અલ્હાબાદ ભાગીને જવાના હતા. અલ્હાબાદ અમારું મૂળ વતન છે. અને સબૂત તરીકે મારી પાસે એ દિવસની રેલ્વેની ટિકીટ પણ છે. પરંતુ અમે ભાગી જાત તો ખૂનનો આરોપ સુધા ઉપર આવી જાત. એટલે અમે જયારે ખૂન કર્યું જ નથી તો ડરીને ભાગવાનું અમને યોગ્ય લાગ્યું ન હતું. હું તો રાહ જોતો હતો કે ક્યારે પોલીસ મને શોધી કાઢે અને ધીરજભાઈના ખૂન કેસ વિશે મારી ઉલટ તપાસ કરે. જેથી હું સાચ્ચો જવાબ આપી શકું." નાથુસિંહના શબ્દોમાંથી ડર નીકળી ગયો હતો.
વાસણોનું રહસ્ય જેના માટે ધીરજભાઇએ હરમનને એપોઇન્ટ કર્યો હતો એ રહસ્ય તો ઉકેલાઇ ગયું પરંતુ એ રહસ્ય જે રીતે ઉકેલાયું અને એમાંથી જે વાત ખુલી કે સુધા નાથુસિંહની પત્ની છે એ વાત કલ્પનામાં પણ ના આવી શકે એવી હતી.
ઇન્સ્પેક્ટર પરમારે નાથુસિંહને જવાની પરવાનગી આપતા પહેલા કહ્યું હતું.
"નાથુસિંહ, જ્યાં સુધી આ કેસ ઉકેલાઇ ના જાય ત્યાં સુધી તું અને સુધા શહેર છોડતા નહિ અને સુધા તારી પત્ની છે એ વાત પણ હમણાં જાહેર થવા દેતા નહિ." ઇન્સ્પેક્ટર પરમારે નાથુસિંહને સૂચના આપતા કહ્યું હતું.
ક્રમશઃ
(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)
- ૐ ગુરુ