પ્રકરણ-૧૦
સમયને વીતતા કયાં કંઈ વાર લાગે છે? સમય જતાં ચોથા સેમેસ્ટરનું રીઝલ્ટ પણ આવ્યું. આખો કલાસ ખૂબ જ સારા માર્ક્સથી પાસ થઈ ગયો હતો. રીઝલ્ટના દિવસે બધા મિત્રો ઘણાં સમય પછી ફરીથી એકવખત ભેગાં થયા હતાં. રીઝલ્ટ લઈને બધાં ડિપાર્ટમેન્ટની બહાર ચા ની કીટલી આવેલી હતી ત્યાં ચા પીવા ગયાં. ચા પીતાં પીતાં બધાં વાતો કરી રહ્યાં હતાં અને આનંદ પ્રમોદ કરી રહ્યાં હતાં. આ મુલાકાત બધાં જ મિત્રોની છેલ્લેથી આગલી મુલાકાત હતી. છેલ્લી મુલાકાત તો કોન્વોકેશનમાં જ્યારે ડીગ્રી મળવાની હતી ત્યારે થનાર એ સમારોહમાં થવાની હતી.
ચા ની ચૂસકી લેતાં લેતાં લવ બોલ્યો, "હવે તો આપણે કેરિયર પર ફોકસ કરવું પડશે ને? તો જ સારી નોકરી મળશે ને સારી નોકરી મળશે ત્યારે જ કોક સારી છોકરી દેશે." એમ બોલતાં હસવા લાગ્યો.
એની આ વાત સાંભળીને મનીષ તરત જ બોલી ઉઠ્યો, "એલા! લવ! તારે કયાં છોકરી શોધવાની ચિંતા છે? તે તો શોધી જ લીધી છે ને!"
"હા, પણ એ છોકરીનો હાથ માંગવા એના પપ્પા પાસે તો મારે નોકરી લઈને જ જવું પડશે ને?" લવ બોલ્યો.
આ સાંભળીને સમીરે પૂછ્યું, "તમે લોકોએ કંઈ વિચાર્યું છે કે, આગળ શું કરશો?"
"હા, હું તો એવું વિચારું છું કે, અલગ અલગ ફાર્મા કંપનીઓમાં એપ્લાય કરું. એમાં ઈચ્છા છે." લવ બોલ્યો.
"અને મનીષ તું? તું શું કરવાનો છે?" સમીરે પૂછ્યું.
"મને રસ તો ટીચિંગમાં છે પણ તમે લોકો તો મારી પરિસ્થિતિ તો જાણો જ છો કે, મારે ઘરની જવાબદારી છે. જો મારે ટીચિંગમાં જવું હોય તો કાં તો મારે બી.એડ. કરવું પડે અથવા તો પી.એચ.ડી. તો જ મને સ્કૂલ કે કોલેજમાં નોકરી મળે. પરંતુ એ માટે મારે હજુ ઓછામાં ઓછું એક વર્ષ તો ભણવું જ પડે અને હવે મને વધુ ભણવું પોસાય એમ નથી. એટલે હું પણ લવની જોડે જોડે ફાર્મા કંપનીમાં જ એપ્લાય કરવાનું વિચારું છું.
પણ તું શું કરવાનો છે સમીર?" મનીષે પૂછ્યું.
"મારી ઈચ્છા તો પી.એચ.ડી. જ કરવાની છે. મને તો રિસર્ચમાં જ રસ છે." સમીર બોલ્યો.
સમીરની આ વાત સાંભળીને મોનલ પણ બોલી ઉઠી, "અરે! સમીર! મને કહ્યું નહિ તે? પી.એચ.ડી. તો મારે પણ કરવું છે. ચાલ આપણે સાથે સાથે જ કરીશું."
"હા, હા, સારું." સમીર બોલ્યો.
અત્યાર સુધી શાંત બેઠેલી પ્રિયા અને શાહીનને ભાવિએ પૂછ્યું, "તમે બંને કેમ શાંત છો? તમે બંને શું કરવાના છો?"
એટલે શાહીને કહ્યું, "મને તો હવે આગળ મારા મમ્મી પપ્પા વધુ નહીં ભણવા દે કેમ કે, નહિ તો પછી અમારા ધર્મમાં છોકરાઓ મળવા મુશ્કેલ થાય. એટલે મને તો હવે હું ઘરે જઈશ એટલે લગ્ન જ કરવાનું કહેશે. એટલે મારે તો કેરિયર વિશે બહુ કંઈ વિચારવાનું રહેતું જ નથી.
"અને પ્રિયા તું?" ભાવિ બોલી.
"મેં હજુ આ બાબતમાં કંઈ બહુ વિચાર્યું જ નથી કે, મારે શું કરવું? હા, જો નોકરી મળશે તો નોકરી કરીશ નહીં તો કોઈ સારો છોકરો મળશે એની જોડે લગ્ન કરી લઈશ."
પ્રિયાની આ વાત સાંભળીને બધાં ખડખડાટ હસી પડ્યા.
"પણ ભાવિ તું શું કરવાની છો એ તો તે કહ્યું જ નહીં?" મોનલે પૂછ્યું.
"હું પણ તારા ને સમીરની જેમ પી.એચ. ડી. જ કરીશ.
ત્યાં તો ભાવિની મસ્તી કરતાં લવ બોલ્યો, "તું તો ભારતની બહાર વિદેશમાં જ જવાની છો. જો જે ને તારા લગ્ન તો ઈન્ડિયાની બહાર જ થવાના છે. ત્યારે તું યાદ કરજે અમને બધાંને કે, અમે સાચું જ કહ્યું હતું."
ત્યારે ભાવિ મક્કમતાથી કહી રહી હતી કે, "તને ને મનીષને છોડીને હું બહાર તો નહીં જ જાઉં પણ ત્યારે એને ક્યાં ખબર હતી કે, એના યારોની એ મજાક એક દિવસ ખરેખર હકીકત બનવાની હતી.
આટલી વાતો કર્યા પછી બધાં છૂટાં પડ્યા. અને પછી આવ્યો કોન્વોકેશન ડે. એ દિવસે ડીગ્રી સર્ટિફિકેટ લેવા માટે બધાં ફરી એકવાર વિદ્યાનગરના આંગણે આવી પહોંચ્યા. કદાચ એ સૌની છેલ્લી વખતની બધાં મિત્રોની મુલાકાત હતી. એ વખતે બધાં સેટલ થઈ ગયાં હતાં. લવ અને મનીષને સનફાર્મામાં નોકરી મળી ગઈ હતી અને બંનેએ લગ્ન પણ કરી લીધાં હતાં.મોનલ, સમીર અને ભાવિ એ ત્રણેયને પી.એચ.ડી.માં એડમિશન મળી ગયું હતું. શાહીનના લગ્ન થઈ ગયાં હતાં અને પ્રિયાની સગાઈ.
ડિગ્રી સર્ટિફિકેટના દિવસે એ બધાં મિત્રો આખરી વખત મળ્યાં. સમય વીતતો ગયો અને બધાં પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત બનતાં ગયાં.
સમીર અને મોનલ બંનેનું પી.એચ. ડી. પૂરું થતાં જ બંનેને સારી કોલેજમાં નોકરી મળી ગઈ. ભાવિએ પણ એક એન. આર. આઈ. જોડે લગ્ન કર્યા અને લગ્ન પછી એ વિદેશમાં સ્થાયી થઈ. પ્રિયાના પણ લગ્ન થઈ ગયાં અને એ પણ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગઈ. એણે પણ લગ્ન પછી પી.એચ.ડી. કર્યુ અને એને રિસર્ચમાં જોબ મળી ગઈ. શાહીન પણ હવે લગ્ન પછી એના પતિનો બિઝનેસ બેંગ્લોરમાં હોવાથી એ ત્યાં સ્થાયી થઈ. થોડાં સમય પછી મોનલે પણ એક એન્જીનીયર છોકરાં જોડે લગ્ન કર્યા અને એ પછી સમીરે પણ લગ્ન માટે એક છોકરી પર પસંદગી ઉતારી.
આ બધાં જ મિત્રોને હવે એકમાત્ર દુઃખ એકબીજાથી અલગ થઈ ગયાનું હતું. પણ એમનું આ દુઃખ વધુ સમય ટકવાનું નહોતું. ટૂંક સમયમાં જ વોટ્સએપનો આવિષ્કાર થયો અને એને લીધે સોનામાં સુગંધ ભળી. વૉટ્સઅપનો આવિષ્કાર થતાં જ આ બધાં જ મિત્રો ખૂબ જ ખુશ થઈ ગયાં અને આ વોટ્સઅપ કેટલાંય આવા વિખૂટાં પડેલાં મિત્રો માટે સુખરૂપ વરદાન સાબિત થયું.
આજે પણ આ બધાં મિત્રો વિડીયો કોલિંગ પર મળે છે. મજાક મસ્તી પણ કરી લે છે. અને એમની વિદ્યાનગરના આંગણે બનેલી આ યારી હજુ આજે પણ એવી જ અકબંધ છે. જોજનો દૂર હોવા છતાં પણ એ બધાં આજે પણ પાસે જ છે એવું અનુભવી રહ્યાં હતાં.
યારી આ વિદ્યાનગરની હજુયે અકબંધ છે!
યારો દોસ્તોનો આ કેવો અનોખો સંબંધ છે!
યારી@વિદ્યાનગર.કોમની મારી આ વાર્તા છે.
ચારો તરફ ફેલાઈ જે હવા એ મિત્રતાની સુગંધ છે.
*****
મારી આ વાર્તા યારી@ વિદ્યાનગર.કોમને અહીં સંપૂર્ણ જાહેર કરું છું. વાંચકમિત્રો! તમને આ વાર્તા કેવી લાગી એ વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવો અવશ્ય લખશો. અને પસંદ પડે તો સ્ટીકર જરૂર આપશો.
(સંપૂર્ણ)