અઢી અક્ષર નો પ્રેમ એ કોઈ એક દિવસ,એક ઋતુ , અમુક ઉંમર કે અમુક સમયગાળા નો મહોતાજ નથી ,એતો બારેમાસ ચાલતા વાસંતી વાયરા નો મધમીઠો અહેસાસ છે..ઉંમર નો તડકો તેને સુકવી ન શકે કે ન મુસીબતો નો વંટોળ તેને ઉડાવી શકે.દિલ થી જોડાયેલી લાગણીસભર સંબંધ સદાબહાર ખીલતો અને મહેકતો રહે છે.
તો ચાલો આપણે પણ માણી આવા જ એક પ્રેમ ની મિશાલ ને પ્રેરણારૂપ એવા આ પ્રેમ- સંબંધ ની મહેક ને.........
સદાય મહેકતો રહેતો ચહેરો માપસર ની ઊંચાઈ ,મધ્યમ બાંધો,ઘંઉવણૉ વાન ,ગાલ પર નું ખંજન ને હોંઠો પર સદાય વહેતું સ્મિત તેની સુંદરતા માં ઉમેરો કરતુ એવી નવયૌવના ધરા . અને વાચાળ,ચંચળ સ્હેજ ભીનો પણ નમણાશ માં ઘોળાય જતો વણૅ , એકદમ ઘાટીલો બાંધો, ને સુંદર સ્વભાવ તેની સુંદરતા માં વધારો કરી દેતા આવો નવયુવાન આકાશ.
આકાશ અને ધરા બંને એક ઇવેન્ટ કંપનીમાં સાથે જોબ કરતા હતા મધ્યમ વગૅ માંથી આવતા બંને ઘર ની જવાબદારી ના ભાર ને ઓછો કરવા મથી રહ્યા હતા.એક જ ઓફિસ માં સાથે નોકરી હોવાથી ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ . આકાશ ને ખબર પડી કે ધરાને સાંજે ઘરે જવામાં અગવડ પડતી, રીક્ષા કે સીટી બસ નો સહારો લેવો પડતો . એટલે આકાશે ધરાને રોજ ઘર સુધી મૂકવા જવાનું નક્કી કર્યું. ધરા એ ઘણી આનાકાની કરી પરંતુ આકાશ સામે તેમનુ ચાલ્યું નહીં. પછી તો દરરોજ આકાશ તેને ઘરે મુકવા આવવા લાગ્યો. બન્ને નું ઘર એક જ રસ્તે પડતું એટલે રસ્તામાં બંને અનેક પ્રકારની અલક મલક ની વાતો ચર્ચાઓ અને ક્યારેક દલીલો કરતા. ધીમે ધીમે મિત્રતા ગાઢ થતી ગઈ . ક્યારેક ચા-કોફી કે પાણીપુરી પણ બંને એકબીજા ને કંપની આપતા થઈ ગયા. બંનેની આ ગાઢ મિત્રતા ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ એ બંનેમાંથી કોઇને ખબર ન પડી.
વસંતપંચમીનો દિવસ હતો આકાશ ધરી ને મુકવા જતી વેળાએ અચાનક વાહન રોકીને તેને પ્રપોઝ કર્યું. ધરાને ઘણા સમયથી લાગતુ તો હતુ કે આકાશ તેને પ્રેમ કરે છે. આકાશના પ્રપોઝ થી તેની આશંકા સત્ય માં પરિવર્તિત થઈ. ધરા એ આકાશ પાસે સમય માગ્યો કે મને વિચારવા માટે એક મહિનાનો સમય આપ. 25 દિવસ એમ જ સાથે પસાર થયા.પરંતુ એકદિવસ કોઇ કારણસર આકાશ ઓફિસ ના આવ્યો ત્યારે ધરાને આકાશની ખોટ વર્તાય. તેમને આકાશ ની કમી મહેસુસ થઇ અને તેના પ્રેમનો અહેસાસ થયો. બીજે દિવસે જ્યારે આકાશ ઓફિસે આવ્યો કે તરત જ ધરા એ તેના પ્રેમ પ્રસ્તાવનો સ્વીકાર કરી અને હા પાડી દીધી.
ધરા અને આકાશ નો પ્રેમ શરૂ થયો. હરવું-ફરવું સાથે બેસી વાતો કરવી. અમને એમ દિવસો વિતતા ગયા .બંને નો પ્રેમ ગાઢ બનતો રહ્યો. એક દિવસની વાત છે જ્યારે આકાશ ધરા ને મળવા જઈ રહ્યો હતો .ધરા તેની રાહ જોઈ રહી હતી. અડધી કલાક રાહ જોયા પછી તેણે આકાશ ને ફોન લગાવ્યો. બે-ત્રણ વાર ફોન ની રીંગ પૂરી થઈ છતાં આકાશ નો ફોન ઉપાડ્યો નહી એટલે ચિંતાતુર થઈ તે આકાશ ના ઘરે દોડી આવી..ઘરમાં પગ મૂકતાં જ તેમને જોયું કે આકાશમાં મમ્મી રડી રહ્યા હતા. ઘરના સર્વ ચિંતાતુર હતા. આકાશ ના રૂમનો દરવાજો ખૂલી રહ્યો ન હતો ને અંદરથી કોઈ જવાબ ન મળી રહ્યો હતો. અંતે દરવાજો તોડીને સહુ અંદર ગયા ત્યાં નું દ્શ્ય જોઇ બધા અવાક રહી ગયા.આકાશ બેભાન અવસ્થામાં પડ્યો હતો તેના મુખમાંથી ઘણું લોહી વહી ગયું હતું .કોઈને કંઈ સમજાયું નહોતું રહ્યું કે અચાનક શું થઇ ગયું તરત જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
ધરા તો આ બધું જોઈ એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી તે કંઈ સમજી શકતી ન હતી કે આ અચાનક શું થયું ???આકાશ ના મમ્મી પપ્પા સાથે તે પણ હોસ્પિટલે ગઈ.
હોસ્પિટલમાં કલાકો ના નિદાન સીટી સ્કેન અને રિપોર્ટ પરથી ખબર પડી કે આકાશને લીવર બ્લોકેજ (ORTAL CAVERNOMA) નામની બીમારી છે. ડોક્ટરના કહેવા મુજબ તે ખૂબ જ ગંભીર બીમારી છે . અને જે આકાશ ને વારસામાં મળી હતી અને આજે 25 વર્ષે ડિટેકટ થઇ હતી. અઠવાડિયા સુધી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી ધરા પણ આ સાત દિવસ સુધી આકાશના પરિવાર સાથે જ હોસ્પિટલમાં રહી .આ રોગની ગંભીરતા અને જણાવતા ડોક્ટરે કહ્યું કે અન્નનળીમાં કાણા પડી ગયા છે ઓપરેશન કરવું પડશે ઓપરેશન પછી પણ દર વર્ષે એન્ડોસ્કોપી કરાવી પડશે.
હિમોગ્લોબીન વધવુ ન જોઈએ, વજન વધવું કે ઘટવું ન જોઈએ. ભોજનમાં મીઠું કે તીખાશ વધી ન જાય નહિતર એ એમના માટે જીવલેણ બની શકે છે. આ બધું સાંભળીને તો આકાશ ના પરિવાર પર આફતનું આભ તૂટી પડ્યું. એકદમ ભારે હૃદયે ધરા પણ ઘરે ગઈ .ડોક્ટરની વાત થી તેમની ચિંતા ઘણી વધી ગઈ તેને આખી રાત ઉંઘ ન આવી.
ઓફિસ માં બધા ને એવું લાગતું હતું કે હવે ધરા બ્રેકઅપ કરી લેશે પરંતુ બ્રેકઅપ ન તો તેમને સપને પણ વિચાર ન આવ્યો. અને તેમણે આકાશનો જીવનભર સાથ આપવા માટે પોતાને વધુ ને વધુ મક્કમ બનાવી તેમનો પ્રેમ બીજાથી કંઈક અલગ જ હતો .
ધરાના મતે પ્રેમની વ્યાખ્યા કંઈક અલગ જ હતી પ્રેમ એ માત્ર હરવા, ફરવા કે મોજ મસ્તી માટે જ નથી હોતો.પરંતુ દિલ અને લાગણીઓથી જોડાયેલો આ સંબંધ કપરા સમયમાં અને સંજોગ ના તાપ માં વ્યકિત ની પડખે અડીખમ ઉભા રહી પ્રેમ હુંફ થી મુશ્કેલીઓનો સામનો કરવા મકકમ હતો.
દસેક દિવસની રિકવરી બાદ આકાશ ઘરે આવતા જ ધરા એ તેમની આગળ લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને તેમના મમ્મી પપ્પા ને ઘરે વાત કરવા મોકલવાનું કહ્યું .આકાશ સમજી શકતો ન હતો કે આવા સમયે પોતે શું નિર્ણય લેવો. તેમણે ધરાને સમજાવવાની ઘણી કોશિશ કરી કે પોતે આ બીમારીની ગંભીરતા ને સમજે અને આકાશને ભૂલી કોઈ સારો છોકરો શોધી તેમની સાથે લગ્ન કરી લે. પરંતુ ધરા એમ કંઈ પીગળે તેમ ન હતી તે તેમના નિર્ણય ઉપર અડીખમ હતી. તેમણે તરત જ આકાશ ને કહ્યું કે જો કદાચ મારી સાથે આવું થયું હોત તો તું શું મને છોડીને ચાલી જાત????. આકાશ પાસે કંઈક શબ્દ ન હતા ઘરાના આ પ્રશ્નના.
અંતે આકાશ અને ધરાના ધૂમધામથી લગ્ન થયા. નિયમિત પરેજી અને સ્વાસ્થ્યની દરકારને લીધે બહુ ટુંકા સમય માં આકાશ 90% રિકવર થઈ ગયો .
આફત ના વંટોળ સમી રહ્યા હતા ત્યા જ આકાશ ને ધરા ના પ્રેમ ની કસોટી લેવા જ જાણે કોરોના આવ્યો.જોતજોતામાં કોરોના મહામારી ને લીધે lockdown આવતા આકાશ ને ધરા ની નોકરી છૂટી ગઈ .ધરા અને આકાશ પર આફત ના વાદળો બંંધાયા પણ એ ક્યાં કોઈ આફતમાં તૂટી જાય તેવા હતા.
તે તો ધરા હતી!
તેમણે આકાશને પણ તૂટવા ન દીધો બંને સાથે મળીને જીવનની આ મુશ્કેલીઓના વંટોળ ને પ્રેમમાં પરિવર્તિત કરી દીધું આ સમયમાં તેમણે જંતુનાશક નામે પેસ્ટ કન્ટ્રોલ અને સેનિટેશન નો વ્યવસાય શરૂ કર્યો.ધરા એ પોતાના દાગીના પર ગોલ્ડ લોન લીધી ને આકાશ ને આર્થિક રીતે નબળો પડવા ન દીધો. ધરા એ આકાશને પૂરતો સાથ અને સહકાર આપ્યો .ધરા એ પણ ઘરે માસ્ક બનાવવાનું કામ શરૂ કર્યું. બંનેના સહિયારા પ્રયાસથી તેનો બિઝનેસ સારો ચાલવા લાગ્યો.તેને ખૂબ જ સારું વળતર પણ મળ્યું અને તેમનો ધંધો ને પ્રેમ વધુ ને વધુ મહેકવા લાગ્યા. આકાશ નો ધંધો ખુબ જ સારો જામી ગયો..
આમ ધરાને આકાશના જીવનમાં તકલીફો ને મુશ્કેલીઓના વંટોળ તેમના પ્રેમ અને લાગણીની સામે ટકી ન શકયો. તેમના જીવનમાં ફરી પ્રેમ હુંફ અને લાગણી એમ જ સદાયને માટે ખીલી રહી.પ્રેમ પરિવાર ની હુંફ બની મહેકવા લાગ્યો.ને જોતી જોતામાં તેમાં સુકોમળ કુંપળ રૂપી ભુલકા ની કિલકારી ઓ પણ ગુંજવા ના સમાચાર મળી ગયા.
આજે આપણે સમાજમાં છાશવારે દિલ બેસતા અને ન ફાવે તો બીજા દિવસે બ્રેકઅપ કરતા હજારો યુવાનો અને યુવતીઓને જોઈએ છીએ ત્યારે ખરેખર પ્રેમ, લવ ,લાગણી સંબંધ આ બધા શબ્દો પરથી વિશ્વાસ ઉઠી જાય છે ,પરંતુ ધરા અને આકાશ જેવા સદાય પ્રેમ, લાગણી થી જોડાયેલા પ્રેમના વાસંતી સ્વરૂપને જોઈએ ત્યારે ખરેખર સમજાય કે સાચો પ્રેમ શું હોય છે.?
ખરેખર! પ્રેમની સાચી મહેક તો ખરા અને આકાશના ઉદાહરણ દ્વારા જ આપણને મળી રહે છે.
,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
-નયના વિરડીયા