ભગવાન શિવજીના શ્રાવણ માસનો મહિમા અધ્યાત્મની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છેહિંદુ ધર્મ શાસ્ત્રોમાં ધર્મ ધ્યાન, અધ્યાત્મની દૃષ્ટિએ શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. શ્રાવણ માસ ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે. આખરે શા માટે?
સનતકુમારોએ ભગવાન શિવજીને શ્રાવણ માસ પ્રિય હોવાનું રહસ્ય પૂછ્યું ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે દેવી સતીએ પોતાના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિ દ્વારા શરીરનો ત્યાગ કર્યો હતો. તેના પહેલા દેવી સતીએ દરેક જન્મમાં હું પતિ રૂપે એમને મળું એવું સંકલ્પ કર્યું હતું અને બીજા જન્મમાં હિમાલય અને રાની મેનાના ઘરે પાર્વતીના નામથી એમનો જન્મ થયો અને યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કઠોર ઉપાસના કરી પતિ સ્વરૂપે મને પ્રાપ્ત કર્યો. જેથી શ્રાવણ માસ મને ખૂબ જ પ્રિય છે.
શાસ્ત્રીય ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવે શ્રાવણ મહિનામાં જ પૃથ્વી પર અવતાર લીધું હતું અને પોતાના સાસરામાં ગયા હતા. ત્યાં તેમનું પવિત્ર નદીઓના જળથી જલાભિષેક કરવામાં આવ્યું. જેથી શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. પૃથ્વીવાસીઓ માટે આ મહિનામાં ભગવાન શિવની ઉપાસના કરી શિવજીની કૃપા મેળવવાનું વિશેષ મહત્ત્વ છે.
તે સિવાય પણ...
શ્રાવણ મહિનામાં જ સૃષ્ટિ ઉત્પત્તિ પછી સમુદ્રમંથન વખતે જીવ માત્રની રક્ષા માટે ભગવાન શિવે વિષપાન કર્યું અને વિષપાનના કારણે ભગવાન શિવનો કંઠ નીલ વર્ણનો થઈ ગયો હતો. તેથી ભગવાન શિવ 'નીલકંઠ' નામથી ઓળખાય છે અને એ ઝેરમાંથી મુક્ત થવા માટે આ શ્રાવણ મહિનામાં શિવલિંગ પણ જળ, દૂધ-પાણી, બીલીપત્ર, તલ, દહીં, પંચામૃત ચઢાવાનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ મહિનો હંમેશા ચતુર્માસમાં આવે છે અને ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોય છે અને સૃષ્ટિના સંચાલનનું ઉત્તરદાયિત્વ પણ ભગવાન શિવ ગ્રહણ કરે છે. જેથી શ્રાવણ મહિનાનું મહત્ત્વ વધી જાય છે.
શ્રાવણ મહિનામાં સમસ્ત સૃષ્ટિ શિવમય બને છે. પાપકર્મોમાંથી મુક્ત થવા માટે ભગવાન શિવની ઉપાસના ખૂબ જ મહત્ત્વની હોય છે. આ મહિનામાં ભગવાન શિવની ઉપાસના અનેક સ્વરૂપોમાં કરવામાં આવે છે. અર્ધનારીશ્વર રૂપ, પંચમુખી શિવ સ્વરૂપ, દશભુજ સ્વરૂપનું પણ મહત્ત્વ છે. તે સિવાય દ્વાદશ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં સ્વયં ભગવાન શિવ પૃથ્વી પર બિરાજે છે.
આ દશભુજ સ્વરૂપના દર્શન કરવા માત્રથી અનેક કષ્ટોમાંથી મુક્ત થઈ શકાય છે. આ દશ ભુજાઓમાં વિવિધ શસ્ત્ર ભગવાને ધારણ કર્યા છે. તેમાં એક હાથથી ભગવાન શિવ અભય વરદાન આપે છે. જ્યારે શૂળ, વ્રજ, ટંક, પાશ, અંકુશ ખડગ, ઘંટ, નાદ અને અગ્નિ બીજા હાથોમાં ધારણ કરેલા છે. ભગવાન શિવ ત્રિશૂળધારી હોવાથી મનુષ્યને ત્રિજન્મોમાંથી મુક્તિ મળે છે. પંચતત્ત્વ શુદ્ધ થાય છે. ત્રિદોષ શમન થાય છે અને વાત પિત્ત કપ બેલેન્સ થાય છે.
ભગવાન શિવ આકાશ તત્ત્વ સ્વરૂપે સર્વત્ર વ્યાપ્ત છે. ભગવાન શિવજીની સ્થાપના ઘર અથવા ઈન્ડસ્ટ્રીઝમાં કરવાની હોય તો ઈશાન્ય કોણમાં ભગવાની સ્થાપના કરવી જોઈએ. ભગવાન શિવે ચંદ્રને મસ્તિષ્ક પર ધારણ કર્યો છે અને તેઓ ચંદ્રના કિરણો દ્વારા સૃષ્ટિ પર અમૃત વર્ષા કરે છે. ભગવાન શિવનું સ્વરૂપ રુદ્ર સ્વરૂપ પણ છે જેથી એમની પ્રલયના દેવતા પણ કહેવામાં આવે છે.
ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. ભગવાન શિવ પોતે દરિદ્ર હોવા છતાં બધી સંપત્તિના, ત્રણેય લોકના સ્વામી છે. વાયુ પુરાણમાં લખ્યું છે કે ભગવાન શિવના કોઈ પણ સ્વરૂપનું પૂજન, ધ્યાન માત્ર કરવાથી જીવ માત્ર અનેક કષ્ટોમાંથી મુક્ત થઈ મોક્ષ ગતિ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શિવની પૂજા અદ્દભૂત છે. માનસિક પૂજા પણ ચમત્કારિક છે. મનથી સમર્પિત થઈ પૂજા કરતા વ્યકિત અનેક પાપોમાંથી મુક્ત થાય છે.
ભગવાન શિવને સર્વજ્ઞ કહેવામાં આવે છે. કારણ કે તેઓ ત્રિકાળદર્શી છે.આમ શિવજી સામાન્ય ભક્તથી માંડીને દેવોના પણ દવે એટલે કે મહાદેવ છે. એમાં પણ શ્રાવણ મહિનો આવે એટલે માનવ હૈયામાં પ્રેમમંદિરો રચાય છે અને શિવમંદિરો પણ મંડિત થાય છે. એકમાં પ્રેમની ભીનાશ પ્રગટે છે તો બીજામાં ભક્તિની ભીનાશ ભક્તહૃદયને ભીંજવે છે. માનવ અને મહાદેવ પ્રેમ અને ભક્તિના સેતુથી જોડાય છે. પ્રેમ વિના માનવ, માનવીને કે મહાદેવને ન મેળવી શકે. શિવ તત્ત્વ કે શ્રેયતત્ત્વ ન પામી શકે. આ સિવાય માનવજીવનને ભક્તથી ભીંજવે એવું એક સ્તોત્ર તે શિવમહિમ્ન સ્તોત્ર.
આ સ્તોત્રના પાઠ શ્રાવણ માસ દરમિયાન ખાસ કરવા જોઈએ.
આમ આ શ્રાવણ માસ શિવ પૂજા માટે, શિવ ગુણો માટે અને શિવના ગુણો પોતાના જીવનમાં ઉતારવા માટે શ્રાવણ માસ એ શ્રેષ્ઠ સમય છે.
જય ભોલનાથ🙏🙏🙏