શિર્ષક: અજાણી શક્તિ
"લ્યો, આવી ગયો બૈજુ બાવરો...હાં હાં હાં" સંદીપ જાણે ઘમંડથી પોતાની બડાઈ હાંકી રહ્યો હોય તેમ પોતાનાં ગ્રુપમાં બોલવા લાગ્યો.
"આ નીલને એવું તો શું થયું કે એકદમ જ બદલાઇ ગયો છે?મારે તેને પુછવું જોઈએ. પણ મારે નીલ સાથે કાંઈ ખાસ મિત્રતા જેવું નથી. કદાચ નીલને નહીં ગમે તો? કાંઈ વાંધો નહીં, હું પુછીશ" મનમાં ને મનમાં હું આ વિચાર કરવા લાગ્યો.
"નીલ...ઓ નીલ. કેમ છે ભાઈ?મજામાં ને?" મેં પુછ્યું.
"મજા...મજા...હંફ...હું મજામાં છું કે નહીં તને શું કામ છે? આવું... હંફ... આવું પુછવાની જરુર નથી...નથી...જય સમજ્યો કે...જય જ નામ છે ને તારું...ભલે ને ગમે તે નામ હોય. મારે શું?" થોથવાતા અવાજે અને નજર બીજી તરફ રાખીને જતાં જતાં નીલ બોલ્યો.
"તું પણ જય, તને શું જરૂર છે યાર? આ બાવરાને બોલાવવાની. ચાલ કેન્ટીનમાં જઈએ" અંકિત બોલ્યો.
નીલ કોલેજમાં આમ તો મારો સિનીયર પણ હમણાં બે વર્ષ ડ્રોપ આવવાથી મારો જુનિયર બની ગયો. જ્યારે ફ્રેશર પાર્ટીમાં પહેલીવાર મળ્યાં ત્યારે અમારી વચ્ચે માત્ર હાય-હેલ્લો જ થયું. પણ જો તેનું શબ્દચિત્ર આપું તો ગોરો વર્ણ,ભૂરી આંખો,થોડાં આછા ભૂરા વાળ, અને નીલ ફોરેનર જેવો લાગે. પણ આજે નીલની આ હાલત!!! મેલાં કપડા, અસ્તવ્યસ્ત વાળ, દાઢી વધેલી ચેહરા પર નૂર નહીં. જાણે ચંદ્રને ગ્રહણ હોય એવું લાગ્યું. આટલો ભૂતકાળ વાગોળતાં હું વર્તમાનમાં આવી પહોંચ્યો.
થોડી ઘણી તપાસ કરતાં જાણવા મળ્યું કે "એક વર્ષ પહેલાં નીલનાં પપ્પાનું અવસાન થયું હતું, નીલનાં પરિવારમાં મમ્મી અને નાની બહેન. સગા સંબંધીઓનાં થોડા પ્રશ્નો હતાં એટલે નીલને બહું કોઈનો સહકાર નહીં. નીલને પપ્પાના અવસાનનું અત્યંત દુ:ખ હતું અને તે કોઈની પાસે દિલ ખોલીને રડી પણ શકે તેમ ન્હોતો.
તેવામાં અમારી કોલેજમાં આરતીએ એડમિશન લીધું. આરતી અમારી જુનિયર. તેને પહેલી વખત જોતાં જ નીલને તે પસંદ આવી ગઈ અને થોડી ઉતાવળ કરી બેઠો, નીલ એ ત્રણ-ચાર દિવસમાં જ પ્રેમનો એકરાર કરી નાખ્યો, પણ આરતીએ નીલને અપમાનજનક શબ્દોમાં નાં કહીં, એટલું જ નહીં, પણ પોતાનાં ભાઈ અને ભાઈનાં મિત્રો પાસેથી નીલને ધમકાવ્યો. હવે નીલનાં રૂમ પાર્ટનર અને ક્લાસના મિત્રો પણ નીલની મજાક ઉડાવતાં. બસ, નીલને આ જ વાત મનમાં ઘર કરી બેઠી" આટલી હકીકત મારા મિત્ર અંકિતે મને જણાવી.
-----*****-----
"હેલ્લો... કેમ છો નીલ?"બીજાં જ દિવસે મેં કોલેજમાં જતાં જતાં પુછ્યું.
"જય...તું મને...મને કેમ બોલાવે...બોલાવે છે?મારાં બધાં રૂમ પાર્ટનર...પાર્ટનર પણ મને...મને છોડીને જતાં રહ્યાં છે. મને એકલો...એકલો રહેવા દે" નીલએ કહ્યું.
"નીલ, જો હું તારી મદદ કરવા માંગુ છું. મને તારો પ્રોબ્લેમ તો જણાવ, હું શકય હશે તેટલી મદદ કરીશ" મેં કહ્યું.
કોણ જાણે એવી કઈ અજાણી શક્તિ કે લાગણી હતી જે મને નીલની મદદ કરવા તરફ ખેંચી રહી હતી.
"આ આરતી...હંફ આરતી...આરતી...મારૂં એન્જીનીયરીંગ બગાડયું...આરતીએ જ...હવે હું નહીં ભણી શકું... મારા મમ્મી અને બહેનનું શું થશે? હું... હંફ નહીં ભણી શકું... આ આરતી...આરતીનાં લીધે...આરતી ભૂત બનીને...ઉડીને કોલેજનાં ગેટ સુધી આવે અને પછી... ગેટ પછી તે ચાલવા લાગે... એટલે બધાંને...બધાંને તે નોર્મલ લાગે... મેં આ વાત પ્રિન્સિપાલને પણ કરી...કરી...પણ તેં મને ગાંડો કહે છે... ગાંડો!" નીલ આટલું બબડ્યો.
"આજે સાંજે તું મારાં રૂમ પર આવજે. હું તારી મદદ કરીશ" મેં કહ્યું.
નીલ સાંજે સમયસર મારા રૂમ પર પહોંચી આવ્યો, એટલે મને એટલો અંદાજો આવી ગયો કે લોકો માને છે તેમ નીલ કાંઈ પાગલ નથી.
"મારે નીલનું કાઉનસિલીન્ગ કરવાનું છે. મને સૌથી સરળ રસ્તો ઇશ્વર વિશેની શ્રદ્ધાનો લાગ્યો, કારણ કે ઈશ્વરીય શ્રધ્ધા બહું જ સેન્સીટીવ વિષય છે અને વળી મગજનાં સોફ્ટ કોર્નરમાં સીધી જ અસર કરે. નીલનાં મગજમાં પહેલેથી જે ઘા લાગેલો છે તેમાં કદાચ આ રીત મલમનું કામ કરી જાય. કદાચ મારો આ કીમિયો નિષ્ફળ પણ નીવડે" હું મનોમન વિચારવા લાગ્યો. પણ પછી પોઝિટિવ વિચાર રાખીને મેં આ પ્રયત્ન કરવાની શરૂઆત કરી.
"લે નીલ, આ લે"
"શું છે આ?"
"જો તને મારા પર વિશ્વાસ છે?" મેં કહ્યું
"વિશ્વાસ!!!...નક્કી...કાંઈ નક્કી નહીં. તું શું...શું...શું આપવા માંગે છે?"
"જો નીલ, આ પંચમુખી હનુમાનજીની છબી છે, તું આ છબીને તારા પૂજાપાઠની જગ્યાએ અથવા સ્ટડી ટેબલ ઉપર રાખજે. અને આ બીજું, હનુમાનજીનાં મંદિરની ભભૂત(ખાખ) છે, તું આ ખાખને સવાર સાંજ તારા માથા પર લગાવજે, બધું બરાબર થઈ જશે. હનુમાનજી બધું બરાબર કરશે" મેં વિશ્વાસપૂર્વક કહ્યું.
એ હનુમાનજીની છબી અને ખાખ લઇને નીલ ત્યાંથી નીકળી ગયો.
-----*****-----
હવે એક મહિનાનું વેકેશન શરૂ થયું એટલે હું પણ ઘરે આવવા નીકળી ગયો અને કદાચ નીલ પણ ઘરે ગયો હશે. વળી એ વખતે દરેક પાસે મોબાઇલ ફોનની સગવડ ન્હોતી, કે હું નીલની તબિયત પુછી શકું. આ વખતે હું જલ્દીથી વેકેશન પુરું થવાની રાહ જોઈ રહ્યો હતો.
એક મહિનાનું વેકેશન પુરું થતાં પાછા કોલેજમાં આવતાં નીલમાં ઘણાં ફેરફાર જોવા મળ્યાં.
"જય, થેન્ક યું યાર. તારા લીધે હવે મારી તબિયતમાં ઘણો સુધારો લાગી રહ્યો છે. હવે ફરી ભણવાની ઇચ્છા થાય છે અને ધીરે-ધીરે બધું નોર્મલ લાગે છે. ફરીથી થેન્ક યું યાર..."નીલ ભીની આંખે બોલ્યો.
"કાંઈ નહીં યાર, ઈશ્વરમાં શ્રધ્ધા અને પોઝિટિવ એનર્જીનું જ આ પરિણામ છે. બધી જ શક્તિ આપણી અંદર છે, આપણે માત્ર તેને ઓળખવાની છે" હું માત્ર આટલું જ બોલી શક્યો.
એ દિવસે બપોરે મને નીલનાં મમ્મીનો પણ ફોન આવ્યો અને એમણે મારો આભાર વ્યકત કર્યો.
"સંદીપ, ક્યારેય કોઈની મદદ ન થાય તો પણ કોઈની પરિસ્થિતિની ખીલ્લી ન ઉડાવવી જોઈએ" બીજા દિવસે મેં આઠ-દસ મિત્રોની સામે, નીલને પોતાની સાથે ઉભો રાખીને કહી નાખ્યું.
આજે વીસ વર્ષે પણ હું અને નીલ સંપર્કમાં છીએ. આજે પણ ક્યારેક નીલ મારો આભાર માને છે.
મને આજે પણ વિશ્વાસ છે કે નીલનું નોર્મલ થવું એ માત્રને માત્ર સાયકોલોજીકલ હીલિંગ અને નીલની નોર્મલ થવાની ઇચ્છાશક્તિ જ હતી. બાકી કોઇ આ બાબતને ઈશ્વરીય ચમત્કાર સાથે પણ જોડી શકે.
© સાગર ઓઝા
મોબાઈલ નં. 9429562982
ઈમેઈલ: ozasagar@gmail.com
આપ આપના પ્રતિભાવો મને વોટ્સએપ કે ઈમેઈલ મારફતે પણ મોકલી શકો છો.