Dubai Pravaas - 1 in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | દુબઈ પ્રવાસ - 1

Featured Books
Categories
Share

દુબઈ પ્રવાસ - 1

દુબઈ મુલાકાત દિવસ 1.
દુબઈ આ વાંચનારા ઘણાખરા જઈ આવ્યા હશે. હું પહેલી વાર ગયો. વળી અહીથી ટ્રાવેલવાળા ગ્રુપ બુકિંગ કરી લઈ જાય તે અને પોતે ખાલી સાડા ચાર માણસોનું કુટુંબ જાતે જઈએ એમાં બધી વસ્તુઓનો ફેર પડે. બુકિંગ અને ફરવામાં એ પણ ધ્યાન રાખવાનું હતું કે સાથે એક 5 વર્ષનો બાબો અને એક 6 મહિનાની બેબી હતી અને અમે બે સિનિયર સિટીઝન હોવા ઉપરાંત ત્યાંથી અમદાવાદ પરત આવવાનાં હતાં તેથી ટ્રાવેલ પ્લાન, ઉતરવું, સાઈટ સીઈંગ બધું વિચારીને વધુ સગવડ રહે તેમ કરવાનું હતું.
 
પ્રથમ એ વાત કરું કે હું મારા પુત્રને ઘેર મસ્કત 2016થી આજ સુધીમાં પાંચ વાર ગયો છું. તે મસ્કત 2015 થી છે. મસ્કત અને ઓમાનમાં ઘણું જોયું પણ માત્ર 450 કિમી અને અહીંની સ્પીડે કારમાં તો સાડાચાર કલાક જ થાય છતાં છેક આ વખતે દુબઈ જઈ શક્યાં. કેમ કે મસ્કત છે તે ઓમાન અને દુબઈ છે તે UAE અલગ દેશો છે. દુબઈ જવા મસ્કતથી વિઝા પર એકઝિટ સ્ટેમ્પ લાગે એટલે મસ્કત ન અવાય અને ભારતથી દુબઈ જવા ઓમાનનો વિઝા ન ચાલે.
કેટલીક દ્વિધાઓ હતી. કોઈની ઓફિસ ઓમાન અને દુબઈમાં હતી તેમણે કહ્યું કે વિઝા વગર ઓમાનનું રેસિડન્ટ કાર્ડ ધરાવતી વ્યક્તિ જઈ શકે. તપાસ કરતાં ખબર પડી કે તેણે અને અમારે તો ખાસ, દુબઈ જવા અલગ વિઝા જોઈએ. ઉપરાંત આ વખતે કોવીડ ઇંસ્યોરન્સ ના અલગ. અમારા એક વ્યક્તિના મસ્કતથી યુએઇના ખાલી વિઝાના ઇન્સ્યોરન્સ સાથે 7600 રૂ. જેવા થયા. બસના 10 રીયાલ એટલે 2200 જેવા અલગ.
મસ્કતથી કારમાં સીધો રસ્તો છે પણ વાતો સાંભળેલી કે લોકો અમુક જંક્શન પર ભૂલા પડી શારજાહ કે અબુધાબી પહોંચી ગયેલા. કોઈકે કહ્યું કે તેઓ પ્રોફેશનલ ડ્રાઈવર લઈ દુબઈથી આવવા નીકળેલા અને ત્રણેક કલાકમાં તો મસ્કત જતો રસ્તો આવી ગયો. ડ્રાઈવરે જાણીતો ફ્લાય ઓવર પણ પકડી લીધો. પછી દોઢેક કલાક સુધી મસ્કત આવ્યું નહીં. તેને ખ્યાલ આવ્યો કે ફ્લાયઓવર પાસે ચીપિયા જેવો વળાંક છે ત્યાં તેઓ ફરી દુબઈના રસ્તે ચડી ગયેલા અને બોર્ડર આવવાની તૈયારી હતી. એટલે અમે પુત્રની ટોયોટા કૅમરી બીચ પર, જબાલ અખધરના પર્વત પર ને રેતીમાં ચલાવી છે, અલ અશકારા રણ અને ખડકો વચ્ચેથી ગયેલાં પણ તેમાં દુબઈ જવાનું સાહસ ખેડ્યું નહીં. પુત્ર પણ આખા ઓમાનમાં ફર્યો છે પણ દુબઈ 2016 માં ગયેલો પછી અમને બતાવવા ખાસ જુલાઈ 2022 માં જ આવ્યો.
મસ્કતથી કારમાં દુબઈ જવું હોય તો ટુ, ફ્રો 35 રીયાલ જેવું પેટ્રોલ થાય. 3 રીયાલ કારનો અલગ ટ્રાનઝિટ ઇન્સયોરન્સ લેવો પડે. બરાબર રહ્યું તો સાડાચાર કલાકમાં પહોંચાય. પ્લેનની ટિકિટ ત્યારે એક વ્યક્તિના 35 થી 40 રીયાલ એટલે 7 થી 8000 રૂ. મસ્ક્તથી હતી જેમાં દોઢ કલાક થાય. એરપોર્ટ બેય જગ્યાએ થઈ એ ના એ ચાર કલાક થાય.
અમે ખંજરી ટ્રાવેલની એક વ્યક્તિના 10 રીયાલ ટિકિટ લીધી. 5 વર્ષના બાબાની 8 રીયાલ. સરકારની મવાસાલાત એટલે એસ. ટી. કહો (આમ તો શબ્દ મસલત છે) બસ હતી તેમાં એક વખત ડ્રાઈવરની સીટ નીચે હતી અને પ્લેટફોર્મ ચડી 2 x 2 સીટો હતી તેમાં કોઈ બોર્ડ જોવાનું ડ્રાઈવર ચૂક્યો અને તે તો ઝૂકી ગયો, બોર્ડનું લોખંડ એક સાઈડના બધા લોકોનું ધડ અલગ કરી ડોકા કાપતું ગયેલું એટલે ત્યારથી મવાસાલાતની બસો દુબઈ જતી નથી.
પુત્રએ ઓનલાઇન ગોલ્ડન સેન્ડ 5 હોટેલ એપાર્ટમેન્ટ બુક કરાવેલ જે બર દુબઈ વિસ્તારમાં છે. આ ગોલ્ડન સેન્ડ 1 થી 15 હોટેલ એપાર્ટમેન્ટનાં મકાનો છે. મોટી ચેઇન. હોટેલમાં સ્વિમિંગ પૂલ, જીમ, એકલા શાંતિથી બેસવું હોય તો દરેક ફ્લોર પર તેવા એરિયા, બ્રેકફાસ્ટ included જેમાં બે ત્રણ જાતના જ્યુસ, અલગઅલગ ફ્રૂટ જેવાં કે એક દિવસ ડ્રેગન ફ્રૂટ હતું તો ઓલિવ, એપલ, પાયનેપલ, દ્રાક્ષ, ટેટી જેવું ફ્રૂટ, ચેરી વગેરે, પૌવા કે ઉત્તપમ, ઈડલી, પાતળી સ્લાઈસ અલગઅલગ બીફ (જોઈએ તેને), પ્રિન્ટરમાં કાગળ જાય તેમ ફીડ થઈ શેકાઈને પ્રિન્ટ આઉટ આવે તેમ નીચેથી આવતી ટોસ્ટબ્રેડ સાથે મધ અને જામ, એગ અને ઓમલેટ , બ્લેક ટી, બ્લેક કોફી, ફ્લેવર્ડ ટી કે કોફી, બાળકો માટે કોર્ન કે ચોકો ચિપ્સ સાથે હોટ મિલ્ક બધું હતું.
 
આવતાં રિસેપ્શન એરિયામાં બે મોટી બરણીમાં લીંબુ નીચોવેલ કાકડીના કટકા ને બીજીમાં ઓરેન્જ કે ત્યાંના લીંબુની ચીરો પાણીમાં ડૂબેલી હોય. પાસેથી પેપર કપ લઈ તે પાણી જોઈએ તેટલું પીવાનું.
રિસેપ્શન પાસે બિઝનેસ સેન્ટર હતું જેમાં 3 4 ક્યુબિકલ સાથે કોમ્પ્યુટર, નેટ વગેરે હતું. રૂમમાં ચા કે રસોઈ બનાવવી હોય તો તે અને કપડાં ધોવા વોશિંગ મશીન, ફ્રીજ પણ હતાં.
અમે સવારે 6 વાગે બસ સ્ટાર્ટ થઈ અને એક વિરામ 9.30 આસપાસ ચા પાણી અને વોશરૂમ માટે લીધો. બસ 10.40 ના તો ઓમાન યુએઈ વચ્ચેની હત્તા બોર્ડર આવી પહોંચી. ઓમાનમાંથી સહુના પાસપોર્ટ કાઢી, વીસા જોઈ એક્ઝિટના સ્ટેમ્પ લગાવ્યા. એક બંધુ પાસે કાઈંક વાંધાજનક હતું તેમને બેસાડી રાખી 11.10 ના તો રવાના. પાંચ મિનિટમાં યુએઇ ની એન્ટ્રી આવી અને માઠી બેઠી. બધા જ પેસેન્જરોએ પોતાની બેગો ને થેલાઓ લઈ લાઈનમાં ઉભવાનું. એક જાડિયો આરબ પોલીસ જેને ઠીક પડે તેને લાઇનમાંથી બહાર કાઢી બોલાવે. બધાના દરેક સામાનની એક એક ચીજ બહાર કાઢી ચેક થાય. કેટલાકનાં શર્ટ પણ ઉતરાવ્યાં. હું દોડીને ત્રીજા કે ચોથા નંબરે ઊભેલો તે છેક છેલ્લે મને બોલાવ્યો. અહીંથી નીકળતાં 12.40 થઈ. દોઢ કલાક! બહુ ઉત્સાહી ત્યાંની પોલીસ!
પ્લાન તો ત્યાં ઉતરી હોટેલ પહોંચી ક્યાંક લંચ લઈ બુર્જ ખલીફા બપોરે 3 નો સ્લોટ ઓનલાઇન બુક કરેલો તે જોવા જવું એમ હતો પણ બસ એની ઓફિસ પહોંચી 1.45 વાગે. તરત અહીંની જેમ ટેકસીવાળાઓ ઘેરી વળ્યા. પુત્રએ કરીમ કંપનીની ટેકસી બુક કરવાનું કર્યું જે આવતી ન હતી. આખરે કોઈને ના પાડેલી તેને બોલાવ્યો. તેણે આગળ અમને બેસાડી પાછળ ટ્રકની જેમ ખુલ્લામાં અમારી બેગો મૂકી. અમે બે તો અમદાવાદ પરત આવતાં હતાં એટલે મોટી બેગ અમારી જ હતી.
હોટલ પર ચેકઇન કરવા સાથે પુત્રએ બુર્જ ખલીફાની હેલ્પલાઈન પર ખૂબ મહેનતે ફોન લગાવી કહ્યું કે અમે 5 લોકો 3 ના સ્લોટમાં આવી શકશું નહીં અને 3.30 ના સ્લોટમાં ફેરવી આપવું. ટિકિટ સરખી મોંઘી હતી. થોડી મહેનતે તે થયું. પાણી પણ પીધા વગર ટેકસી કરી દોડ્યા. સ્લોટ ફેરવનારે કહ્યું તેમ ફેશન એવન્યુ નામની જગ્યાએથી એ વિશાળ મોલમાં અંદર એન્ટર થવું. અમે ત્યાં ટેકસી ઉભાડી દોડીને પહોંચ્યાં. 3.20. સ્કેન કરતાં 'tickets expired' મેસેજ. આખરે તેમણે અમને સાઈડમાંથી ખોલી એન્ટ્રી આપી.
બિચારો પૌત્ર સવારે 5 નો ઉઠેલો અને ભૂખ્યો, એ પૂરો ઊંઘમાં હતો. જિંદગીમાં એક જ વાર જોવાય એ જગ્યા માટે તેને પરાણે ઉઠાડ્યો અને લીફ્ટમાં 125 મે માળ જવા લાઈનમાં ઊભા.
લિફ્ટ તમે કેટલા મીટર ઉપર ગયા ને કેટલી સ્પીડે તે બતાવે. સાથે બુર્જ ના કંસ્ટ્રક્ષન નો વિડીયો વગેરે ચાલે. દોઢેક મિનિટમાં તો ઉપર પહોંચી પણ ગયાં અને અદભૂત અનુભવ થયો તે આગલા ભાગમાં.
ક્રમશ: