મંગલદાસ અને મોંઘીબેન બંને સામાન્ય મધ્યમ વર્ગીય માનવ. બંનેના માવિત્રોએ ગોઠવેલાં લગ્ન રંગેચંગે થયાં હતાં. મંગલદાસનું એક ખેતર હતું. તેઓ ખેતી કરતા. ધરતીના ખોળે આનંદથી જીવનારા સંતોષી જીવ. અને મોંઘીબેન નામ પ્રમાણે જ ગુણો ધરાવતા, પતિના સુખે સુખી થનારાં અને ફરિયાદને કાળી કોટડીમાં પૂરી તાળું વાસી દઈ, હંમેશા જે મળે તેમાં ખુશી શોધી લેનારાં, થોડાને ઝાઝું કરી હંમેશા હસતા રહેનારાં પરિપૂર્ણ ગૃહિણી. બંને રોજ સવારે ઊઠતાંની સાથે જ પ્રભુને પ્રાર્થના કરી નવો દિવસ આપવા ધન્યવાદ કહેતા અને રાત્રે સૂતાં પહેલાં આજના શુભ કાર્યો પ્રભુના ચરણે અર્પણ અને અજાણતાં પણ થયેલા ખરાબ કામ માટે માફી માંગી પછી જ સૂવું. આ એમનો નિત્યક્રમ હતો.
બંને ખુશખુશાલ જીવન વ્યતીત કરતાં હતાં. સમય વીતતો ગયો. બંનેને સંતાનની ઈચ્છા મનમાં રમવા લાગી. પણ આ ઈચ્છા લાંબે ગાળે પણ પૂર્ણ ન થઈ. સગા સંબંધીઓ, મિત્રવર્તુળની સલાહ અનુસાર ડૉક્ટરોને પણ બતાવ્યું, તબીબી ઉપચાર પણ કરાવ્યા, જોકે બેઉના રિપૉર્ટ્સ નોર્મલ આવ્યા. બંને સંતાનપ્રાપ્તિ માટે સક્ષમ હતાં. છતાંયે પ્રભુ શેર માટીની ખોટ ન પૂરવાની હઠ લઈને બેઠો હોય તેમ મોંઘીબેનને સારા દિવસો ન રહ્યાં તે ન જ રહ્યાં! ડૉક્ટરોએ ટેસ્ટ ટ્યૂબ બેબીની સલાહ પણ આપી, પરંતુ એ માટે બંનેએ તૈયારી ન બતાવી. છેવટે હરીચ્છા પર બધું છોડી બંને દૈનિક વહેતા જીવનમાં પ્રવૃત્ત થયાં. જ્યારે રામના મનમાં વસશે ત્યારે પારણું બંધાશે એ આશાએ જીવન જીવતાં રહ્યાં.
વખતના વ્હાણાં વાતાં વાર ક્યાં લાગે છે? હવે તો ઉંમર જવાબ આપવા લાગી. મંગલદાસ પચાસ પાર કરી વનમાં પ્રવેશી ચૂક્યા અને મોંઘીબેને સુડતાળીસ પૂરા કર્યા.હવે માતૃત્વ પામવાની ઈચ્છા કદાચ અધૂરી જ રહે એ વિચારે મન પણ વાળવા લાગેલાં. આ ઉંમરે મેનોપોઝનો સમય આવી જાય. અને મોંઘીબેન પણ માસિક ચૂકી ગયા. આથી એમનું મન ખૂબ ઉદાસ થઈ ગયું. એમણે પતિને વાત કરી, "હવે તો વળતા પાણી થયા છે, મારું માસિક પણ જવાને આરે છે, હવે આપણી ઈચ્છા પૂરી નહીં થાય. હું કદી મા ન જ બની શકી. હે પ્રભુ! અમારો એવો શો દોષ હતો કે તેં આટલી મોટી સજા આપી પ્રભુ! " કહીને એમની આંખો અનરાધાર વરસી રહી. મંગલદાસ પણ એમને નિરર્થક આશ્વાસન આપી હૈયે વલોવાતાં રહ્યાં. આમ ને આમ બે મહિના વીતી ગયા. મોંઘીબેનને જીવમાં બેચેની ને પેટમાં આછટવિછટ જેવું કંઈક ન સમજાય તેવું થવા લાગ્યું. પણ મેનોપોઝના સમયમાં આવું બધું તો થાય એમ વિચારી એમણે બીજા બે મહિના પસાર કર્યા. હવે તો એમનું પેટ પણ સ્હેજ બહાર દેખાવા લાગ્યું, અને ખાવા પીવાનું પણ ભાવવું ન ભાવવું થવા લાગ્યું. મંગલદાસે સૂચન પણ કર્યું કે "એક વાર ડૉક્ટરને બતાવી આવીએ. માસિક તો બધાને જાય, પણ તને કાંઇક વધારે જ હેરાન કરે છે "
"હોય હવે, બધાને સરખી જ તકલીફ હોય એવું થોડું છે? "કહીને મોંઘીબેન ટાળી ગયાં. પછીના બે માસમાં તો પેટમાં હલનચલન જેવું પણ અનુભવાયું. હવે મોંઘીબેને સામેથી પતિને કહ્યું, "ચાલોને આજે જ ડૉક્ટરને બતાવવા જઈએ. મને કાંઈક વિચિતર અનુભવ થાય છે, શું પેટમાં છોરૂં હશે? "
આ વિચાર બંનેના મોં પર ખુશીની આછી રેખા ચીતરી ગયો. બંને ડૉક્ટરને મળવા ગયા. ચેકઅપના અંતે મોંઘીબેન સાત મહિનાથી પ્રેગ્નેન્ટ છે એવું નિદાન ડૉક્ટરે આપ્યું. એ બંનેની ખુશીનો પાર ન રહ્યો. આજે બંનેની આંખો હર્ષાશ્રુએ અનરાધાર વરસી રહી. પણ મોટી ઉંમરનો ગર્ભ ક્યારેક હાનિકારક પણ સાબિત થાય છે. ડૉક્ટરે પણ એ જ સલાહ આપી. "આ ઉંમરે પ્રેગ્નન્સી મોટેભાગે કોમ્પ્લીકેટેડ હોય છે. કાં તો બાળક કોઈ ખામીયુક્ત જન્મશે. કાં તો બંને માટે જીવનું જોખમ પણ થઈ શકે છે, માટે મારી સલાહ એ છે કે આ પ્રેગ્નન્સીને ડિલિવરી સુધી ખેંચવા કરતાં બહેતર છે કે અબોર્શન કરાવી દો. મોટી ઉંમરે નોર્મલ ડિલિવરી તો શક્ય નથી જ, પણ ઘણા કોમ્પ્લીકેશન્સ આવી શકે છે."
પણ જે ખુશી માટે દંપતિએ આટલા વર્ષોનો ભોગ આપ્યો, જે મમતા વરસાવવા માટે ખૂદ આટલાં તરસી રહ્યાં હતાં, જે મંઝિલને પામવા માટે આટલી લાંબી અને કપરી સફર ખેડી હતી એ મંઝિલ, એ ખુશી હાથવેંત હોય, પછી એને જતી તો કોઈ મૂર્ખ જ કરી શકે. ભગવાને બહુ મોડું, પણ સામે જોયું જ છે તો હવે એ આડું કેમ જોઈ શકે?
મોંઘીબેને પોતાનો અડગ અને અફર નિર્ણય જણાવી દીધો. "ડૉક્ટર સાહેબ, કંઈ પણ થાય, કોઈ પણ ભોગે, છેવટ મારા જીવના ભોગે પણ હું આ બાળકને જન્મ આપીશ. મારી મમતાએ મારા દ્વાર ખખડાવ્યા છે તો હું એને પાછી નહીં જ વાળું. "
મંગલદાસે પણ કહ્યું, ડૉક્ટર સાહેબ, મને મારી પત્ની પર અને તેની શક્તિ પર અટલ ભરોસો છે. એણે જન્મ આપવા ધાર્યું છે તો એ આપશે જ. એની અત્યારથી સારામાં સારી સારવાર અને સારામાં સારા ડૉક્ટર પાસેથી કરાવીશ. ખર્ચની તો બિલકુલ ચિંતા જ નથી. અત્યાર લગી જે કમાયો છું એ આવનાર માટે જ... અને મારી મોંઘી ખમતીધર છે, વાડી-ખેતરના કામ કરનારી છે, પ્રભુ કરશે તો એની સુવાવડ હેમખેમ પાર પડશે. "
બંનેની મક્કમતાથી ખુશ થઈ ડૉક્ટરે શહેરના સારા ડૉક્ટર પર લેટર લખી તમામ પરિસ્થિતિથી વાકેફ કર્યા અને એમને શહેર મોકલ્યા. ત્યાં મોંઘીબેનની સોનોગ્રાફી અને અન્ય જરૂરી ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ ગઈ. જોકે અત્યારે કોઈ એવી ચિંતાજનક વાત નહોતી. સોનોગ્રાફીમાં બાળક પણ નોર્મલ કંડિશનમાં જાણ પડ્યું. એથી થોડી દવાઓ સાથે એ પાછા ફર્યા. નિયમિત ચેકઅપ માટે પણ જતા.
અંતે જેના માટે રોજેરોજ ભગવાનને પ્રાર્થના કરતા, જે માટે અત્યાર સુધી રાહ જોતાં એ દિવસ આવી પહોંચ્યો. મોંઘીબેન લેબરપેઈન સાથે હોસ્પિટલાઈઝ્ડ થયાં. અસહ્ય દુઃખાવો હતો પણ મા બનવાની ખુશીથી વિશેષ નહોતો. આસાન ડિલિવરી પણ નહોતી. ખૂબ સમય વીત્યો. એક આખો દિવસ વીતી ગયો. ડૉક્ટરે સિઝેરિયનની પણ તૈયારી કરી લીધી. મોંઘીબેન પણ થાક્યાં હતાં, પણ હિંમત નહોતા હાર્યા. છેવટે ડૉકટરે નર્સને સિઝેરિયન માટે આદેશ આપ્યો, મંગલદાસની પેપર્સ પર સહી લેવાઈ ગઈ. ડૉક્ટર ઓપરેશન માટે તૈયાર હતા ને અચાનક એક જોરદાર પેઈન અટેક અને મોંઘીબેનની નાનકડી ચીસ સાથે બાળક બહારની દુનિયામાં
આવી ગયું. અચંભા સાથે ડૉકટરે બાળકને હાથમાં લઈ બીજી જરૂરી ક્રિયાઓ સમેટી મોંઘીબેનના મોં પાસે બાળકને લાવી કહ્યું, "જુઓ, તમારું બાળક "પણ મોંઘીબેન બેભાન હતાં. બાળકને નર્સને સોંપી ડૉક્ટર મોંઘીબેનની સારવારમાં વ્યસ્ત થઈ ગયા. સદ્ભાગ્યે પછીની પંદર મિનિટમાં મોંઘીબેન પણ ભાનમાં આવી ગયા.
ભાનમાં આવતાં જ એમણે પોતાના બાળકની પૃચ્છા કરી. ડૉક્ટરે સઘળી હકીકત કહી સંભળાવી. બહાર મંગલદાસ એમના સંતાનનું મુખ જોઈને હરખઘેલા થઈ ગયા. એમનું પિતૃત્વ ઉછળી પડ્યું, સંતાન પર અનરાધાર હેતની હેલી વરસી પડી. એ બાળકને લઈને મોંઘીબેન પાસે આવ્યા અને કહ્યું "જો મોંઘી, આપણું બાળક" મોંઘીબેનની મમતા છલકાઈ ગઈ. છાતીમાંથી ધાવણની ધારા વછૂટી. દિકરાને છાતીસરસો ચાંપી લીધો. શ્રાવણ માસમાં કનૈયાએ જન્મ લઈ યશોદાની ઝોલી મમતાથી ભરી દીધી. દંપતિની આંખો હર્ષાશ્રુએ અનરાધાર વરસી રહી, અને બહાર મેઘો સાંબેલાધારે વરસી આ દંપતિની ખુશીને વધાવી રહ્યો...
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'