૧૩.નવાં અહેસાસ
રોહિણીબેન અને માધવીબેન કિચનમાં જમવાનું બનાવી રહ્યાં હતાં. નિખિલ બહાર ડાઇનિંગની ખુરશી પર બેઠો હતો. નિખિલે શિવને જોઈને એને પોતાની પાસે બેસવા ઈશારો કર્યો. શિવ નિખિલની બાજુની ખુરશી છોડીને એનાં પછીની ખુરશીમાં ગોઠવાયો. અપર્ણા કિચનમાં આવતી રહી. કિચન રસોઈની સુગંધથી મહેંકી ઉઠ્યું હતું.
"મમ્મી! પપ્પાનો ગુસ્સો હવે કેમ છે?" માધવીબેનને કિચનમાં જોઈને અપર્ણાએ તરત જ પૂછ્યું.
"કંઈ ફેર પડ્યો નથી. પણ, તું ચિંતા નાં કર. ધીમે-ધીમે બધું ઠીક થઈ જશે." માધવીબેને પ્રેમથી અપર્ણાની આંખોમાં જોઈને કહ્યું.
"હવે તું બહાર જઈને બેસ, અમે જમવાનું લઈને આવીએ જ છીએ." રોહિણીબેને હસતાં મુખે કહ્યું.
અપર્ણા સહેજ સ્મિત સાથે બહાર આવીને, એની ખુરશી પર બેસી ગઈ. આજે છ મહિના પછી એ આ ખુરશી પર બેઠી હતી. અહીં બેસીને એ ક્યારેક રોહિણીબેન તો ક્યારેક માધવીબેનનાં હાથનું જમી હતી, ઘણીવાર જગદીશભાઈ એને ખીજાયા હતાં, એ સમયે પ્રથમેશભાઈએ એમને શાંત પણ કરાવ્યાં હતાં અને અહીં જ બેસીને નિખિલ અને અપર્ણાએ સાથે મળીને કેટલીયે મસ્તી કરી હતી. આજે એક પછી એક બધાં દ્રશ્યો અપર્ણાની આંખો સામેથી કોઈ ફિલ્મની રીલની જેમ પસાર થઈ રહ્યાં હતાં.
અપર્ણા જૂની યાદોને યાદ કરી રહી હતી. એ સમયે જ રોહિણીબેને એની થાળીમાં મટર પનીર અને ફૂલકા રોટલી સાથે બૂંદીનું રાયતું, દાળભાત, ખીર અને સાથે અન્ય કેટલીય વાનગીઓ પરોસી. અપર્ણા બધું જોઈને તરત જ જમવા લાગી. કેટલાંય સમય પછી એ આજે એનું મનપસંદ મટર પનીર અને ખીર ખાઈ રહી હતી. એ પણ મમ્મીનાં હાથનું મટર પનીર અને કાકીના હાથની ખીર! આજે અપર્ણા પેટ ભરીને જમી. જમ્યા પછી આજે એને ખરા અર્થમાં પેટ ભરીને જમ્યાનો ઓડકાર આવ્યો.
"હવે તમે ત્રણેય જઈને સૂઈ જાઓ." માધવીબેને પ્રેમથી કહ્યું.
"મમ્મી! સવારે આઠ વાગ્યે નીકળી જવાનું છે. તો પ્લીઝ મને સમયસર જગાડી દેજે." અપર્ણાએ પોતાની મોડાં ઉઠવાની આદતને લઈને માધવીબેનને ભલામણ કરી. માધવીબેને હકારમા ડોકું ધુણાવ્યું, એટલે અપર્ણા તરત જ સૂવા જતી રહી.
શિવ પણ એનાં રૂમમાં જવાં સીડીઓ તરફ આગળ વધ્યો. ત્યાં જ માધવીબેને એને રોકતાં કહ્યું, "મારી અપર્ણા અને નિખિલનો જીવ બચાવવા તારો આભાર!" માધવીબેનની વાત સાંભળીને શિવ તરત જ એમની તરફ ફર્યો. માધવીબેન હાથ જોડીને ઉભાં હતાં. શિવે તરત જ એમનાં હાથ પકડીને નીચે કર્યા, "અપર્ણાના પપ્પાએ તારી સાથે જેવું વર્તન કર્યું. એ બદલ હું માફી માગું છું." એમણે નજરો ઝુકાવીને કહ્યું.
"તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી." શિવે એકદમ શાંત અવાજે કહ્યું, "મેં આ બધું મારાં બાપુનાં આદેશથી અને એમને સાચાં સાબિત કરવા કર્યું હતું. અપર્ણાને પણ એનાં પપ્પાની જેમ ભૂલ થઈ હતી, કે મારાં બાપુએ નિખિલને કિડનેપ કર્યો હતો. પણ, હવે બંને બધું સમજી ગયાં છે. તો મને પણ કોઈ પરેશાની નથી."
"તું બહું સારો છે. ભગવાન તારી બધી ઈચ્છાઓ પૂરી કરે." માધવીબેને પ્રેમથી શિવનાં માથે હાથ મૂક્યો, "તારાં બાપુ ખોટાં કામો કરે છે. પણ, તું સારાં રસ્તે આગળ વધી રહ્યો છે. મુંબઈનો બિઝનેસ ટાયકૂન છે, એ સાંભળીને સારું લાગ્યું."
"મારાં બાપુ ખોટાં કામ નથી કરતાં." શિવે સહજતાથી કહ્યું, "હું આજે જે કાંઈ પણ છું. એ એમનાં કારણે જ છું." એ થોડો ગંભીર થઈ ગયો, "અમુક કામ કરવાં પાછળ અમુક કારણો જવાબદાર હોય છે. જે અમુક વ્યક્તિઓ સિવાય કોઈ જાણતું નથી હોતું. ક્યારેક જે કામ બીજાંની નજરમાં ખોટું હોય, એ કામ કરનારની નજરમાં સાચું પણ હોઈ શકે. આ બધો નજર અને નિયતિનો ખેલ છે."
"તારી બોલવાની કળા કમાલ છે." માધવીબેને સહેજ સ્મિત સાથે કહ્યું, "આટલી ઉંમરે પણ જીંદગી અંગે ઘણું જાણી ગયો છે."
"બધો અનુભવનો કમાલ છે. બાકી જીંદગીના ખેલ સમજવાં એટલું સરળ નથી." શિવે થોડાં ગંભીર અવાજે કહ્યું.
"ઠીક છે, ઠીક છે. હવે શાંતિથી સૂઈ જા." માધવીબેને શિવનાં ખંભે હાથ મૂકીને સ્મિત સાથે કહ્યું.
શિવ પણ ચહેરાં પર એવાં જ સ્મિત સાથે પોતાનાં રૂમમાં આવી ગયો. પણ, એ સ્મિત પળવારમાં ઓસરી ગયું. એનાં ચહેરાએ ફરી ગંભીરતા ધારણ કરી લીધી. એ બેડ પર સીધો જ સૂઈ ગયો. એની આંખો ઉપરની છતને શૂન્યમાં તાકતી રહી. થોડીવારમાં જ એની આંખો સામે અપર્ણા સાથેની પહેલી મુલાકાતથી માંડીને અત્યાર સુધીનાં બધાં દ્રશ્યો તરવરવા લાગ્યાં.
બેહોશીની હાલતમાં આંખો ખોલીને અપર્ણાનો ચહેરો જોવો, વહેલી સવારે એ જ છોકરીનાં રૂમમાં હોવું જેનો ચહેરો મોડી રાત્રે બેભાનાવસ્થામાં જોયો હોય, નાજુક નમણી કાયા, જેને આંગળી અડાડો તો પણ લાલ ચકામુ થઈ જાય, એવી સુંવાળી ત્વચા! ક્યારેક એકદમ નિખાલસ તો ક્યારેક એકદમ સમજદાર અને ક્યારેક એકદમ ઓપન માઈન્ડેડ છોકરી, જેને સમજવી ખૂબ જ અઘરું કામ કહી શકાય. આવી કોઈ છોકરી શિવનાં જીવનમાં આવશે, એવી એણે પોતે પણ ક્યારેય કલ્પના કરી ન હતી. અત્યારે શિવની નજરો સામે અપર્ણાનો હસતો ચહેરો તરવરી રહ્યો હતો. એનાં કાનમાં અપર્ણાની વાતો ગુંજી રહી હતી.
"હું તને ચુડેલ લાગું છું?"
"બચ્ચું! આ મુંબઈ છે. અહીં એકલી છોકરી છોકરાં માટે ખુલ્લું આમંત્રણ હોય છે. જ્યારે તને જોઈને તો તું ડરતો હોય એવું લાગે છે. જાણે કોઈ ચુડેલ જોઈ લીધી હોય. મારાં પગ તને ઉલ્ટા દેખાય છે?"
"રિલેકસ! બાય ધ વે આઈ એમ અપર્ણા શાહ, એન્ડ યૂ?"
આવાં સંવાદો અત્યારે શિવનાં કાનમાં ગુંજી રહ્યાં હતાં. જેનાં લીધે એનાં ચહેરા પર સ્મિત આવી ગયું હતું. શિવે આજ પહેલાં ક્યારેય કોઈ છોકરી વિશે આટલું વિચાર્યું ન હતું. પણ, અપર્ણા એને અલગ લાગતી હતી. જેનાં મનમાં એને કોઈ ખોટ નજર આવતી ન હતી. શિવ આ અહેસાસને હજું સુધી કોઈ નામ આપી શક્યો ન હતો.
શિવની એક ખૂબ જ અજીબ કહી શકાય એવી વાત હતી. એને ક્યારેય કોઈ સપનાં નાં આવતાં. એને સપનાં, કોરી કલ્પનાઓ, આ બધી બાબતો સાથે કોઈ સંબંધ ન હતો. પણ, જ્યારથી એ અપર્ણાને મળ્યો. એનાં વિશે વિચારવા મજબૂર જરૂર થઈ ગયો હતો. હવે આ શાં કારણે થતું હતું? એ તો શિવ ખુદ પણ જાણતો ન હતો.
આજની રાત્રે શિવને ઉંઘ આવવી મુશ્કેલ હતું. એ મોડી રાત સુધી અપર્ણા વિશે વિચારતો રહ્યો. બંનેને મળ્યાને હજું બે દિવસ જ થયાં હતાં, અને એ બે દિવસમાં ઘણું બધું થઈ ગયું હતું. જે અપર્ણા માટે એક અલગ અનુભવ રહ્યો હતો, અને શિવ માટે કદાચ આ એક નવી જંગની શરૂઆત હતી. જેનાં પરિણામથી એ કદાચ માહિતગાર હતો, અથવા એવું વિચારવું એનો ભ્રમ હતો. આ વાત એ ખુદ પણ નક્કી કરી શકતો ન હતો.
આમ ને આમ અનેકો વિચારો વચ્ચે શિવની આંખો ઘેરાવા લાગી. સવારનાં પાંચ વાગ્યે એ ઉંઘના આગોશમાં સમાઈ ગયો. પાંચ વાગ્યે ઊંઘવાના કારણે ક્યારે આઠ વાગી ગયાં? શિવને જાણ પણ નાં થઈ. એ હજું પણ આરામથી સુતો હતો. અત્યારે એનો ચહેરો એકદમ શાંત અને મનમોહક લાગી રહ્યો હતો. જાણે એને બધી મુસીબતોથી છૂટકારો મળી ગયો હોય. ત્યાં જ કોઈએ એનાં રૂમનો દરવાજો ખખડાવ્યો.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"