પૂનમની અજવાળી રાત હોવાં છતાં આજે ચોતરફ ગાઢ અંધકાર છે. કાળા કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાઈ ગયો છે. ધીમો ધીમો ઝરમર વરસાદ સાંજથી ચાલુ છે. સોસાયટીની સ્ટ્રીટ લાઇટ બંધ છે. કોઈ કોઈ ઘરની વરંડાની ડીમ લાઈટો એ ગાઢ અંધકારને ચીરવા મથી રહી છે. મને લાગે છે કે એ ઈમરજન્સી લાઈટો હશે જે ઈલેક્ટ્રીસીટી જતાં ઓટોમેટીક ચાલુ થઈ જતી હોય છે. લગભગ રાતના બે વાગવા આવ્યા છે. આજુબાજુનાં બધાં ઘરનાં બારી બારણાં બંધ છે. બધાં ઘસઘસાટ ઊંધતાં હશે, નહિ…?! રોજની જેમ મારી ઊંઘ તો આજે ય ગાયબ છે! મારે ને નિંદ્રાને જૂનું વેર છે! હું શૂન્યમનસ્ક આંખનું મટકું યે માર્યા સિવાય અધખુલ્લી બારીની બહાર જોઈ રહી છું. આવા વરસાદનો સતત આવતો સંગીતમય અવાજ મને સાંભળવો ગમે છે, અંધારી રાત્રે ભીના, કાળા, સુમશાન રસ્તાને સૂધબૂધ વિના તાકી રહેવું મને ગમે છે, ઘરના નાનકડા બગીચાની ભીની થયેલી માટીની સુગંધ મને ગમે છે. જોકે, આમ જુઓ તો આમાંનું કશુંય સુખદાયક તો નથી જ લાગતું! છતાં…
દૂરના કોઈ ઘરનો દરવાજો સાવ દબાઈને કોઈ છાનુંમાનું ખોલતું હોય તેમ ખુલ્યો. મેં બારીના સળિયામાંથી બહાર બધી બાજુ જોવાનો પ્રયત્ન કર્યો. આટલી રાત્રે કોને ત્યાં દરવાજો ખૂલ્યો? કોઈ આવ્યું? કે ગયું? કોણ? કોને ત્યાં? કુતૂહલ જાગ્યું. અંધારું ગાઢું છે, પણ મેં આંખો ખેંચી, પેલી ડીમ લાઈટોના સાવ આછાપાતળા પ્રકાશમાં કદાચ કશું દેખાય! ચારેક ઘર પછીના ઘરમાંથી નીકળી, કોઈ ઝડપથી ચાલી રહ્યું હતું, લગભગ દોડી જ રહ્યું હતું! મેં વધારે આંખો ખેંચી. કોણ છે? કોણ છે? આટલી રાત્રે? કુતૂહલતાથી મને બેચેની થવા માંડી. કોણ જાણે કેમ, મને એ જાણવામાં આટલો બધો શું કામ રસ પડ્યો છે?! જે હોય તે એમાં મને શું! મારે શું કામ આટલો રસ લેવો પડે? ગમે તેને ઘરે, ગમે તે આવે જાય, મારે જાણવાની શી જરૂર? બધા સાથે જરૂર ના હોય તો સંબંધ-બોલચાલ ટાળતી હું, મને કોઈના ઘરમાં આટલું બધું કુતૂહલ કેમ જાગી ગયું?
પણ એક અજાણ્યા ખેંચાણથી જાણે અવશ બની ગઈ! અન્યમનસ્ક હું બારણું ખોલી બહાર નીકળી, પેલી વ્યક્તિની પાછળ જવા લાગી. સહેજ આગળ જઈ એ વ્યક્તિ એક ખાલી ઘરના વરંડાની પાળી પાછળ સંતાઈને બેસી ગઈ. હું યે તેની પાછળ પાછળ એ વરંડો ચઢી. અરે, આ તો શ્યામલભાઈને ત્યાં આવેલી તેમની ભાણી પીન્કુ! એને શું થયું? અડધી રાત્રે તે અહીં કેમ આવી છે? આમ સંતાઈને કેમ બેઠી છે? રડે કેમ છે? જાતજાતની શંકાકુશંકાથી હું ઘેરાઈ ગઈ! ૧૩-૧૪ વર્ષની છોકરી, અડધી રાત્રે ધ્રૂજતા ધ્રૂજતા સંતાઈ રહી છે, બીજા કોઈના ખાલી ઘરના વરંડામાં? શું કામ? શું કામ? મને એક અજાણ્યો ડર લાગ્યો. મને વરંડામાં આવેલી જોઈ એ ગભરાઈને ઊભી થઈ ગઈ. મને સહાનુભૂતિ થઈ આવી,
“પીન્કુ, શું થયું?”
મારા અવાજમાં આછી ધ્રુજારી આવી! ‘કશું અણગમતું સાંભળવા મળશે’ની આશંકા જાગી. મેં તેની પીઠ પર હાથ મુક્યો. એ ચૂપચાપ મને જોતી રહી. મને તેની આંખોમાં કહેવું ના કહેવુંની અવઢવ ચોખ્ખી દેખાઈ. કોઈ વિચિત્ર લાગણીથી મારું અંતર વલોવાઈ ગયું. મેં તેનો હાથ પકડ્યો,
“પીન્કુ, શું થયું?”
તેની આંખનાં આંસુઓ, રોકવાની કોશિશ છતાં ઊભરાતાં જતાં હતાં. સ્ત્રીસહજ મને અઘટિત બનાવની આશંકા પહેલેથી જ હતી તે દ્રઢ બની. એના મૌનને સમજી ગઈ હોઉં તેમ તેને ધીરેથી પકડી હું મારા ઘરે લઈ આવી. એ હજુ યે ધ્રૂજતી હતી અને એક અણગમતી સ્મૃતિથી હું પણ! તેની આંખના આંસુ સતત અવાજ વિના વહેતાં હતાં…
“પીન્કુ, શું થયું?”
મેં ફરી પ્રશ્ન કર્યો. પણ હજુ એનું મૌન એમ જ હતું. તેને વારંવાર આશ્વાસન અને વાત ખાનગી રાખવાની ખાત્રી આપી ત્યારે એના શબ્દો ધ્રુસકાં સાથે મિશ્રિત બની ટુકડે ટુકડે મારા કાનમાં પડવાં લાગ્યાં. ને મારા રૂંવાડાં ઊભા થતાં ગયાં! મારી અંદર જૂનાં અણગમતાં પ્રસંગો તરંગો બની દોડવાં લાગ્યાં.
ગઈકાલે સાંજે શ્યામલભાઈ અને ભાભી બહારગામ ગયા હતા. ભાભીની બહેનનો છોકરો પીનલ અને છોકરી શિયાંશી તેમને ત્યાં આવેલા છે અઠવાડિયાથી, પીન્કુની જેમ જ વેકેશન કરવા; મને તેની ખબર છે, સોસાયટીમાં બધાને ખબર છે, સોસાયટીનાં જે ૨૦-૨૫ મકાનો છે, તે બધાં એકબીજાને ખૂબ સારીરીતે ઓળખે છે. બધાં એકબીજાની ખબરઅંતર રાખે છે. એકબીજાનાં સુખદુઃખનાં પ્રસંગે એકબીજાની પડખે ઊભાં રહે છે, વાર તહેવાર સાથે ઉજવે છે. હવે ત્રણેક દિવસમાં તો વેકેશન પણ પતી જશે. જૂન મહીનો અડધો તો પતવા આવ્યો. પોતાને કોઈ સંતાન ન હોવાથી એ બંને પતિ-પત્ની પોતાનાં ભાઈ બહેનોના બાળકોને દર વેકેશનમાં થોડા દિવસ પોતા પાસે બોલાવી લેતા. બધાને ફરવા લઈ જતા, ખવડાવતા, પીવડાવતા,આનંદ કરાવતા. આ વખતે પણ એ બધા ૧૦-૧૨ દિવસથી અહીં ભેગા થયા હતાં. અમને સૌને એ વાતની જાણ છે.
શિયાંશી પીન્કુ કરતા બે વર્ષ નાની અને પીનલ એક વર્ષ મોટો. શિયાંશી બારેક વાગ્યે સૂઈ ગઈ, પણ પીન્કુ અને પીનલ ટીવી જોતા બેસી રહેલા. પીન્કુને પીનલ સાથે બેસી રહેવું ગમતું. શિયાંશીના સૂઈ ગયા પછી પીનલ ધીરે ધીરે પીન્કુની નજીક ગયો… એક યુવાનીના ઉંબરે આવેલો સુંદર હસમુખો છોકરો! પીન્કુને પણ મનમાં કદાચ ઊંડેઊંડે ગમતો હશે! બંને લગભગ અડીને બેઠા. પીન્કુને કદાચ અંદરથી ગમ્યું પણ ખરું! થોડીવારમાં ઈલેક્ટ્રીસીટી જતી રહેતાં ટીવી પણ બંધ થઈ ગયું. ઘરમાં બિલકુલ અંધારું થઈ ગયું. બંનેનું હ્રદય એક અજાણ્યા ડરથી ધડકી ઊઠ્યું. બંને અજાણી લાગણીઓથી ઘેરાઈને મૌન બેસી રહ્યાં હતાં! એકમેકના સ્પર્શથી અધકચરી સમજવાળા બંનેના પેટમાં જાણે પતંગિયાં ઊડાઊડ કરી રહ્યાં હતાં. એકબીજાના સ્પર્શનું ન સમજાય તેવું આકર્ષણ થતું હતું. આ કેવી અનુભૂતિ હતી, જે સમજાતી નહોતી પણ આહ્લાદક આનંદ આપતી હતી! આવો અનુભવ આટલાં વર્ષમાં ક્યારેય થયો નહોતો. બંને બાળપણથી અવારનવાર ભેગાં થતાં, સાથે રમતાં, ઝઘડતાં! કેટલીયવાર એકબીજાને સ્પર્શ કર્યો હશે, પણ આવો રોમાંચ પહેલી જ વાર અનુભવાયો!
થોડી ક્ષણો એ સ્પર્શના રોમાંચને અનુભવતી પીન્કુ, પીનલના સ્પર્શમાંથી નીકળી બારણું ખોલી ઘરની બહાર દોડી ગઈ! તેને આ લાગણીઓ પૂરેપૂરી સમજાઈ તો નહીં પણ સાવ ના સમજાઈ તેવું પણ નહોતું. તે મૂંઝવાઈ ગઈ હતી. એની આંખમાંથી આંસુ વહેતાં જતાં હતાં. આ યોગ્ય હતું કે અયોગ્ય?
પીન્કુ ધીમા અવાજે ટુકડા ટુકડા બોલતી જાય છે, પણ તેના શબ્દો હવે મારાથી બહુ દૂર જતાં રહ્યાં છે! હું વીસેક વર્ષ પૂર્વેની આવી જ એક વરસાદી રાતમાં પહોંચી ગઈ! આવો જ ધીમો ઝરમર વરસાદ, ઘરનાં બધાં બહારગામ હોવાથી ઘરનું એકાંત, લાઈટ વગરની અંધારી રાત…એ ક્યારે ઘરમાં આવી ગયો મને સમજ ના પડી અને ના તો મેં સમજવાનો પ્રયત્ન કર્યો! મારા શરીર પર ભયનું એક લખલખું આવી ગયું! કાશ, એ રાત્રે હું પણ પીન્કુની જેમ ઘરની બહાર દોડી ગઈ હોત! એ રાત, જે મને અધઃપતનના રસ્તે લઈ આવી! એ રાત, જેણે મારા માતાપિતા અને કુટુંબને નામોશીના ગારામાં ડૂબાડી દીધા! જેના લીધે મારી નાની બહેનોનું જીવન નર્ક બની ગયું! જેના લીધે તેમનાં કદી લગ્ન જ ના થયા! સમાજમાંથી તેમનો બહિષ્કાર થઈ ગયો!
એ જાણીતા, આદર્શ મનાતા પુખ્ત પુરુષનો સ્પર્શ! એ દૂર શહેરમાં રહેતો શિક્ષક હતો. ઘરને અડીને આવેલા પાડોશી કાકાના ઘરે વારેઘડીએ આવતો. એમને ને અમારે ઘર જેવો સંબંધ હતો. ૧૧-૧૨ વર્ષની અબોધ મુગ્ધા હું! સાવ અજાણ્યા આકર્ષણના લપસણાં પગથિયાં! વરસાદી રાતનો અંધકાર, એકાંત,અને કાચી ઉંમરે થયેલ વિજાતીય સ્પર્શનો પહેલો અનુભવ! અબોધ મુગ્ધ ઉંમરે મને એ અનુભવ ઊંડા ઊંડા વમળોમાં ખેંચી ગયો! એ રાત્રે એ સ્પર્શમાં પ્રેમ નથી વાસના છે, તે સમજવા જેવી નહોતી મારી ઉંમર, નહોતો મારો અનુભવ! એમ ને એમ બેત્રણ વર્ષ નીકળી ગયા! એ રાત પછી હું દરરોજ એ સ્પર્શની રાહ જોતી! એને છાનીમાની મળતી, મારા મા-બાપના વિશ્વાસને અણસમજમાં છેતર્યા કરતી. એટલી નાની કાચી ઉંમરે અધકચરી સમજવાળી હું, એક દિવસ સ્કૂલે જવાના બહાને એની પાસે હંમેશ માટે જવા ચાલી નીકળેલી. મને લાગતું કે અમે વિશ્વના અજોડ પ્રેમી છીએ. આ કેવો પ્રેમ હતો જે એક ૪૦ વર્ષના પુરુષને ૧૨ વર્ષની અણસમજુ છોકરી સાથે થયો હતો!??
માતાપિતાનું ઘર છોડ્યા પછી ધીરે ધીરે આંખો પરથી બધાં આવરણો હટતાં ગયાં. એ હતો પરિણીત, મારી ઉંમરના ત્રણ બાળકોવાળો! તેણે મને સોપાન બનાવી નાના બાળકોની શાળાના શિક્ષકમાંથી હાઈસ્કૂલના પ્રીન્સિપાલ સુધીના તેના ચઢાણની! દસમું તો હું પાસ કરીને આવી હતી, મારા જ દેહની કમાણીમાંથી તેણે મને સંગીતની શિક્ષિકા બનાવી. થોડાં વર્ષ પૂર્વે જ આ મોભાદાર સોસાયટીમાં ઘર અપાવ્યું. સંગીત શીખવવાના ક્લાસ ચાલુ કરાવ્યા. એની મારા ઘરે થતી અવરજવરથી લોકો શંકા જરૂર કરે છે. પણ પ્રીન્સિપાલના હોદ્દાને લીધે કોઈ સીધી આંગળી નથી ચીંધતું. પણ છાના ખૂણે મારા વિશે વાતો જરૂર કરે છે!
પીન્કુ અને હું એ પછી આખી રાત એમ જ બેસી રહ્યા, પોતપોતાનામાં ખોવાયેલાં! વહેલી સવારે બધા સોસાયટીના લોકો ઊઠે તે પહેલાં પીન્કુ પાછી જતી રહી. ચીકાશવાળાં પગથિયાં, વરસાદી વાતાવરણમાં વધુ લપસણાં બની ગયેલાં, પણ પીન્કુ એ નબળી ક્ષણો મારા સાથ અને તેની હિંમતથી પસાર કરી ગઈ અને પગથિયાં પરથી ઊતરી ગઈ! અને એ પછી એ કદી પાછી ના આવી. હું પહેલાંની જેમ જ રોજ રાત્રે નિંદ્રાહીન આંખો રસ્તા પર પાથરી બારી પાસે બેસી કહું છું. ક્યારેક એ આવે છે, ક્યારેક ક્યારેક મારા માતાપિતા, ભાઈબહેનોની ખબર પણ લાવે છે… ને એક નિઃશ્વાસ સરી પડે છે, કાશ, એ વરસાદી રાત્રે હું પણ ઘરની બહાર દોડી ગઈ હોત!!!