Street No.69 - 6 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 6

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 6

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ - 6

 

સોહમ ઘરે આવ્યો ત્યારે પણ એનાં માટે સરપ્રાઈઝ રાહ જોતી હતી. એ ઘરે પહોંચ્યો બધાં ખુબ ખુશ હતાં. પાપાનાં રૂમમાં જઈને જુએ છે તો એ બેઠાં હતાં એની બાજુનાં બેડ પર કેટ કેટલી ગીફ્ટ જે એણે મોકલી છે બહેનોનાં નવાં નવાં ડ્રેસ કોસ્મેટીક્સ એ પણ ખુબ મોંઘા... એનાં આઈ બાબા માટેનાં કપડાં ... એનાં પોતાનાં રેડીમેડ બ્રાન્ડેડ કંપનીનાં કપડાં બે લેટેસ્ટ ડિજીટલ વોચ, સૂઝ, બહેનો તથા આઈ બાબાનાં સાઈઝ પ્રમાણેનાં ચંપલ... આ બધું જોઈને સોહમ અવાક થઇ ગયો હતો. બાબાએ એને પૂછ્યું કે “ તને લોટરી લાગી છે ?”

      સોહમ શું જવાબ આપે ? એ પોતેજ આવી સરપ્રાઈઝથી ખુબ નવાઈ પામ્યો હોય છે એ ચકરાવામાં પડી ગયો કે આ બધું અહીં કેવી રીતે આવ્યું ? કોણે મોકલ્યું ? છેવટે એણે આઈબાબાને કહ્યું બાબા સાચું કહું " મારા કંપનીમાં એક પ્રોજેક્ટ રીપોર્ટ ખુબ પસંદ થયો અને એનાંથી હવે કંપનીને ખુબ ફાયદો થવાનો છે એટલે મારાં બોસે મને તાત્કાલીક બોનસ આપ્યું છે અને મારી પાસેથી તમારાં બધાંની ડીટેઇલ્સ લીધી અને ઘરે આ બધી ગીફ્ટ મોકલી આપી છે. તમે બધાં ખુશ છો તો તમારાં ચહેરાં પર આનંદ જોઈને મને ખુબ ખુશી મળી છે " એમ કહી ચૂપ થઇ ગયો.

       ત્યાંજ દરવાજે બેલ વાગ્યો...બેલા દોડીને દરવાજો ખોલવાં ગઈ... એણે જોયું કે દરવાજે તો કોઈ ખુબ સુંદર છોકરી ઉભી છે એણે પૂછ્યું "આપને કોનું કામ છે ?" પેલી છોકરીએ કહ્યું " સોહમ જોષીનું જ આ મકાન છે ?" બેલાએ કહ્યું "હાં આવો અંદર ". એમ કહીને પેલી છોકરીને અંદર લીધી અને ડ્રોઈંગરૂમમાં બેસાડી...

     સોહમ અને આખું ફેમીલી અંદર એનાં બાબાનાં બેડરૂમમાં હતું બધી ગીફ્ટ જોઈ રહેલાં. આઇએ બેલાને પૂછ્યું "બેલા કોણ છે બેટા ?". બેલાએ કહ્યું "આઈ દાદાને મળવાં કોઈ આવ્યું છે...દાદાને મોકલ...".

     સોહમે સાંભળ્યું અને એ કુતુહલ સાથે બહાર આવ્યો. આવીને જુએ છે તો કોઈ સુંદર યુવતી છે સોહમે કહ્યું "યસ ? હું સોહમ આપને શું કામ હતું ?" પેલી યુવતી સોફા પરથી ઉભી થઇ ગઈ અને બોલી "સોહમજી તમારાં માટે આ એક કવર છે જે આપવા આવી છું " સોહમે નવાઈ પામતાં પૂછ્યું "મારાં માટે કવર ? શું છે ? કોણે મોકલ્યું છે ? તમે કોણ છો ?"

     પેલી છોકરીએ કહ્યું "ઓહ સોરી...હું તમને ઓળખ આપવાનું ભૂલી એમ કહીને મીઠું હસી... સોહમ એને જોઈજ રહેલો એ એટલી બધી સુંદર હતી કે સોહમ એનાં ચહેરાં પરથી નજર જ નહોતો હટાવી શકતો જાણે કોઈ મેગનેટ હોય "પેલી યુવતીએ કહ્યું "સોહમજી તમારી ઓફીસ પાસે તમને મળી હતી નૈનતારા એણે આ કવર મોકલ્યું છે...તમે ઓળખી ના શક્યાં ?" એમ કહી ખડખડાટ હસી પડી... "લો આ કવર " એમ કહી એક મોટું કવર જેમાં ખાસું એવું ભરેલું હતું એ આપીને કહ્યું "હું જઉં અંધારું થઇ ગયું છે અને નિયત સમય પહેલાં મારાથી નહીં પહોંચાય તો મને તકલીફ પડશે...’

    સોહમે કહ્યું “એક મીનીટ તમે ચા, કોફી... કંઈ ... અરે પાણી તો...” ત્યાં પેલીએ કહ્યું "સારું એક ગ્લાસ પાણી આપો બીજું પીવાનો સમય નથી" ... સોહમની સાથે બેલા ઉભી હતી પછી સોહમ અને પેલી યુવતી વાતો કરે ત્યાં સુધીમાં સુનિતા એની  આઈ, બાબા બધાં બહાર આવી ગયેલાં અને બધાં આવનાર સુંદર યુવતી તરફજ જોઈ રહેલાં...

સોહમે બેલાને ઈશારો કર્યો અને બેલા પાણી લેવા ગઈ અને સોહમે સુમિતા,આઈ બાબા બધાં સામે એવી રીતે જોયું કે બધાં અંદર રૂમમાં જતાં રહ્યાં.

     બેલાનાં હાથમાંથી પાણીનો ગ્લાસ સોહમે લઇ લીધો અને બેલાને પણ અંદર જવા ઈશારો કર્યો બેલાં પણ સમજીને અંદર જતી રહી...

      પેલી યુવતી બધું જોઈ રહી હતી એને હસું આવી ગયું. સોહમે હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. પેલીએ હસતાં હસતાં કહ્યું... “ હાં લાવો” એમ કહીને ગ્લાસ લીધો અને સોહમની સામે જોતાં જોતાં એ પાણી પીવા લાગી...

     સોહમ આ યુવતીને પાણી પીતી જોઈ રહ્યો એને થયું આ પાણી પીએ છે તો એનાં ગળામાં ઉતરતું પાણી પણ જાણે મને દેખાય છે એકદમ આરસ... સંગેમરમરની મૂર્તિ જેવી સુંદર યુવતી એક એક અંગ એનાં ઘાટીલાં છે આંખો કેટલી સુંદર... આકર્ષતી અને ચુંબક જેવી જાણે મને એનાં તરફ ખેંચી રહી છે...

    પેલીએ પાણી પી લીધું અને ગ્લાસ પાછો આપ્યો. પણ સોહમનું ધ્યાન તો એનાં તરફજ મંડાયેલું હતું અને બીજું કંઈ ભાન જ નહોતું. પેલીએ હસતાં હસતાં કહ્યું " ઓ.. સોહમજી ક્યાં ખોવાઈ ગયા ? આ ગ્લાસ... “

     સોહમ તંદ્રામાંથી બહાર આવ્યો અને બોલ્યો “ ઓહ... ઓકે લાવો લાવો...” પછી એણે પૂછ્યું “જયારે મને નૈનતારા મળી ત્યારે પણ ખુબ ઉતાવળમાં હતી ક્યારે આવી ક્યારે ગઈ ખબર જ ના પડી... આજે મારી સાથે આવું બધું શું બની રહ્યું છે? અને કેમ ? મને લાગે છે એમણે મને મદદ કરી છે હું ઘરે પાછો આવું છું ત્યારે ઘરનાં સભ્યો માટે કેટકેટલી ગીફ્ટ્સ ?”

    અને તમે આ કવરમાં મને શું આપવા આવ્યાં છો ? મારાં માટે શું મોકલ્યું છે? મને એમણે પ્રોજેક્ટમાં પણ મદદ કરી લાગે છે... આ બધું કેવી રીતે શક્ય છે ? અને કેમ મારાં માટે ? એમનાં જીવંત પરચા મેં જોયા છે. એ પોતે કોણ છે ?”

      પેલી યુવતીએ હસતાં હસતાં કહ્યું ... “સોહમજી આ બધાં જ પ્રશ્નોનો એકજ જવાબ છે સાંભળો ...” એમ કહી એ બહાર જવા દરવાજા તરફ ગઈ ત્યાં જઈને ઉભી રહી... સોહમની આંખોમાં આંખો પરોવીને બોલી... “તમે મને ના ઓળખી એટલે મેં તમને કહ્યું મને નૈનતારાએ મોકલી... હું નૈનતારાજ છું હું એક અઘોરીની શિષ્યા છું... મને મળેલી સિદ્ધિનો પ્રયોગ મારે કરવો હતો એજ સમયે તમે મને સામા મળ્યાં અને એ પ્રયોગ તમારાં ઉપર કર્યો... અને સિદ્ધ થયો એની ઉજવણી અને એનું ઇનામ તમને આપું છું ફરી ક્યારે મળાશે ખબર નથી... પણ મને મારાં અઘોરીએ...” એમ કહેતાં એની આંખથી આંસુ પડી ગયાં અને...

 

વધુ આવતા અંકે પ્રકરણ - 7