ઇકોમર્સ ક્યાંથી શરૂ થયું અને ક્યાં જઈ રહ્યું છે
પાર્ટ ૧...
ઈકોમર્સ એટલે વસ્તુ કે સેવા લેનાર અને વેચનારાઓ સાથે ઈન્ટરનેટના માધ્યમથી જોડાઈને ધંધો કરવો. મૂળ ઉદ્દેશ્ય હતું કે જેઓ સાથે વ્યક્તિગત મળીને ધંધો કરવો અઘરો અને મોંઘો પડે તેઓ સાથે ડિજિટલ માધ્યમે જોડાઈને ધંધો કરવો.
Baazee.com કરીને એક વેબસાઇટ આવી વર્ષ 2000 માં, કે જ્યાં તમે વિવિધ પ્રોડક્ટ જોઈને એની બોલી લગાવી, જો વેચનાર એ કિંમતે સહમત થાય તો તો ઓર્ડર લઈ લેશે , તમારે પેમેન્ટ આપી વસ્તુ કુરિયર મારફતે મંગાવી લેવી. ત્યાં રિટેલર વેચવા આવ્યા, ગ્રાહક ખરીદે અને ધંધો થાય.
લગભગ 70% સોદા ઓર્ડર માં કન્વર્ટ ન થાય કેમ?
કુરિયર લેનારના એરિયામાં ડિલિવરી ન કરે, લેનાર ઓનલાઇન પેમેન્ટ ન કરી શકે કે વેચનાર ઓર્ડર કેન્સલ કરે કેમ કે પ્રોડક્ટ વેચાઈ ગઈ હોય વગેરે. મુખ્યત્વે ધંધો ખોટનો, કેમ કે ઓર્ડર ભલે 30% મળે, ખર્ચ 100% વેબસાઈટનાં માથે આવે.
પછી ebay નામની કંપનીએ baazee ખરીદી લીધી. Ebay અમેરિકામાં સારો ધંધો કરી રહી છે એવું જણાવ્યું, એટલે baazi કરતાં વિશ્વાસ ebay પર બેઠો. માલ વેચવામાં વિવિધતા આવી, અહીં બિસ્કીટ અને બૂટ બધું મળતું, હજી અહીં ઓર્ડર ફેલ થવાની શક્યતાઓ ઘટી કારણકે કુરિયર સુવિધા પહેલાં કરતાં સારી થઈ, પેમેન્ટ સિસ્ટમ સારી થઈ તોય ધંધો ખોટ નો, કારણ કે વેચનાર ખુબ ઊંચી કિંમતે લિસ્ટીંગ કરે, ebay પોતાનું ડિસ્કાઉન્ટ આપે, એટલે વેચનારને કોઈ નુકસાન નહીં પણ ebay ખુબ મોટા નુકસાન ભોગવે.
પછી indiaplaza કરીને એક સાઈટ આવી, ખૂબ સરસ અને પ્રથમ ઓનલાઇન સ્ટોર કહી શકો, ઘણું મળે પણ હજી કુરિયર સર્વિસ અને સ્ટોકના ધાંધિયા, એટલે ઓર્ડર કરેલ વસ્તુ આવે જ નહીં અને પછી રિફંડ લેવા રીતસર ઝગડો કરવો પડે. આ કંપનીના સ્થાપક કે વૈથીસ્વરણને ભારતમાં ઇકોમર્સના પીતા તરીકે જાણવામાં આવે છે..કંપની ખૂબ નુકસાન કરીને છેવટે બંધ પડી. નવું ફન્ડિંગ મળ્યું નહોતું.
2010 માં ફ્લિપકાર્ટ અને એમેઝોન આવ્યા, નવી વસ્તુ હતી એમની પોતાના કોન્ટ્રાક્ટ પર મુકેલી કુરિયર કંપનીઓ, એટલે પાર્સલ ઝડપી મળે અને કોઈ દિવસ ખોવાય નહીં. જે ટાઈમે કહે એ ટાઇમ પર વસ્તુ મળે, પેમેન્ટ સિસ્ટમ જોરદાર. ફ્લિપકાર્ટ ની કેશ ઓન ડિલિવરીએ ભારતમાં ક્રાંતિ લાવી દીધી. હવે ઓર્ડર સક્સેસ રેટ 70% થી પણ ઊંચું ગયું. ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ એમને મળ્યું કારણ કે ઓર્ડર સંખ્યા ૧૦-૨૦ ગણી વધી.
લે વેચ વધી એટલે એ જોઈને snapdeal અને shopclues જેવી સાઈટ પણ આવી, પણ નબળી ક્વોલિટી ની વસ્તુઓ વેચતાં ધંધો બહુ વધારી ન શકી. સ્નેપડીલ અને શોપકલુસ લગભગ બંધ થવાના આરે છે.
ફ્લિપકાર્ટ ખુબ ઊંચા ભાવે વોલમાર્ટને વેચાઈ, કારણ? બહુ મોટું થયું હવે બીજું કંઈક કરીએ એવું સ્થાપકો વિચારે છે. પણ ફ્લિપકાર્ટ ખુબ મોટી કંપની બની ત્યાંથી છૂટા થઈને ૧૦૦થી વધુ સાહસિકોને બીજા ઓનલાઇન ધંધા ખોલ્યા છે જે પણ ફંડ મેળવવામાં સફળ રહ્યા છે.
હવે વાત કરીએ ઇકોમર્સ ના બીજા સ્વરૂપ એટલે હાઇપર લોકલ ડિલિવરી સર્વિસની. નજીકની દુકાન કે પોતાના જ શહેર ગામમાંથી ખરીદી કરવી એટલે હાઇપર લોકલ. ત્યાં આવ્યું ગ્રોફર પછી આવ્યું બિગ બાસ્કેટ અને પછી ફ્લિપકાર્ટ વેગેરે પણ લોકલ માલ સામાન એટલે ખાંડ, લોટ, તેલ, મરચા મસાલા વેગેરે હોલસેલમાં ખરીદી રિટેલમાં લોકોને ઓર્ડર પ્રમાણે આપવાના શરૂ કર્યા. કરિયાણું રોજિંદી જરૂરિયાત છે એટલે આ ધંધો ઘણો ચાલે એવો છે. પણ અહીં પણ જુના ખેલાડીઓ એટલે રિલાયન્સ આવ્યું અને જીઓમાર્ટ શરૂ થયું. ટાટા વાળાઓએ બિગ બાસકેટ ખરીદી લીધું જે પહેલાં ચીન વાળા જેકમાં ની કંપની હસ્તગત હતું.
એટલે હવે શહેરોમાં કે નાના ગામમાં સોય થી લઈને ટીવી ફ્રીઝ કે મીઠા મરચાંથી લઈને સુકામેવા જેવી વસ્તુ ઓનલાઇન ખરીદાય છે. ઘણો મોટો ધંધો છે,
પણ પણ પણ નફો ક્યાં છે?
મોટાભાગની આ ઓનલાઈન કંપનીઓ ખોટમાં છે અને એ પણ છેલ્લા ૧૦ વર્ષ કે એનાથી પણ વધુ સમયથી ખોટ કરે છે, કારણ?
વેચાણ કરતાં ખર્ચ વધુ છે, માણસો, વસ્તુઓ અહીંથી લાવી, અહી રાખવી, ત્યાં પહોંચાડવી આ બધું મોંઘુ છે. તો નફો ક્યારે આવશે?
તમને ખબર હોય તો કમેંટમાં લખજો, મને થોડીક ખબર છે પણ એ હું આ લેખના બીજા ભાગમાં કહીશ... પાર્ટ ૨ માટે થોડીક રાહ જુઓ.
મહેન્દ્ર શર્મા ૨૩.૦૭.૨૦૨૨