પાછળના ભાગમાં આપણે જોયું કે...કઈક આવી જ લાગણી મીરાને પોતાના નાના ભાઈ રાઘવ પ્રત્યે હતી. તે નાનો છે વળી ભોળો અને ખૂબ મળતાવડો હોવાથી કોઈ એનો ફાયદો ન ઉઠાવી જાય એનું તે ખાસ ધ્યાન રાખતી. એટલેજ કદાચ મીરાના નાનકડા હૃદયમાં સુમન પ્રત્યે ક્યાંક ને ક્યાંક છૂપી ઈર્ષાની કુંપણ ફૂટી રહી હતી. મીરાનું માનવું એવું હતું કે રાઘવ સુમનનું વધારે પડતું જ ધ્યાન રાખે છે, જ્યારે પોતાની તરફ જરા પણ ધ્યાન નહોતો આપતો. સુમન માટે મા તો છે પછી ઘરના બીજા બધા અને ખાસ રાઘવને હવે સુમનનુ વધારે પડતું ધ્યાન રાખવું અને આળપંપાળ કરવાની જરૂર નથી. સુમન તેને ગમતી નહોતી એવું નહોતું. નાનકડી પરી જેવી સુંદર સુમન તો કોઈને પણ વહાલ ઉપજાવી શકે તેવી હતી. અને મીરાને તે નાની બહેન જેવી જ વ્હાલી હતી, પણ આમ ક્યાંક ને ક્યાંક સુમનના કારણે પોતાની થતી અવગણનાથી એને તેના પ્રત્યે ક્યારેક અણગમો થતો હતો.
હવે આગળ....."તો હસીએ જ ને, કાલે સ્કૂલમાં જે બન્યું અમને બધાને ખબર છે, અને તે જાણી કોઈ પણ રાઘવની હાંસી ન ઉડાવે તો શું કરે? આવડો મોટો થઈ ને કોઈ ત્રીજા ક્લાસમાં બેસવાની જગ્યાએ જો પહેલા વર્ગના ક્લાસમાં બેસે એને શું કહેવું? એ પાગલ હોઇ શકે કે પછી ઠોઠ જે નાપાસ થતો હોય, એટલે અમે એ વાત જ કરી રહ્યા હતા કે રાઘવ આમાંથી કયા કારણે પહેલા વર્ગના ક્લાસમાં બેઠો હતો.", પેલો છોકરો બોલ્યો.
"એમાં શું થઈ ગયું? મેં જ કહ્યું હતું રાઘવને મારી પાસે બેસવા માટે", ક્યારની ચૂપચાપ ઊભી રહેલી સુમન હવે આગળ આવી અને બોલી.
"પણ આમ કોઈ પોતાના ક્લાસની જગ્યાએ બીજા ક્લાસમાં બેસી ન શકે, તમને લોકોને એટલું પણ નથી ખબર કે ઉંમર પ્રમાણે દરેકે પોતાના વર્ગમાં બેસવાનું હોય અને જેમ જેમ મોટા થાય ઉપરના વર્ગમાં જવાનું હોય, નહિ કે નાના છોકરાઓના ક્લાસ માં?" પરી જેવી લાગતી સુમનને જોઈને પેલો છોકરો થોડો ઠંડો પડતા એને શાંતિ થી સમજાવી રહ્યો.
"રાઘવ કેમ ન બેસી શકે મારી પાસે, એજો મારી સાથે રમી શકે, જમી શકે, આખા ગામમાં ફરી શકે તો મારી સાથે મારા ક્લાસમાં કેમ ન બેસી શકે? બધા બાળકોને આખરે કેમ આમ ઉંમર પ્રમાણે અલગ અલગ બેસવાનું? ", સુમન ને સમજાઈ નહોતું રહ્યું આખરે આ બાબત કેમ આટલી અગત્યની છે.
અને સુમનની આ વાતનો જવાબ તો પેલા તોફાની છોકરાઓ પાસે પણ નહોતો. એટલે તે બધા પણ વિચારમાં મુકાઈ ગયા.
થોડી ક્ષણો બાદ અચાનક કઈ સૂઝ્યું હોય એમ બધા બાળકોની નજરો એકસાથે ત્યાં ઉભેલા કિશોર ઉપર આવીને અટકી ગઈ, તે આશાએ કે બધામાં સૌથી મોટા કિશોર પાસે એમના સવાલનો જવાબ જરૂરથી હશે.
બધાને આમ પોતાની તરફ જવાબની આશાએ તાકતા જોઈ કિશોર પણ મૂંઝાઈ ગયો અને માથું ખંજવાળવા લાગ્યો.
અને બધાની ચર્ચાના કેન્દ્રમાં હતો તે રાઘવ તો જાણે કઈ ફરક ન પડતો હોય એમ બધાની વાતોનો આનંદ માણી રહ્યો હતો.
"બધા આમ મને શું જુઓ છો, આં બધી વાતો તો પછી પણ થશે, અત્યારે ચાલો સ્કૂલ જવા માટે મોડું થઈ રહ્યું છે. જો સમયસર સ્કૂલ નહિ પહોંચીએ તો બધાએ સજામાં મેદાનના ચક્કર લગાવવા પડશે, માટે આં બધું છોડી અત્યારે જલ્દી સ્કૂલ જવા નીકળીએ" આટલું કહી કિશોરે હાલ પૂરતું તો પોતાને આવા અઘરા સવાલના જવાબ આપવામાંથી બચાવી લીધો, પણ એનો જવાબ તે પણ જાણતો નહોતો.
કિશોરની વાત સાથે સહમત થતા બધા બાળકો સ્કૂલ જવા ઉતાવળા ડગલાં ભરી રહ્યા.
🥳હજુ પણ રહેલી છે યાદો એ ગલીઓમાં,
જે ગલીઓથી અમે શાળાએ જતા હતા...
દોસ્તો સાથેની મસ્તી, તે પકડા પકડી,
હાથોમાં હાથ નાખીને અમે શાળાએ જતા હતા...
સાઈકલની સવારી, તો ક્યારેક પગપાળા,
રમતા ભમતા નટખટ અમે શાળાએ જતા હતા...
ક્યારેક આંબાની ડાળે, તો ક્યારેક નદીના તટે,
એટલે તો મોડા ઘણા અમે શાળાએ જતા હતા...
મોટા થયા છૂટી શાળા હવે, પણ કિસ્સા ઘણા છે,
કહીએ છે બાળકોને એમ અમે શાળાએ જતા હતા...🥳
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)