નનોભાઈ અને ગેલો ઉતાવળા ઉતાવળા ડેમની પાળ પરથી નીચે ઉતર્યા. તેમનાં આવવાથી કનોને રાધી હજુ પણ અજાણ હતા. નનાભાઈએ જ્યારે કહ્યું, હૂ થ્યુ રાધી?કીમ રોવે સો ,તું?"ત્યારે બંનેને નનાભાઈ અને ગેલો આવ્યાની જાણ થઈ. રાધીએ કનાને બાથમાંથી છોડી દીધો, અને તે તેના આપાને બાથ ભરી જોર જોરથી રડવા લાગી. કનાની આંખોમાંથી પણ દડ દડ આંસુ વહેતા હતા. કનાએ ગેલા મામાનો હાથ પકડી લીધો. ગેલો મનમાં મૂંઝાતો હતો,તેને શું બની ગયું? તે હજી કશું સમજાતું ન હતું. ગેલાએ હાથના ઈશારાથી કનાને "શું થયુ?" એમ પૂછી પણ લીધું. પરંતુ કનો કશું બતાવી શકે તેવી અવસ્થામાં ન હતો. તે નીચું જોઈ ગયો. રાધી પણ કંઈ બોલ્યા વગર તેના આપાને ભેટીને રડી રહી હતી. નનોભાઈ રાધીના માથે હાથ ફેરવતા બોલ્યો, "હૂ થયું? ઈ તો મને કે! આમ રોયા કરીસ તો મને કીમ ખબર પડહે કે હૂ થયું?"રાધીને નનાભાઈએ ખૂબ સાંત્વના આપી પછી કનાને પૂછ્યું, "હૂ થયું કાઠીયાવાડી? તું કે."કનો એટલું જ બોલી શક્યો" ડૂબી જ્યાં!"
નનાભાઈએ રાધીનો હાથ પકડી છાંયડે લઈ જવા ડેમની પાળ ચડવા લાગ્યા. થાકેલી રાધી લથડીયા લેતી માંડ માંડ ચડી રહી હતી. તેની પાછળ ગેલો અને છેલ્લે કનો પાળ ચડી વડલાના છાયડામાં બેઠા. છાંયડે બેઠા બેઠા રાધી હજી પણ ખૂબ હાંફી રહી હતી. હાંફતા હાંફતા તેણે નનાભાઈને બધી વાત કરી, "આપા ગમી એટલું ઊંડું પાણી હોય, તમની તો ખબર હે હું કેદીએ નો ડૂબું! પણ આજ હું ડૂબકી ખાતી'તી ઈમાં એક ડૂબકી વધુ ઊંડી ખવાઈ ગય. જેવી ઉપર આવવા ગય ઈમાં મારી સુંદડી તળિયે એક કાંટાનો મોટો ગળાયો પડ્યો'તો ઈમાં ભરાય જય. જેમ જેમ હું કાઢવા મથી ઈમ ઈમ સુંદડી વધારે હલવાતી ગય. એક બે વાર જોર કરી ભારેખમ કાંટાના ગળાયાને ખેહીને પાણીની ઉપર હૂંધી આવી જય. પણ પશે મારો સુવાસ ખૂટ્યોને મારું જોરે ય ખૂટી જ્યું."આટલું બોલતા રાધી ફરી ખાંસવા લાગી. નનાભાઈએ કહ્યું, "તે આ કાઠીયાવાડી તારી હંગાથે નોતો નાતો?"રાધીએ ઘડીક કંઈ જવાબ ન આપ્યો. તે હજી પણ ખાંસી રહી હતી. એટલે કનાએ જ જવાબ આપ્યો,
"ના આજ હું નોતો નાતો. આજ મેં રાધીને ય એક ધુબકો મારીને બારે નિહરી જાવાનું કીધું'તું. પણ ઈ સડે ભરાયને વધુને વધુ ડૂબકી મારવા ગય."રાધીની ખાંસી બંધ થતા, રાધીએ વાત આગળ ચલાવી, "આજ મારી જ ભૂલ હતી. કનો તો મને ક્યારનો બારે નિહરવાનું કેતો'તો. પણ હું નાતા નાતા એની ઠેકડી કરતી'તી."
વચ્ચેથી કનો બોલ્યો, "મને તો એમ જ હતું કે રાધી ઠેકડી કરે સે. રાધી પાણીમાં સુવાસ બવ ઘૂંટી હકે ઈ મને ખબર હતી. રાધીએ મને, " કના હાલ્ય" એમ કીધું તોય રાધી નાટક કરે સે એમ જ મને લાગ્યું'તું. પસે બવ વાર લાગી એટલે હું પાણીમાં પડ્યો."
વાત સાંભળી રહેલા નનોભાઈ અને ગેલાની આંખોમાં પણ ભય દેખાઈ રહ્યો હતો. રાધીએ કહ્યું, "આપા આજય જો કનો પાણીમાં મારી વાહે નો આયો હોત, તો તમી તમારી રાધીનું મોઢું નો ભાળ્યું હોત."એટલું બોલતા રાધાની આંખો ફરીથી વરસી પડી. રડતી આંખે રાધી કના સામે જોઈ રહી હતી. કનાના મોઢા પર રાધીને બચાવ્યાની ખુશી હતી. રાધીએ પોતાના શરીરે વીટાળેલી કનાની લૂંગી સરખી કરી. નનાભાઈએ આભાર વશ કહ્યું, "અલ્યા કાઠીયાવાડી તને હું કાયમ ઢીલો હમજતો'તો. તું તો બાદુર માણા નીહર્યો. હવે તું પાક્કો ગર્યનો માણા લે!"ગેલો ગર્વથી કનાના ભીના વાંકડિયા વાળમાં હાથ ફેરવી રહ્યો હતો.
બંનેને લઈને ગેલો અને નનોભાઈ જ્યાં માલ ઢોર બેસાડ્યા હતા ત્યાં ગયા. બધા ગોવાળિયાએ પણ હજી ભાત નોતું ખાધું. એ બધા પણ ચિંતા કરતાં વાટ જોઈ રહ્યા હતા. કેમ કે ગીરમાં ઘડીકમાં શું બની જાય કંઈ કહી શકાતું નથી! ગેલાએ બધાને શું બન્યું હતું તેની વાત કરી. બધા ગોવાળિયા કનાએ રાધીને બચાવી તેનાથી ખૂબ રાજી થયા. અમેય કનો બધાનો લાડકો જ હતો. પરંતુ આજે ગોવાળિયા કના સામે ખૂબ માનથી જોવા લાગ્યા. બધાએ પોતપોતાના ભાત ખોલ્યા. કનો અને ગેલો એક ભાતમાં જમતા હતા. પાણીમાં ખૂબ નહાયા અને પરિશ્રમ કર્યા પછી રાધીને પણ કકડીને ભૂખ લાગી ગઈ હતી. રાધી જમતા જમતા ઘડીએ ઘડીએ કના સામે જોઈ લેતી હતી. આજે રાધીને પોતાની જિંદગી કનાએ આપેલી હોય તેવું લાગતું હતું. રાધીએ ઓઢેલી કનાની લૂંગીનો છેડો તે ઘડીએ ઘડીએ સરખો કર્યા કરતી હતી. આજે રાધીને કનાની લૂંગી પોતાની ચુંદડી કરતાયે વધારે વાલી લાગતી હતી. ભાત ખાતા ખાતા કનાની ને રાધીની આંખો મળી તો રાધી શરમાઈને નીચું જોઈ ગઈ.
તેણે કનાને આજે ખૂબ ચીડવ્યો હતો. તે તેને યાદ આવી ગયું. "ગર્યમાં રયે ગર્યના નો થવાય"એવા મેણા પણ તેણે કનાને માર્યા હતા. કનાએ તેને કેમ બચાવી અને પાણીના તળિયેથી કેવી રીતે લાવ્યો એ બધુ જાણવાની રાધીને ઘણી ઈચ્છા થઈ, પરંતુ બધા ગોવાળિયાની હાજરીમાં તે પૂછી ન શકી. તેની કમરે કંઈક બળતરા થતી હતી. રાધીએ નજર કરી તો ત્યાં કંઈક વાગ્યાનો ઉજરડો થઈ ગયો હતો. રાધીને લાગ્યું કે કદાચ પાણીને તળિયે પડેલું કાંટાનું ઝાખરું ઘસાણુ હશે. કે પછી કનાનો નખ પણ વાગ્યો હોય. નખ વાગવાની કલ્પના માત્રથી રાધીને તે ઉજરડાની બળતરા મીઠી લાગવા લાગી. બપોરનું ભાત ખાવાથી રાધીના શરીરમાં થોડી ઉર્જા પ્રદીપ્ત થઈ. તેના શરીરમાંથી નબળાઈ ઓછી થવા લાગી. બપોરા કરી બધા ગોવાળિયા ઘડીક આડે પડખે થયાં. કનોને રાધી પાણીએ પડેલી ભેંસોનું ધ્યાન રાખી બેઠા હતા.
ક્રમશ: .....
(ગીરનાં હેતની વાતું જાણવા વાંચતા રહો... "નેહડો(The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no.9428810621