Prem Kshitij - 45 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૫

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૫

શ્યામા અને શ્રેણિક ગાડી લઈને ઢાળ વાળી શેરીથી પસાર થયા, શ્યામાને એનું બચપણ એની નજર સમક્ષ તરી આવ્યું, જે ધૂળમાં એને લખોટી રમી હતી એ એની નજરની સામે હતી, એની સહેલીઓ જેને લગ્ન પછી છોડીને એ જતી રહી હતી એમને આ જગ્યાએ ફરી ભેગી કરીને યાદોને તાજા કરવાની એના મનમાં ગડમથલ ચાલવા માંડી, શ્રેણિક સાથે એ એના મનની વાત રજૂ કરતી ગઈ અને ગાડી ડેલી પાસે આવીને ઊભી રહી ગઈ.

ઘર આગળ તો જાણે કોઈ વીઆઇપી આવ્યા હોય એમ માનવ મહેરામણ ઊમટી પડ્યો, બધાની નજર શ્યામા અને શ્રેણિક સામે ટકી રહી હતી, આટલા વર્ષે આવેલી શ્યામા ખુશ જણાઈ રહી હતી એ બધાને એની નજરમાં એકી સાથે ભરી લેવા માંગતી હતી, સમયની સાથે ઘણું બધું બદલાઈ ગયું હતું, એનો સૌથી મોટો ફરક દાદા પર દેખાઈ રહ્યો હતો, ઉંમરની સાથે તેઓની તબિયત લથડી હતી, એમનાં શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ હતી, પહેલાં તેઓ જે લાકડીના ટેકે અકબંધ ઊભા રહેતા હતા તે દેખાતી નહોતી, તેઓ વ્હીલચેર પર બેઠેલા હતા, એમની આંખોનું તેજ જરાક જોખમાયું હતું છતાંય શ્યામા આવી એની ખુશી એમનાં સ્મિતમાં જરાય ઓછી નહોતી. શ્યામા અને શ્રેણિક સૌથી પહેલા તેમની પાસે ગયા અને એમનાં ચરણ સ્પર્શ કરીને આશિષ લીધા, ત્યાર બાદ શ્યામા કોઈને પણ મળ્યા વગર સીધી ઘરમાં જતી રહી.

એની નજર જાણે કોઈને શોધી રહી હોય એમ એ ઘરમાં ગઈ, એ ઘરમાં ગઈ એ વખતે એની ચહેરાની સુંદરતામાં જરાક ઓટ આવી ગઈ હતી, એનો ચહેરો પડી ગયો હતો, સ્મિત જરાક આઘુ જતું રહ્યું હતું, એ પરસાળ વટાવીને ડેલીમાં ગઈ અને ત્યાં એની નજર સામેની ભીંત પર લટકતાં ફોટા પર પડી, ફોટાને ચડાવેલો સુખડનો હાર અને એની નીચેની તારીખ અને નામ વાંચીને એ ત્યાં જ ઢગલો થઈને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી, એને જોઈને જાણે આખાય ઘરમાં ફરી એકવાર ગમગીની છવાઈ ગઈ હોય એમ લાગ્યું, વિમલરાયને સ્વર્ગે સિધાવ્યે બે વર્ષ થઈ ગયાં, પરંતુ પરિસ્થિતિને વસાત તે એ ટાણે આવી શકી નહોતી, પોતાના સગા પિતાના અંતિમ દર્શન એ ના કરી શકી એ વાતના દુઃખ સાથે તે તૂટી ગઈ, જે પિતાએ પોતાના સગા હાથથી એની વિદાય કરી હતી આજે એના પરત થવાના અવસર પર તેઓ જ મોજૂદ ના રહ્યા એ વાત એને એ પ્લેનમાં બેઠી ત્યારથી મનમાં રમતી હતી,પરંતુ શ્રેણિક સાથે હોવાથી એને એની જાતને સંભાળી, પરંતુ અહી આવતાની સાથે તેમના ફોટાની સામે એ આંસુ વહાવ્યાં સિવાય બીજું કશું કરી શકી નહિ.

એના આક્રંદની સાથે જ ઘરના સદસ્યો એને સાંભળવા આવી પહોંચ્યા,કોઈ દિવસ ધોળા સાડલે અને મોટી બિન્દી વગર ના જોયેલી ગૌરીમાં આજે શણગાર વગર નીરસ દેખાઈ રહી હતી, એને છાની રાખવા તેઓ એની પાસે આવીને બેઠા અને શ્યામા એમને ભેટીને વધુ રડવા માંડી, માદિકરીને આમ જોઈને ઘરના બધાયની આંખોમાં દળદળ આંસુ વહેવા માંડ્યા, બે વર્ષ પહેલાંનો માહોલ ફરી ઘરમાં ઘૂંટાઈ ગયો.

ત્યાં સરલાકાકી એમની જોડે આવ્યા અને બંનેને સાંભળ્યા, સરલાકાકીએ બન્નેને શાંત કર્યા અને સ્વસ્થ થવા કહ્યું, ઈશ્વરને ગમ્યું એ ઠીક કહીને વાતને સંભાળી,શ્યામા સ્વસ્થ થઈ અને શ્રેણિક સાથે વિમલરાયના ફોટાને પગે લાગી અને એમની આગળ પડેલા પુષ્પો અર્પણ કર્યા, બે મીનીટનું મૌન ધારણ કર્યું,ઘરના બધાએ પણ મૌન ધારણ કરીને વિમલરાયની આત્માને શાંતિ મળી એની પ્રભુને પ્રાર્થના કરી, ત્યાર બાદ બધા ચોકમાં આવ્યા.

ચોકમાં આવ્યા બાદ શ્યામા અને શ્રેણિક બધાંને મળ્યા, ઘરમાં આવેલી પ્રયાગ અને મયુરની નવી વહુઓ વંદના અને આભા સાથે મુલાકાત કરી, બન્નેએ શ્યામાના બહુ વખાણ સાંભળેલા માટે એમને મળવાની તાલાવેલી ઘણી હતી, નણંદ વર્ષો બાદ ઘરે આવી હોવાથી તેઓ પણ ખુશ હતા, બધા ભેગા થયા ત્યાં તો માયાને ખબર પડતાની સાથે તે એના ઘરેથી દોટ મૂકીને આવી ગઈ, બારણાં પાસેથી જ શ્યામાને બૂમ પાડતી એ આવતી હતી, એને આવતી જોઈને શ્યામા ખુશ થઈ ગઈ, કૃષ્ણ સુદામા જેમ ભેટી પડ્યા એમ આ જૂની બહેનપણીઓ એકબીજાની સામે આવતા ખુશ થઈને ભેટી પડી.

ક્રમશઃ