Bhed bharam - part 24 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 24

The Author
Featured Books
Categories
Share

ભેદ ભરમ - ભાગ 24

ભેદભરમ

ભાગ-24

 

પ્રોફેસર રાકેશ સવાલોના ઘેરામાં

 

હવાલદાર જોરાવરે જીપ ધીરજભાઇની સોસાયટીમાં દાખલ કરી હતી અને પ્રોફેસર રાકેશના બંગલા પાસે લાવીને ઊભી રાખી હતી.

ઇન્સ્પેક્ટર પરમાર, હરમન અને જમાલ ત્રણેય જીપમાંથી નીચે ઉતર્યા હતાં અને હરમને રાકેશભાઇના ઘરનો ઝાંપો ખોલ્યો હતો અને ત્રણેય જણ ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યા હતાં.

હરમન હજી ડોરબેલ વગાડે એ પહેલા જ મનોરમાબેને દરવાજો ખોલ્યો હતો.

ઇન્સ્પેક્ટર પરમારને આવેલા જોઇ મનોરમાબેનના ચહેરા પરનું સ્મિત જતું રહ્યું હતું. એમણે ત્રણે જણને અંદર આવકાર્યા હતાં અને બેસવાનું કહ્યું હતું.

ડ્રોઇંગરૂમમાં બેઠા બાદ ઇન્સ્પેક્ટર પરમારને નાક પાસે એક અલગ જ પ્રકારની ગંધ આવવા લાગી હતી. એમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી નાક ઉપર મુક્યો હતો. આ જોઇ જમાલે એમને કાનમાં કીધું હતું.

"પ્રોફેસર રાકેશ અવનવી વસ્તુઓ બનાવવા માટે રીસર્ચ કરતા રહેતા હોય છે. એની  આ દુર્ગંધ છે. નાક ઉપરથી રૂમાલ લઇ લો નહિતર ગભરામણ થઇ જશે. થોડીવારમાં આ દુર્ગંધની ટેવ પડી જશે." જમાલે પોતાના ભૂતકાળના અનુભવ પરથી ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

મનોરમાબેન રાકેશભાઇને જઇને બોલાવી આવ્યા હતાં.

 "આવો હરમનભાઇ..." રાકેશભાઇએ થોડો મોળો આવકાર આપતા કહ્યું હતું.

હરમને ઇન્સ્પેક્ટર પરમારની ઓળખાણ રાકેશભાઇ અને મનોરમાબેનને આપી હતી. રાકેશભાઇ અને મનોરમાબેનના ચહેરાનો અણગમો જોઇ વાતચીત ઇન્સ્પેક્ટર પરમારે ચાલુ કરી હતી.

"પ્રોફેસર રાકેશભાઇ, અમે ધીરજભાઇ મહેતાના ખૂન વિશેની તપાસ કરી રહ્યા છે એ બાબતે તમને કેટલાંક સવાલો પૂછવા છે." ઇન્સ્પેક્ટર પરમારે આદેશના સ્વરમાં કહ્યું હતું.

"હા પૂછો... પોલીસને ખૂની નહિ મળે ત્યાં સુધી આડોશીપાડોશી અને સગાં-સંબંધીઓને જ હેરાન કરશે." રાકેશભાઇએ ગુસ્સામાં કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમાર એમની આ આડી વાતનો કોઇ સજ્જડ જવાબ આપે એ પહેલા જ હરમને રાકેશભાઇ જોડે પ્રશ્નનો દોર ચાલુ કર્યો હતો.

"પ્રોફેસર રાકેશ, ધીરજભાઇ મહેતાનું ખૂન થયું ત્યારે તમે ક્યાં હતાં? તમે તો આટલા હોંશિયાર સાયન્ટિસ્ટ છો. ધીરજભાઇના ખૂન વિશે તમે શું માનો છો?" હરમને ખૂબ નમ્રતાથી રાકેશભાઇના વખાણ કરીને એમને સવાલ પૂછ્યા હતાં.

હરમનના વખાણથી રાકેશભાઇના ચહેરા ઉપર થોડું સ્મિત આવ્યું હતું.

"કાગડો ફુલાઇ ગયો..." જમાલ મનમાં બબડ્યો હતો.

"જુઓ હરમનભાઇ, ધીરજભાઇનું ખૂન થયું ત્યારે હું અને મારી પત્ની મનોરમા બગીચામાં બેસી વાતો કરી રહ્યા હતાં અને ક્લબહાઉસમાંથી એમને એમના બંગલા તરફ જતા અમે બંન્નેએ જોયા હતાં. ધીરજભાઇ મારા પાડોશી ખરા અને આ બંગલો અમે એમની પાસેથી જ ખરીદ્યો હતો પરંતુ ધીરજભાઇ ખૂબ લોભી અને ઐયાશ માણસ હતાં. એક તો સાંઇઠ વર્ષના થવા આવ્યા હતાં ને પચ્ચીસ વર્ષથી નાની એમની છોકરી જેવી ઉંમર ધરાવતી કન્યા જોડે લગ્ન કર્યા હતાં અને દર શનિ-રવિવારે સોસાયટીમાં દારૂની મહેફિલો કરતા હતાં. બીજું, સોસાયટીની આખી જમીનમાં સોસાયટીના દરેક સભ્યનો અધિકાર હોવો જોઇએ, એના બદલે એમણે અમને અમારી બંગલાની જમીન પુરતા જ હક્કદાર બનાવ્યા. આ સિવાય જમીનોના ધંધામાં એ દાદાગીરી કરીને ઘણીવાર સસ્તા ભાવે જમીનો પણ લોકો પાસેથી લેતા હતાં એવું મેં સાંભળ્યું છે. આ સોસાયટીની જમીન પણ મફતના ભાવે પડાવી અમને ઊંચા ભાવે વેચી હતી. ટૂંકમાં કહું તો ધીરજભાઇનો અંજામ આ જ થવાનો હતો. મનોરમા અને વંશિકાએ જે બિસ્કીટવાળા ફેરિયાને જોયો હતો એણે જ એમનું ખૂન કર્યું હશે એવું મારું માનવું છે. એ માણસ જોડે પણ ધીરજભાઇએ કોઇ હલકાઇ કરી હશે કે ધાકધમકી આપી હશે." રાકેશભાઇ ધીરજભાઇની વિરૂદ્ધમાં ઝેર ઓકી રહ્યા હતાં.

"તમારે કે એમની વચ્ચે કોઇ દિવસ ઝઘડો કે વિખવાદ થયા છે?" હરમને એમને આગળ સવાલ પૂછતા કહ્યું હતું.

"મારો અને એમનો એક જ બાબત પર ઝઘડો હતો કે સોસાયટીની વીસ હજાર વાર જગ્યામાંથી પાંચ હજાર વારનો હું હક્કદાર ગણાવું અને એ હિસ્સો મને મળવો જોઇએ. બસ આ બાબત સિવાય અમારા બંન્ને વચ્ચે કોઇ વિખવાદ ન હતો અને તમને એ પણ કહી દઉં કે એના માટે ધીરજભાઇનું જીવતું રહેવું જરૂરી હતું. માટે એમના ખૂન સાથે મારે કોઇ લેવાદેવા નથી અને એમને મારવાની ભૂલ કરી અને હું મારા પગ ઉપર કુહાડી ના મારું. તમે જે રીતે સવાલ પૂછ્યોને એ રીતે હું મારો જવાબ પણ આપી રહ્યો છું." પ્રોફેસર રાકેશ હરમનના સવાલ પૂછવાનો ભાવ સમજી ગયા હતાં અને એટલે આ રીતે જવાબ આપ્યો હતો.

"તમારી કોલેજમાં મેં તપાસ કરાવી હતી તો મને ખબર પડી હતી કે તમે કોલેજમાં ડ્રગ્સ લાવ્યા હતાં અને એના કારણે પ્રિન્સિપાલે તમને નોકરીમાંથી બરતરફ કર્યા હતાં અને જે સંસ્થાએ તમને સાયન્ટિસ્ટ તરીકેનું સન્માન આપ્યું હતું એ સંસ્થાએ પણ એમનાથી ભૂલ થઇ ગઇ છે એવું ફોનમાં મારી સામે સ્વીકાર્યું હતું. આ બાબતે તમારું શું કહેવું છે?" હરમને રાકેશભાઇની કોલેજના પ્રિન્સિપાલ જોડે ફોન ઉપર લીધેલી માહિતી ઉપરથી એમને સવાલ પૂછ્યો હતો.

હરમનની વાત સાંભળી રાકેશભાઇ ખૂબ ગુસ્સામાં આવી ગયા હતાં.

"જુઓ હરમનભાઇ, ધીરજભાઇના ખૂન સાથે આ પ્રશ્નને કોઇ લેવાદેવા નથી અને તમે તપાસ કરો તો પૂરી તપાસ કરો. હું કોલેજમાં રીસર્ચ માટે ડ્રગ્સ લાવ્યો હતો. જે મારે ના કરવું જોઇએ અને એ મુદ્દે મેં માફી પણ માંગી હતી પરંતુ હું કોલેજમાં કેમેસ્ટ્રી વિભાગનો હેડ હતો. પ્રોફેસર નિલીમા જોષીને કેમેસ્ટ્રી વિભાગના હેડ થવું હતું એટલે એમણે પ્રિન્સિપાલ જોડે ચમચાગીરી કરી મને બરતરફ કરાવ્યો હતો. મને જે સંસ્થાએ સાયન્ટિસ્ટ તરીકેની પદવી આપી છે એ લોકોને પણ અમારી કોલેજ તરફથી મારા વિરૂદ્ધનો પત્ર ગયો હતો. એટલે એમણે પોતાનો હાથ આ મુદ્દામાંથી ખેંચી લેવા માટે તમને આવું નિવેદન આપ્યું હશે. બાકી હું સાયન્ટિસ્ટ છું. મારે કોઇના પ્રમાણપત્રની જરૂર નથી." પ્રોફેસર રાકેશ ગુસ્સાથી તમતમી રહ્યા હતાં.

મનોરમાબેને રાકેશભાઇને પાણી આપ્યું અને શાંત થવા માટે કહ્યું હતું.

"મનોરમાબેન, જે રાત્રે ધીરજભાઇનું ખૂન થયું એ રાત્રે ડો. બ્રિજેશ સિતાર વગાડી રહ્યા હતાં એ તમે સાંભળ્યું હતું અને રાત્રિના કેટલા વાગ્યા સુધી સિતાર વગાડી રહ્યા હતાં એ તમને ખબર છે?" હરમને રાકેશભાઇના ગુસ્સાને અવગણી અને મનોરમાબેન સામે જોઇ પ્રશ્ન પૂછ્યો હતો.

"ધીરજભાઇનું ખૂન થયું એ દિવસે અમે બંન્ને પતિ-પત્ની અમારા બગીચામાં બેઠાં હતાં. ડો. બ્રિજેશ ખૂબ જ સરસ સિતાર વગાડે છે. એટલે એ સિતારને સાંભળવા માટે જ અમે બંન્ને બગીચામાં બેસી એ સિતારનો આનંદ લઇ રહ્યા હતાં. એ વખતે ધીરજભાઇ અગિયારથી સાડા-અગિયારની વચ્ચે ક્લબહાઉસમાંથી પોતાના ઘર તરફ જવા નીકળ્યા અને અમારા બંન્ને તરફ હાથ ઊંચો કર્યો હતો. એટલે એ ચોક્કસ દારૂના નશામાં ન હતાં. જો એ દારૂના નશામાં હોત તો એમણે હાથ ઊંચો કર્યો ન હોત કારણકે એ લથડિયા ખાતા-ખાતા પોતાના ઘર તરફ જઇ રહ્યા હોત એવું મારું માનવું છે." મનોરમાબેને સ્પષ્ટતા કરતા કર્યું હતું.

"સારું રાકેશભાઇ, આપનો અને મનોરમાબેનનો ખૂબ આભાર કે તમે અમારા પ્રશ્નોનો જવાબ આપ્યો." હરમને ઊભા થતાં રાકેશભાઇનો આભાર માનતા કહ્યું હતું.

"મયંક ભરવાડનું ખૂન કોણે કર્યું???" રાકેશભાઇએ હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"ધીરજભાઇનો ખૂની મળી જશે એટલે મયંક ભરવાડનો પણ ખૂની મળી જ જશે, કારણકે બંન્નેનો ખૂની એક જ છે." હરમને રાકેશભાઇ સામે જોઇ કહ્યું હતું.

"શું વાત કરો છો!!! આ શક્ય ના હોય એવું મારું માનવું છે." રાકેશભાઇએ આશ્વર્યચકિત થઇ કહ્યું હતું.

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

 -   ૐ ગુરુ